Aekant - 7 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 7

Featured Books
Categories
Share

એકાંત - 7

પારુલ સોમનાથ દાદાને પ્રાર્થના કરીને સુઈ ગઈ એ આશાએ કે સોમનાથ દાદા આ પરિવારનાં બે ભાગ ના કરે. સાસુનાં વિરુધ્ધ વિચારોની સાથે હેતલે સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે, એ વહેલી તકે આ ઘરથી અલગ થઈને પોતાનું એક અલગ ઘર બનાવે. જોકે પારુલ અને હેતલની વાતોથી સવારે પ્રવિણ અને રવિનો નવો ફેસલો શું જણાવશે? એની જાણ એમણે સોમનાથદાદાને પણ થવાં દીધી ન હતી.

વહેલી સવારે કુકડાનાં કુકડે કુકની સાથે પરિવારનાં એક પછી એક સભ્યો જાગી ગયાં હતાં. દલપતદાદા એમની લાકડી લઈને પાસે રહેલાં મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા.વત્સલે મંદિરે જાવાની જીદ્દ કરી તો એ એને સાથે લેતા ગયા.

પ્રવિણ અને રવિ એમનાં રુમમાં પોતાનાં કામ પર નીકળવાની તૈયારીઓમા લાગેલા હતા.આ તરફ પારુલ બન્ને પિતા પુત્રના નાસ્તાની તૈયારીઓમાં વ્યસ્ત હતી અને હેતલ તે બન્નેનાં ટીફીન પેક કરવાની વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં ઘડિયાળનાં કાંટે કામ કરી રહી હતી.આ કામોમાં મગ્ન બન્ને સાસુ અને વહુનાં મગજમાં રાત્રે એમનાં પતિદેવ પાસે કરેલી વાતો યાદ હતી.તેઓએ એમને કહ્યું હતું કે  સવારે દરેકનાં હિતમાં સૌ સભ્યોન વચ્ચે ફેસલો જણાવશે.એવી ધરપત આપીને સુઈ ગયા હતા.

પ્રવિણ એના રુમમાંથી નીકળીને નાસ્તો કરવા બેસી ગયો.રવિને આવવાની વાર થતા એણે હેતલને રવિને નાસ્તા માટે બોલાવી આવવા માટે મૂકી દીધી.હેતલનાં ગયાં પછી પારુલની ધીરજ કાબૂની બહાર જતી રહી. 

"તમને મે ગઈ રાત્રે હેતલની વાત કરી હતી.તમે કહ્યું હતું કે સવારે તમે કોઈ ફેસલો જણાવશો તો તમારો શુ ફેસલો છે?હું તો હજી કહું છું કે હેતલ નાની છે.એ એકલી ઘર અને વ્યવહારને સાચવી નહિ શકે.તમે એને આ ઘરથી અલગ થવાની મનાઈ કરી દેજો."

પારુલે એની વાત એકલાં નાસ્તો કરવાં બેઠેલ પ્રવિણને કરી.પ્રવિણ એનો ગમછો ચહેરા પર સરખો રાખીને પારુલની સામે જોયું. 

"ગઈ રાત્રે મે તને એ પણ કહ્યું હતું કે, મારો જે કોઈ ફેસલો હશે એ હું પરિવારનાં દરેક સભ્યોની વચ્ચે જ જણાવીશ.હેતલ અને રવિને પહેલાં અહીં આવવા દે.પિતાજીને પણ તું અહીં બોલાવી લે."

"પિતાજી વહેલી સવારે મંદિરે જવા નીકળી ગયા છે.ઘણી વાર લાગી છે.હવે એમનો આવવાનો સમય થઈ ગયો છે.ત્યાં સુધી તમે નાસ્તો કરી લો."

પારુલે પ્રવિણને ચાય અને ખાખરાનો નાસ્તો એની સામે ધરી દીધો.એવામાં હેતલ રવિને બોલાવીને લઈ આવી.
પ્રવિણની સાથે રવિ નાસ્તો કરવા બેસી ગયો તો એને પણ નાસ્તો કરવા આપી દીધો.પ્રવિણ અને રવિ બન્નેમાંથી બોલવાની શરુઆત પહેલા કોણ કરશે એ જાણવાની તાલાવેલી બન્ને સાસુ અને વહુને લાગી આવી.નાસ્તો કરીને આખરે રવિને એનું મૌન તોડવું પડ્યું. 

