આગળ આપણે જોયું કે ધનરાજ શેઠનો સેક્રેટરી મેડમ તારાની બધી વાત સાંભળી જાય છે અને ડરી જાય છે...
ગભરામણમાં ઝડપથી ત્યાંથી નીકળે છે. ત્યાં તેનો પગ લાગવાથી એક કુંડું પડી જાય છે અને અવાજ આવે છે. મેડમ તારા સમજી જાય છે કે પાછળ કોઈક છે. તે તરત જ બારી ખોલીને જુએ છે તો કોઈ દેખાતું નથી. તે તરત જ ફરીને જોવા જાય છે, એટલી વારમાં ધનરાજનો સેક્રેટરી ત્યાંથી ભાગી જાય છે. મેડમ તારા બહાર નીકળીને આજુબાજુ બધે તપાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી. તેમને સિગારેટની વાસ આવે છે.
તેને શંકા જાય છે કે નક્કી અહીં કોઈ હતું જેણે મારી બારી પાસે ઊભા રહીને બધી વાત સાંભળી છે. એટલે તે પાકું કરવા માટે બહાર ગેટ ઉપર ગાર્ડને પૂછે છે: "અહીંથી કોઈ હમણાં નીકળ્યું કે?" ગાર્ડ કહે છે: "ના મેડમ, અહીંથી કોઈ નથી નીકળ્યું. હું અહીં જ ઊભો છું." મેડમ તારાને ગાર્ડની વાત ઉપર ભરોસો નથી થતો. તે તેની સામે જુએ છે અને ફરીથી કહે છે: "તમે સાચું બોલો છો કે અહીંથી કોઈ નથી ગયું?" ગાર્ડ કહે છે: "ના મેડમ, અહીંથી કોઈ નથી ગયું, હું અહીં ઊભો છું." મેડમ તારા કહે છે: "મને ત્યાં સિગારેટની ગંધ આવી, નક્કી ત્યાં કોઈ ઊભું હતું." ગાર્ડ કહે છે: "ના મેડમ, એ તો મારી સિગારેટની વાસ આવતી હશે." એમ કહી તેણે પાછળથી હાથ કાઢીને પોતાના હાથમાં સિગારેટ હતી તે બતાવી અને બોલ્યો: "મને જરા ઠંડી લાગતી હોવાથી સિગારેટ પીતો હતો. સોરી મેડમ..."
મેડમ તારા કહે છે: "ઠીક છે.. ઠીક છે.. તમારા કામ ઉપર ધ્યાન રાખો. અહીંથી કોઈ આવીને જતું રહે છે અને તમને ખબર નથી પડતી. નક્કી કોઈ અહીંયા હતું. મને બારી પાસે અવાજ આવ્યો હતો એટલે હું જોવા બહાર નીકળી."
ગાર્ડ કહે છે: "મેડમ, કદાચ બિલાડી હશે. જાન સર ઘણીવાર તેમને ખાવાનું આપતા હતા એટલે કદાચ પાછી આવી હશે." મેડમ તારા કહે છે: "ઠીક છે, ધ્યાન રાખજો અને હવે તે બિલાડી આ ઘર તરફ ન આવે તે જોજો. મને બિલાડી બિલકુલ પસંદ નથી." એમ કહી મેડમ તારા ઘરની અંદર જતા રહ્યા.
આ તરફ સેક્રેટરી ગભરામણમાં ભાગતો એક ટેક્સી પકડીને હોસ્પિટલ પહોંચે છે અને મિસ્ટર જાનને મળવા માટે કોશિશ કરે છે, પણ રાતના પેશન્ટને મળવું તે હોસ્પિટલના નિયમ નથી. તેથી સેક્રેટરી એક કાગળ લખે છે અને તે કાગળ નર્સને આપવાનું ત્યાંના ચોકીદારને કહે છે. ચોકીદારને સેક્રેટરી થોડાક પૈસા આપે છે અને કહે છે: "સવારે જે નર્સ મિસ્ટર જાનની સારવાર માટે ડ્યુટી ઉપર આવે છે, તે નર્સને આ કવર આપજો અને કહેજો કે જ્યારે પણ આ પેશન્ટ ભાનમાં આવે ત્યારે તેમને આ કવર આપી દેવું અને આ કવર વિશે કોઈને જાણ થવી ન જોઈએ." હોસ્પિટલનો ગાર્ડ પોતાના ખિસ્સામાં પૈસા રાખતા કહે છે: "સાહેબ, તમે જ તે નર્સને હાથોહાથ આ કવર આપી દો. અહીંયા તો કેટલી નર્સ આવે છે, કોને આપવું?" સેક્રેટરી ઉતાવળમાં હોવાથી કહે છે: "ઠીક છે. તે નર્સ ક્યાં મળશે?" ગાર્ડ કહે છે: "અરે સાહેબ, સામે હોસ્ટેલ છે ને, તેમાં મિસ જેન્સી રહે છે. તે ખૂબ સારા અને દયાળુ છે. તમે તેના પર ભરોસો કરી શકો છો. તમે તેમને આપી દેજો, તે તમારું કામ કરી દેશે અને જોજો ભૂલેચૂકે તેમને પૈસાની લાંચ ન આપતા. તે બહુ ઈમાનદાર અને દયાળુ છે."
સેક્રેટરી તે કાગળ પાછો લઈ અને હોસ્ટેલ તરફ જતો રહે છે. ત્યાં બહાર ગાર્ડ ઊભો હોય છે. તે કહે છે: "પ્લીઝ તમે સિસ્ટર જેન્સીને બોલાવી આપશો? તેમની સાથે કામ છે." તે ઊભેલો ગાર્ડ કહે છે: "ઠીક છે, હમણાં જ બોલાવી દઉં છું." ગાર્ડ સિસ્ટર જેન્સીને ફોન કરે છે અને કહે છે: "પ્લીઝ તમે નીચે આવો, એક માણસ તમને મળવા આવ્યો છે." જેન્સી ઊભી થઈ અને સ્વેટર પહેરે છે. નીતા ઊભી થઈને કહે છે: "તો પાછી હોસ્પિટલ જઈશ?" તો જેન્સી કહે છે: "ના, નીચે કોઈ મળવા આવ્યું છે, મને તેને મળવા જાઉં છું." તો નીતા કહે છે: "ઊભી રહે, હું પણ તારી સાથે આવું છું. તું એકલી ન જા." અને નીચે ઉતરે છે તો જુએ છે કે મિસ્ટર જાનનો સેક્રેટરી ઊભો હતો.
જેન્સી મનોમન વિચારે છે કે મિસ્ટર જાનની તબિયત ખરાબ થઈ ગઈ કે શું? તે આ જાનનો સેક્રેટરી મને ઉતાવળે બોલાવવા આવ્યા છે. તે તરત જ પહેલા સેક્રેટરીને પૂછે છે: "શું થયું? તમે અહીં કેમ છો? તમારા શેઠને મજા નથી? શું થયું? ડોક્ટર સાહેબે મને બોલાવી છે?" સેક્રેટરી કહે છે: "ના, ના, એવું કંઈ નથી થયું. હું થોડો ઉતાવળમાં છું. મારે આ દેશ છોડીને તાત્કાલિક જવું પડે એમ છે. મારે થોડી ઇમરજન્સી છે. આ લેટર મારે મિસ્ટર જાનને આપવાનો છે અને જોજો, આ લેટર કોઈ જાન સર સિવાય વાંચે નહીં અને કોઈના હાથમાં આ લેટર આવે નહીં. તમે કોઈને જાણ ન કરતા કે તમારી પાસે આ લેટર છે. જ્યારે પણ તે ભાનમાં આવે અને થોડાક સ્વસ્થ થઈ જાય અને વાંચવા લાયક થાય ત્યારે આ લેટર તેમના હાથમાં આપી દેજો. પ્લીઝ, મારું એટલું કામ કરશો?" જેન્સી સેક્રેટરીને પૂછે છે: "શું છે આ લેટરમાં અને તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો? શું વાત છે?" સેક્રેટરી એક શબ્દ બોલતો નથી, માત્ર લેટર હાથમાં દઈને ચાલતો થઈ જાય છે. જેન્સી કંઈ સમજી શકતી નથી અને પહેલા સેક્રેટરીને કહે છે: "ઊભા રહો, મારી પૂરી વાત તો સાંભળો."
સેક્રેટરી કંઈ સાંભળતો નથી. તે ત્યાંથી તરત ભાગી જાય છે અને જોરથી બોલતો જાય છે: "જોજો, આ લેટર કોઈના હાથમાં ન આવે. આ વાતની કોઈને ખબર ન પડે. તેમના ઘરનાઓને પણ નહીં. તેમના દુશ્મન ઘણા બધા છે, નહીં તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જશો." એમ કહી અને ગાયબ થઈ જાય છે. જેન્સી અને નીતા માત્ર તેને ઉતાવળે ભાગતા જોઈ રહે છે. જેન્સી અને નીતા એકબીજા તરફ જુએ છે. પછી લેટર તરફ જુએ છે. નીતા કહે છે: "તેં આ શું મુસીબત માથે લઈ લીધી છે? ત્યારે તેને ના પાડીને લેટર પાછો આપી દેવાની જરૂર હતી." પણ જેન્સી કહે છે: "મને શું ખબર? મને કંઈ વિચારવાનો મોકો પણ નથી મળ્યો. તે મારા હાથમાં લેટર આપી અને ભાગી ગયો. મને વિચારવાનો પણ સમય ન મળ્યો." નીતા કહે છે: "ચાલ હવે આપણે ઉપર જઈએ. મને તો કંઈક ગડબડ લાગે છે. આપણને કોઈ જોઈ ન જાય. ઉપર જઈને વાત કરવી ઠીક રહેશે." પછી જેન્સી અને નીતા તેના રૂમમાં જતી રહે છે. નીતા જેન્સીને કહે છે: "જેન્સી, તું આ લેટર ખોલીને જો એમાં શું લખ્યું છે." જેન્સી કહે છે: "ના નીતા, તે મિસ્ટર જાનના સેક્રેટરીએ મારા પર વિશ્વાસ કરીને આ લેટર મને આપ્યો છે. મારે તેને ખોલવો ન જોઈએ." નીતા કહે છે: "આ લેટર તેમના ઘરનાઓને હાથમાં આપવાની ના પાડે છે. નક્કી આ લેટરમાં કંઈક એવું છે જે મિસ્ટર જાનને જાણવું જરૂરી છે. પણ અત્યારે તે બેભાન અવસ્થામાં છે. તેવું તે શું એમાં હશે કે જે તેને જાણવું જરૂરી છે અને તેમના ઘરનાઓને પણ તેની જાણ કરવાની મનાઈ છે. મને તો લાગે છે આ મિસ્ટર જાનના ઘણા દુશ્મનો છે. ઘરનો પણ કદાચ દુશ્મન હોઈ શકે. નીતા, તું આ બધી ઉપાધિથી દૂર રહે. પહેલા લેટર વાંચીને જો અને જો તેમાં ગડબડ હોય તો તે લેટર ફાડીને ફેંકી દે. આ બધા પૈસાવાળા લોકોના પછડામાં પડવું ન જોઈએ. હાથે કરીને મુસીબત લેવાની કંઈ જરૂર નથી." જેન્સી નીતાની વાત સાંભળી અને લેટરને પલંગ ઉપર મૂકે છે અને વિચારે છે કે શું મારે લેટર વાંચવો જોઈએ?
ભાગ 12 માં
આગળ જોવાનું રહ્યું શું નીતા અને જેન્સી મિસ્ટર જાનનો લેટર વાંચી લે છે? કે પછી તે લેટર એમનેમ વાંચ્યા વગર મિસ્ટર જાનના હાથમાં સોંપી દે છે?
Writer Heena gopiyani
Dhamak
The story book, ☘️