આર્યવર્ધને પોતાની વાત પૂરી કરીને તલવાર નીચે ફેંકી દીધી અને જમીન પર પગ પછાડ્યો. તેના કારણે જમીન પર તિરાડ પડી. આ જોઈને મેં પણ મારી તલવાર નીચે ફેંકી દીધી. કારણ કે યુદ્ધ હંમેશા બે સમાન યોદ્ધાઓ વચ્ચે જ થઈ શકે. અત્યાર સુધી હું આર્યવર્ધન સાથે મારી શારીરક ક્ષમતાથી લડી રહ્યો હતો. પણ હવે મારે મેઘાની શક્તિ અને મારી કલ્પનાશક્તિથી આર્યવર્ધન લડવાનું હતું.
આર્યવર્ધન આંખના પલકારામાં મારી પાસે ધસી આવ્યો. તેણે મારી જમણી આંખ પર મુક્કો મારવાનો પ્રયત્ન કર્યો. પણ મેં તેનો પ્રહાર ચૂકવી ઊંચી છલાંગ લગાવી. પછી મેં ઊંચાઈથી આર્યવર્ધનના માથા પર બંને હાથની મુઠ્ઠીવાળીને મુક્કો માર્યો. પણ આર્યવર્ધન મારી ચાલ સમજી ગયો હોય તેમ મારો હાથ પકડી લીધો અને ખૂબ ઝડપથી મને ગોળગોળ ફેરવીને મારો હાથ છોડી દીધો.
અહી મારી લખેલી નવલકથા કર્તવ્યયુદ્ધનો અંત બદલવવા આવ્યો હતો અને રિદ્ધિને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. જે કોઈ પણ સંજોગોમાં શક્ય નહોતું. હું હાર માનવા માટે તૈયાર નહોતો એટલે આર્યવર્ધન મારા પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે આ વખતે મારા પેટ અને માથા પર એકસાથે મુક્કો માર્યો. તેના કારણે હું થોડા સમય માટે બેહોશ થઈ ગયો.
ત્યારબાદ આર્યવર્ધન અટક્યા વગર મારી છાતી અને ચહેરા પર મુક્કા મારવા લાગ્યો. મેઘા એ સમયે ત્યાં આવી ગઈ. તેણે આર્યવર્ધન રોકાઈ જવા માટે કહ્યું પણ આર્યવર્ધન મેઘાની વાત સાંભળ્યા વગર મારા પર પ્રહાર કરતો રહ્યો. એ થોડા સમય પછી મને હોશ આવતાં મેં મનમાં રુદ્રનારાયણનું સ્મરણ કરીને આર્યવર્ધનની છાતી પર લાત મારી દીધી.
અચાનક થયેલા પ્રહારથી આર્યવર્ધન થોડો દૂર ફેંકાઇ ગયો. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ મારો પ્રયત્ન નિષ્ફળ ગયો. મેઘા દોડીને મારી પાસે આવી અને તેણે મારો હાથ પકડીને મને ઊભો કર્યો. મેઘાએ મને સ્પર્શ કર્યો એટલે મારા શરીરમાં શક્તિનો નવો સંચાર થયો. હવે મેં મેઘાને થોડું દૂર જવા માટે ઈશારો કર્યો.
હવે આર્યવર્ધન મારી તરફ મક્કમ ચાલે આવી રહ્યો હતો. હું તેના તરફ દોડવા લાગ્યો એટલે એ મને જોઈને દોડવા લાગ્યો. અમારા બંને વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું. આર્યવર્ધને મારી પાસે આવ્યો એટલે તેણે મને છાતી પર મુક્કો માર્યો. પણ ફરીથી મેં તેનો પ્રહાર ચૂકવીને તેના કપાળમાં મુક્કો માર્યો. તેનાથી આર્યવર્ધન તરત જ થોડી ક્ષણો માટે બેહોશ થઈ ગયો.
થોડી ક્ષણો પછી તેણે આંખો ખોલી ત્યારે હું તેની છાતી પર જમણો પગ મૂકીને ઊભો હતો. મેં જમણો હાથ ઊંચો કર્યો એટલે મારા હાથમાં એ તલવાર આવી ગઈ. જે આર્યવર્ધને મને લડવા માટે આપી હતી. મેં એ તલવારને આર્યવર્ધનના ચહેરા તરફ કરીને કહ્યું, “આર્યવર્ધન એક વાત યાદ રાખ. હું તારો સર્જક છું. હું તારું સર્જન કરી શકું તો તને મૃત્યુ પણ આપી શકું છું.”
“હું મારા પાત્રને જીવું છું અને તેની દરેક તકલીફનો અનુભવ કરું છું. ત્યારબાદ જ તેને કાગળ પર ઉતારું છું. આર્યવર્ધન દરેક વ્યક્તિના મનની વાત જાણી શકે છે. એટલે તું અત્યારે મારા મનના વિચારો જાણ. એક મહાન યોદ્ધા સાચા અર્થમાં ત્યારે જ ધર્મનું પાલન કરી શકે જ્યારે તે વિરહનો અનુભવ કરે છે. તે જે તકલીફ સહન કરી છે તેના પહેલાં હું તે વિરહનો અનુભવ કરી ચૂક્યો છું. મારો એ વિરહ સદાય ને માટે છે. પણ તારો થોડા સમય માટે જ રિદ્ધિ અલગ રહેવું પડશે. તે જલ્દી તારી પાસે પછી આવશે. એ હું તને પ્રોમિસ કરું છું.”
આટલું કહીને મેં આર્યવર્ધનની છાતી પરથી પગ હટાવ્યો અને તેની તરફ હાથ લંબાવ્યો. આર્યવર્ધન મારો હાથ પકડીને ઊભો થયો. તેની આંખોમાં પસ્તાવો હતો. તે મારી સામેં ઘૂંટણે બેસી ગયો અને બોલ્યો, “મને માફ કરી દો. તમેં મારા સર્જક છો. તમારી સામેં હથિયાર ઉપાડ્યું એ મારી ભૂલ હતી. મને માફ કરી દો. હું હવે મારી દુનિયામાં પાછો જાવ છું અને મારા અહી આવવાથી જે બદલાવો થયાં હતાં તે પુનઃ પહેલાંની જેમ થઈ જશે. તમેં પાછા એ બુક લોન્ચિંગ કાર્યક્રમમાં પાછા જતાં રહેશો.”
આર્યવર્ધને મેઘા સામેં જોઈને હાથ લાંબો કર્યો. મેઘા હસીને તેની પાસે આવી અને તેનો હાથ પકડ્યો. બંનેએ એકસાથે આંખો બંધ કરી એટલે તરત પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થઈને અદ્રશ્ય થઈ ગયાં. તે સાથે જ મારી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું. હું પાછો એ કાર પાર્કિંગમાં આવી ગયો જ્યાં મારી બુક લોન્ચ થવાની હતી.
હું કાર પાર્કિંગમાંથી બહાર નીકળીને હૉલના મખ્ય દ્વાર પાસે આવ્યો. ત્યાં સંખ્યાબંધ લોકો અંદર પ્રવેશી રહ્યા હતાં. મેં મનમાં વિચાર્યું કે જો હું આ બધા લોકોથી બચીને અંદર પ્રવેશી શકું તો સારું રહેશે. ત્યાં જ હું હૉલના સ્ટેજના પાછળના ભાગમાં આવી ગયો. આ અચાનક બનેલી ઘટનાએ મને મેઘાની શક્તિઓની યાદ અપાવી. જે મેઘાએ મને આર્યવર્ધન સાથે લડવા માટે આપી હતી. પણ લડાઈ પૂરી થયાં મેઘાએ તેની શક્તિ પાછી લીધી નહોતી.
હું મનમાં એકવાર હસ્યો. ત્યાં મને પાછળથી એક અવાજ સંભળાયો. “hey આર્યવર્ધન” હું પાછળ ફર્યો તો મારી ચાહત મારી સામેં હતી.