Parampara ke Pragati? - 25 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 25

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 25

આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદી રહેવાની સારી વ્યવસ્થા જોઈને ખૂબ ખુશ થઈ જાય છે.

પ્રિયા સોફા પર બેસે છે અને ફોન ચેક કરે છે તો કેટલાય મેસેજ હોય છે. પ્રિયા મેસેજ તપાસે છે તો તેમાં એક મેસેજ તેની ઓફિસના મેનેજરનો હોય છે. પ્રિયા કહે છે, "દાદી, મારે ઓફિસે જવું પડશે, મેનેજરનો મેસેજ છે, તરત બોલાવી છે. મારે પ્રેઝન્ટેશન આપવાનું છે, આજે છેલ્લો દિવસ છે, તો હું તમને સાંજે મળીશ. કંઈ પણ કામ હોય તો મેસેજ કરજો, ફોન ન કરતા, કદાચ પ્રેઝન્ટેશનમાં હોઈશ તો હું ફોન નહીં ઉપાડું. હું બપોરે ફ્રી થઈને તમને પાછો ફોન કરીશ. કંઈ પણ કામ હોય કે કંઈ જોતું હોય તો કહેજો, હું લેતી આવીશ અને મમ્મીનું ધ્યાન રાખજો."

દાદી કહે છે, "હું શું કામ એને પરેશાન કરું? તારી મા જ મને પરેશાન કરે છે. જોને, અહીં ખાવા-પીવાનો એ બધો સામાન પડ્યો છે, વાહ વાહ! એવું સરસ બધું ખાવા-પીવાનું, ફ્રૂટ બધુંય રાખેલું છે."

તો પ્રિયા ખીજાતા કહે છે, "ભાઈ હોસ્પિટલમાં બેડ પર પડ્યો છે અને તમને આ બધું સુઝે છે? થોડીક તો શરમ કરો!"

તો દાદી ગુસ્સેમાં કહે છે, "તારી મા કામધંધો બધું છોડીને બેઠી છે અહીં હોસ્પિટલમાં આવીને. એને શું જરૂર હતી આવવાની? હું બધું સંભાળી લઈશ. હવે જોજે, બધા કામ છૂટી જાશે. જોકે, સારું થશે... સારું છે... કેટલા વખતથી કહું છું, બધા કામ મૂકી દે, આપણે શહેરમાં કામ પકડી લઈએ. ત્યાં ગામડામાં તારી મા દસ ઘરના કામ કરે છે તો માંડ આપણું ઘર ચાલે છે. અહીં શહેરમાં માત્ર એક ઘરનું કામ કરશે તો આરામથી ઘર ચાલશે અને એટલી મહેનત પણ નહીં કરવી પડે, પણ મારું માને તો થાય ને! હું તો સમજાવી સમજાવીને થાકી ગઈ આ જાનકીને."

"અરે દાદી!" પ્રિયા કહે છે, "થોડીક શરમ કરો. હોસ્પિટલમાં જે બેડ ઉપર પડ્યો છે ને, તે તમારો દીકરાનો દીકરો થાય છે, થોડુંક સમજો. હવે તમે ફરીથી શરૂ ના થઈ જતા. હું જાઉં છું, મને મોડું થાય છે, તમારું તો રોજનું છે." એમ કહીને પ્રિયા ઓફિસે નીકળી જાય છે.

આ બાજુ, પ્લેનમાં મિસ્ટર જાનને ઇન્જેક્શનની અસર થવા લાગે છે અને તે બેભાન અવસ્થામાં બોલબોલ કરે છે, "મને છોડી દો! મને જવા દો આંટી! મને જવા દો! હું કોઈને નહીં કહું, પ્લીઝ મને છોડી દો આંટી!"

મિસ તારા જાનના આ શબ્દોથી ચોંકી જાય છે. અને ધનરાજ શેઠ ઊભા થાય અને જાન પાસે જાય છે, હાથ પકડી અને કહે છે, "જાન દીકરા, હું તારી પાસે છું. તને કોઈએ નથી પકડ્યો, તું શાંત થઈ જા."

પણ મિસ્ટર જાન ફરીથી બોલે છે, "આંટી, મને મારતા નહીં! મને બહુ દુઃખે છે! તમે જેમ કહેશો તેમ કરીશ, પ્લીઝ મને મારતા નહીં!"

ધનરાજ શેઠ પૂછે છે, "તને કોણ મારી રહ્યું છે? તેનું નામ શું છે? મને કહીશ બેટા?"