"પપ્પા મારી ઈચ્છા છે કે હવે આ ઘર અમારે રહેવા માટે નાનુ પડે છે.હું હેતલ અને વત્સલ સાથે અલગ રહેવાં માંગું છું.આજથી કોઈ સસ્તુ ભાડાનું મકાન મળે તો શોધવાનું ચાલું કરી દઉં."રવિ આંખોની નજર ફેરવતા પ્રવિણની સામે આટલુ માંડ બોલી શક્યો.

"તારા જીવનના આટલાં વર્ષોમાં કોઈ દિવસ તને આ ઘર નાનુ પડ્યું નહિ અને એક રાતમાં તને આ ઘર હવે નાનું પડવા લાગ્યું!"

"સોરિ પપ્પા પણ પહેલાં આપણે ચાર સભ્યો હતા અને હવે છ સભ્યો થઈ ગયા છીએ.ખાસ તો હુ વત્સલની સલામતી માટે આ ઘરથી અલગ થવા માગુ છુ."

"તને એવુ લાગે છે કે વત્સલ આ ઘરમાં સલામત નથી! વત્સલને આ ઘરમાં રહેવાથી કોઈ તકલીફ નથી.ઉલ્ટાનો એ આ ઘરમાં બહુળા સભ્યો વચ્ચે ખૂબ સારી રીતે સચવાય જાય છે."પ્રવિણે એની વાત રજુ કરી.

"જો વત્સલ આ ઘરમાં સલામત હોય તો એ ગઈ કાલે આંગણામાં પડી ના ગયો હોત.એ તો સોમનાથ દાદાની આપણા પર કૃપા કે એને પગમાં લાગ્યુ.જો એને માથામાં લાગી ગયુ હોત તો આપણે લોકો મુશીબતમા મુકાઈ જાત."

"હવે તું તારી વહુની ભાષા બોલતાં શીખી ગયો.એ જે શબ્દો ગઈ કાલે કહ્યાં એ શબ્દો તું આજે કહી રહ્યો છે."પારુલ વચ્ચમાં બોલી.

"મમ્મીજી એમાં તમે મને વચ્ચમાં કેમ લઈ આવો છો?તમારાં દીકરાને જે યોગ્ય લાગ્યું એ જ કહી રહ્યાં છે.તમને દરેક વાતમાં હું જ ખોટી લાગું છું. હવે એમ કહેશો કે અલગ થવાં માટે તમારાં દીકરાંને મે દબાણ કરેલું છે."

"એમાં મારે કહેવાનું આવતું નથી.અમારી નજરોની સામે જ છે.તારી અલગ થવાની ઈચ્છા છેલ્લાં કેટલાંય મહિનાઓથી છે.તે જ રવિને અલગ થવાં માટે ઉશ્કેર્યો છે."

રવિની કહેલી વાત એક તરફ રહી.પારુલ અને હેતલ વચ્ચે તુ.. તુ.. મે.. મે..ચાલું થઈ ગઈ.

"રવિની માં આ બધું શું છે?આવી રીતે નાની વાતમાં રોકઝોક કરવી એ જ હવે આ ઘરનાં સંસ્કાર રહી ગયાં છે.હેતલ વહુ તારાંથી નાના છે.એની કોઈ ભૂલ હોય તો તું એની માંની જગ્યા છો.તારે એને સમજાવાય.આવી દલીલ કરવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી."પ્રવિણે રવિ સામે જોયુ,"રવિ મે પણ ગઈ રાત્રે એક ફેસલો કર્યો હતો કે સવારે ઊઠીને બધાં સામે જણાવીશ."

"કેવો ફેસલો પપ્પા!"

"એ જ કે તમને બન્નેને આ ઘરથી અલગ કરી દઉં.આ વર્ષે હું પણ રિટાયર્ડ થવાનો છુ.મારી બચતમાંથી તમને રહેવા માટે એક ફ્લેટ બુક કરવાનુ વિચારી લીધું હતું. હવે મને એવું લાગે છે કે તમને બન્ને આ ઘરથી અલગ કરશું તો એ મારી બહું મોટી મૂર્ખામી કહેવાશે.તમને આ ઘર નાનુ લાગે કે આ ઘરમાં રહેવુ ગમે નહિ તે છતાં તમારે આ ઘરની અંદર જ રહેવું જોશે.આ મારો છેલ્લો નિર્ણય છે."

