આપણે આગળ જોઈ ગયા કે જેન્સીને અચાનક પાછું ઇન્ડિયા જવું પડે છે. એટલે તે ડોક્ટર સાહેબને મળવા તેમની ઓફિસમાં જાય છે. ત્યાં તે ડોક્ટર સાહેબ સાથે વિગતવાર વાત કરે છે અને કહે છે, "મારે ફરજિયાત જવું પડે એમ છે. જો તમે કંઈ કરી શકતા હો, તમારી કંઈ ઓળખાણ હોય, તો મારે તાત્કાલિક ટિકિટ મેળવવી છે."
ડોક્ટર સાહેબ કહે છે, "જેન્સી, હું ફોન તો કરી દઈશ, પણ મારે તને એક સલાહ આપવી છે. માનવી ન માનવી તારા ઉપર છે. જો તું મિસ્ટર ધનરાજની ઓફર સ્વીકારી લે તો તારી ટિકિટનો પણ ખર્ચો નહીં થાય અને તારા ભાઈની સારવાર પણ સારી હોસ્પિટલમાં થઈ જશે. અને ઉપરથી મિસ્ટર જાનની નર્સ તરીકેની જોબમાં તને ઇન્કમ પણ સારી થઈ જશે. થોડાક દિવસની વાત છે. તું તારા મમ્મી સાથે વાત કરી લે. જો તે હા પાડતા હોય તો હું તને કહું તો આજે જ તું પેશન્ટ જાન અને ધનરાજ સાથે એ લોકોના પ્રાઇવેટ પ્લેનમાં ભારત પહોંચી જાય. તો તારા મમ્મીને અને તારા પરિવારને તારો ટેકો મળી જાય. પ્લીઝ તું તેના ઉપર વિચાર કર અને પછી મને કહે."
જેન્સી કહે છે, "ઠીક છે, હું મારી મમ્મી સાથે વાત કરી અને તમને અડધી કલાકમાં કહું છું. મારે થોડાક પેશન્ટ જોવા છે, તે જોઈ અને તેમના વિશે બધી ડિટેલ લખી અને બીજી નર્સને આપવી પડશે. તો તે કરી અને હું પછી પાછી આવું છું."
ડોક્ટર કહે છે, "આટલા ટેન્શનમાં પણ તું કેટલી સ્ટેબલ છે! તને તારા પેશન્ટની પણ એટલી ચિંતા છે. તું એક પરફેક્ટ નર્સ છે, જેન્સી."
જેન્સી કહે છે, "થેન્કયુ સર, હું પેશન્ટ જોવા જાઉં છું અને પછી તમને મળું છું."
જેન્સીના ગયા પછી ડોક્ટર સાહેબ શેઠ ધનરાજને ફોન કરે છે અને કહે છે, "મિસ્ટર જાની જે નર્સ હતી તે લગભગ આવવા માટે માની ગઈ છે, પણ તેમને એક પ્રોબ્લેમ છે. તમારે તેની ત્રણ કન્ડિશન માનવી પડશે."
કન્ડિશનની વાત સાંભળીને શેઠ ધનરાજ ખીજાય જાય છે અને કહે છે, "ડોક્ટર સાહેબ, એક નર્સની સેલેરી સિવાય બીજી શું કન્ડિશન હોઈ શકે? એને એના કામ બદલ સેલેરી મોંમાગી મળતી હોય પછી શું કન્ડિશન હોવી વ્યાજબી છે?"
તો ડોક્ટર કહે છે, "જેન્સી એક સારી નર્સ છે, પણ જૂના વિચારો ધરાવે છે અને તેની મમ્મી કોઈના ઘરે જવા માટે એલાઉ ન કરે, એટલે થોડી સંકોચાય છે. અને ઉપરથી કાલે તેના ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે અને તે હોસ્પિટલમાં છે, તેને હિસાબે તે તમારી ઓફર માનવા તૈયાર થઈ ગઈ છે. બાકી તો તે તમારી ઓફર બિલકુલ માનત નહીં. તમે તેના પાસે રૂપિયાનો ઢગલો કરી દીધો હોત તોય તે છોકરી ઠુકરાવી દેત, એટલી તે સ્વાભિમાની છોકરી છે."