પણ તારા તરત જ વચ્ચેથી બોલે છે, "તે બેભાન અવસ્થામાં છે એટલે કંઈ પણ બોલે છે. સિસ્ટર, તમે પેશન્ટને ચૂપ કરાવો."

જેન્સી મેડમ તારાની આંખમાં નારાજગી અને નફરત જુએ છે એટલે તરત જ તે મિસ્ટર જાન પાસે પહોંચી જાય છે અને પ્રેમથી માથા પર હાથ ફેરવતા કહે છે, "મિસ્ટર જાન, તમે શાંત થઈ જાઓ. હું તમારી પાસે જ છું અને તમારા અંકલ પણ તમારી પાસે જ છે. તમને કોઈ કંઈ નહીં કરે." એમ કહીને તેમનો હાથ તેના હાથમાં લે છે.

જાન શાંત થઈ જાય છે અને કહે છે, "જેન્સી, તું મારી પાસે જ રહેજે, ક્યાંય ન જતી? મને ડર લાગે છે, તું મારી પાસે હોઈશ તો મને ડર નહીં લાગે. પ્લીઝ જેન્સી." એમ કહીને મિસ્ટર જાન પાછો જેન્સીનો હાથ જોરથી પકડી લે છે.

ધનરાજ શેઠ ઊભા થઈ જાય છે અને કહે છે, "બેટા, તું અહીં બેસ જાન પાસે. હું મારી સીટ ઉપર જાઉં છું. મને લાગે છે જાનને તું હેન્ડલ કરી શકીશ. જો, તારા અવાજથી તે શાંત પણ થઈ ગયો છે. પ્લીઝ..."

જેન્સી કહે છે, "અંકલ, તમે તમારી સીટ ઉપર બેસી જાઓ, હું તેમને હેન્ડલ કરી લઈશ. એ મારું કામ છે."

જાન જેન્સીનો હાથ પકડ્યો હોવાથી શાંતિ અનુભવે છે અને પાછો શાંત થઈ જાય છે. અને જેન્સી પણ પોતાનો હાથ મિસ્ટર જાનના હાથ ઉપર રાખે છે જેથી જાન શાંતિથી સૂતા રહે.

બીજી નર્સ આ બધું જોઈ રહી હોય છે. તે જુએ છે જેન્સી અને મિસ્ટર જાનનું કંઈક અલગ જ બોન્ડિંગ છે, પણ તે કંઈ બોલતી નથી.

બે-ત્રણ કલાક પછી બીજી નર્સ કહે છે, "સિસ્ટર જેન્સી, મને લાગે છે કે હવે તમે થાકી ગયા હશો. તમે થોડીક વાર રેસ્ટ કરો, હું પેશન્ટ પાસે બેસું છું."

જેન્સી ઊભી થાય છે અને હાથ છોડવાની કોશિશ કરે છે પણ મિસ્ટર જાને મજબૂતાઈથી જેન્સીનો હાથ પકડી રાખ્યો હોય છે, તે છોડાવી શકતી નથી. એટલે બીજી નર્સ તેને મદદ કરતા જેન્સી હાથ છોડાવી શકે છે.

નર્સ જુએ છે કે જેન્સીનો હાથ એકદમ લાલ થઈ ગયો છે. મિસ્ટર જાને કંઈક વધારે જોરથી જેન્સીનો હાથ પકડી રાખ્યો હતો. હાથમાં આંગળીઓની છાપ પડી ગઈ હતી અને એટલામાં હાથ લાલ થઈ ગયો હતો.

બીજી નર્સ કહે છે, "પેશન્ટે તમારો હાથ તો બહુ જોરથી પકડી રાખ્યો, તમને તકલીફ થઈ હશે ને?"

તો જેન્સી કહે છે, "ના રે ના સિસ્ટર, એતો મારું રોજનું કામ છે. મિસ્ટર જાન રોજ બે વાર મારો હાથ આમ જ પકડી લે છે અને નોર્મલ થવા જ નથી દેતા..." પછી જેન્સી કહે છે, "સિસ્ટર, હું જરા વોશરૂમ જઈ અને પાછી આવું છું."

તો બીજી સિસ્ટર કહે છે, "હવે તમે આરામ કરો, આ પેશન્ટ નિંદ્રામાં છે, તે હવે મુવમેન્ટ નહીં કરે."

જેન્સી વોશરૂમમાં જાય છે ત્યાં.

એટલી વારમાં ધનરાજ શેઠને ફોન આવે છે. ફોનમાં સામેથી એક ડોક્ટર કહે છે, "સર, તમારા કહેવા મુજબ પેશન્ટ અને તેમના પરિવારને બધી સગવડતા આપી દેવામાં આવી છે."

તો ધનરાજ શેઠ ટૂંકમાં કહે છે, "ઠીક છે ડોક્ટર, થેન્ક્યુ. એમને કંઈ પણ તકલીફ હોય તો તે દૂર કરજો અને પૈસાની ચિંતા ન કરતા અને તેમને બિલકુલ પણ જાણ ન થવી જોઈએ કે આ ફેવર મારા તરફથી થઈ છે."

ડોક્ટર કહે છે, "ઠીક છે સર, હું તેમને જાણ નહીં થવા દઉં."

ધનરાજ શેઠ જેવો ફોન મૂકે છે ત્યાં જેન્સી આવી અને ખુરશી ઉપર બેસે છે. ધનરાજ શેઠનું ધ્યાન જેન્સીના હાથ તરફ જાય છે.

ધનરાજ શેઠ સીટની ઉપરની સાઈડમાં બેલ મારી અને એરહોસ્ટેસને બોલાવે છે અને કહે છે, "આઇસ પેક લઈ આવો."

એરહોસ્ટેસ આઇસ પેક લઈ આવે છે. એટલે ધનરાજ શેઠ જેન્સીને આઇસ પેક આપતા કહે છે, "લગાવ બેટા જેન્સી, તારા હાથ ઉપર લગાડી લે. જાને તારો હાથ બહુ જોરથી પકડી રાખ્યો હતો, કેવો લાલ થઈ ગયો છે."

જેન્સી આઇસ પેક હાથમાં લેતા કહે છે, "થેન્ક્યુ અંકલ, મને તો આની આદત છે. જ્યારે પણ મિસ્ટર જાન આવી રીતે નીંદરમાં એગ્રેસિવ થઈ જાય છે ત્યારે તેમને બીજી કોઈ નર્સ હેન્ડલ નથી કરી શકતી. ત્યારે મારે તેમને હેન્ડલ કરવા પડે છે અને તે ત્યારે આવી રીતે જ મારા હાથ કે મારું બાવળું જોરથી પકડી રાખે છે. હવે તો મને આદત પડી ગઈ છે." એટલું કહી અને તે ધીમું સ્મિત કરે છે.

ધનરાજ શેઠ જેન્સીના મોઢા ઉપર સ્મિત જુએ છે અને મનમાં વિચારે છે, "આનાથી સરસ છોકરી મને જાન માટે નહીં મળે. મારે એને હાથમાંથી ન જવા દેવી જોઈએ. તે મારા દીકરા માટે કેટલું કરે છે! એક અજાણી વ્યક્તિ હોવા છતાં તેનું મન કેટલું કોમળ છે, કેટલી દયાળુ છે અને મારા દીકરાનું કેટલું ધ્યાન રાખે છે! મારે તેને આવી રીતે હાથમાંથી ન જવા દેવી જોઈએ. હું જેન્સીને મારા દીકરાની વાઇફ તરીકે જોવા માંગું છું."

ધનરાજ શેઠ વિચારતા હતા એટલી વારમાં.

બીજી નર્સ બોલે છે, "સિસ્ટર જેન્સી, આમને બીજો ડોઝ દેવાનો સમય થઈ ગયો છે. પ્લીઝ તમે તેમને ઇન્જેક્શન વગેરે આપી દો, નહીંતર પાછા કાબૂ બહાર જતા રહેશે અને તેમને હેન્ડલ કરવા મુશ્કેલ થઈ જશે."

જેન્સી ઊભી થઈ અને દવાની બેગ ખોલી અને દવા ચેક કરે છે તો જુએ છે તેમાં મિસ્ટર જાનની જે રેગ્યુલર દવાઓ હતી તે બધી બદલાઈ ગઈ છે અને કંઈક બીજી જ દવાઓ આમાં છે. જેન્સી વિચારે છે આ દવા મિસ્ટર જાનને નુકસાન કરી શકે છે.

જેન્સી તરત જ બોલે છે, "અંકલ, આ દવાઓ મિસ્ટર જાનની નથી. આ બધી દવાઓ બદલી નાખી છે. મિસ્ટર જાન જે દવાઓ લેતા હતા તેમાંની એક પણ દવા આમાં નથી."

