ગર્ભપાત - ૧૭
( નોંધ:- આ સ્ટોરી દ્વારા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવી એવો કોઈ ઈરાદો નથી. જો સ્ટોરીમાં એવો કોઈ ઉલ્લેખ આવશે તો એ માત્ર વાંચકોના મનોરંજન માટે હશે.)
હવેલીમાં અમાસની કાળ રાત્રીએ ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. તાંત્રિક કૈલાસનાથના મંત્રોચ્ચાર જેમ જેમ તિવ્ર થઈ રહ્યા હતા એમ આસપાસનું વાતાવરણ પણ બિહામણું થઈ રહ્યું હતું.
કૈલાસનાથના તીવ્ર મંત્રોચ્ચાર વચ્ચે અચાનક નાનકડી સોનલ અટ્ટહાસ્ય કરતી હવામાં અધ્ધર થઈ અને ગોળ - ગોળ ફરવા લાગી. આ જોઈને મમતાબા એકાએક પોતાની જગ્યાએથી ઊભાં થઈને સોનલ તરફ દોડ્યાં. હજુ સોનલ સુધી પહોંચે એ પહેલાં બેભાન થઈને ઢળી પડ્યાં.
હવન કુંડની આસપાસ બેસેલા બધાં લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયાં. તાંત્રિક કૈલાસનાથે હાથના ઈશારાથી બધાને પોત પોતાની જગ્યાએ બેસી રહેવા કહ્યું. સોનલ હજુ પણ હવામાં અધ્ધર હતી અને એનો ચહેરો ધીમે ધીમે ભયાનક બની રહ્યો હતો. તાંત્રિક કૈલાસનાથ પોતાની તમામ વિધિઓ અને શક્તિઓ કામે લગાડીને પોતાના હવનને પૂર્ણાહુતિ તરફ આગળ ધપાવી રહ્યા હતા.
આખરે અંતિમ મંત્રોચ્ચાર કરીને તાંત્રિક કૈલાસનાથે હવનની પૂર્ણાહુતિ કરી એ સાથે જ હવામાં અધ્ધર રહેલી સોનલ ફરી મૂળ બાળક બનીને પોતાની જગ્યાએ આવી ગઈ એ સાથે જ તેનું રડવાનું પણ બંધ થઈ ગયું.
પંડિત દિનાનાથે સાવિત્રીને મંત્રેલુ જળ આપ્યું જે મમતાબા ઉપર છાંટતાની સાથે જ એ તરત જ ભાનમાં આવીને હાંફળા ફાંફળા થઈને ચારે તરફ જોવા લાગ્યાં. આસપાસનું વાતાવરણ અને સોનલને સહિ સલામત જોતાં એમનાં જીવમાં જીવ આવ્યો.
" મેં તમને હવન ચાલુ થયો એ પહેલાં જ સુચના આપી હતી કે જ્યાં સુધી હવન ચાલુ હોય ત્યાં સુધી ગમે તે થાય તમારે પોતાની જગ્યા છોડવાની નથી છતાંપણ તમે કેમ વચ્ચે ઊભાં થઈ ગયાં? " તાંત્રિક કૈલાસનાથે મમતાબાને ચિંતિત સ્વરે પૂછ્યું.
" હું સોનલને આવી હાલતમાં જોઈને મારી જાતને રોકી ન શકી, મને માફ કરજો મહારાજ! " મમતાબાએ માફી માંગતા કહ્યુ.
" મને જે વાતનો ડર હતો તે જ થયું. તમે હવનમાં વચ્ચે ઊભાં થયાં એટલે રક્ષા ચક્રનો ભંગ થયો છે. જે આસુરી શક્તિઓને દૂર કરવા માટે આ હવન કરવામાં આવ્યો એ આસુરી શકિતઓ પૂર્ણ પણે દૂર નથી થઈ. આ અતૃપ્ત આસુરી શકિતઓ તમને પોતાના વશમાં કરી શકે છે. હવે એના લીધે ભવિષ્યમાં જે કંઈપણ પરિણામ આવશે એના માટે હું જવાબદાર નથી. " તાંત્રિક કૈલાસનાથે ગંભીર સ્વરે કહ્યું.
" તો શું મહારાજ ભવિષ્યમાં હજુ પણ અમારા ઉપર આવી આપત્તિઓ આવશે? " પ્રતાપસિંહે વિનમ્ર સ્વરે પૂછ્યું.
" તાંત્રિક વિધિ પૂર્ણ પણે થવી જરૂરી છે. એ પૂર્ણ ન થાય તો એના ગંભીર પરિણામો ભોગવવા પડે છે. એ પરિણામો કેવાં હશે એ વિશે હું નથી જાણતો પરંતુ આ અપૂર્ણ વિધિ ભવિષ્યમાં અવશ્ય કોઈ મૂસીબત ઊભી કરશે. " તાંત્રિક કૈલાસનાથે કહ્યું.
તાંત્રિક કૈલાસનાથે ગરમ હવનકુંડમાં પોતાના હાથ નાખીને તેમાં નાખેલું લીંબુ બહાર કાઢ્યું. બધા લોકોના આશ્ચર્ય વચ્ચે એ લીંબુ આગમાં સળગી જવાને બદલે એકદમ લાલ રંગનું બની ગયું હતું. એ લીંબુ મમતાબાને આપતાં કહ્યું.
" બેટા! અત્યારે ભવિષ્યની ચિંતા કરવાને બદલે અત્યારે જે મુસિબતો છે એના પર ધ્યાન આપીએ. નસીબમાં જે લેખ લખાયા હોય છે એને કોઈ મિટાવી નથી શકતું. આ લીંબુના બીજ કાઢીને એને સુકવીને એનો પાઉડર બનાવી દૂધ સાથે પી લેજે. ધીમે ધીમે સોનલ ઉપરથી એ આત્માનો પ્રભાવ ઓછો પડતો જશે. "
મમતાબા પંડિત કૈલાસનાથની વાત સમજી ગયાં અને એ લીંબુ પોતાની પાસે સાચવીને મૂકી દીધું.
" પ્રતાપસિંહ! જ્યારે મમતાબા આ લીંબુના બીજ ગ્રહણ કરે એ પછીના ૧૫ દિવસો તમારે એમની સાથે વિતાવવાના છે કારણકે આવનારું સંતાન જ તમારી દિકરી સોનલને સંપૂર્ણ મુક્તિ અપાવનારુ હશે. " તાંત્રિક કૈલાસનાથે પ્રતાપસિંહને કહ્યું.
" કોનાથી મુક્તિ?? એ પણ આવનારું સંતાન! તમે શું વાત કરો છો એ વિશે મને કંઈ સમજાતું નથી.." પ્રતાપસિંહે અસંમજભરી સ્થિતિમાં કહ્યું.
" તમને સઘળી હકીકત તમારી પત્ની પાસેથી જાણવા મળી જશે. આગળનું કાર્ય તમારે સાથે મળીને પાર પાડવાનું છે. મારું કામ અહીં પૂરું થયું, હું હવે રજા લઉં છું. " એટલું કહીને પંડિત દિનાનાથને સાથે લઈને તાંત્રિક કૈલાસનાથે હવેલીમાંથી વિદાય લીધી.
પંડિત દિનાનાથ અને તાંત્રિક કૈલાસનાથના ગયા પછી થોડીવાર સુધી હવેલીના પટાંગણમાં નિરવ શાંતિ છવાયેલી રહી. થોડીવારના મૌન પછી મમતાબાને લાગ્યું કે હવે સઘળી હકીકત પ્રતાપસિંહને જણાવી દેવી જોઈએ.
મમતાબાએ પ્રતાપસિંહને એકાંતમાં બોલાવીને સોનલ અને પોતાની ગર્ભમાં મૃત્યુ પામેલી દિકરી વિશેની અને એના દ્વારા ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ વિશેની સઘળી હકીકત જણાવી દીધી. એ પછી પંડિત દિનાનાથ અને તાંત્રિક કૈલાસનાથને મળીને એના ઉપાય વિશેની પણ વાત કરી.
પ્રતાપસિંહને આ બધું જાણ્યા પછી મમતાબા ઉપર ખરેખર માન થયું. પોતાની પત્ની ઘણી બધી વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ છતાં પણ તેણે પોતાના સંતાનોના સુખી ભવિષ્ય અંગે વિચાર્યું હતું. પ્રતાપસિંહે પણ ખુશીથી મમતાબાને સાથ આપવાનું વચન આપ્યું.
હવેલીમાં કરવામાં આવેલા હવન બાદ સોનલનું રડવાનું હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું. છતાં પણ તે હજુ સંપૂર્ણ મુકત થઈ નહોતી. બીજી તરફ મમતાબાને રાત્રિના સમયે ગજબની બેચેની થતી હતી. તેની ઊંઘ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી.
તાંત્રિક કૈલાસનાથના માર્ગદર્શન મુજબ મમતાબાએ લીંબુના બીજને વાટીને એનું દૂધ સાથે સેવન કરીને પ્રતાપસિંહ સાથે સમય વિતાવવાનું શરૂ કરી દીધું હતું. અગાઉ બનેલી ઘટનાઓનો પારાવાર ક્રોધ હોવા છતાં મમતાબાએ પ્રતાપસિંહને સમય આપ્યો હતો.
પ્રતાપસિંહને તો જાણે આ સમયની જ રાહ હતી. તે બધું ભૂલીને મમતાબા સાથે નવે સરથી જીવન વિતાવવા માંગતો હતો. તેણે પોતાના સ્વભાવ અને આચરણમાં પણ ખૂબ સુધારો કર્યો હતો. સાવિત્રીને પણ પ્રતાપસિંહ પ્રત્યે હવે પહેલાં જેવો ડર નહોતો રહ્યો.
સમય રેતની જેમ ધીમે ધીમે સરકવા લાગ્યો. થોડા સમય પછી મમતાબાને જાણ થઈ કે પોતે ગર્ભવતી છે. આથી હવે એને વિશ્વાસ આવી ગયો હતો કે પોતાની ગર્ભમાં મૃત્યુ પામેલી દિકરીને નવું જીવન મળશે અને સોનલ એના લગાવમાથી મુક્ત થઈ જશે.
જેમ જેમ મહિનાઓ વિતવા લાગ્યા અને મમતાબાના ગર્ભનો વિકાસ થવા લાગ્યો એમ એની તબિયત પણ ધીમે ધીમે લથડી રહી હતી. રાત્રે એને જરાપણ ઊંઘ આવતી નહોતી. ગભરામણ અને અજંપો વધી રહ્યાં હતાં.
પ્રતાપસિંહ મમતાબાની તબિયતને લીધે એકદમ દુઃખી હતા. વૈધને પણ ઘણીવાર બોલાવીને દવાઓ કરી પણ કોઈ સુધારો આવી રહ્યો નહોતો.
પ્રતાપસિંહ એક દિવસ પંડિત દિનાનાથને મળવા માટે ગયા અને મમતાબાની તબિયત વિશે વાત કરી. પંડિત દિનાનાથ પ્રતાપસિંહને લઈને તાંત્રિક કૈલાસનાથ પાસે ગયા અને એમને બધી હકીકત જણાવી.
" આ બધી હકીકત તમારી પત્ની પણ જાણે જ છે. મેં એમને આવનારી પરિસ્થિતિ વિશે અગાઉથી વાકેફ કર્યા હતાં પરંતુ તેઓ પોતાના સંતાન માટે ગમે તે કરવા તૈયાર હતાં. તાંત્રિક વિધિઓ એટલી સરળ હોતી નથી. " તાંત્રિક કૈલાસનાથે પ્રતાપસિંહને હકીકતથી વાકેફ કર્યા.
" એનો કોઈ ઉપાય તો હશે ને મહારાજ! " પ્રતાપસિંહે વિનંતી ભર્યા સ્વરે કહ્યું.
" આમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. તમારી પત્નીએ રક્ષા કવચને પણ તોડ્યું હતું એના પરિણામો પણ કદાચ ભવિષ્યમાં નડતર રૂપ થશે. " તાંત્રિક કૈલાસનાથે કહ્યું.
" તો હવે આગળ શું મહારાજ? કંઈક તો જણાવો. " પ્રતાપસિંહે કહ્યું.
" તમારે ત્યાં એક દિકરીનો જન્મ થશે. એ દિકરી પાંચ વર્ષની થાય એટલે અહીંથી દૂર મોકલી દેજો. આ હવેલી એના માટે યોગ્ય નહીં હોય. બાકી બધું તો નસીબમાં હશે તે થશે! " એટલું કહીને તાંત્રિક કૈલાસનાથે પોતાની આંખો બંધ કરી દીધી.
પ્રતાપસિંહ એકદમ હતાશ થઈને અને આવનારા ભવિષ્ય અંગે ચિંતા કરતા પંડિત દિનાનાથ સાથે ત્યાંથી વિદાય લીધી.
મમતાબા અને તેમની દિકરીઓ સાથે શું થવાનું છે?? આવનારો સમય કેવી મુશ્કેલીઓ લાવશે?? જાણવા માટે વાંચતા રહો....
( વધુ આવતા અંકે )
મિત્રો અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી નમ્ર વિનંતી છે... તમે મારા વોટ્સએપ નંબર 8980322353 પર પણ તમારા પ્રતિભાવો મોકલી શકો છો....