કુપ્પી ભાગ ૭
રીટા એટલે કુપ્પી નો પહેલો અને અધૂરો પ્રેમ .
રીટા કુપ્પી કરતા બે વર્ષ નાની હતી . એનો પરિવાર પણ ચાલીમાં જ રહેતો કુપ્પી નું ઘર પહેલા માળે હતું અને રીટા નું ઘર બીજે માળે . બંને અને બધા મિત્રો સાથે સાથે સ્કૂલમાં જતા . કુપ્પી આ બચ્ચા ગેંગ નો લીડર હતો .
રીટા અને કુપ્પી વચ્ચેની દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એમને ખબર પણ નહોતી પડી . રીટા ભણવામાં ખૂબ હોશિયાર હતી . કુપ્પી ને રમતગમતમાં વધુ રસ હતો . રીટા એના ક્લાસમાં હંમેશા પહેલા નંબરે પાસ થતી . કુપ્પી અને એના મિત્રો ખૂબ મુશ્કેલીથી પાસ થતા .
કુપ્પી ની મોટી બહેન પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી . એ કુપ્પી કરતા ચાર વર્ષ મોટી હતી .ચાલી ના બધા છોકરાઓને એ ટ્યુશન આપતી એમાં રીટા અને કુપ્પી પણ સાથે બેસતાં .
કુપ્પી ના પિતા મુંબઈ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે કામ કરતા એમની આવક મા ઘર મુશ્કેલીથી ચાલતું . રીટા ના પિતા નો મસ્જિદ બંદરમાં ટ્રાન્સપોર્ટ નો દલાલી નો બિઝનેસ હતો . પૈસા ટકે એમની હાલત ખૂબ સારી હતી .
દસમા ધોરણમાં રીટા ને 90% આવ્યા અને કુપ્પી ને 45% આવ્યા . બંને એ એકજ કોલેજમાં એડમિશન લીધું . રીટા સાયન્સ ભણતી અને કુપ્પી કોમર્સ .
જીગલો , વિકાસ અને ભૂરો દસમા ધોરણમાં ફેલ થયા . દિલીપે માંડ માંડ 12 મુ પાસ કર્યું પછી આગળ ભણ્યો નહીં . વિનાયક અને કુપ્પી જેમ તેમ કરી ગ્રેજ્યુએટ થયા . રીટા એ Bsc સારા માર્કસ સાથે પાસ કર્યું અને એને તરત એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી પણ મળી ગઈ .
વિનાયક પપ્પાની દુકાન સંભાળવા લાગ્યો .જીગલો ટેક્સી ડ્રાઇવર બની ગયો . દિલીપને એરપોર્ટ પર સિક્યુરિટી ની નોકરી મળી ગઈ . ભૂરાને એક ફેક્ટરીમાં ફોરમેન તરીકે કામ મળ્યું .વિકાસ એક પોલિટિકલ પાર્ટીમાં જોડાયો .
કુપ્પી ને જ્યાં પણ નોકરી મળતી એ એના સ્વભાવના કારણે ત્યાં વધારે ટકી શકતો નહીં . ન તો એ ખોટું કરી શકતો હતો ન તો એ ખોટું ચલાવી શકતો હતો . આ કારણે બધી નોકરી પર એના ઝઘડા થતાં અને ઝઘડો કરી બધી નોકરીઓ છોડી આવતો .
કુપ્પી ની મોટી બહેન એન્જિનિયર બની . લગ્ન પછી એ અમેરિકા સેટલ થઈ ગઈ હતી .
આખી ચાલીને રીટા અને કુપ્પી ના પ્રેમ વિશે જાણ હતી . રીટા ના પપ્પાનો તેમના લગ્ન માટે વિરોધ હતો . કેમકે કુપ્પી પાસે ન તો કોઈ સારી નોકરી હતી ન તો એ જીવન પ્રત્યે જરા પણ ગંભીર હતો . મિત્રો સાથે મસ્તીમાં જીવતો અને આસપાસના લોકો સાથે ઘણીવાર મારપીટ કરીને આવતો .
ફુપ્પી મનનો એકદમ સાફ હતો . અન્યાય એનાથી જરા પણ સહન ન થતો અને ગુસ્સાવાળા સ્વભાવના કારણે એનો વિરોધ એ ઉગ્ર રીતે બતાવતો . જેના કારણે પુરા એરિયામાં એની એક ધાક બેસી ગઈ હતી . અજાણતા જ એની ઈમેજ એક ગુંડા જેવી બની ગઈ હતી .
રીટા નો વિરોધ હોવા છતાં એના પપ્પાએ રીટા ના લગ્ન બીજે નક્કી કરી નાખ્યા . રીટા એ કુપ્પી સાથે ભાગી જવાનો નિર્ણય લીધો .
એ દિવસે નોકરીથી છૂટ્યા પછી રીટા ઘરે ના આવી અને V.T . સ્ટેશન પર પહોંચી ગઈ . રાતની નવ વાગ્યા ની ટ્રેન થી બંને પુના જવાના હતા . ત્યાં એક મંદિરમાં લગ્ન કરવાના હતા અને પછી ત્યાંથી પોતાનુ જીવન ક્યાં અને કેવી રીતે જીવવું એ નક્કી કરવાના હતા . રાતના 12:00 વાગ્યા છેલ્લી ટ્રેન પણ જતી રહી . કુપ્પી ના આવ્યો .
વધુ આગળના ભાગમાં
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .