કાર ધનરાજ વિલાના વિશાળ ગેટમાંથી અંદર પ્રવેશી. ગાર્ડને સલામ કરતા જોઈને જેન્સીને એક ક્ષણ માટે લાગ્યું કે જાણે તે કોઈ ફિલ્મનો ભાગ હોય. મુખ્ય દરવાજા પાસે પહોંચતા જ મિસ્ટર ધનરાજ પોતે જેન્સીને આવકારવા ઊભા હતા. તેમની પાછળ મિસ તારા અને તેમનો દીકરો પ્રેમ પણ હતા.
"જેન્સી, તું આરામથી આવી ગઈ ને?" ધનરાજે પૂછ્યું.
"હા સર, બિલકુલ," જેન્સીએ જવાબ આપ્યો.
તારા મેડમ જેન્સીને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોવા લાગ્યા. તેમના ચહેરા પર એક અસ્પષ્ટ સ્મિત હતું. પ્રેમે પણ જેન્સી સાથે હસીને હાથ મિલાવ્યો. જેન્સીને એક ક્ષણ માટે અજુગતું લાગ્યું, કારણ કે તેને યાદ હતું કે આ એ જ લોકો છે જે જાનને નફરત કરે છે.
"આ જેન્સી છે, જે જાનની સંભાળ રાખશે," ધનરાજે તારા મેડમનો પરિચય કરાવ્યો.
તારા મેડમે હસીને કહ્યું, "અરે, આટલા બધા પૈસા ખર્ચવાની શું જરૂર છે? આપણા ઘરના નોકર ચાકર નથી કે જે જાનની સંભાળ ન રાખી શકે? આવા લોકોને કયાંથી લાવતા હશો?"
આ સાંભળીને જેન્સીને ગુસ્સો આવ્યો પણ તેણે પોતાને શાંત રાખી. ધનરાજે કહ્યું, "તારા, હું જે કરું છું તે યોગ્ય જ છે. તારે આ બાબતમાં કંઈ બોલવાની જરૂર નથી."
તારાએ તરત જ મોઢું બંધ કરી દીધું અને ગુસ્સાથી જેન્સી સામે જોવા લાગી. ધનરાજ જેન્સીને સીધા જાનના રૂમ તરફ લઈ ગયા. જાનનો રૂમ એક લાઈબ્રેરી જેવો લાગતો હતો, જેમાં ચારે બાજુ પુસ્તકો ગોઠવેલા હતા. જાન હજી પણ બેડ પર બેઠો હતો અને તેના કાનમાં હેડફોન હતા. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા.
જેન્સી મનમાં વિચારવા લાગી, 'શું આ વ્યક્તિને કંઈ થયું છે કે શું? ચહેરા પર કોઈ લાગણી જ નથી.'
"જાન, આ જેન્સી છે. તારી નવી નર્સ. હવેથી તે તારું ધ્યાન રાખશે," ધનરાજે કહ્યું.
જાન એક ક્ષણ માટે જેન્સી તરફ જોયું અને ફરીથી હેડફોન પહેરી લીધા. જેન્સીને ધનરાજની સામે જ જાનનું આ વર્તન ખૂબ ખરાબ લાગ્યું. ધનરાજ પણ આ જોઈને ચિંતામાં પડી ગયા.
જેન્સીએ ધનરાજને કહ્યું, "તમે ચિંતા ન કરો, હું સંભાળી લઈશ. તમે જઈ શકો છો." ધનરાજ ત્યાંથી નીકળી ગયા. જેન્સીએ રૂમનો દરવાજો બંધ કરીને જાનની સામે ઊભી રહી. જાન હજી પણ હેડફોન લગાવીને બેઠો હતો અને કોઈ પ્રતિક્રિયા આપી રહ્યો નહોતો.
જેન્સીએ ધીમેથી તેના કાનમાંથી હેડફોન કાઢી લીધા. જાન ગુસ્સાથી તેની સામે જોવા લાગ્યો. "કેમ તમે મારા હેડફોન કાઢી લીધા?" જાન ગુસ્સાથી બોલ્યો.
જેન્સી શાંતિથી બોલી, "હવે મારે તમને બે દવાઓ આપવાની છે. ત્યાર પછી હું તમને હેડફોન પાછા આપી દઈશ. તમે જે કંઈ સાંભળતા હતા તે તમે આરામથી સાંભળી શકશો. પહેલા આપણે આ કામ પૂરું કરીએ."
જાનનો ગુસ્સો શાંત થઈ ગયો. જેન્સીએ તેને બે દવાઓ આપી અને બ્રેકફાસ્ટ કરાવ્યો. જાન કંઈ બોલ્યો નહીં, પણ તેણે પ્લેટમાંથી ખાવાનું શરૂ કર્યું. જેન્સીને લાગ્યું કે જાન ધીમે ધીમે તેના પર વિશ્વાસ કરવા લાગ્યો છે.
"જાન, હું હમણાં જ નીચે જાઉં છું. અંકલે નાસ્તો કરવા માટે બોલાવી છે, પણ હું જલ્દી જ પાછી આવી જઈશ," જેન્સીએ કહ્યું.
જાન ધીમેથી માથું હલાવીને સંમતિ આપી. જેન્સી રૂમમાંથી બહાર નીકળી અને સીડીઓ ઉતરવા લાગી. તે અડધે પહોંચી ત્યાં તેના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર 'લેડી ઇન્સ્પેક્ટર'નું નામ જોઈને જેન્સી એક ક્ષણ માટે અટકી ગઈ.
"હેલો," જેન્સીએ ધીમા અવાજે કહ્યું.
"જેન્સી, શું તું મિસ્ટર જાનના ઘરે રહેવા જતી રહી છો?" સામેથી લેડી ઇન્સ્પેક્ટરે પૂછ્યું.
"હા," જેન્સીએ ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યો, કારણ કે તેને ખબર હતી કે આ ફોન કોઈ સાંભળી રહ્યું હશે.
"તો, તારે ત્યાં રહીને થોડીક કન્ફર્મેશન કાઢવાની પ્રોસેસ કરવી પડશે. ખાસ કરીને જાનના આંટી વિશે," ઇન્સ્પેક્ટરે વાત આગળ વધારી. "મેં થોડી જાણકારી લીધી છે અને તે મને થોડી શંકાસ્પદ લાગે છે. તારે માત્ર તેના પર નજર રાખવાની છે. હું પછી તને પાછો ફોન કરીશ. તારે કંઈ બીજી વાત કરવાની જરૂર નથી. માત્ર હા કે નામાં જ જવાબ આપજે."
"હા," જેન્સીએ ફરીથી કહ્યું અને ફોન કાપી નાખ્યો.
જેન્સીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેને હવે ખાતરી થઈ ગઈ હતી કે અહીં કંઈક મોટું કાવતરું ચાલી રહ્યું છે. તે ફક્ત એક નર્સ નહોતી, પણ હવે તે એક જાસૂસ જેવી ભૂમિકામાં આવી ગઈ હતી. તેને લાગ્યું કે આ કામ તેના માટે જેટલું ખતરનાક હતું, તેટલું જ તે અગત્યનું પણ હતું.
ફોન કાપીને તે નીચે પહોંચી. ડાઇનિંગ ટેબલ પર મિસ્ટર ધનરાજ નાસ્તો કરી રહ્યા હતા. તેમણે જેન્સીને જોઈ અને સ્મિત કર્યું.
"આવ જેન્સી, બેસ. નાસ્તો કરી લે," ધનરાજે કહ્યું.
જેન્સી ટેબલ પર બેસી ગઈ, પણ તેના મનમાં હજી પણ ઇન્સ્પેક્ટરની વાત ઘૂમી રહી હતી. 'શું ખરેખર મિસ તારા અને પ્રેમ જાનને નુકસાન પહોંચાડી રહ્યા છે?' જેન્સીના મનમાં એક નવો પ્રશ્ન ઉભો થયો.