Aekant - 3 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 3

Featured Books
Categories
Share

એકાંત - 3

પ્રવિણ અને વત્સલ હજુ સોમનાથ મંદિરના ત્રિવેણી ઘાટ પાસે ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા. બીજા દિવસે મહાશિવરાત્રીનુ પાવન પર્વ હોવાથી ભીડ વધવા જઈ રહી હતી.

"વત્સલ, તું મને એ તો કહે કે, તું અહી શું કરવા આવ્યો હતો ?"

"અરે હા દાદાજી, આવતી કાલે મહા શિવરાત્રી છે તો દાદીજી તમને ઘરે કંઈક કામ માટે બોલાવી રહ્યાં છે. તમે આટલા વર્ષોમાં હજુ સાદો સેલફોન પણ રાખતા નથી. આથી મારે અહીં આવવું પડ્યું."

વત્સલના કહેવાથી પ્રવીણને મહાશિવરાત્રીના દિવસે ઘરની સામગ્રી લેવા જવાનું યાદ આવી ગયું. દર વર્ષની જેમ મહાશિવરાત્રી પર પૂજાની સામગ્રીથી લઈને ફળાહાર લઈ આવવાની દરેક જવાબદારી પ્રવિણના હાથમા હતી.

સોમનાથ મંદિર એ બાર જ્યોતિર્લિંગમાનુ એક પવિત્ર સ્થળ માનવાવામાં આવે છે. અહીની આબોહવામાં શાંતિની સુગંધ દરેક ક્ષણે અનુભવાય છે. એકવાર પણ ભૂલેચુકે અહી આવતા ભક્તભનોને ફરી બીજી વાર આવવાનું મન થઈ જાય. એવું રઢિયામણુ સોમનાથ મહાદેવજી સ્થળ છે.

સોમનાથની સાથે ત્યાં ઉપસ્થિત પ્રભાસ પાટણ પણ યાત્રાળુઓ માટે ફરવાલાયક એક દેવદર્શન બની ગયુ છે. પૌરાણિક માન્યતાને અનુસાર શ્રીકૃષ્ણજીએ એમનો દેહ ત્યાગ પ્રભાસ પાટણમા કરેલો હતો. એ પરથી શ્રીકૃષ્ણનો મહિમાને વધારવા માટે પ્રભાસ પાટણમા શ્રીકૃષ્ણના ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી, જે 'ભાલકા તીર્થ' તરીકે ઓળખાય છે. 

પ્રવિણને બજારમાં જવાની ઉતાવળ થતા એ રસ્તામાં આવતા શ્રધ્ધાળુઓ સાથે 'જય સોમનાથ' બોલીને પોતાની ઉપરછલી ઓળખાણ આપીને મહાદેવજીના મંદિરની પાછળ આવેલ એમના ઘર તરફ વત્સલની સાથે પગપાળા ચાલીને રવાનો થઈ ગયો.

પ્રવિણ અને વતસલ પંદર મિનિટની વચ્ચગાળે ઘરે આવી પહોચ્યા. રસ્તામા પ્રવિણની વાતો સાંભળીને વત્સલનો ચહેરો હરખાતો હતો. આમ પણ પ્રવિણનો સ્વભાવ એવો હતો કે એ દરેક દુઃખી વ્યક્તિના ચહેરા પર સ્માઈલ લાવી આપે. પ્રવિણે પોતાની મહેનતથી વડવાઓનુ વર્ષો જુની યાદોના ઘરને રિનોવેટ કરવાની અત્યાધુનિક બનાવી દીધુ હતુ. સારી આવક હોવા છતા તેને એ આવકનો ખોટો દેખાવો કરવો પસંદ હતો નહિ.

પથ્થરોથી બનાવેલ એ ઘરમાં આંધી તુફાન કે ધરતીકંપના નાના આચકાઓ આવવા છતા દિવાલને એક તિરાડ પડેલી ન હતી. હજુ એ ઘરમાં દર વર્ષ દિવાળીના દિવસે પ્રવિણ રાતભર પલાળેલ કળી ચુન્નામા રંગ નાખીને પીછડાથી રંગોરંગાન કરાવતો રહેતો હતો.

બે પગથિયાં ચડતાની સાથે સાગથી બનાવેલ લાકડાની ખડકી એમના પૂર્વજો મૂકીને ગયા ત્યાંથી લઈને હજુ એવી જ સ્થાયી હતી. વ્યક્તિના વિચાર કે ખડકીમા હજુ એમણે ઊધઈ ચડવા દીધી ન હતી.

પ્રવિણે લાકડાની ખડકીનો નાનો દરવાજો ખોલીને વત્સલ સાથે અંદર પ્રવેશ કર્યો. આંગણામાં સિમેન્ટનો ધાબો તોડીને ગયા વર્ષે એના દીકરા રવિને માન આપીને આધુનિક ટાઈલ્સ લગાવવામાં આવી હતી. એ સમયે પણ મોટું મહાભારત પ્રવિણ અને રવિ વચ્ચે થતા થતા રહી ગયુ હતુ.

એક વર્ષ પહેલા વત્સલને સ્કુલ જવાનુ મોડું થઈ રહ્યું હતું. વત્સલના દાદીમાં પારુલ કપડાં ધોઈ લીધાં પછી વધારાનાં પાણીથી આંગણામાં ધૂળને દૂર કરવાં માટે આંગણું ધોઈ રાખ્યું હતું. હારુને આંગણામાં પાણી જલ્દી સુકાઈ એ માટે પોતું ફેરવવાનું બાકી રાખીને પહેલે માળે જઈને ધોયેલાં કપડાં સુકવવા જતી રહી.

વત્સલની મમ્મી - હેતલ વત્સલને તૈયાર કરીને બસ સ્ટોપ સુધી તેને મુકવાં જઈ રહી હતી. એવામાં ઊતાવળે વત્સલ દોડીને ખડકી સુધી પહોંચે એ સાથે તેનો પગ લપસી ગયો અને પડી ગયો. વત્સલે રડીરડીને પૂરું ઘર માથે લઈ લીધું. વત્સલના પડવાથી હેતલનો મગજ સાત આસમાને ચડી ગયો હતો.

"હે સોમનાથ દાદા, આ જુનું ઘર અને એનું જુનું આંગણું એક દિવસ મારાં દીકરાનો જીવ લઈને રહેશે. વર્ષોનું આંગણું છે. હવે આ આંગણા પરની ચિકાશ એની સાથે ચિપકીને બેસી ગઈ છે. વત્સલનાં પપ્પાને કેટલીવાર કહ્યું કે આ લોકોને એમનાં જુનાં ઘરનો મોહ છુટતો ના હોય તો આપણે અલગ રહેવા જતા રહી. એ પણ મારી વાતને માનવા તૈયાર થતા નથી." હેતલ વત્સલને ઊભો કરીને માથા પર હાથ દઈને રડવાં લાગી.

એ દિવસે પ્રવિણ અને રવિ એમનાં કામ પર હોવાથી ઘર પર હાજર હતા નહિ. દલપત દાદા એમના બેઠક રૂમમાં ન્યુઝ પેપર વાંચી રહ્યાં હતાં. હેતલનો અવાજ સાંભળતા તેઓ ધ્રૂજતા હાથે લાકડીના સહારે ધીરે ધીરે આંગણામાં આવી પહોચ્યા.

પારુલ પહેલાં માળે કપડાં સુકવતી હતી તો એણે હેતલનો અવાજ સાંભળીને ઉપરથી જ બૂમ પાડી, "અલી, શું થયું છે ? કેમ આટલું જોરથી રાડો પાડી રહી છે ? હજું આપણાં ઘરમાં બધાં સહી સલામત છે. પોક તો એવી મુકે છે કે જાણે કોઈ મરી ગયું હોય."

"મરી તો કોઈ નથી ગયુ મમ્મી, પણ આવાં ચીકણા આંગણામાં જો કોઈ લપસીને માથુ ભાંગશે તો વહેલાંસર જરુર કોઈ મરી જશે." હેતલ છાની થઈને મોટાં અવાજે બોલી.

"હેતલ વહુ, સોમનાથ દાદા તમારી જીભને સારું બોલવાં ના દેતી હોય તો આવું અમંગળ તો ના બોલો. આસપાસનાં પાડોશી સાંભળે એવી બૂમો કેમ પાડી રહ્યાં છો ? સારાં ઘરની વહુઓ આમ જોરથી બોલે એ સારી ના લાગે." દલપતદાદાએ હેતલની કડવી વાણી સાંભળીને આંગણામાં આવીને બોલ્યાં. 

"દાદાજી, તમે જુઓ આ તમારો લાડકો તમારા પૂર્વજોના આંગણામાં પડી ગયો. જુઓ એનાં પગમાં કેટલું બધું લાગ્યું !" હેતલે વત્સલનાં ગોઠણ પર ઈશારો કર્યો.

"મમ્મી, તું જેટલી ચિંતા કરે છે, એટલું મને લાગ્યું નથી. થોડોક છોલાઈ ગયો છું અને એમાં પૂરું ઘર માથે લઈ લીધું." વત્સલ પોતાના રુમાલથી ગોઠણ સાફ કરીને ઊભો થયો, "મોટા દાદા તમે અંદર જઈને આરામ કરો. મમ્મીની આદત છે, નાની વાતને મોટી કરીને બોલવાની. ચાલ મમ્મી મારી બસ છુટી જશે. મને બસ સ્ટોપ સુધી મુકવા આવે છે કે હું એકલો જતો રહું ?"

હકીકતમાં વત્સલને પગમાં એટલુ ખાસ વાગેલુ હતુ નહિ. હેતલને દુખતુ હતુ પેટ અને કુટી રહી હતી માથુ. એની પરવરિશ વિભક્ત કુટુંબમાં થઈ હતી. તેણી પરણીને રવિનાં ઘરે આવી હતી ત્યારથી તે રવિ સાથે અલગ રહેવાનાં સપના જોઈ રહી હતી.

હેતલનાં લગ્નથી અત્યાર સુધી એ અલગ થવા માટે કોઈને કોઈ નાના મોટાં બહાના શોધતી રહેતી અને હર વખતે એનાં આવાં બહાનાં પર પાણી ફરી વળતું હતું. પારુલ કપડાં સુકવીને નીચે આવી પહોંચી હતી.

"વત્સલને કાંઇ થયું નથી તો આવી બુમાબુમ પાડે એમાં તું સારી લાગી રહી છે !" પારુલે ખાલી બાલ્ટી આંગણાની ચોકડીમાં મુકતાં હેતલને સમજાવી.

"મમ્મીજી, વત્સલને કાંઈ થયું નથી પણ કદાચ એને માથામાં લાગી ગયુ હોય અને એ ક્ષણે એને હેમરેઝ..."

હેતલ આગળ બોલવાં જતી હતી ત્યાં જ દલપતદાદા વચ્ચમાં બોલ્યાં, "હેતવહુ, તમારી જીભને કાળોતરો કેમ કરડી જતો નથી ? તમારી ઈચ્છા તો આ ઘરથી અલગ થવાની રહી છે. અલગ થવાં માટે તમે તમારાં એકનાં એક દીકરાં માટે આવી અમંગળ કલ્પના કરતા જરાય તમારું કાળજું કંપાતું નથી ?" વત્સલ વિશે અમંગળનો વિચાર હેતલનાં મગજમાં આવતાં દલપત દાદાનું લોહી ઊકળી ગયું.

"તમે દાદાજી મૂંગાં રહો. એ તો મારાં માતા પિતાએ સારાં સંસ્કાર મને આપેલાં છે કે હું મારાં સાસુ સસરાની સાથે દાદા સસરાને પણ સાચવીને બેઠી છું."

"હેતલ, હું બોલી રહી નથી તો એ ના વિચારતી કે તારી હર હરકત હું નજરઅંદાજ કરી રહી છું. દાદાજીને તું સાચવે છે કે તારી કડવી વાણીને દાદાજી સહન કરતાં આવ્યાં છે ! દાદાજીએ વર્ષોથી આ પરિવારને એક કરીને બેઠાં છે. આ ઘર એમનુ છે અને એમનુ રહેશે. તું અમને બધાને સાચવીને બેઠી નથી પણ દાદાજી ચુપચાપ તારાં સ્વભાવને સહન કરતાં પરિવારનાં મોતીને એક માળામાં પરોવીને બેઠાં છે. દાદાજી એ માળાની ગાંઠ છે. જ્યારે એ ગાંઠ તુટી જશે ત્યારે માળાની અંદરનાં દરેક મોતી છુટાં પડીને વેરવિખેર થઈ જશે. તું ગમે એટલાં પ્રયાસો કરી લે. એ ગાંઠને તોડવાનો તું ગમે એટલો પ્રયત્ન કર પણ તોડી નહિ શકે."પારુલ હેતલ પર તાડુકી ઊઠ્યાં. 

"દાદીમાં, મને બસ સ્ટોપ સુધી મુકવા આવો. મારી બસ ચુકાઈ જશે."

વત્સલનાં કહેવાથી પારુલ સાડીનો છેડો સરખો કરીને વત્સલને બસ સ્ટોપ પર મુકવાં જતી રહી. હેતલ દલપત દાદા પર છણકો કરતી રસોડાં તરફ જતી રહી. દલપત દાદાએ એક ઊંડો નિસાસો નાખીને સોમનાથ દાદાનુ નામ લેતા એમની મૂળ જગ્યાએ જતા રહ્યા.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"