ઘરની અંદર સવારથી પ્રવિણ અને રવિની ગેરહાજરી બાદ માહોલ ગરમ થઈ ગયો હતો. એ અસર રાતનાં જમણવાર સુધી ઘરની ચાર દિવાલોમાં નજરકેદ હતી. પારુલ અને હેતલ એકબીજાને બોલાવ્યાં વિના પ્રવિણ અને રવિની થાળીમાં જમવાનું પીરસી રહ્યાં હતાં.
પ્રવિણ રવિની વાત સાંભળીને એક નજર પારુલ અને હેતલ પર કરી લીધી. તેઓ બન્ને મૂંગે મોઢે એકબીજાની સામે જોયાં વિના તેની અને રવિની થાળીમાં એક પછી એક જમવાનું પીરસી રહ્યાં હતાં.
"લાગે છે કે આજ રવિના ઓફીસની સ્ટ્રાઈક ઊડતી ઊડતી ઘર સુધી આવી ગઈ છે. અત્યારે કાંઈ બોલવું નથી નહિતર ભૂખ્યું રહેવું જોશે." પ્રવિણ મનમાં વિચાર કરીને જમવાની શરુઆત કરી.
"પિતાજીએ જમી લીધુ છે?" પ્રવિણે જમવાનો એક કોળિયો ગળેથી ઊતારીને પારુલ સામે જોઈને પુછ્યું.
"હા, તેમને તો સાંજે જ પહેલાં જમાડીને સુવડાવી દીધાં છે. આજ એમની તબિયત થોડીક નરમ હતી તો વહેલા સુઈ ગયા છે. આમ પણ તેમને રોજ સવારે વહેલા ઊઠીને મંદિરે જવાની ટેવને કારણે એ વહેલા સુઈ જાય છે." અત્યાર સુધી ચૂપ થઈને કામ કરતી પારુલે બોલવાનું ચાલું કર્યું તો જાણે એક વર્ષ સુધી ના બોલી હોય તેમ એક સાથે બધું બોલી નાખ્યું.
"હમ્મ..મારી શંકા સાચી પડી. કંઈક તો ઘરમાં એવું થયું છે, જેને લીધે પિતાજીની તબિયત નરમ ગરમ થઈ ગઈ." મનમાં વિચાર કરીને પ્રવિણ સ્વગત બોલ્યો, "પિતાજીની આ ઉંમરમાં હવે તબિયત આવી જ રહેવાની છે. વધુ તબિયત ખરાબ લાગે તો સવારે આપણા ફેમિલી ડૉકટરને બોલાવીને ચેકઅપ કરાવી લેજે."
પ્રવિણનાં કહેવાથી પારુલે હકારમાં માથુ હલાવ્યું. હેતલે વત્સલને રવિ સાથે જમાડી દીધો. જમીને પ્રવિણ એની રોજની ટેવ મુજબ વત્સલને લઈને પાનના ગલ્લે પાન ખાવા જતો રહ્યો. એ બહાને વત્સલને કોઈ મુખવાસ મળી જતો. રવિ તેના રૂમમાં લેપટોપથી તેના બિઝનેસનું કામ કરવા જતો રહ્યો.
એ લોકોનાં ગયાં પછી પારુલ અને હેતલ ચૂપચાપ તેમનું જમવાનું પૂરું કરીને વધારાનું કામ પતાવી લીધું. એવામાં વત્સલ પ્રવિણ સાથે પાછો આવતાં કામ પતાવીને હેતલ વત્સલને એનાં રૂમમાં સુવાં માટે જતી રહી. પારુલ અને પ્રવિણ પણ તેમનાં રુમ તરફ આરામ કરવાં માટે જતાં રહ્યાં.
અત્યાર સુધી મૂંગે મોઢે કામ કરતી હેતલ રૂમની અંદર જઈને રવિ સામે મન ફાવે તેમ બોલવાં લાગી, "તમારે તો સવારે ટીફીન લઈને નીકળી જવું છે. પછી મારે જ આ ઘરનું પૂરું કામ કરવાનું હોય છે. એક તો ઘરનાં કામ કરવાં ઘરનાં સભ્યોને સાચવવા તો પણ હું દરેક લોકોની સામે ખરાબ બનું છું."
રવિને જોતાં વત્સલને સુવડાવીને હેતલે રડવાનું નાટક ચાલું કર્યું.
"હવે કઈ નવી મહાભારત ચાલું થઈ છે તો આમ રડવાં બેઠી છે. યાર, તમારે પૂરાં દિવસનું કામ જ શું હોય છે ? સવારે કચરા - પોતા કરીને કપડાં ધોવાં, બપોરની રસોઈ કરવી, જમીને સુઈ જાવું. ત્યારબાદ સાંજનાં સાત વાગ્યા સુધી તમે ફ્રી જ રહો છો. તે છતાં ઘરનાં કામો કરવામાં આટલું બધું બોલવું વ્યાજબી છે ?" રવિએ લેપટોપ પરથી ધ્યાન હટાવીને હેતલ સામે જોયું.
"હું કામ કરતાં થાકતી નથી. થાકી જાઉં તો રોજ રોજની વાતો સાંભળીને. તમે એક દિવસ ઘરે રહો તો ખબર પડે કે ઘરમાં દરેકનાં અલગ વિચારોની સાથે રહેવું કેટલું અઘરું પડે છે !" હેતલ પડતું મુકવાં માટે તૈયાર હતી નહિ.
"તમારાં સ્ત્રીઓનાં જે પ્રોબ્લેમ હોય એ તમે અંદરોઅંદર પતાવી લેતાં જાવ. તારે મન તો જાણે કે, હું ટેન્શન વગર જ જન્મ્યો હોઉં. એક તો મારો નવો નવો બિઝનેસ છે. મારું પૂરું ફોકસ બિઝનેસનો ગ્રોથ વધારવાનો છે. સવારથી લઈને સાંજે ઘરે પરત ફરું છું ત્યાં સુધી મારે શ્વાસ લેવાનો સમય રહેતો નથી. તમારે લોકોને ખાલી સરળતાથી કહી દેવું છે કે હું સવારે ઘરેથી નીકળું છું અને સાંજે પાછો આવું છું. આ પૂરો દિવસ ઘર માટે થઈને હું કેટલો ટેન્શનમાં રહેતો હઈશ. જે કાંઈ કરું છું એ તારાં અને આપણાં દીકરાં વત્સલનાં સારાં ભવિષ્ય માટે જ તો કરી રહ્યો છું. ઘરની બહાર નીકળીને હું કોઈ અય્યાશી કરતો નથી કે તું આટલું બોલે છે." રવિએ પૂરાં દિવસનું બિઝનેસનું ટેન્શન હેતલ પર ગુસ્સો કરતાં ઓછું કરી નાખ્યું.
રવિએ થોડાંક ઊંચાં અવાજથી વાત કરતાંની સાથે હેતલ રડવાં લાગી. તેની કોઈ વાત રવિને અસર થવાની હતી નહિ, એ હેતલને નક્કી થઈ ગયું હતું. આથી સ્ત્રીઓ પાસે આંખમાંથી આંસુ વહેડાવીને પુરુષો પાસે પોતાની મનમાની કરવાં માટે છેલ્લાં હથિયારનો ઉપયોગ કર્યો. આમ પણ પુરુષો યુગોથી સ્ત્રીઓનાં આંસુ જોઈને હંમેશા વિવશ બનતો આવ્યો છે. રવિ તો સાધારણ માનવી હતો.
"મારાં તો માંગા તો કલેક્ટરના દીકરા સુધીનાં આવતાં હતાં. મારાં પેરેન્ટ્સે તમારાં દાદા અને તમારાં પપ્પાના સારાં સંસ્કાર જોઈને મને તમારી સાથે પરણાવી. મારાં નસીબ મને અહીં સુધી લઈ આવ્યાં. બાકી બીજાનાં પતિ તો એમની પત્નીનો પડ્યો બોલ ઝીલે એવાં છે. મારી પૂરી વાત સાંભળ્યાં વિના મને જેમ આવે તેમ બોલવાં લાગ્યાં. હું આ ઘરમાં તમારાં વિશ્વાસે આવી છું. પરિવારનાં કોઈ સભ્ય મારી સાથે નથી પણ મને એવી આશા હતી કે તમે મને સમજશો અને તમે મારો સાથ આપશો. અહીં તો તમે..." હેતલ વાક્યને અધુરું મુકીને રડવાં લાગી.
રવિ હેતલનાં આંસુ જોઈને થોડો ઢીલો પડી ગયો. એણે તેનાં લેપટોપનું શટર ડાઉન કરી દીધું. તેણે ગ્લાસમાં પાણી લઈને હેતલ પાસે જઈને પીવડાવ્યું. પાણી પીને હેતલ થોડીક શાંત થઈ ગઈ.
"જો હેતલ, મારે અનેક ટેન્શન હોય. કદાચ ટેન્શનને કારણે તારાથી ઊંચાં અવાજથી વાત કરી લીધી હોય તો આટલું દુઃખ લગાડવાની જરુર ના હોય. ચાલ, આપણે બારી પાસે જઈને વાત કરીએ. વત્સલ સુઈ ગયો છે તો તેની ઊંઘ ખરાબ થશે."
રવિએ હેતલનાં ગાલ પરનાં આંસુ સાફ કરીને રૂમની એક તરફ બારીની પાસે ગોઠવેલ બે ખુરશી પર જઈને બન્ને બેસી ગયાં.
પ્રવિણ તેના રૂમની અંદર ડ્રેસીંગ ટેબલ પાસે ગયો. તેનાં ચહેરા પર ગમછો લગાવેલો હતો એ એણે તેના ચહેરાથી અલગ કર્યો. જમણા ગાલ પરનો દાઝેલો ઘા સમયની સાથે કાળો થઈ ગયો હતો પણ એ ઘાવની વેદના એટલી તાજી હતી કે પ્રવિણના હૃદયમાં હજુ દઝાડી રહી હતી. બેડની એક સાઈડ તકિયાને ઊભો કરીને પીઠને ટેકો આપીને બેસી ગયો. આંખો બંધ કરીને એ કાંઈક વિચારવા લાગ્યો.
પારુલ પ્રવિણની પાસે આવીને પૂછવાં લાગી, "પૂરો દિવસ નોકરીનું કામ કરીને આવો છો. તે છતાં પૂરાં મહોલ્લાને તમારા થાકનો અહેસાસ કરાવતા નથી અને એમની પાસે સારાં નરસાં ખબર અંતર પૂછો છો. દરેકની સાથે હસી મજાક કરો છો. રોજ સાંજે પાન ખાવાનાં બહાને વત્સલને ગામની બજારની સવારી કરાવો છો. ત્યાં સુધી તમને થાક લાગતો નથી. જેવાં આ રૂમની અંદર આવો છો કે કશું બોલ્યાં વિના આંખ બંધ કરીને શાંત ચિત્તે બેસી જાવ છો !"
પારુલ બોલી પણ તે છતાં પ્રવિણે મૌનનું એકાંત જ પસંદ કર્યું. થોડીક વાર પછી પારુલે ફરી પ્રવિણનો હાથ પકડીને પોતાનાં સવાલનો જવાબ માંગ્યો. પ્રવિણે તેની આંખો ખોલી. તેણે પારુલની આંખોમાં આંખો પરોવી. બન્ને પતિ પત્નીનાં લગ્નને વર્ષો થઈ ચુક્યાં હતાં. આટલાં વર્ષોમાં હજું કાંઈક ખૂટી રહ્યું હોય એવો ભાસ પ્રવિણને પારુલની આંખોમાં દેખાયો. તેણે પારુલના સવાલની અવગણા કરી અને એક નવો સવાલ પ્રવિણે પારુલની સામે ધરી દીધો.
"તને શું લાગે છે કે, વ્યક્તિ પૂરો દિવસ કોઈ પણ થાક વગર બહારનું કામ કરી જાણે છે અને એના મિલનસાર સ્વભાવને કારણે દરેકમાં હળીમળીને રહેનારો એની પત્ની સામે કેમ મૌન થઈ જાય છે ?"
પ્રવિણે પૂછેલાં સવાલનો જવાબ પારુલને શું આપવો? તેનો ઘણો વિચાર કર્યો. તેણે તેનાથી બનતો ઘણો પ્રયાસ કરીને મગજ પર જોર લગાવ્યું. પણ તેને એ સવાલનો જવાબ ના મળતાં પ્રવિણ સામે દિલગીરી વ્યક્ત કરી અને એ સવાલનો જવાબ ખુદ પ્રવિણ આપે એવી આજીજી કરી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"