મિસ તારા બોલે છે, "ડોક્ટર સાહેબે જે પ્રેસ્ક્રીપ્શન લખી દીધું હતું તે જ બધી દવા મેં મંગાવી હતી."

ધનરાજ શેઠ કહે છે, "હા, ડોક્ટરે લખેલું પ્રેસ્ક્રીપ્શન અને મંગાવેલી દવાનું બિલ મારા કોટના ખિસ્સામાં પડ્યું છે, તું જરા ચેક કર જેન્સી."

જેન્સી બંને દવાના લિસ્ટ ચેક કરે છે તો ખબર પડે છે કે આ દવા તે નથી જે ડોક્ટર સાહેબે લખી દીધી હતી. તે ધનરાજ શેઠને કહે છે કે કોકે આ બધી દવા બદલી નાખી છે, સમજી વિચારીને. લિસ્ટ પ્રમાણેની આ દવા નથી.

તો ધનરાજ શેઠ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે, "જાનને આ દવા દેવાથી નુકસાન થઈ શકે છે."

ધનરાજ શેઠ કહે છે, "સારું થયું જેન્સી કે તને મિસ્ટર જાનની બધી દવાની ખબર છે. નહીં તો બીજી કોઈ નર્સ હોત તો તે જાનને આ બધી દવા જાણ બહાર આપી દેત અને જાનને નુકસાન પણ થાત."

જેન્સી કહે છે, "તમે ફિકર ન કરો, મારી પાસે મોબાઈલમાં તેમનું જૂનું લિસ્ટ પડ્યું છે. હું બંને લિસ્ટ સરખી રીતે તપાસી લઉં જરા." પછી જેન્સી બંને લિસ્ટ તપાસે છે અને જેન્સીથી બોલાઈ જાય છે, "મને લાગે છે મિસ્ટર જાનનો કોઈ દુશ્મન છે કે જે તેમને નુકસાન પહોંચાડવા માંગે છે. નહીંતર આવી રીતે કોઈ દવાની સાથે છેડછાડ ન કરે. આ ખતરનાક દવા છે, જો મિસ્ટર જાનને આ દવા દઈ દીધી હોત તો તેમને નુકસાન થાત. હવે આપણે આ દવા તેમને નહીં દઈ શકીએ, આ બધી દવા ફેંકી દેવી પડશે."

તો ધનરાજ શેઠ કહે છે, "દવા આપવી જરૂરી છે."

જેન્સી કહે છે, "અંકલ, તમે ચિંતા કરો નહીં. મારી પાસે મિસ્ટર જાનની દવા છે. હું તેમને તે આપી દઈશ. હોસ્પિટલમાંથી નીકળવા ટાણે ડોક્ટર સાહેબે મિસ્ટર જાનની દવાનું એક પાઉચ આપી અને કીધું હતું જો લિસ્ટ પ્રમાણેની દવા ન આવી હોય તો આ દવા તું મિસ્ટર જાનને રસ્તામાં આપજે. હું તે દવા અત્યારે તેમને દઈ દઉં છું."

ધનરાજ શેઠ કહે છે, "ઠીક છે, અત્યારે તું તારી રીતે દવા દેવાની હોય તે દઈ દે. પછી તું મને પ્રેસ્ક્રીપ્શન આપજે. હું પોતે જ જઈ અને જાનની દવા લઈ આવીશ. હવે મને કોઈ ઉપર ભરોસો નથી રહ્યો. એટલે જ હું તને ફોર્સ કરતો હતો કે તું થોડા દિવસ મારા દીકરાને પાસે રહી અને તેની સારવાર કર જેથી તે તરત સાજો થઈ જાય. મને લાગે છે કોઈ મારા દીકરાને નુકસાન પહોંચાડવા માંગે છે. પ્લીઝ જેન્સી થોડાક દિવસ માટે માની જા."

જેન્સી કહે છે, "ઠીક છે અંકલ, પણ મારી શરતો છે..."

ધનરાજ શેઠ તરત જ બોલે છે, "તારી બધી શરતો મને મંજૂર છે, બસ તું જાનની સારવાર કર... હું બીજા કોઈ પણ ભરોસો કરી શકું તેમ નથી, મને તારી જરૂર છે."

જેન્સી કહે છે, "ઠીક છે, પહેલા હું મિસ્ટર જાનને દવા આપી દઉં પછી આપણે વાતો કરશું."