ધનરાજ શેઠ ડોક્ટરની વાત માની જાય છે અને કહે છે, "હું ત્યાં અડધી કલાકમાં પહોંચું છું. તમે બધી તૈયારી કરીને રાખજો અને તે છોકરીની શું ત્રણ કન્ડિશન છે તે મારે જાણવી છે. જો મને યોગ્ય લાગશે તો જ હું તે માનીશ. ઠીક છે."
ડોક્ટર કહે છે, "ઠીક છે, તમને જેમ ઠીક લાગે તેમ. તમે હોસ્પિટલ આવી જાઓ પછી બીજી વાત કરશું." એમ કહીને ડોક્ટર ફોન મૂકી દે છે.
આ બાજુ જેન્સીના જેટલા પેશન્ટ હોય છે, તેની બધી ડિટેલ તે અલગ અલગ ફાઇલમાં લખી અને તે પેશન્ટ પાસે રાખી દે છે અને બીજી નર્સને સમજાવી દે છે. એટલી વારમાં ધનરાજ શેઠ અને મિસ તારા હોસ્પિટલ પહોંચી જાય છે, જાનને લેવા.
ડોક્ટર સાહેબ જેન્સીને તેમની ઓફિસમાં બોલાવે છે. પછી ધનરાજ શેઠ જેન્સીને પૂછે છે, "તારી ત્રણ શરત શું છે તે કહે."
મિસ તારાને અચરજ થાય છે. "આવી નર્સ પણ ક્યારથી કન્ડિશન મૂકતી થઈ ગઈ?"
ધનરાજ શેઠ તારાને કહે છે, "શાંતિ રાખ, હું વાત કરું છું ને!"
એટલે જેન્સી બોલે છે, "મારી ત્રણ શરતો છે. હું તમારા ઘરમાં નહીં રહું. બીજે બહાર ક્યાં રહીશ એની વ્યવસ્થા તમારે કરવી પડશે. હું રોજ આવીશ અને રાત સુધી રહીશ, પછી રાતના ચાલી જઈશ. રાતના કોઈ પણ તકલીફ થાય તો મને ફોન કરશો તો હું તાત્કાલિક હાજર થઈ જઈશ. અને મારે થોડાક રૂપિયાની જરૂર છે, તો તમને મારો પગાર એડવાન્સમાં આપવો પડશે. અને ત્રીજી વાત, તમારે મારા મમ્મીને એમ કહીને મનાવવા પડશે કે તમારી એક હોસ્પિટલ છે અને એમાં હું કામ કરું છું."
ધનરાજ શેઠ કહે છે, "ઠીક છે, મને મંજૂર છે. તું તારા મમ્મી સાથે વાત કરાવ મને."
ત્યાં મિસ તારા વચ્ચેથી બોલે છે, "આ છોકરીની એટલી હિંમત! આપણી સામે શરત રાખે છે? એના જેવી તો કેટલી નર્સો લાઈનમાં ઊભી છે! તમે આ શું કરી રહ્યા છો, ભાઈ? કામ કર્યા વગર અગાઉ એડવાન્સમાં પગાર માંગે છે? તમે આ નર્સનો વિશ્વાસ કેમ કરી શકો? અને ઉપરથી તેની મમ્મી સાથે પણ ખોટું બોલી રહી છે. આ છોકરી પર વિશ્વાસ ન કરી શકાય, તે જાન માટે બરોબર નથી. આપણે બીજી નર્સ રાખવી જોઈએ."
ધનરાજ શેઠ કહે છે, "શાંતિ રાખ."
એટલે ડોક્ટર સાહેબ કહે છે, "જેન્સી, તારા મમ્મી સાથે વાત કર અને પછી મિસ્ટર ધનરાજને ફોન આપ, તારી મમ્મી સાથે વાત કરાવવા માટે."
જેન્સી એની મમ્મીને ફોન લગાડે છે અને જેન્સી કહે છે, "મમ્મી, હું તાત્કાલિક ધોરણે પાછી આવું છું, પણ મારી પાસે એટલા બધા પૈસા નથી એટલે એક ઇન્ડિયામાં હોસ્પિટલ છે, તેમાં મને કામ કરવાની ઓફર આવી છે. તો મારે ત્યાં એક મહિનો કામ કરવો પડશે. તો એ લોકો ત્યાં જવાની ટિકિટ અને એક મહિનાનો એડવાન્સ પગાર આપવા તૈયાર છે. તું કહે તો એક મહિનો કામ કરું એટલે હોસ્પિટલનો પણ ખર્ચો નીકળી જાય અને મારી ટિકિટ પણ ફ્રી થઈ જાય."
જેન્સીની મમ્મી કહે છે, "મને કંઈ વાંધો નથી, પણ તારું રહેવાનું ને ખાવાનું શું?"
તો જેન્સી કહે છે, "એ લોકો મને રહેવા માટે એક અલગ ભાડેથી ઘર આપશે જ્યાં મારે રહેવાનું હશે. તું પણ મારી સાથે આવીને રહી શકીશ. થોડાક દિવસની તો વાત છે. મારે એકલું રહેવું નહીં અને ભાઈને પણ આપણે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરી દઈશું. ત્યાં સારા ડોક્ટરોની સારવાર હેઠળ તે તરત સાજો થઈ જશે. અને પ્રિયાને પણ એક મહિનો અપડાઉન નહીં કરવું પડે."
જાનકી થોડુંક વિચારે છે અને પછી ના પાડે છે. જાનકી કહે છે, "એક-બે મહિનામાં તારા લગ્ન થઈ જશે, તું જોબ શું કામ જોઈન્ટ કરે છે?"
તો જેન્સી કહે છે, "મમ્મી, હું એક-બે મહિના જોબ કરીશ, જ્યાં સુધી મારા લગ્ન ન થઈ જાય ત્યાં સુધી તો કરવા દે. પછી એ લોકો જેમ કહેશે એમ કરીશ. પ્લીઝ મમ્મી, મને મદદ કરવા દે. તું એકલી ક્યાં સુધી પીસાઈશ..."
ધનરાજ શેઠ ખુરશી પર બેઠા બેઠા જેન્સીની બધી વાત સાંભળતા હોય છે. એક બાજુ તેમને ભય લાગે છે કે આવી સારી નર્સ ક્યાંક તેમના હાથમાંથી વહી ન જાય અને બીજી તરફ તેમનું મન ખુશ થતું હોય છે કે આ જમાનામાં પણ આવી આજ્ઞાકારી છોકરીઓ હોય છે જે તેના મા-બાપનું માને છે અને તેમનું માન રાખે છે.
તો જાનકી કહે છે, "તો તું એ લોકોને ના પાડી દે, હું અહીંથી કંઈક સગવડતા કરી લઈશ."
જેન્સી ફોન મૂકી દે છે અને પછી ડોક્ટર સાહેબને કહે છે, "આઈ એમ સોરી, મારા મમ્મી ના પાડી રહ્યા છે."
ધનરાજ શેઠ કહે છે, "કાંઈ વાંધો નહીં, તે તારી તરફથી ઘણી કોશિશ કરી છે."
તારા કહે છે, "આ બધા લોકોના ષડયંત્ર છે, નાટક કરે છે. પૈસા વધારે જોતા હશે. બોલ કેટલા જોઈએ છે? તારા પૈસા બોલ, તારી હાની કિંમત શું છે?"
ડોક્ટર સાહેબ ગુસ્સે થઈ જાય છે અને જેન્સી પણ ખીજાઈ જાય છે. તે બોલવા જતી હોય છે તે પહેલાં જ ડોક્ટર સાહેબ કહે છે, "અહીં બજાર નથી ખોલેલી કે તમે ભાવતાલ કરો! આ એક કોશિશ હતી એક સારી નર્સ તમારા દીકરાની સારવાર કરવા મળી જાય. પૈસા માટે નહીં, પણ મને નથી લાગતું તમે એને લાયક છો."
ધનરાજ શેઠને ખરાબ તો લાગે છે, પણ તે બોલે છે, "કંઈ વાંધો નહીં, તારા મમ્મી ના પાડે તો તું એની ઉપરવટ તો ન જ થા ને! છોકરાઓએ હંમેશા મા-બાપનું માનવું જોઈએ અને તેમનું માન રાખવું જોઈએ."
જેન્સી અપમાનનો ઘૂંટડો પીતા ફરીથી કહે છે, "આઈ એમ સોરી સર." એટલું કહીને જેન્સી ઓફિસની બહાર નીકળી જાય છે.
ડોક્ટર સાહેબને ગમતું નથી એટલે તે એટલું બોલે છે, "બધી ફોર્માલિટી પૂરી થઈ ગઈ છે. તમે આ પેશન્ટને લઈ જઈ શકો છો."
તો ધનરાજ સર કહે છે, "થેન્કયુ ડોક્ટર, તમે અમારા માટે ઘણું કર્યું છે."
ડોક્ટર કહે છે, "એ તો મારી ફરજ હતી, પણ મારી એક રિક્વેસ્ટ છે જો તમે માનો તો, ધનરાજ શેઠ."
ધનરાજ શેઠ કહે છે, "વિના સંકોચે કહો."
ડોક્ટર સાહેબ કહે છે, "એક વાત કહું તમને? જો આ છોકરીને તાત્કાલિક મુંબઈ પહોંચવું પડે તેમ છે. જો તમને વાંધો ન હોય તો તે તમારી સાથે પ્લેનમાં બેસી શકે છે? તમારું તો પોતાનું પ્રાઇવેટ પ્લેન છે."
ધનરાજ શેઠ બોલે છે, "અરે ડોક્ટર, એમાં શું સંકોચાવ છો! પ્લેનમાં ઘણી જગ્યા છે. અમે તેને મુંબઈ સુધી પહોંચાડી દઈશું. બસ તમે એને જાણ કરી દો."
મિસ તારા બોલવા જાય છે, પણ ભાઈ ધનરાજ શેઠ વચ્ચેથી જ વાત કાપી નાખે છે અને કહે છે, "તું ચૂપ રહે. તે બહુ બોલી દીધું. હવે હું બોલીશ."
પછી ડોક્ટર સાહેબ જેન્સીને ફોન કરી અને કહે છે, "જેન્સી, તું તારો સામાન ભેગો કરી અને આવી જા. તારી ધનરાજ શેઠના પ્લેનમાં મુંબઈ જવાની સગવડતા થઈ ગઈ છે."
તો જેન્સી કહે છે, "હું તેમને તકલીફ દેવા નથી માંગતી, ડોક્ટર સાહેબ. તેઓ ખૂબ સારા છે, પણ હું તેમની સાથે ન જઈ શકું."
ધનરાજ શેઠ ડોક્ટર સાહેબ પાસેથી ફોન લઈ અને કહે છે, "જો બેટા, તે મારા દીકરાની સારવાર કરી છે અને તેને ઘણો સાજો પણ કરી દીધો છે, તો થોડીક મને પણ મદદ કરવા દે. મને પણ થોડુક પુણ્ય કમાવા દે."
જેન્સી મજબૂરી હોવાથી ના નથી પાડી શકતી. પછી તે પોતાનો સામાન લેવા જતી રહે છે.
આ બાજુ નીતા જેન્સીની વાટ જોઈ રહી હોય છે ત્યાં તેને ઇન્સ્પેક્ટરનો ફોન આવે છે. નીતા કહે છે, "શું કામ હતું?" તો ઇન્સ્પેક્ટર કહે છે, "આજે મિસ્ટર જાન ઇન્ડિયા જઈ રહ્યા છે, તો હું પણ તેમની પાછળ પાછળ જઈ રહી છું. તારી ફ્રેન્ડ જેન્સીએ શું વિચાર્યું? તે જવા માટે તૈયાર થઈ કે નહીં?"
નીતા કહે છે, "ખબર નથી. હમણાં તે પાછી આવશે સામાન લેવા. એ પણ ઇન્ડિયા જઈ રહી છે. તેના ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે એટલે તેને તાત્કાલિક જવું પડશે. હું તમને પછી ફોન કરું."
ઇન્સ્પેક્ટર કહે છે, "ઠીક છે, કંઈ પણ ઇન્ફોર્મેશન હોય તો મને મારા ફોન પર મેસેજ કરી દેજે."
એટલી વારમાં જેન્સી પણ સામાન લેવા આવી જાય છે. નીતા પૂછે છે, "શું થયું? તારી કાંઈ વાત થઈ ડોક્ટર સાહેબ સાથે?"
જેન્સી કહે છે, "હા, મારી વાત થઈ ગઈ. મમ્મીએ તેમની ઓફર ઠુકરાવી દીધી છતાં પણ શેઠ ધનરાજ એટલા સારા માણસ છે. તેમને ખબર પડી કે મારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે એટલે તે મને તેમની સાથે પોતાના પ્રાઇવેટ પ્લેનમાં મુંબઈ લઈ જવા માટે તૈયાર થઈ ગયા. મારે હમણાં જ નીકળવું પડશે, નીતા. તું તારું ધ્યાન રાખજે અને ટાઇમસર જમી લેજે. અને હજી ટાઇમ છે, કોલેજે જતી રહેજે. માથે પરીક્ષા છે. ચાલ હું જાઉં છું. ગુડ બાય એન્જલ."
નીતા રડવા લાગે છે, "તું જતી રહીશ તો હું સાવ એકલી થઈ જઈશ. આ રૂમ મને ખાવા દોડશે છે. મારે નથી ભણવું. હું પણ જતી રહીશ."
જેન્સી બેગ નીચે મૂકે છે અને નીતાનો હાથ પકડીને તેને સમજાવે છે, "અરે ગધેડી, પાંચ-છ મહિનાની તો વાર છે. તું તારી એક્ઝામ આપી દે પછી આવતી રહેજે મારી પાસે. હું તને આખું મુંબઈ બતાવીશ, તને ફરવાનો બહુ શોખ છે. મુંબઈનો દરિયો બતાવીશ. ચાલ હવે ખુશ થઈ જા."
નીતા પોતાના આંસુ રૂમાલથી સાફ કરતા કહે છે, "ઠીક છે, ઠીક છે. હવે તો હું પાસ થઈ અને પછી જ તારી પાસે આવીશ. હું તને પ્રોમિસ કરું છું અને મુંબઈમાં સારી નોકરી લઈશ."
જેન્સી નીતાને ભેટી પડે છે અને "અલવિદા દોસ્ત" એમ કહીને પાછું વળીને બેગ ઉપાડીને ચાલવા લાગે છે. અને બોલતી જાય છે, "મારી પાછળ ના આવતી, નહિતર હું તને રડતા નહીં જોઈ શકું... બાય બાય સ્વીટહાર્ટ..."
નીતા રડતા બોલે છે, "બાય બાય ડાર્લિંગ, હું તને રોજ ફોન કરીશ... અને બોર કરીશ... ઠીક છે..."
જેન્સી પણ દૂરથી હાથ હલાવતા કહે છે, "ઠીક છે......"
પછી જેન્સી, મિસ્ટર જાન અને ધનરાજ શેઠ સાથે તેમના પ્રાઇવેટ પ્લેનમાં એરપોર્ટ પર જવા માટે નીકળી જાય છે.
નીતા શાંત થઈ જાય છે પછી તેને યાદ આવે છે. તે લેડી ઇન્સ્પેક્ટરને પાછો ફોન કરે છે. લેડી ઇન્સ્પેક્ટર ફોન ઉપાડે છે તો નીતા કહે છે, "મારી ફ્રેન્ડ મિસ્ટર જાનના પ્લેનમાં સાથે જઈ રહી છે."
ઇન્સ્પેક્ટર કહે છે, "શું નર્સ તરીકેની તેણે ઓફર સ્વીકારી લીધી?" તો નીતા કહે છે, "ના, આ તો ડોક્ટર સાહેબની રિક્વેસ્ટ પર તેમના પ્રાઇવેટ પ્લેનમાં જગ્યા હોવાથી તેમની સાથે જઈ રહી છે."
ઇન્સ્પેક્ટર કહે છે, "ઠીક છે, હું તેને એરપોર્ટ પર મળી લઈશ. ચાલ ઠીક છે, પછી નિરાંતે વાત કરું. મને મોડું થઈ રહ્યું છે. હું તારા ટચમાં રહીશ."
આ તરફ પ્રિયા અને તેની મમ્મી જાનકી હોસ્પિટલમાં બેન્ચ પર બેઠા હોય છે અને ડોક્ટરની બહાર આવવાની વાટ જોઈ રહ્યા હોય છે.