ગર્ભપાત - ૧૫
( નોંધ:- આ સ્ટોરી દ્વારા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી એવો કોઈ ઈરાદો નથી. જો સ્ટોરીમાં એવો કોઈ ઉલ્લેખ આવશે તો એ માત્ર વાંચકોના મનોરંજન માટે હશે.)
મમતાબા જાણી ગયા હતાં કે ઢીંગલીના રૂપમાં રહેલી કંચનને પોતાની દિકરી સોનલ સાથે લગાવ થઈ ગયો છે. આ લગાવ આગળ જતાં કોઈ મુશ્કેલી ન સર્જે તે માટે તેનો કોઈ ઉપાય તાત્કાલિક કરવો જરૂરી હતો. બહુ વિચાર્યા બાદ મમતાબાને એક નામ આંખો સામે તરી આવ્યું. એ નામ હતું પંડિત દિનાનાથ. પંડિત દિનાનાથ તેમના પરિવારના રાજ પૂરોહિત હતા.
મમતાબાએ બિજા દિવસે જ પંડિત દિનાનાથને મળવા જવાનું નક્કી કર્યું. સવારે મમતાબાએ સાવિત્રીને હવેલીનું તમામ કામકાજ તેમજ સોનલનું ખાસ ધ્યાન રાખવાનું કહી પોતે પંડિત દિનાનાથને મળવા માટે નિકળી પડ્યા.
પંડિત દિનાનાથ નજીકના ગામ સુરજપુરમાં રહેતા હતા. પોતે જ્યારે પરણીને છત્તરપુર આવ્યાં હતાં ત્યારે આગળની તમામ વિધિઓ પંડિત દિનાનાથે કરી હતી. પંડિત દિનાનાથની આંખોમાં એક દિવ્ય તેજ હતું જે કોઈને પણ તેમની તરફ આકર્ષિત કરતું હતું. જ્યારે લગ્ન બાદ તેઓ પ્રતાપસિંહ સાથે તેમના આશીર્વાદ લેવા માટે સૂરજપુર ગયાં હતાં ત્યારે પંડિત દિનાનાથે કહેલું કે, " દિકરી, તે નાની ઉંમરથી જ પુખ્તવયના મનુષ્ય જેટલી સમજણ કેળવી છે. દૈવી શક્તિઓની હંમેશા તમારા પર કૃપા રહેશે. "
આખા રસ્તે મમતાબા વિચારોમાં ખોવાયેલા રહ્યા. બે કલાકની સફર બાદ તેઓ સૂરજપુર પંડિત દિનાનાથના નિવાસ સ્થાને આવી પહોંચ્યા. એકદમ સાદાઈ ધરાવતું નિવાસસ્થાન ગાયના છાણથી લિપેલી સુંદર ભાતથી વધુ સુંદર લાગી રહ્યું હતું.
તેઓ જેવા ડેલીમા પ્રવેશ્યાં કે તરત જ સામે એક વંદનીય ચહેરો જોવા મળ્યો. સફેદ વસ્ત્રોથી સજ્જ, કપાળમાં ચંદનનું તિલક, હાથમાં તુલસીની માળા ધારણ કરેલા પંડિત દિનાનાથ જાણે મમતાબાની જ પ્રતિક્ષા કરી રહ્યા હોય એમ લાગ્યું.
મમતાબાએ પંડિત દિનાનાથના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. પોતે પંડિત દિનાનાથ માટે લાવેલ ભેટ સોગાદો અર્પણ કરી. પંડિત દિનાનાથે મમતાબા માટે બેસવાની વ્યવસ્થા કરી.
" તમારા ચહેરા પરના હાવભાવ અને કપાળની રેખાઓ જોતાં એવું લાગે છે કે તમે કોઈ ખાસ પ્રયોજનથી અહીં આવ્યા હોય એવું લાગે છે. " પંડિત દિનાનાથે મમતાબાને ઉદ્શીને કહ્યું.
" ગુરુજી તમારી વાત સાચી છે. હમણાં ઘણાં સમયથી અજીબ બેચેની રહે છે. કોઈ આત્મા આપણી રક્ષા કરે એ વાત તો ઠીક છે પરંતુ ત્યારબાદ એ આત્મા તમારા અંતેવાસીઓ સાથે જોડાયેલી રહે એ ઉચિત નથી. બસ એના નિરાકરણ માટે આપની પાસે આવવું પડ્યું છે. તમે જ કોઈ માર્ગ બતાવો જેથી હું મારી દિકરીનું ભવિષ્ય સુધારી શકું. " મમતાબાએ પ્રત્યુતરમાં કહ્યું.
" કોઈ આત્મા હંમેશા માટે જો તમારી સાથે જોડાઈ રહેવા માંગતી હોય તો એ તમારી આવનારી પેઢી માટે પણ ખતરો સાબિત થઈ શકે છે. તમે જે આત્માની વાત કરો છો એ જો તમારી દિકરી સાથે લગાવ રાખવા માંગતી હોય તો એ નક્કી તમારી સાથે લોહીનો સંબંધ ધરાવે છે. મને એના વિશે વિસ્તાર પૂર્વક જણાવો. " પંડિત દિનાનાથે મમતાબાને એ આત્મા વિશે જણાવવા કહ્યું.
પંડિત દિનાનાથની વાત સાંભળીને મમતાબાએ પોતાની બહેન કંચનની સમગ્ર હકીકત જણાવી. કેવી રીતે તેનું કમોત થયું, પોતાનો ગર્ભપાત કરાવી નાખવો, માહિબા અને ડો. ધવલ દવેની હત્યા, પ્રતાપસિંહનો અકસ્માત આ બધા સાથે કંચન જોડાયેલી હતી. હવે પોતાની દિકરીના જન્મ બાદ તેની આસપાસ રહ્યા કરે છે એ સમગ્ર હકીકત જણાવી.
મમતાબાના મોઢેથી કંચન વિશેની સમગ્ર હકીકત જાણ્યા બાદ પંડિત દિનાનાથે થોડીવાર માટે પોતાની આંખો બંધ કરી. જાણે કોઈ ભૂત અને ભવિષ્યની જટિલ ઘટનાઓ જોતા હોય એમ એની મુખમુદ્રા પરથી લાગી રહ્યું હતું. પંદર - વીસ મિનિટ સુધી આંખો બંધ કરીને ધ્યાન કર્યા બાદ તેમણે પોતાની આંખો ખોલી અને ચિંતિત સ્વરે મમતાબાને કહ્યું.
" આ આત્મા કંચનનો નહીં પણ તમારી ગર્ભમાં મૃત્યુ પામેલી દિકરીનો છે. જે તમારી દિકરી સાથે રહેવા માંગે છે. એની સાથે આત્મીયતા કેળવવા માંગે છે. "
" પરંતુ ગુરુજી એ કેવી રીતે સંભવ છે? જે ઢીંગલીમાં કંચનનો આત્મા હતો એ ઢીંગલી સ્વરૂપે આ બીજી આત્મા! " મમતાબાએ ચિંતિત સ્વરે કહ્યું.
" કંચનના ગયા બાદ એ ઢીંગલીમાં એણે પોતાને ઢાળી લીધી છે. એ બોલી પણ શકે છે. તમારી દિકરીને એની તરફ આકર્ષિત કરી શકે છે. જેમ જેમ સમય પસાર થતો જાય એમ તમારી દિકરી એક કાલ્પનિક વ્યક્તિને પણ સત્ય માની એની સાથે જીવવા મજબૂર બનશે. " પંડિત દિનાનાથે એ આત્માની હકીકત જણાવતાં કહ્યું.
પંડિત દિનાનાથની વાત સાંભળીને મમતાબાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમણે આવું થશે એનું થોડું ઘણું અનુમાન કર્યું હતું પરંતુ હવે સમગ્ર હકીકત જાણીને તેમને એક અજીબ પ્રકારનો ભય સતાવવા લાગ્યો.
" ગુરુજી! મારા ગર્ભમાં એક દિકરી મૃત્યુ પામી છે પરંતુ એ આત્મા સ્વરૂપે મારી જીવિત દિકરી સાથે રહેવા ઈચ્છે તે તો શક્ય નથી ને! આના માટે તમે કોઈ ઉપાય બતાવો જેથી એના આત્માને શાંતિ મળે અને એ ચાલી જાય. " મમતાબાએ પંડિત દિનાનાથને હાથ જોડતાં કહ્યું.
" ઉપાય તો છે પરંતુ તે એકદમ કઠીન છે અને એ કરવું સરળ નથી. એના માટે તંત્ર સાધનાની આવશ્યકતા રહે છે અને જ્યારે તંત્ર સાધના કરવામાં આવે ત્યારે એ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. " પંડિત દિનાનાથે મમતાબાને ચેતવતા કહ્યું.
" હું મારી દિકરી સોનલ માટે અને એના ભવિષ્ય માટે કંઈપણ કરવા તૈયાર છું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા હું તૈયાર છું. " મમતાબાએ અડગ સ્વરે કહ્યું.
" તમારી હિંમત અને મનોબળ ઉપર મને કોઈ શંકા નથી પરંતુ હું તમારા ભવિષ્ય અંગે ચિંતિત છું. મને તમારી ચિંતા થઈ રહી છે. " પંડિત દિનાનાથે મમતાબા સામે જોઈને કહ્યું.
" મારા ભવિષ્ય અંગે?? હું કંઈ સમજી નહીં ગુરુજી. મને જે હોય તે સત્ય વાત જણાવો. હું કંઈપણ કરવા તૈયાર છું. " મમતાબાએ પ્રશ્નાર્થભાવે પંડિત દિનાનાથને કહ્યું.
" તમારા ગર્ભમાં જે દિકરી મૃત્યુ પામી છે એને ખરેખર જીવવાની ઈચ્છા હતી. જ્યારથી ગર્ભનો વિકાસ શરૂ થાય ત્યારથી જ તે ગર્ભમાં વિકસતા જીવમાં ઈશ્વરની કૃપાથી તેના મનમાં તેના જીવન અંગેની ઘટનાઓ આકાર લેતી હોય છે. તે ગર્ભમાં રહીને પણ સમજી શકે છે અને વિચારી પણ શકે છે. હકીકતમાં ગર્ભમાં રહેવાના સમયગાળા દરમિયાન તે પોતાના સમગ્ર જીવનનો ચિતાર મેળવી લેતું હોય છે.
તમારી ગર્ભમાં રહેલી દીકરીની ભૃણ હત્યા થઈ એટલા માટે તેની જીવવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. એ અકાળે મૃત્યુ પામેલો જીવ એક આત્મા સ્વરૂપે તમારી દિકરીમાં પોતાને જુએ છે. એની સાથે જીવવા માગે છે.
તમારી દિકરીથી એને દૂર કરવાનો એક જ ઉપાય છે. એ અકાળે મૃત્યુ પામેલા જીવને ફરીથી નવું જીવન આપવું. " પંડિત દિનાનાથે મમતાબાને એ આત્મા અંગે જણાવતાં કહ્યું.
પંડિત દિનાનાથની વાત સાંભળીને મમતાબાને નવાઈ લાગી. એમણે આશ્ચર્ય સાથે પંડિત દિનાનાથને કહ્યું. " પરંતુ ગુરુજી એક મૃત્યુ પામેલી દિકરીને ફરીથી કેવી રીતે જન્મ આપી શકાય? આ ખરેખર અશક્ય છે. "
" એના માટે એક રસ્તો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે એ ખૂબ જ જોખમી છે. તંત્ર સાધના દ્વારા એ શક્ય બની શકે છે. એ મૃત્યુ પામેલી દિકરીને તમારા પેટે ફરીથી જન્મ મળી શકે છે પરંતુ એવું કરવા જતાં એના પરિણામો ભયંકર આવી શકે છે. " પંડિત દિનાનાથે ઉપાય અંગે જણાવતાં કહ્યું.
" હું કંઈપણ કરવા તૈયાર છું ગુરુજી! હું એને મારા પેટે જન્મ આપી શકતી હોઉં તો હું જરુર જન્મ આપીશ. " મમતાબાએ કહ્યું.
" બેટા! હું એટલા માટે ચિંતિત છું કારણકે એવું કરવામાં તારા જીવનું જોખમ છે. એ આત્માને તારા પેટે નવું જીવન તો મળી શકે પરંતુ એ જીવનના બદલામાં એક જીવનનો અંત પણ થઈ શકે છે.
તંત્ર સાધના કરવી અને એના દ્વારા કોઈ પરિવર્તન કરવામાં આવે તો એ પરિવર્તનના સ્વરૂપે વિપરીત પરિણામો પણ ભોગવવા પડે છે. એ જ તંત્ર સાધનાનું સત્ય છે. હું તારા ભવિષ્ય અંગે એટલા માટે જ ચિંતા કરતો હતો. " પંડિત દિનાનાથે મમતાબાને જ્યારે આ જણાવ્યું ત્યારે મમતાબા સજ્જડ આંખોથી પંડિત દિનાનાથ સામે જોઈ રહ્યાં હતાં.
( વધુ આવતા અંકે )
મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી નમ્ર વિનંતી છે... તમે મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો....