Garbhpaat - 16 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગર્ભપાત - 16

Featured Books
Categories
Share

ગર્ભપાત - 16

ગર્ભપાત - ૧૬ 

     ( નોંધ:- આ સ્ટોરી દ્વારા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી એવો કોઈ ઈરાદો નથી. જો સ્ટોરીમાં એવો કોઈ ઉલ્લેખ આવશે તો એ માત્ર વાંચકોના મનોરંજન માટે હશે.)

     પંડિત દિનાનાથે મમતાબાને તંત્ર સાધના અંગેની હકીકત જણાવી અને એના દ્વારા મમતાબાના જીવનું પણ જોખમ છે એ અંગે તેઓ ચિંતિત છે. આ એકમાત્ર ઉપાય હતો જેના દ્વારા સોનલને મમતાબાની ગર્ભમાં મૃત્યુ પામેલી દિકરીના આત્માથી છુટકારો મળે તેમજ એ જીજીવિષા ધરાવતી આત્માને પુનઃ નવ જીવન મળે. 

    " આ એક અંત્યત જોખમી ઉપાય છે એટલા માટે હું તંત્ર સાધના કરવા માટે રાજી નથી. " પંડિત દિનાનાથે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું. 

  " જો મારી દિકરીનું ભવિષ્ય સુરક્ષિત રહી શકતું હોય તો હું આ જોખમ ખેડવા પણ તૈયાર છું, ભલે એમ કરવામાં મારા જીવનું જોખમ રહેલું હોય. " મમતાબાએ દ્રઢ પણે કહ્યું. 

    મમતાબાનો આ જવાબ સાંભળીને પંડિત દિનાનાથને પણ નવાઈ લાગી. એમણે મમતાબાની આંખોમાં જોયું તો એમને એક માની પોતાની દિકરી પ્રત્યેની અપાર લાગણી દેખાઈ. 

  " ગુરુજી! હું મારી એક દિકરી તો ખોઈ ચુકી છું પરંતુ હું મારી બીજી દિકરીને ખોવા નથી માગતી. તમે તંત્ર સાધના માટેની તૈયારી કરો. હું તૈયાર છું, આ મારો આખરી નિર્ણય છે. " મમતાબાએ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું. 

    " તંત્ર સાધના માટે મારે કૈલાસનાથની મદદ માંગવી પડશે. કૈલાસનાથ મારા મિત્ર છે અને એ એક અઘોરી છે. કૈલાસનાથ સ્મશાનમાં તંત્ર સાધના કરે છે. અહીંથી થોડે દૂર જ તેમનું નિવાસસ્થાન છે. આ કાર્ય માટે મારે એમને રાજી કરવા પડશે. " પંડિત દિનાનાથે મમતાબાને કૈલાસનાથ વિશે જણાવતાં કહ્યું. 
 
 " ઠીક છે હું પણ આવું છું તમારી સાથે, હું પણ એમને આજીજી કરીશ. " પંડિત દિનાનાથ સાથે જવા મમતાબાએ પણ તૈયારી દર્શાવી. 

   થોડીવાર પછી પંડિત દિનાનાથ અને મમતાબા તાંત્રિક કૈલાસનાથને મળવા માટે પગપાળા ચાલી નિકળે છે. સૂરજપુરની હદ વટાવ્યા બાદ આવેલા નિર્જન વિસ્તારમાં તાંત્રિક કૈલાસનાથનુ નિવાસસ્થાન આવેલું હતું. કોઈ પણ સામાન્ય માણસ દિવસે પણ જતાં ડરે એવા વેરાન વગડામાં કૈલાસનાથ પોતાની તંત્ર સાધના કરતા હતા. ઘણાં લોકો ભૂત, પ્રેત , ડાકણ જેવા પોતાના જીવનમાં નડતર રૂપ કિસ્સાઓ લઈને એમની પાસે જતા. કૈલાસનાથ પોતાની તંત્ર સાધના દ્વારા એ બાધાઓને દૂર કરવામાં એમની મદદ કરતા. 

     મમતાબા અને પંડિત દિનાનાથ જ્યારે એમના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે તેઓ પોતાની સાધનામાં લીન હતા. આસપાસ પ્રાણીઓના હાડકાં, માનવ ખોપડીઓ , પ્રાણીઓના ચામડા નજરે પડતાં હતાં. 

  " દિકરી! તારી સમસ્યા બહુ ગંભીર છે. એ સમસ્યામાંથી છુટકારો મેળવવો એટલો આસાન નથી. " કૈલાસનાથે બંધ આંખે જ્યારે આ કહ્યું ત્યારે મમતાબા એકદમ આશ્ચર્ય ચકિત થઈ ગયાં. તેમને આ એક વાક્યથી તાંત્રિક કૈલાસનાથ પર વિશ્વાસ બેસી ગયો. 

