Miraculous Rudraksha - 9 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | ચમત્કારિક રૂદ્રાક્ષ - 9

Featured Books
Categories
Share

ચમત્કારિક રૂદ્રાક્ષ - 9

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૯

(આ ભાગ વાંચ્યા પહેલા આગળના આઠ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.)

જેમ આઠમા ભાગમાં વર્ણવાયું છે, એ રીતે ઈધ્યાને એ અદભૂત રુદ્રાક્ષથી ભવિષ્ય જોવાની શક્તિ મળી હતી. એ શક્તિથી પ્રેરિત થઈ, ઈધ્યાએ પોતાના જીવનનો ભવિષ્ય દોર્યો—એના હાથની રેખાઓની બહારનો એક નવો માર્ગ. એ સ્કેચ, જે એણે એ ગામની શાળાની દિવાલ પર દોર્યો હતો, એ માત્ર એક ચિત્ર નહોતું—એ એક દૈવી સંકેત હતું, ભવિષ્યનું દર્શન હતું.

સમય વીત્યો. ઈધ્યા પોતાના પરિશ્રમ અને સંકલ્પથી ધનિક બન્યો. પરંતું સમૃદ્ધિ પછી પણ એનું મન શાંત નહોતું. એના અંતરમાં હંમેશા એ ગામનો, એ મંદિરનો અને એ શિવલિંગનો અહેસાસ જીવતો હતો. પાંચ વર્ષ બાદ, એક દિવસ ઈધ્યા પાછો આવ્યો—એ જ જગ્યા, જ્યાં એણે પોતાનું ભવિષ્ય દોર્યું હતું.

તેણે નક્કી કર્યું કે એ મંદિરને ફરીથી જીવંત કરવાનું છે. એણે એ પ્રાચીન શિવમંદિરનું પુનઃનિર્માણ શરૂ કર્યું—જેમ એણે વર્ષો પહેલા દિવાલ પર દોર્યું હતું, એ જ નકશા મુજબ. એનું સ્વપ્ન, એનું દ્રષ્ટાંત, હવે હકીકત બનતું હતું. મંદિરનો દરેક પથ્થર, દરેક ખૂણો એની ભાવનાથી સજ્જ થતો ગયો. ઈધ્યાના જીવનની સૌથી અગમ્ય ઘટના એ અવાજહીન ઘંટ, જે મંદિરની મધ્યમાં વર્ષોથી મૌન ઉભી હતી. એણે એ ઘંટને રણકાવવાના અસંખ્ય પ્રયત્નો કર્યા. વિજ્ઞાનથી લઈ તંત્ર સુધી, ધાતુશાસ્ત્રથી લઈ મંત્રોચ્ચાર સુધી—ઈધ્યાએ કોઈ માર્ગ બાકી રાખ્યો નહીં. છતાં એ ઘંટનું મૌન અડગ રહ્યું.

વર્ષો વીત્યા, અને ઈધ્યાનું ધૈર્ય ધીમે ધીમે વિખરાતું ગયું. ક્યારેક એને લાગતું કે કદાચ એ ઘંટ મૌન રહેવાનું જ શિવનું નક્કી કરેલું વચન હશે. પરંતુ મનનો અહંકાર અને આત્માનો અધૂરાપો એને શાંત રહેવા દેતો નહોતો.

એક સાંજ, જયારે સૂર્યાસ્તના કિરણો શિવલિંગ પર પડતાં પડતાં લાલિમા ધીમે ધીમે અંધકારમાં વિલીન થઈ રહી હતી, ઈધ્યાનું મન ઉદ્વિગ્ન હતું. એણે હાથમાં પહેરેલું એ ચમત્કારીક રૂદ્રાક્ષનું કડુ જોયું—એ જ રૂદ્રાક્ષ, જેણે એને ભવિષ્ય જોવાની શક્તિ આપી હતી, ધન-સમૃદ્ધિ આપી હતી, પણ મનની શાંતિ કદી નહીં આપી. ક્રોધ, નિરાશા અને અધૂરા અહેસાસના મેળે ઈધ્યા અચાનક ઊભો થયો. એણે એ કડુ હાથમાંથી ઉતાર્યુ અને જોરથી એ કડું અવાજહીન ઘંટ પર ફેંકી માર્યુ.

એ ક્ષણ, એ ટકરાવ—કોઈ સામાન્ય ધાતુનો અથડામણ નહોતો. તે તો સૃષ્ટિના નાદ જેવો ધ્વનિ હતો. એક પ્રચંડ ઘંટનાદ થવા લાગ્યો—એવો કે જેના ધ્વનિએ આકાશ ધ્રુજી ઉઠ્યું. સાથે જ એક તેજસ્વી દિવ્ય પ્રકાશ પ્રસર્યો, એ પ્રકાશ એટલો ઉર્જાસભર હતો કે મંદિરમાં હાજર દરેક વ્યક્તિની આંખો અંજાઇ ગઇ. લોકોએ પોતાના કાન ઢાંકી લીધા, પણ એ ધ્વનિ હૃદય સુધી પહોંચ્યો—શરીર બહારનો નહીં, અંતરાત્માનો અવાજ. એ ઘંટનાદ માત્ર ધાતુનો ન હતો, એ તો શિવના પ્રણવ સ્વરની અનુભૂતિ હતી.

