મારી કવિતાની સફર
જીવનના કેટલાક પ્રસંગો એવા બને છે કે જે આપણને અંદરથી બદલાવી નાખે છે. મારી કવિતાની કે લેખન ની સફર પણ એવી જ એક કહાની છે.
હું ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ માં અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ દિવસો નિર્દોષપણાના, સ્વપ્નોના અને નવી દુનિયા શોધવાના હતાં. ક્લાસરૂમમાં શિક્ષકો પાઠ સમજાવતા, મિત્રો રમૂજી વાતોમાં મશગૂલ રહેતા, પણ મારી અંદર એક અજાણી ખળભળાટ ચાલતી. એ ખળભળાટ શબ્દોની હતી, લાગણીઓની હતી. એ જ દિવસોમાં ગુજરાતી સાહિત્ય નો પરિચય થયો અને જાણે મારી અંદર એક નવો જ વિશ્વ ખુલી ગયો. કવિતાના શબ્દોમાં જે સંગીત હતું, એ સંગીત મારા મનની ધબકાર સાથે એકરૂપ થઈ ગયું.
શરૂઆતમાં ફક્ત વાંચતો હતો. પણ જેમ જેમ વાંચતો, તેમ મન કહે – “તું પણ લખી શકે છે.” એક દિવસ હિંમત કરી, ડાયરીમાં થોડાં શબ્દો લખ્યાં. એ શબ્દો કદાચ સામાન્ય હતાં, પણ મારા માટે એ અસામાન્ય અનુભવ હતો. લાગ્યું કે મનની અંદર દબાયેલા ભાવોને કોઈ માધ્યમ મળી ગયું. ધીમે ધીમે આ શોખ રોજિંદી જરૂરિયાત બની ગયો.
કોલેજના દિવસો આવ્યા. હું શ્રીમતી એમ. ટી. ઘમસાણીયા કોલેજમાં ભણતો હતો. એ દિવસો મારા જીવનના સુવર્ણ અધ્યાય હતાં. લખવું હવે મારા માટે ફક્ત શોખ નહોતું, એ તો જીવનનો શ્વાસ બની ગયું હતું. લેક્ટચર બાદ કૅન્ટીનમાં બેઠો હોઉં કે લાઇબ્રેરીના ખૂણામાં, દરેક પળમાં મન કશુંક લખવા માગતું.
એ જ દિવસોમાં એક ઘટના બની, જેણે મારા લેખન ને નવો રંગ આપ્યો. એક દિવસ મેં પહેલી વાર એક સહપાઠીને જોઈ – એ મને સ્વપ્નસુંદરી જેવી લાગી. એની નિર્દોષ હંસી, આંખોમાં છલકાતી ચમક અને ચાલમાં રહેલી મીઠી લય – જાણે લખવા ના શોખ ને જીવંત સ્વરૂપ મળ્યું હોય. એ ક્ષણથી મારી કવિતામાં પ્રેમનો તત્વ ભળી ગયો. હું હવે ફક્ત જીવન જ નહીં, પરંતુ લાગણીઓ, મમતા અને પ્રેમને શબ્દોમાં ઊતારવા માંડ્યો.
પણ જીવન હંમેશાં કવિતા જેવું મધુર નથી હોતું. કોલેજ પૂરી થઈ, અને એક દિવસ પિતાજીએ ગુસ્સે કહી દીધું –
“જીવનમાં આવું કઈ લખવાથી કઈ નહીં ચાલે. લખવા થી ભવિષ્ય નથી બનતું. નોકરી કરવી છે તો આ લખવાનો શોખ તાત્કાલિક છોડી દે."
આ શબ્દો સાંભળતાં જ જાણે કોઈ વીજળી મારી પર તૂટી પડી. મારા હાથમાં પકડાયેલી ડાયરી કંપી ઉઠી. એ રાતે હું મૌન હતો. કોઈ પ્રતિભાવ ના આપી શક્યો. અંદરથી તૂટેલો, હું મારા બધા લખાણો એક સાથે ફાડી નાખ્યાં. એ પળે લાગ્યું કે મારી અંદરનો કવિ એક લેખક મરી ગયો. જો કે તેમાં પપ્પા નો પણ કોઈ વાંક નોતો પણ પોતાના પુત્ર માટે નો એક અનન્ય પ્રેમ હતો કેમ કે ત્યારે લેખક/ કવિ ની છાપ એવી હતી કે ખભે કાપડ ના બગલથેલો હોય ઝભ્ભો અને કુર્તો પહેર્યો હોય અને જીવન નો સંઘર્ષ કરતા હોય અને કોઈ પિતા પોતાના પુત્ર માટે આવુ ના વિચારી શકે.
પછી શરૂ થયો જીવનનો નવો અધ્યાય – સરકારી નોકરીની તૈયારી. મહેનત કરી, નોકરી મળી, જીવન આગળ વધ્યું. લગ્ન, પરિવાર, જવાબદારીઓ – બધું જ મળ્યું, પણ એ બધાની વચ્ચે ક્યાંક કવિતા ગુમાઈ ગઈ. ખબર જ ના પડી કે અંદરનો કવિ એક લેખક ક્યારે ધૂળમાં દટાઈ ગયો. ક્યારેક મન ખાલી ખાલી લાગતું, પણ એ ખાલીપો શું હતો એ સમજાતું નહોતું.
વર્ષો બાદ અચાનક જીવનમાં એક વળાંક આવ્યો. કોલેજની એક જૂની સહપાઠી હવે મિત્ર બનીને જીવન માં આવી. યાદોના પાનાં ફરી ખુલી ગયા. વાતચીત થઈ, હાસ્ય ફરી વહેવા માંડ્યું. એ સમયે પત્નીએ એને એક વાત કહી –
“કોલેજમાં એ ખુબ સરસ લખતો હતો. કવિતા અને લેખન માં એની જાન હતી, પણ હવે સાવ છોડી દીધૂ છે.”
એ વાત સાંભળીને સહપાઠીએ હસતાં કહ્યું –
“તું કેમ નથી લખતો હવે? એ જ તો તારી સાચી ઓળખ છે.”
હું મૌન રહ્યો. વર્ષો પછી કલમ હાથમાં લેવાની કલ્પના પણ કરી ન શકતો. પરંતુ પત્ની અને મિત્ર, બન્નેએ મારી પર દબાણ કર્યું. એમણે કહ્યું –
“તારે જેવું લખાણ કોઈ પાસે નથી. એ તારો જીવ છે. તું એ વિના જીવી રહ્યો છે, એટલે અંદરથી ખાલી છે.”
અને એ પળ આવી ગઈ, જ્યારે મેં ફરીથી કલમ હાથમાં લીધી. કાગળ સામે મૂક્યો. આંખો મીંચી. અંદર દટાયેલા વર્ષોના શબ્દો જાણે ઝરણાં બનીને વહેવા માંડ્યા. પ્રથમ શબ્દો લખતાં જ લાગ્યું – હું ફરીથી જન્મ્યો છું.
હવે મને સમજાયું – મારી અંદર ના કવિ કે કવિતા ક્યારેય મરી નહોતી. એ તો ફક્ત મૌન હતી, યોગ્ય પળની રાહ જોઈ રહી હતી. અને એ પળ આવી ગઈ.
મારી કવિતાની સફર હજી અધૂરી છે, હજી આગળ વધી રહી છે. દરેક કવિતા સાથે હું ફરીથી પોતાને શોધું છું. કદાચ આ સફર જ મારા જીવનની સાચી ઓળખ છે.