સોશિયલ મીડિયાની કેટલીક અસામાજિક અસરો ચોંકાવનારી છે. કેટલાક યુવાનો સોશિયલ મીડિયાને કારણે વ્યસનમાં ફસાતા જોવા મળે છે
એક કાર્યક્રમમાં અમે બંને સ્ટેજ પર હતા. અચાનક કશુંક બન્યું હોય એમ એ સાથી વક્તા ‘ફેસબુક’ પેજ ખોલીને અમારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોવા માંડ્યા. કદાચ પોતાનો ચહેરો જોવો ગમતો હશે અથવા કેટલા લોકો આ કાર્યક્રમ ‘લાઇવ’ જોઇ રહ્યા છે, તે તપાસી રહ્યા હતા. આ શું હતું! ટેક્નોલોજીની અતિ-સામાજિકતા કે એવું માનસિક વલણ જે ક્યારેક મનની સ્થિરતા ઉપર અસર ઊભી કરે. આપણો સમય ટેકનોલોજીનો છે અને વધુ સોશિયલ મીડિયાનો છે. આ આપણો સોશિયલ-ઓર્ડર છે. નવાં સમીકરણ છે, નવી રીતભાત છે, ક્યાંક વાડકી વ્યવહાર છે તો ક્યાંક વેરની વસૂલાત કે અણગમાની અભિવ્યક્તિ છે. આમાં એક ચોક્કસ લોકો ફોરવર્ડિંગ ફળિયામાંથી આવતા હોય છે. ‘અમે અમુક જ ફોરવર્ડ કરીએ’ એવું કહીને ડંફાસમાં ખપાવી શકાય એવી ‘કૃત્રિમ કુલીનતા’થી પીડાતા હોય
છે.
સોશિયલ મીડિયાએ મનુષ્યને અતિસામાજિક બનાવીદીધો છે. હવે એને બધા જ મિત્રોને જન્મદિવસની શુભેચ્છા આપવી છે, હવે એને દરેક મૃત્યુ ઉપર ઓમ શાંતિ લખવું છે. દરેક જણ પોતાનું સ્ટેટસ જાહેર કરે છે પોતે ક્યાં છે અથવા કઈ નાની કે મોટી સિદ્ધિ મળી છે એની જાહેરાત કરવી છે અને દરેક વ્યક્તિને એના વિશે પોતાનો પ્રતિભાવ આપવો છે. આપણને એવું લાગતું હતું કે સમાજ બહુ વિખેરાઈ ગયો છે પણ સમાજ ટેક્નોલોજીથી એ પાછો એકબીજા સાથે જોડાઈ રહ્યો હોય એવું લાગે છે.
જેમ ઘરફોડ ચોરી કરવામાં ‘બાઇકર્સ ગેંગ’ આવતી હતી એવી હવે સોશિયલ મીડિયામાં ‘લાઈકર્સ ગેંગ’ છે. તમે કશું મૂકો અને તમે જાતે એની સમીક્ષા કરો એ પહેલાં તો સત્તાવીશ લાઇક આવી ગઈ હોય. આ લાઇક-લૉજિક માણસના અહંને સાવ નવો આકાર આપે છે. આવા લાઇકેશ્વર મનુષ્ય નૂતન-નશો પામે છે, જે એના ફુગાવાગ્રસ્ત અહંને હવા આપી શકે છે. આ એક અવલોકન છે બધાને લાગુ પાડી શકાતું નથી, કારણ કેટલાક જમીની વાસ્તવિકતા સાથે જોડાયેલા મનુષ્યોની લોકોત્તર થવા/બનવાની વ્યાખ્યા આકાંક્ષા કે ઉદાસીનતા સાવ અલગ પ્રકારની હોઇ શકે છે.
આ જમાનામાં ‘પસંદગી’ એટલે કે ‘ચોઇસ’નો પરમ મહિમા છે. એક વ્યક્તિ તમારે ઘેર હોય તો જરૂરીનથી કે તમારી સાથે જ વાત કરે. એની ચોઈસની વ્યક્તિઓ સાથે જ જોડાયેલો હોય એવું બને. કોઇ ‘ગેટ-ટુ-ગેધર’માં જઇએ તો અનુભવ થાય છે કે આવેલા મહેમાનો પોતાની ‘ચોઇસ’ના લોકો સાથે ચેટ કરી રહ્યા છે. અહીં મને શેરી ટર્કલેના પુસ્તક ‘અલોન ટુગેધર’નો ઉલ્લેખ કરવો ગમશે. આ પુસ્તકમાં લેખકે ઘણી નાજુક બાબતોને વણી લીધી છે. આ પુસ્તકનું એક વાક્ય ગમી જાય એવું છે, ‘આપણે સતત સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહીને ઘણી વખત આપણી જાતને વિચારવા માટેનો અને સપનાં જોવાનો સમય આપતા નથી.
એક બીજું વલણ જેનાં ઘણાં નકારાત્મક પરિણામો જોવાં મળી રહ્યાં છે તે છે, ઘટતો જતો એટેન્શન સ્પાન, એટલે કે એકાગ્રતાથી કામ કરવાની શક્તિમાં થઇ રહેલો ઘટાડો. ઘણાબધા યુવાનો એક જગાએ બેસીને કામ કરી શકતા નથી. તો બીજી બાજુ મિટિંગ બેઠેલાઓની નજર સતત સ્ક્રીન પર જ આંટા મારતી હોય છે. પરિણામે મિટિંગમાં આવી વ્યક્તિનું ધ્યાન પણ લથડિયાં ખાતું હોય છે.
જેને ઘણા વિચારકો ‘આઇજેન’ કહે છે તે સુપર કનેક્ટેડ કિડ્સ સાવ નવા ભવિષ્યનો સામનો કરવાના છે. ઘણાં બાળકો હવે સોશિયલ મીડિયા અનેટેક્નોલોજી ઉપર એટલાં બધાં આધારિત થઈ ગયાં છે કે એ લોકો ટીવી કે કાર્ટૂન શો કે મોબાઈલ સિવાય જમી પણ શકતાં નથી. આ પ્રકારનું રમતવિહોણું અને ડિજિટલી-ડહોળાયેલું બાળપણ ઘણા પ્રશ્નો ઊભા કરી શકે એમ છે.
ફિલાડેલ્ફિયામાં એક ગુજરાતી શાળા સંચાલકે અનૌપચારિક બેઠકમાં જણાવેલું કે દસમાંથી છ બાળકો ઓટિઝમથી પીડાઇ રહ્યા છે. એક રીતે જોઈએ તો આમ સોશિયલ મીડિયા ઉપર સતત વ્યસ્ત રહેવાથી બાળકોને એક નવા પ્રકારના વ્યસનમાં જોતરીએ છીએ.
સોશિયલ મીડિયાની કેટલીક અસામાજિક અસરો ચોંકાવનારી છે. છાપામાં અને અન્ય જગ્યાએથી સાંભળવા મળતા સમાચારો પ્રમાણે કેટલાક યુવાનો સોશિયલ મીડિયાને કારણે કોઈ ક્રાઈમમાં કે વ્યસનમાં ફસાતા જોવા મળે છે. ખાસ કરીને ડેટિંગ માટેની એપ હવે યુવાનો અને યુવતીઓને અલગ રીતે ફસાવવાના કીમિયા કરતી હોય છે.
એક વર્ગ જે મોટે ભાગે સિનિયર સિટિઝન છે, એ તો બિલકુલ ઉદાસીનતા દાખવે છે. અને પોતે ‘વોટ્સએપ’ નથી વાપરતા એનું ગૌરવગાન પણ કરતા હોય છે.
સોશિયલ મીડિયાની આ બિન-સામાજિકતા એનાંનકારાત્મક પરિણામો આવી રહ્યાં છે. જોકે, બીજી સેમિ-ક્રાંતિ કહી શકાય કે વૈકલ્પિક મીડિયા તરીકે ‘યૂ-ટ્યૂબ’ થકી અનેક ન્યૂઝ ચેનલો વિકસી રહી છે અને નવાં નવાં કમ્યુનિકેશનનાં ક્ષેત્રો પણ ખૂલી રહ્યાં છે. ‘યૂ-ટ્યૂબ’અને ‘ફેસબુક’માં કેટલાક યુવાનો આવક પણ ઊભી કરી રહ્યા છે.
મનુષ્યને સહઅસ્તિત્વની જાગૃતિપૂર્વકની એક અદભુત સામાજિકતાની ભેટ સર્જનહારે આપી છે.
આપણે સહઅસ્તિત્વના સૌંદર્યને માણી શકીએ એવા સંવેદનાસભર આ પૃથ્વી પરના વિશેષ જીવ છીએ. એવું ના બને કે ઉત્ક્રાંતિના આ તબક્કે આ ઓળખ ખોઇ બેસીએ. ચાલો, બચી જઈએ