"પપ્પા અમે આ ઘરમાં રહેશું તો રોજ રોજ આ ઘરમાં નાની નાની વાતમાં ઝઘડાઓ થશે.એક તો મારે કામનું એટલું ટેન્શન હોય અને ઉપરથી સાંજે ઘરે આવું તો હેતલની ઘરની અંદર થયેલ રામાયણ સાંભળીને માથુ ભારે થઈ જાય.પપ્પા હું આ એક મારા સ્વાર્થ માટે કહી નથી રહ્યો.અમે અલગ થઈ જશુ તો તમને,દાદાને અને મમ્મીને માનસિક શાંતિ એટલી રહેશે."

"રવિ એ કારણે હું તમને બન્નેને અલગ કરવા ઈચ્છુ છુ પણ હેતલ વહુનું આજનું વર્તન જોઈને મને એવું લાગી રહ્યું છે કે એમને સંયુક્ત કુટુંબમાં રહીને શિષ્ટાચાર શિખવવાની જરુર છે."પ્રવિણે ચોખવટ કરી.

"પપ્પાજી તમે આ જુનાં ઘરની હાલત જુઓ.ખંડેર જેવું ઘર બની ગયું છે.ઈમોશનલિ રીતે નહિ તો પ્રેક્ટીકલિ તો તમે વિચારો.ગઈ કાલે વત્સલ સાથે કોઈ મોટી ઘટના પણ બની શકી હોત."

હેતલ લગ્ન કરીને પ્રવિણનાં ઘરે આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલી વાર પ્રવિણનાં શબ્દોનો વિરોધ્ધ કરતાં વચ્ચમાં બોલી ઊઠી હતી.દલપત દાદા હરહંમેશ ઘરમાં હેતલની સામે જ રહેતાં હતાં. ક્યારેક દલપત દાદાને પોતાનાં દાદા માનીને ઊંચાં અવાજે કહી દેવામાં અચકાતી નહિ પણ પ્રવિણ માટે હેતલને શરુઆતથી માન રહેતું.એણે વચ્ચમાં બોલીને પ્રવિણનાં કહેલાં શબ્દોનું અપમાન કર્યુ હોય એવું પારુલને લાગ્યું. જોકે પારુલ હેતલને કશું કહી ના શકી.એનો ચહેરો ઘણો બધું કહી જતો હતો.જે ચહેરાને સૌની વચ્ચે પ્રવિણ જ વાંચી શક્યો.

"હેતલ વહુ તમારી દરેક વાત સાચી છે.આ ઘર તમને ખંડેર લાગતું હતું પણ આ ઘરમાં મારો જન્મ થયો છે.મારો અને રવિનો  આ ઘરમાં ઉછેર થયો છે.વત્સલ આપણાં બધાનો જીવ એણે પણ આ ઘરમાં જન્મ લીધો છે.આ જુના ઘરથી તમને સમસ્યા છે તો આવતી કાલે આપણે આ ઘરનું રિનોવેટ કરાવી લેશું.આંગણામાં લેટેસ્ટ ટાઈલ્સ નખાવી દેશું.હવે તો તમે ખુશ છો?"પ્રવિણે હેતલને સમજાવી.

"પપ્પાજી આ ઘરમાં મને ગુંગળામણ થાય છે.મારે અલગ રહેવાં જાવું છે. "હેતલે એનાં ફેસલાથી અડગ હતી.

"હેતલ વહુને આ ઘરમાં ગુંગળામણ થતી હોય તો આપણે જબરદસ્તી આ માળામાં એમને રાખી શકીએ નહિ.એમને જે યોગ્ય લાગે એમ કરવાં દો.એ આ ઘરથી અલગ થવાથી ખુશ હોય તો એમને રોકવાથી કોઈ ફાયદો નથી."જે દિશા તરફ અવાજ આવ્યો એ તરફ સૌની નજર એકત્ર થઈ ગઈ.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"