Lost childhood in Gujarati Short Stories by Rinky books and stories PDF | ખોવાઈ ગયેલું બાળપણ

The Author
Featured Books
Categories
Share

ખોવાઈ ગયેલું બાળપણ

બાળપણ… આહા… શબ્દ સાંભળતા જ મનમાં એક બાળક જન્મ લઈ લે… આખાય ચહેરા પર ચમક આવી જાય. અંતરમન ખેલકૂદ કરવા થનગની ઊઠે. પણ ખરેખર આજે જોઈએ તો બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે.

વેકેશનમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એવા એક સમર કેમ્પમાં ભાગ લઈ પાછી આવેલી આઠ વર્ષની છોકરી એની માને ત્યાંના અનુભવોની ઉત્સાહપૂર્વક વાતો કરતી હતી.

અચાનક એને એક વાત યાદ આવી. એણે કહ્યું કે કેમ્પના પહેલા દિવસે બધા બાળકો પોતપોતાના ગ્રૂપમાં બેઠા હતા. એ છોકરીના ગ્રૂપમાં મોટા ભાગનાં બાળકો પહેલી વાર મળ્યાં હતાં, છતાં કોઈની સાથે પરિચય કેળવવાને બદલે એમના સ્માર્ટફોન જોવામાં મશગૂલ હતાં. એ છોકરીનાં માબાપે હજી એને સ્માર્ટફોન અપાવ્યો નહોતો. છોકરીએ કહ્યું: ‘મમ્મી, ફોનમાં જ જોયા કરતા એ બધા એવા તે સ્ટૂપિડ લાગતા હતા!’


મા દીકરીની સમજણ પર વારી ગઈ. ત્યાં જ દીકરીએ ઉમેર્યું: ‘પણ મમ્મી, મને પણ એમના જેવા સ્ટૂપિડ થવું બહુ ગમે.’

આજનાં બાળકો 'સ્માર્ટફોનધારી’ અને

‘સ્માર્ટફોનવંચિત’ એવા બે ભાગમાં વહેંચાઈ ગયાં છે.

અલબત્ત, ‘સ્માર્ટફોનવંચિત’ બાળકો લઘુમતીમાં છે, જાણે લઘુમતી જાતિના લોકોની જેમ એમનું સમાજમાં કોઈ સ્થાન ન હોય. ઘણાં સમજુ માતાપિતા એમનાં સંતાનોને અમુક ઉંમર સુધી સ્માર્ટફોન આપતાં નથી.

એમનો એ સંકલ્પ આજના સમયમાં ભીષ્મપ્રતિજ્ઞાકહી શકાય. નાની ઉંમરનાં સંતાનોને સ્માર્ટફોનથી દૂર રાખવાનો લોખંડી સંકલ્પ ટકાવી રાખવો બહુ મુશ્કેલ છે. કેટલાંક માતાપિતા વચલો માર્ગ પસંદ કરે છે. તેઓ સંતાનોને વડીલોની હાજરીમાં જ ‘બાંધી મુદ્દત’ માટે ફોન આપે છે. મુદ્દત પૂરી થાય પછી બિચારા વડીલો બૂમો પાડ્યા કરે છે કે ફોન મૂક, ફોન મૂક. બાળકો પણ સ્માર્ટફોન જેવાં જ સ્માર્ટ થઈ ગયાં છે. એમને વડીલોના બાઉન્સર સામે 'ડક’ કરતાં આવડે છે. તેઓ વકીલોની જેમ મુદ્દત માગ્યા જ કરે છે અને કેસ વિલંબમાં નાખે છે.

નાની ઉંમરે સ્માર્ટફોનની આદત વિશે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. એના વિશે ઘણું લખાતું રહે છે. કાઉન્સેલિંગ કરવામાં આવે છે. શાળાઓ અને સરકારો પણ ચિંતિત છે. તેમ છતાં બાળકોમાં એનું વ્યસન વધતું જ જાય છે. ઘણાં માતાપિતાના અનુભવ છે કે બાળકો, ખાસ કરીને ટીન એજ સંતાનો, પાસેથી સ્માર્ટફોન ઝૂંટવી લેવામાં આવે અથવા સમયમર્યાદા લાદવામાં આવે તો તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે. અમુક કિસ્સામાં તો કલ્પનામાં ન આવે એવાં ઉગ્ર પગલાં ભરી બેસે છે, એ સંજોગોમાં માતાપિતા અને કુટુંબના વડીલોએ સમજીવિચારીને વર્તવું પડે છે.

અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારનાં પત્રકાર જેસિકાવિન્ટર સ્માર્ટફોનનાં દૂષણો વિશે લખવા માટે કેટલાક પરિવારોને મળ્યાં. એ લોકો એમનાં નાની વયનાં સંતાનોને સ્માર્ટફોન, ટેબલેટ્સ, સોશિયલ મીડિયા, વિડિયો ગેમ્સ વગેરેથી દૂર રાખી શક્યા હતાં. જેસિકા લખે છે: 'મારા આશ્ચર્ય વચ્ચે એ પરિવારોમાં વડીલો અને બાળકો વચ્ચે અદભુત એવી સમજ જોવા મળી.