પછી જેન્સી જાનને રૂટિન મેડિસિન આપી દે છે. અને મનમાં વિચાર કરે છે, "સારું થયું લેડી ઇન્સ્પેક્ટરે મને મિસ્ટર જાનની દવા એરપોર્ટ પર આપી દીધી. તેમની શંકા સાચી નીકળી. ખરેખર કોઈ મિસ્ટર જાનને મારવા માંગે છે. મને લાગે છે મારે મિસ્ટર જાનની મદદ કરવી જોઈએ."

આ તરફ પ્રિયા ઓફિસે પહોંચે છે. સેક્રેટરી (તુષક) પ્રિયાને જોતા જ બોલી ઊઠે છે, "ડિયર... તું ક્યાં રહી ગઈ હતી? તને ખબર છે ને... આજે લાસ્ટ પ્રેઝન્ટેશન છે... આજે જેટલા આપશે તેમાંથી જ સિલેક્શન થશે, બીજા બધાનું છોડી દેવાનું છે. સર પાસે ટાઈમ જ નથી... ડિયર... આપણા પાસે શોર્ટ ટાઈમ છે... થોડાક દિવસમાં ઓવર ટાઈમ કરી અને કલેક્શન તૈયાર કરવાનું છે."

પ્રિયા કહે છે, "હું તૈયાર જ છું સર."

સેક્રેટરી તુષક કહે છે, "ઠીક છે, તો કોન્ફરન્સ રૂમમાં જઈ અને બધું સેટઅપ કર. હું સરને બોલાવું છું અને બીજા પણ જેને પ્રેઝન્ટેશન આપવાનું છે તેનું આ લિસ્ટ છે, બીજા ચાર જણાને પણ કહેજે તે તૈયાર રહે... ક્વીક..."

પ્રિયા તરત જ કોન્ફરન્સ રૂમ તરફ ઉપર પગથિયાં ચડતી જાય છે અને હાથમાં લિસ્ટમાં જેટલાના નામ હોય છે તેને ફોન કરવા લાગે છે.

મેનેજર ઓફિસ પાસે જઈ અને કહે છે, "સર અંદર છે?" પ્યુન કહે છે, "હા સર, અંદર જ છે."

મેનેજર કહે છે, "ઠીક છે, તો અંદર જઈ અને કહે કે તે કોન્ફરન્સ રૂમમાં થોડીક વારમાં આવી જાય, બધાનું પ્રેઝન્ટેશન તૈયાર છે."

પ્યુન કહે છે, "ઠીક છે, હું સાહેબને જાણ કરી દઉં છું."

પ્રિયા સેટઅપ કરતી હોય છે ત્યાં તેના બીજા કોલીગ્સ જે લોકોને પણ પ્રેઝન્ટેશન આપવાનું હોય છે તે લોકો આવી જાય છે અને પ્રિયાને સેટઅપ કરવામાં મદદ કરવા લાગે છે.

પ્રિયા બધાની સામે જોઈ અને કહે છે, "આપણી પાસે એક જ મોકો છે પ્રેઝન્ટેશન આપવાનો. જો સરને આપણું પ્રેઝન્ટેશન ગમી જશે તો તે આ વિન્ટર કલેક્શનમાં આપણું કલેક્શન ઉમેરી દેશે એટલે બધાએ પોતપોતાની રીતે મહેનત કરી અને પોતાનું પ્રેઝન્ટેશન આપવાનું છે. જેનું પણ પ્રેઝન્ટેશન સારું હશે તે સિલેક્ટ થશે એટલે કોઈએ નિરાશ થવાની જરૂર નથી કે ઈર્ષા કરવાની જરૂર નથી. તેમને પણ આગળ જતાં પાછો મોકો મળશે અને તમારી કરેલી ભૂલથી તમને શીખવા પણ મળશે."

દૂર ઊભેલી એક તેમની સાથે કામ કરતી છોકરી બોલે છે, "પ્રિયા, તમારી સ્પીચ ખૂબ સારી છે અને આજે તમારો લુક પણ સરસ છે. આજે વાઈટ ડ્રેસમાં તમે ખૂબ સરસ દેખાવ છો." ત્યાં પાસે ઊભેલો બીજો છોકરો ચાપલૂસી કરતા બોલે છે, "પ્રિયાનો ડ્રેસ ખૂબ સરસ છે, તેના કપડાં ખૂબ સુંદર હોય છે અને તે પણ કેટલી સુંદર છે!"

પ્રિયા સાંભળીને ખુશ થાય છે અને કહે છે, "થેન્ક્યુ."

ત્યાં દરવાજો ખુલે છે અને સેક્રેટરી તુષક અને મિસ્ટર પ્રેમ કોન્ફરન્સ રૂમમાં દાખલ થાય છે. રૂમમાં દાખલ થતાં પ્રેમનું ધ્યાન પ્રિયા ઉપર પડે છે. તે વાઈટ ડ્રેસમાં ખૂબ સુંદર લાગતી હોય છે.

પ્રિયાનું ધ્યાન પણ મિસ્ટર પ્રેમ તરફ જાય છે, બંને એકબીજાને તાકવા લાગે છે. ત્યાં સેક્રેટરી ફરીથી બોલે છે, "પ્રેમ સર, પ્રેઝન્ટેશન ચાલુ કરી દઉં?"

પ્રેમ પ્રિયા ઉપરથી નજર હટાવ્યા વગર સેક્રેટરીને કહે છે, "પ્રેઝન્ટેશન ચાલુ કરો." અને પછી ધીમેથી ખુરશી પર બેસી જાય છે.

પ્રિયાની બાજુમાં ઊભેલી છોકરી પ્રિયાને કહે છે, "પહેલા પ્રેઝન્ટેશનનો વારો કોનો છે?"

પ્રિયા મિસ્ટર પ્રેમ પરથી નજર હટાવી અને કહે છે, "પહેલું નામ સુરુચિનું છે." પછી બધા વારાફરતી વિન્ટર કલેક્શનનું પ્રેઝન્ટેશન આપવા લાગે છે.

આ તરફ હોસ્પિટલમાં જાનકી તેમના દીકરા પાસે રૂમમાં બેઠી હોય છે ત્યાં ડોક્ટર સાહેબ રૂમમાં દાખલ થાય છે અને સિસ્ટરને પૂછે છે, "પેશન્ટને ચાર કલાકમાં કોઈ પ્રોબ્લેમ, બ્લીડિંગ વગેરે તો નથી થયું ને?" તો સિસ્ટર કહે છે, "ના સર, કોઈ પ્રોબ્લેમ નથી. પેશન્ટ ઓલ રાઈટ છે અને સ્ટેબલ છે. તેમની મેડિસિન તેમને આપી દેવામાં આવી છે."

ડોક્ટર જાનકીની સામે જોઈ અને કહે છે, "તમે ચા-પાણી કંઈ પીધા? નાસ્તો કે કંઈ કર્યું? તો હવે તમે જઈને કરી શકો છો. પેશન્ટ પાસે રહેવાની તમારે કોઈ જરૂર નથી. આસિસ્ટન્ટ પેશન્ટનું ધ્યાન રાખશે. તમારે થોડીક વાર જઈને આરામ કરવો હોય તો તમે કરી શકો છો."

જાનકી કહે છે, "ધન્યવાદ ડોક્ટર સાહેબ, પણ મને આરામ નથી કરવો. મને મારા છોકરાની ચિંતા થાય છે, તેને છોડીને ક્યાંય જવાનું મન નથી થતું."

ડોક્ટર સાહેબ કહે છે, "ચિંતા ન કરો, પેશન્ટ જલદી રિકવર થઈ જશે. બે-ત્રણ દિવસની વાર છે પછી તો તમે તેમને ઘરે આરામ કરાવશો એટલે થોડા દિવસમાં બધું થઈ જશે. તમે કાલના આમ ને આમ છો, મારું માનો થોડીક વાર આરામ કરી લો પછી પાછા આવતા રહેજો. પાછળ તો રૂમ છે, પ્લીઝ જઈને આરામ કરો."

જાનકી ડોક્ટર સાહેબની વાત માની લે છે અને કહે છે, "ઠીક છે, હું થોડીવાર પછી આવું છું."

હોસ્પિટલની પાછળ જ્યાં તેમને રહેવા માટે ક્વાર્ટર આપ્યો હોય છે ત્યાં પહોંચે છે અને અંદર જઈને જુએ છે તો દાદી એટલે કે તેની સાસુ ફુલ એસી ચાલુ કરીને સૂતી હોય છે. ટેબલ પર ખાધેલું બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય છે.

જાનકીને ખીજ તો ચડે છે પણ તે કંઈ બોલતી નથી. તે એટલી થાકી ગઈ હોય છે કે તે તેની સાસુ સાથે માથાકૂટ કરવા નથી માંગતી. તે ટીવી બંધ કરી અને બીજા રૂમમાં જઈને સૂઈ જાય છે.