થોડા જ ક્ષણોમાં મંદિરનું નવું બાંધકામ ધરાશાયી થઈ ગયું. પથ્થરો ધરા પર વિખરાઈ ગયા. પરંતુ ચમત્કાર એ હતો કે એ ધરાશાયી થવું વિનાશ નહોતું, એ તો પુનર્જનમ હતું. ધૂળના વાદળોમાંથી જ્યારે પ્રકાશ ધીમે ધીમે ઓસરવા લાગ્યો, ત્યારે સૌએ જોયું - એ જર્જરીત, પ્રાચીન શિવમંદિર ફરીથી ઊભું થઈ ગયું હતું, પહેલા કરતાં પણ વિશાળ, તેજસ્વી અને શાંતિમય.

મંદિરનાં દ્વાર પર એ એકમાત્ર ઘંટ લટકતી હતી—પરંતુ હવે એનો રૂપ બદલાઈ ચૂક્યો હતો. તેની અંદર એ ચમત્કારીક રૂદ્રાક્ષ સમાઈ ગયું હતું. કોઈએ નરી આંખે જોયું નથી કે રૂદ્રાક્ષ કઈ રીતે તેમાં ભળી ગયું, પરંતુ એ હવે એકરૂપ થઈ ગયું હતું. જાણે બંને તત્વો એકબીજાના અસ્તિત્વમાં વિલીન થઈ ગયા હોય.

ઈધ્યાએ અનેક પ્રયત્નો કર્યા એ રૂદ્રાક્ષને અલગ કરવા માટે, તોડવા, કાપવા, વિભાજિત કરવા, અદ્યતન યાંત્રિક સાધનો સુધીનો ઉપયોગ કર્યો. પરંતુ ઘંટ અખંડ રહી. કોઈ સાધન એના ધાતુને સ્પર્શી શક્યું નહીં. દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યો. અંતે ઈધ્યાએ સમર્પણ કર્યું. એણે સમજી લીધું કે માનવીની વિદ્યા ત્યાં સુધી જ ચાલે છે, જ્યાં સુધી ઈશ્વર ઈચ્છે. એણે શિવલિંગ સામે નમન કરીને કહ્યું,
“હે શિવ, હું મારી જીદ છોડું છું. આ ચમત્કાર તારો છે, હું માત્ર સાક્ષી.”

અને એ જ ક્ષણે, એ ઘંટમાંથી એક ખૂબ મીઠો, ધીમો નાદ ઉઠ્યો, એવો કે જે માત્ર ઈધ્યાએ સાંભળ્યો. એ નાદ શાંતિનો હતો, સ્વીકારનો હતો, મુક્તિનો હતો. પછી ઈધ્યા પોતાના વતન પરત ગયો. એના જીવનમાં ઘણું બદલાયું, પરંતુ એ ઘંટનો એ એક નાદ એને આખા જીવનમાં સાથ આપતો રહ્યો.

લોકો કહે છે “આજે પણ જો કોઈ ભક્ત નિર્મળ મનથી એ ઘંટને સ્પર્શ કરે, તો ક્ષણભર માટે એ નાદ ગુંજે છે” હળવો, દિવ્ય અને અધ્યાત્મિક. એ નાદમાં ઈધ્યાનો ચમત્કાર જીવતો છે, શિવની ઈચ્છા બોલે છે અને રૂદ્રાક્ષનો તેજ પ્રકાશ ઝળહળે છે. એ નાદને ગામ લોકો “ઇધ્યનાદ” ના નામે ઓળખે છે. એ ઘંટ હવે માત્ર ધાતુ નથી, એ પ્રાર્થનાનો જીવંત સ્વરૂપ છે, શિવ અને ઈધ્યાની અધ્યાત્મિક સંવાદની ધ્વનિ.

ઘંટનાદ—એક શબ્દ જે માત્ર ધ્વનિ નથી, પણ એક જાગૃતિ છે. એક ચેતના છે. ઘંટનો નાદ માત્ર હવામાં ગુંજે છે એવું નથી, તે અંતરમાં પણ ગુંજે છે. આ નાદ આત્માને સંકેત આપે છે કે રાત્રિનું અંધકાર હવે પૂર્ણ થયું છે, નવા પ્રભાતનું સ્વાગત કરવાનો સમય આવી ગયો છે. આ નાદ કોઈ ધાતુના ટકોરાનો નથી, તે તો મનના દ્વાર ખોલી દે તેવો સ્પંદન છે.

પ્રત્યેક ઘંટનાદમાં એક પ્રકારની શક્તિ રહેલી છે—એક શુદ્ધતા, જે મનના કલુષને ધોઈ નાખે છે. જયારે ઘંટ વાગે છે, ત્યારે ક્ષણભર માટે દુનિયા થંભી જાય છે, અને મન પણ થોભીને સ્વરૂપ તરફ મોં ફેરવે છે. ઘંટનાદ એ આત્માની પ્રાર્થના છે, જે અવાજ રૂપે વ્યક્ત થાય છે.

સાહેબ પછી શું એ ચમત્કારિક રદ્રાક્ષ કાયમ માટે એ ઘંટમાં જ રહ્યો? પત્રકારે પુછ્યું

ના, એ રૂદ્રાક્ષ ઘંટમાંથી છૂટો પડ્યો.... પણ.... એ પણ એક અજાયબ અને લાંબી વાર્તા છે, પછા ક્યારેક કહીશ. એમ કહી અમે છૂટા પડ્યા.

(આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે. આ વાર્તાને તેમાં જણાવેલ સ્થળ, વાર્તા તથા નામો સાથે કોઇ જ સીધો કે આડકતરો સંબંધ નથી.)