લાગણીશીલ સ્વભાવના લોકો હંમેશા દુઃખી રહેતા હોય છે. એ બીજાઓ પાસે ઘણીબધી અપેક્ષાઓ રાખી લે છે અને અપેક્ષાઓ પૂરી ન થાય તો દુઃખી થઈ જાય.
ઘણીવાર સાંભળવા મળે છે હે ભગવાન બધું આપજે પણ લાગણીશીલ સ્વભાવ ન આપીશ.થાકી જવાય છે ખુદને સમજાવી સમજાવીને.
આજના સમયમાં લાગણીશીલ સ્વભાવ હોવું ઘણું દુઃખદાયી બની ગયું છે. કારણકે એવા લોકોને બધાં મૂર્ખ ગણે છે. એ લોકો હંમેશા બીજાનું ભલું ઈચ્છતા હોય છે. લોકો એમની લાગણીઓ સમજે એવું ઈચ્છતા હોય છે.
જ્યારે કોઈ એમની લાગણીઓ ન સમજે અથવા માન ન મળે ત્યારે દુઃખી થઈ જતા હોય છે. કોઈ સ્ત્રીનું કહીએ તો એ એના પરીવાર માટે ઘણુંબધું કરતી હોય છે. એ એના પતિ માટે બને એટલું કરી નાખતી હોય છે. કદાચ એનો પતિ એની સાથે ગમે તેવો વ્યવહાર કરે પણ તે હંમેશા એની ખુશીઓ માટે મહેનત કરતી હોય છે. પણ એની એ ઈચ્છા તો હોય જ છે કે એને કોઈ સમજે.
લાગણીશીલ સ્વભાવના વ્યક્તિમાં દયાભાવ વધારે જોવા મળે છે. એ કોઈનું પણ દુઃખ જોઈને દુઃખી થઈ જાય છે. કોઈ એમની સાથે લાખ ખોટું કરે તો પણ જો ખરા દિલથી માફી માંગી લે તો તરત માની જાય છે. એમનો લાગણીશીલ સ્વભાવ બીજા માટે આશીર્વાદરૂપ છે પરંતુ એમને અભિશાપ જેવું લાગતું હોય છે.
આપણે દરેકની લાગણી સમજાવાની કોશિશ કરવી જોઈએ. કારણકે આ દુનિયામાં એવા ઓછા લોકો હોય છે.
જો સ્વભાવ લાગણીશીલ હોય તો એમને દુઃખી ન થવું જોઈએ. એમને થોડું કઠોર બનવું જોઈએ. બધાં પર વધુ વિશ્વાસ ન કરવો જોઈએ.બીજાઓ પાસે અપેક્ષાઓ રાખવા કરતાં. નાની નાની વાતોથી ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ.
નેહા, 24 વર્ષની યુવતી, આંખોમાં શાંતિ પણ અંતરમાં તોફાન. હંમેશાં હસતી જોવા મળે. સૌમ્ય વાતોથી મન જીતી લેતી. પણ એને ઓળખનારાઓ ઘણાં ઓછા હતા. કદાચ એ પોતે પણ ક્યારેક પોતાને સમજી શકતી નહોતી. એના માટે લાગણીઓ માત્ર ‘અનુભવ’ નહોતી, જાણે અંદરના દરિયામાં ઉથલપાથલ કરનારા તરંગો હતાં.
કોઈ મિત્ર બે મિનિટ મોડો જવાબ આપે, તો મન ગૂંચવાઈ જાય. ઑફિસમાં કોઈનું મોઢું તણાવભર્યું હોય, તો એ આખો દિવસ એના વિશે વિચારે. પાર્ટીમાં જાય તો બધાની ઊર્જાને એટલી ઊંડાઈથી ગ્રહણ કરે કે થોડા સમયમાં જ થાકી જાય. રાતે ઊંઘવા જાય ત્યારે આખો દિવસ એક ફિલ્મની જેમ પસાર થઈ જાય. લોકો જેને ‘મૌલિક લાગણીઓ’ કહે, એ તો નેહા માટે ‘ભારે લાગણીઓ’ બની જાય.
એ કોઈની વેદનાને તરત પકડી શકે. એ સંવેદના એટલી વધુ કે ક્યારેક બીજાની તકલીફ પણ પોતે જીવી લે. એને ગીતો સાંભળવામાં હર્ષ પણ થાય અને એકાંત પણ ખલવે. ગીતો ચાલતા હોય ત્યારે સંગીત નહીં શબ્દો સાંભળે. આ સ્વભાવગત લાક્ષણિકતાને એમ્પેથેટિક નેચર એટલે કરુણામય સ્વભાવ કહેવાય છે. આ કારણે નેહા હંમેશાં વિચારોમાં રહેતી. નાનીનાની વાતો મનમાં ફર્યા કરતી. બીજાનું દુઃખ પોતે લઈને વધુ દુઃખી થતી.
કોઈ મને નહીં સમજી શકે અને મને છોડી દેશે વિચારીને વધુ એનર્જી રિલેશનશિપમાં નાખતી. છતાં ક્યારેય એકલા થઈ જવાનો ડર મનમાં ઘેરી વળતો. ક્યારેક લાગતું પોતે જ પોતાનાથી થાકી ગઈ છે. આ બેચેની હંમેશાં તેને તણાવમાં રાખતી જેથી ખૂબ જ ઉદાસ રહેવા લાગેલી. જ્યારે નેહાએ એક દિવસ થાકીને પોતાની લાગણીઓ રજૂ કરવા કાઉન્સેલિંગ સેશન લીધો, ત્યારે એની આંખોમાં સ્પષ્ટતા આવી.
કાઉન્સેલરે કહ્યું, ‘તું હાઇલી સેન્સિટિવ પર્સનાલિટી છે, એ નાજુક નહીં પણ સક્ષમ બનવાનું ગુણધર્મ છે. તું દુનિયાને એટલું સ્પર્શી શકે છે, જેટલું સામાન્ય લોકો કલ્પના પણ ન કરી શકે.’ કદાચ 100 લોકોમાંથી 1 વ્યક્તિ આટલી સેન્સિટિવ હોય છે. નેહાએ એ સાંભળ્યું, અને અંદરથી જાણે એક ચમકારો થયો. એણે હવે પોતાને બદલવાની જરૂર ન રહી, હવે એણે પોતાને સમજવાની અને સાચવવાની શરૂઆત કરી.
એણે પોતાને એકલા પડતા છોડવાનું બંધ કર્યું. જર્નલિંગ શરૂ કરી. જ્યારે માનસિક થાક થતો ત્યારે ડિજિટલ ડિટોક્સ કરતી. લોકોના બધાં ભાવ સમજીને પોતાનું દિલ ન દુખે, એ માટે એ હવે બાઉન્ડરી ઊભી રાખતી.હવે એને સમજાયું હતું, પ્રેમ આપવો સારી વાત છે, પણ પોતાની અંદર પ્રેમ બચાવવો એની માટે વધુ આવશ્યક છે.
અને અંતે, પોતાની જ ડાયરીમાં એ લખી ગઈ – ‘હું વધારે લાગણીઓને મહેસૂસ કરું છું, પણ એ મારી કમજોરી નથી. એ મારી દુનિયાને જુદી નજરે જોવાની શક્તિ છે.’
મૂડ મંત્ર: ‘મારી લાગણીશીલતા મારી શિથિલતા નથી, એ તો એક એવી અનુભૂતિ છે જે શબ્દોથી ઉપર છે. હું છું એવી – સક્ષમ, સાચી અને સંપૂર્ણ.’