સમજુ વડીલો સંતાનોને માર્ગદર્શન અને લાગણીના કવચમાં સુરક્ષિત રાખી શક્યાં હતાં. એ કારણે સંતાનોમાં અસંતોષ જોવા મળ્યો નહોતો. બાળકો જાણતાં હતાં કે યોગ્ય સમય આવશે ત્યારે એમને એ બધું કરવા દેવામાં આવશે.' એક બાળકે જેસિકાને કહ્યું હતું: ‘અમને મોટાં થવાને હજી વાર છે.’ જેસિકા વિન્ટરને એવો જ બીજો અનુભવ અમેરિકાના એક મહાનગરના પરા જેવા વિસ્તારમાં થયો હતો. એમને ત્યાંનું વાતાવરણ 1970 પહેલાંના સમય જેવું લાગ્યું હતું. બાળકો ઘરમાં ભરાઈ બેઠાં નહોતાં, પરંતુ ખુલ્લી જગ્યામાં મિત્રોની સાથે ફૂટબોલ અને એવી મેદાની રમતો રમતાં હતાં, સાઇકલ ફેરવતાં હતાં, એકબીજાને ઘેર જતાં હતાં. નાનાં બાળકો રેતીમાં મહેલ બનાવતાં હતાં. તેઓ એ બધી પ્રવૃત્તિઓ ઉમંગ અને ઉત્સાહથી કરતાં હતાં, કોઈ માબાપ એમની ચોકી કરતાં માથે ઝળુંબીને ઊભાં નહોતાં. બાળકો બાળપણનોસાચો આનંદ માણતાં હતાં.

આવાં ઉત્સાહપ્રેરક ઉદાહરણોની વચ્ચે અભ્યાસીઓને કડવાં ઉદાહરણો પણ જોવા મળે છે. એ ઉદાહરણો સંતાનોને સામે ચાલીને સ્માર્ટફોન વાપરવા આપતાં અણસમજુ માતા કે પિતાએ પૂરાં પાડયાં હતાં. એક હાઈસ્કૂલમાં અગ્રેજીનાં શિક્ષિકાનો અનુભવ જાણીએ.

નવમા ધોરણમાં ભણતી દીકરીને એની માએ સૂચના આપી હતી કે દરેક પિરિયડ પછી એણે માને ટેક્સ મેસેજ કરવો, જેથી એ જાણી શકે કે ક્લાસમાં શું ચાલ્યું. માને કશુંક બરાબર ન લાગે તો એ તરત શિક્ષિકાને ફોન કરી ફરિયાદ કરતી. એક શિક્ષક ઉચ્ચ વર્ગમાં શેક્સપિયરના નાટક 'રોમિયો એન્ડ જુલિયેટ’નો અંશ ભણાવતા હતા. માએ તે બધું દીકરીના સ્માર્ટફોન દ્વારા લાઇવ સાંભળ્યું અને આચાર્યને ઇ-મેલ કર્યો – તમારા શિક્ષક ક્લાસમાં ન બોલવા જેવું બોલે છે.

સ્માર્ટફોનથી માતાપિતા સંતાનોના સપર્કમાં રહી શકે એ લાભ છે, પરંતુ એના દુરુપયોગથી સંતાનો પર લાંબા ગાળાની નકારાત્મક અસરો થાય છે એનો પણ વિચાર કરવો જોઈએ. આ સંદર્ભમાં ભારત સહિત કેટલાક દેશોની સરકાર ગંભીર પગલાં લેવાના વિકલ્પો શોધી રહી છે. સમસ્યાનાં મૂળ એટલાં ઊંડાં ઊતરી ગયાં છે કે કોઈ પણ પગલું લેતા પહેલાં લાંબો વિચાર કરવો પડેતેમ છે. એનો હલ માત્ર કાયદા બનાવી દેવાથી નહીં મળે.

અખબારોના અહેવાલ પ્રમાણે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની સરકારે નિર્ણયાત્મક પગલું ભરી આ વર્ષના ડિસેમ્બરથી સોળ વર્ષથી ઓછી વયનાં બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ઘણા સમયથી કહેતા આવ્યા છે: ‘બાળકો ઘરની બહાર રમતાં થાય, મેદાની રમતોમાં નિપુણ બને અને જીવનમાં કરવા જેવાં કામો તરફ પ્રેરાય એ જોવું આજના સમયની તાતી જરૂરિયાત છે.’
વાત સાચી છે. બાળકોને એમનું ખોવાયેલું બાળપણ પાછું આપવું જ પડશે. આ બાબતમાં એક મિનિટનો પણ વિલંબ કરવો પોષાય તેમ નથી. 

આપણે જેટલાં જલદી બાળકોને સ્માર્ટફોન અને એનાં જેવાં અન્ય ઉપરણોથી જેટલાં જલદી દૂર રાખી શકીશું, માનવજાતનું ભાવિ એટલું જલદી તંદુરસ્ત બનશે..