   " એ સમસ્યાના ઉકેલ માટે જ આપની પાસે આવી છું. તમે જ મને એમાંથી છૂટકારો અપાવી શકો છો." મમતાબાએ હાથ જોડીને કૈલાસનાથની સન્મુખ આવતાં કહ્યું. 

     મમતાબાની વાત સાંભળીને કૈલાસનાથે પોતાની આંખો ખોલી. તેમણે પોતાની સન્મુખ એક નિડર અને દ્રઢ મનોબળ ધરાવતી સ્ત્રીને જોઈ. 

   કૈલાસનાથે આદર સહિત પંડિત દિનાનાથ અને મમતાબાને બેસવા માટે જગ્યા કરી આપી. 

  " મને ગુરુજીએ તંત્ર સાધના અંગેની બધી જાણકારી આપી છે. તંત્ર સાધના દ્વારા સર્જાનારી ગંભીર અસરો અંગે પણ હું વાકેફ છું. મહેરબાની કરીને તમે તંત્ર સાધના દ્વારા મારી દિકરીને આત્માથી મૂક્તિ અપાવો એવી વિનંતી છે. " મમતાબાએ આજીજી પૂર્વક કહ્યું. 

  " હું એ આત્મા અંગે જાણી ગયો છું પરંતુ કોઈ આત્માને ફરીથી જીવન આપવું હોય તો એના બદલામાં જીવન ગુમાવવું પણ પડે છે. હું આ આત્માથી છૂટકારો આપી શકવા સક્ષમ છું પરંતુ ભવિષ્ય અંગે કોઈ નથી જાણી શકતું. તમારી દિકરીને જો સંતાનમાં દિકરી જન્મશે તો કદાચ એને પણ આવી તકલીફ પડી શકે છે. " તાંત્રિક કૈલાસનાથે મમતાબાને સમગ્ર હકીકતથી વાકેફ કરતાં કહ્યું. 

 " હું બધું જાણું છું. હું ભવિષ્યનો વિચાર નથી કરતી બસ એકવાર મારી દિકરીને આ આત્માથી છૂટકારો મળી જાય એવું હું ઈચ્છું છું. " મમતાબાએ કૈલાસનાથને વિનંતી કરતાં કહ્યું. 

  " ભલે જેવી તમારી મરજી! આપની ઈચ્છા અનુસાર હું તમારી મદદ કરવા તૈયાર છું. આજથી ત્રણ દિવસ પછી અમાસ છે. એ અમાસની રાત્રે આત્માઓની શક્તિ ચરમસીમા પર હોય છે. અમાસની રાત્રે જ એક હવન કરવો પડશે અને એ હવનમાં એ આત્માની આહુતિ આપવી પડશે. બીજી ખાસ વાત એ છે કે આ તાંત્રિક વિધિ પછી શું થશે એ વિશે કોઈપણ સાથે ચર્ચા ન કરવી. આ સમગ્ર હકીકત ગુપ્ત રાખવી પડશે. "તાંત્રિક કૈલાસનાથે સમગ્ર વિધિ પંડિત દિનાનાથ અને મમતાબાને જણાવી. 

   " ભલે! અમાસની રાત્રે અમે બધી તૈયારીઓ કરી રાખીશું તમે હવેલી પર પહોંચી જજો. " પંડિત દિનાનાથે કહ્યું. 

    થોડીવાર પછી પંડિત દિનાનાથ અને મમતાબાએ ત્યાંથી વિદાય લીધી. તાંત્રિક કૈલાસનાથ ફરી પોતાની સાધનામાં લીન થઈ ગયા. 

     રસ્તામાં ફરી એક વખત પંડિત દિનાનાથે મમતાબાને આવું ન કરવા જણાવ્યું પરંતુ મમતાબા પોતાના નિર્ણય પર અડગ હતા. 

        ઢળતી સાંજે મમતાબા હવેલી પર પહોંચ્યા. સાવિત્રી અને બીજા સૌ લોકો મમતાબાની રાહ જોઈ રહ્યા હતા. મમતાબાએ સાવિત્રીને સોનલ વિશે પૂછ્યું તો સાવિત્રીએ બધું ઠીકઠાક હોવાનું જણાવ્યું. 

        મમતાબાએ રાત્રે જમીને પ્રતાપસિંહ અને સાવિત્રીને અમાસની રાત્રે કરવામાં આવનાર હવન વિશે વાત કરી. હવેલીની શુદ્ધિ માટે આ હવન કરવો પડશે એમ કહી મમતાબાએ મૂળ હકીકત છુપાવીને રાખી. પ્રતાપસિંહે પણ કોઈ પણ જાતની ચર્ચા વિના હામી ભરી દીધી. 

      બે દિવસ રાત્રિના સમયે સતત જાગીને મમતાબા અને સાવિત્રીએ સોનલને સાચવી પરંતુ દરરોજની જેમ એનું ભયંકર રીતે રડવાનું શરૂ થઈ જતું. 

       અમાસના દિવસે સાંજે પંડિત દિનાનાથ સાથે તાંત્રિક કૈલાસનાથ હવેલી પર આવી પહોંચ્યા. તાંત્રિક કૈલાસનાથ વિશે પ્રતાપસિંહે પણ સાંભળ્યું હતું પરંતુ આજે પ્રથમ વખત એમની મુલાકાત થઈ હતી. કૈલાસનાથ દ્વારા હવન કરવામાં આવનાર છે એ જાણીને એને શંકા તો ગઈ પરંતુ હાલ પૂરતું કંઈ બોલવું એને ઉચિત ન લાગ્યું. 

     કૈલાસનાથે સૌ પ્રથમ હવેલીની ફરતે તાંત્રિક વિધિ દ્વારા મંત્રેલા પાણીનો છંટકાવ કરી દીધો. પોતાની સાથે લાવેલ હવન માટેની સામગ્રી અને મમતાબાને જણાવ્યા અનુસારની સામગ્રી તૈયાર થયા બાદ હવન કુંડની ફરતે બધાને બેસવા જણાવ્યું. 

    " જેમ - જેમ હવન દરમિયાન હું મંત્રોચ્ચાર કરીશ એમ તમારી દિકરી રડવાનું શરૂ કરશે, વિચિત્ર અવાજો કરશે પરંતુ કંઈપણ થાય એની પાસે જવાનું નથી. હવન પૂરો થશે એટલે આપમેળે એ શાંત થઈ જશે. " મમતાબાને આટલું કહી તાંત્રિક કૈલાસનાથે સોનલના હાથ પર એક સફેદ દોરો બાંધી દીધો ત્યારબાદ એને થોડે દૂર સુવડાવી દેવામાં આવી. 

     પ્રતાપસિંહે સોનલ વિશે આ બધું પૂછવાની કોશિશ કરી પરંતુ મમતાબાએ પોતે પછી બધું જણાવશે એમ કહી હમણાં ચૂપ રહેવા કહ્યું. 

   કૈલાસનાથે હવન કુંડમાં એક કાચું લીંબુ મૂકી દીધું ત્યારબાદ હવનની સામગ્રી મૂકી એમાં અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. 

    અમાસની રાત પણ એના ચરમ પર હતી. કૈલાસનાથે હવેલીના ચોગાનમાં મંત્રો બોલવાની શરૂઆત કરી. જેમ - જેમ મંત્રોચ્ચાર આગળ વધતો ગયો એમ આસપાસ ચિત્ર - વિચિત્ર અવાજો આવવાના શરૂ થઈ ગયા. જાણે કાનમાં કોઈ ભયંકર ચિસ પાડતું હોય એવા અવાજોથી સૌ કોઈ ડરવા લાગ્યાં. 

      આ તરફ સોનલે પણ ભયંકર રીતે રડવાનું ચાલુ કર્યું. કૈલાસનાથના મંત્રોચ્ચાર તિવ્ર થાય એમ સોનલ પણ ચિત્ર વિચિત્ર અવાજો કરવા લાગી. મમતાબા પોતાની ધીરજ ગુમાવી રહ્યા હતા. કૈલાસનાથે એમને ઈશારામાં પોતાના સ્થાને બેસી રહેવા કહ્યું. 

       એકાએક આસપાસ તીવ્ર પવન ફૂંકાવા લાગ્યો. જંગલી પ્રાણીઓ જાણે પાસે આવી ગયાં હોય એવા અવાજો આવવા લાગ્યા. હવેલીના દરેક સભ્યો ડરથી ધ્રુજી રહ્યા હતા. 

     કૈલાસનાથના તીવ્ર મંત્રોચ્ચાર વચ્ચે અચાનક નાનકડી સોનલ અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ અને ગોળ - ગોળ ફરવા લાગી. આ જોઈને મમતાબા એકાએક પોતાની જગ્યાએથી ઊભાં થઈને સોનલ તરફ દોડ્યાં. હજુ સોનલ સુધી પહોંચે એ પહેલાં બેભાન થઈને ઢળી પડ્યાં. 

     શું હવનની વિધિ અધુરી રહી ગઈ?? શું આમ થવાથી કોઈ નવી મુસીબત આવશે?? મમતાબા અને સોનલનું શું થશે?? જાણવા માટે જોડાયેલા રહો....

( વધુ આવતા અંકે ) 

 મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી નમ્ર વિનંતી છે... તમે મારા વોટ્સએપ નંબર 8980322353  પર પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો....