Sarkari Prem - 5 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 5

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 5



"પણ આ સમાજ?" સરિતા કહે છે.
"આ સમાજ આપણી મદદ માટે ક્યાં આવે છે. એ લોકો તો ફક્ત તમારી ભુલો શોધવા જ આવે છે. તમે ગમે તે કરો એ લોકો બોલશે જ.." મધુકર મોહન કહે છે.
"પણ મમ્મીને હજી તો ભાઈ ના ય લગ્ન કરવાના છે. આપણે એમનું વિચારવું પડે." સરિતા કહે છે.

"તારા ભાઈ ના લગ્ન માં તો આપણી દીકરી સાવ નાની હશે. વળી જો લગ્ન કરવા હોય તો સમાજને શું?" મધુકર મોહન કહે છે.

પંદર દિવસ પછી 

આજે મધુકર ખુબ જ વ્યસ્ત હતો. તેની રજા પુરી થઈ ગઈ હોવાથી એ આજે જ ટ્રેનથી દિલ્હી જવા માટે નીકળવાનો હતો. તેની સાથે ‌સરિતા, મહેચ્છા અને તેની સાસુ પણ આવવાની હતી. 

પોતાના રેલ્વે પાસ ની મદદથી થર્ડ એ.સી ની અંદર ત્રણ સીટ ની વ્યવસ્થા કરી મધુકર દિલ્હી આવવા માટે નીકળી જાય છે. કદાચ પહેલીવાર જ ઘોડિયા સાથે મધુકર મોહન ટ્રેનમાં બેસે છે તો ટીકીટ ચેકર તેને જ રોકી લે છે.

"આ એ. સી કોચમાં ઘોડિયા ન ચાલે. બાળક ને તમારી સાથે સીટ ઉપર જ સુવડાવો." 

"પણ સર હું પણ રેલ્વે માં જ છું. તમે કૃપા કરીને મારી વાત સમજો. " મધુકર મોહન કહે છે.

"અરે પહેલા કહેવાય ને.." ટીકીટ ચેકર કહે છે.

"હવે તો જાણી ગયા ને.." મધુકર મોહન કહે છે.

"ચલો થોડા ચા પાણી પીવડાવી દો. દીકરી જન્મે છે તો‌ પાર્ટી આપવી પડે.". ટીકીટ ચેકર કહે છે.

"અરે‌ કોઈ વાર નિઝામુદ્દીન સ્ટેશન આવો ચોક્કસ પાર્ટી આપીશ."મધુકર મોહન કહે છે.

"અરે એ ફરી ક્યારેક પણ હવે તો ખિસ્સામાંથી કંઈક આપી દો. " ટિકિટ ચેકર કહે છે.

મધુકર મોહન ને રસ્તોગી સાહેબ યાદ આવી જાય છે અને પછી એ જ વીસ રૂપિયા યાદ કરી વીસ રૂપિયા ટિકિટ ચેકર ને આપી દે છે.

"ખરેખર જ રસ્તોગી સાહેબ બહુ સરસ રીતે જીવનને સમજી ચૂક્યા છે. એમની સલાહ મને કેટલી મદદ કરે છે." મધુકર મોહન ખુબ ખુશ થાય છે.

ક્યારેક હસતી અને ક્યારેક રડાવતી મહેચ્છા આજુબાજુના યાત્રીઓ માટે ક્યારેક મનોરંજન તો ક્યારેક ફરિયાદ નો વિષય હતી. મધુકર મોહન ને ઘણા બધા લોકોએ પુછપરછ કરી કે આમ થર્ડ એ.સી માં તમને ઘોડિયા કેવી રીતે રાખવા દે? 

મધુકર મોહન પોતે રેલ્વે માં હોવાની વાત કરે તો‌ ઘણા બધા આમ ખુશામત ભરી રીતે સરકારી નોકરી મેળવવા માટે અભિનંદન આપતા તો ઘણા તેમને રેલ્વે નો આવી રીતે દુરુપયોગ કરવાની જરૂર નથી એમ સમજાવે છે. પણ મધુકર મોહન થોડી શાંતિ રાખે છે અને કોઈ ખોટા જવાબ નથી આપતા.

દિલ્હી પહોંચી પોતાના સરકારી ક્વાર્ટરમાં મધુકર મોહન હજી તો પ્રવેશ કરે એ પહેલાં જ સ્ટેશન પર રસ્તોગી સાહેબ ને મળવા જવાની માટે‌ આદેશ આવી જાય છે. સરિતા તરત જ ગુસ્સે થઈ જાય છે.

"હજી તો આપણે ‌પહોચ્યા નથી અને તમે ચાલ્યા રેલ્વે સ્ટેશન.."

"અરે તું સમજતી નથી ‌મારૂ જવું ખુબ જરૂરી છે. કાલે થી કદાચ સરકાર બાબુ રજા પર હશે." મધુકર મોહન સમજાવે છે.

"પછી શું કામ મોટા ઉપાડે મને‌‌ અને મમ્મીને વહેલી તકે અંહી બોલાવી લીધી?" સરિતા કહે છે.

"એ‌ બધુજ પછી સમજાવીશ." મધુકર મોહન કહે છે.

મધુકર મોહન સીધો જ રેલ્વે સ્ટેશન રસ્તોગી સાહેબ ને મળવા માટે પહોંચી જાય છે. રસ્તોગી સાહેબ સરકાર બાબુ સાથે બેસીને જાણે તેની જ રાહ જોઈ રહ્યા હતા.

"મધુકર..આવો આવો." રસ્તોગી સાહેબ મધુકર ને જોઈ કહે છે.

" સર મને યાદ કર્યો. " મધુકર જણાવે છે.

"હા કાલથી દસ દિવસ માટે તમે એકલા જ છો. સરકાર બાબુ પોતાના પપ્પા ના ઓપરેશન માટે રજા પર જવાના છે." રસ્તોગી સાહેબ કહે છે.

"અત્યારે જ પૈસા નો કારભાર અને તત્કાલ ની ટીકીટ વિષે બધું સરકાર બાબુ પાસેથી શીખી લ્યો. મારે કાલે વી. આઈ. પી વીઝીટ હોવાથી હું તમને વધારે મદદ નહીં કરી શકું. " રસ્તોગી સાહેબ ઉમેરે છે.

મધુકર મોહન પરિસ્થિતિ સમજી જતાં હામી ભરે છે. સરકાર બાબુ સાથે વાતચીત કરતા અને બધી વાતો શીખતા બે કલાક નીકળી જાય છે. મધુકર ઘરમાં પહોંચી જાય છે તો મહેચ્છા સુઈ ગઈ હતી અને સરિતા તેની જમવા માટે રાહ‌ જોઈ બેઠી હતી.

"અરે તું હજી જમી નથી. અને મમ્મીજી.." મધુકર મોહન કહે છે.

"મમ્મી એ જમી લીધું. પણ હું કેવી રીતે જમું? જે ઘરમાં મહેનત કરી આપણું પેટ ભરે એણે જ જો ન ખાધું હોય તો મારે થોડી ખવાય? મહેચ્છા હમણાં જ સુતી છે. ફરીથી ઊઠશે. જમી લો. " સરિતા જવાબ આપે છે.

મધુકર મોહન ગદગદ બની જાય છે. સરિતા અને મધુકર હજી જમી જ ચુક્યા હતા કે તરત જ મહેચ્છા નો અવાજ આવે છે. સરિતા દોડીને જાય છે. આ તરફ મધુકર બધા વાસણ ભેગા કરીને રસોડામાં મુકી દે છે. પછી કચરા પોતા પણ કરી નાખે છે.

મધુકર પછી શાંતિથી ક્વાર્ટર ની બહાર આંટો મારી રહ્યો હતો. લગભગ પોણી કલાક પછી સરિતા આવે છે તો મધુકર સામે જોઈ તેને રૂમમાં બોલાવે છે.

"જો મધુકર તમારે નોકરી અને પરિવાર વચ્ચે હવે ‌સંતુલન રાખવું જ પડશે. પહેલા લગ્ન પછી આપણે બન્ને જ હતા ત્યારે વાત અલગ હતી.

હવે મમ્મી પણ છે અને મહેચ્છા ની મોટી જવાબદારી છે. એટલે તમે સમયસર ઘરમાં રહી મારી મદદ કરશો તો સારું રહેશે. મમ્મી પણ બે મહિના પછી જતી રહેશે. પણ‌ એ તમને ઘણી વાતો ન કહી શકે. " સરિતા સમજાવે છે.

"હા પણ કાલથી સરકાર બાબુ રજા પર છે. એટલે થોડા દિવસ હું ખુબ વ્યસ્ત રહીશ. એટલે જ આજે પૈસા અને બીજી બધી વિગતો લેવા રસ્તોગી સાહેબે બોલાવ્યા હતા." મધુકર મોહન જણાવે છે.

"તમે સરકારી નોકરી કરો છો કે રસ્તોગી સાહેબ ના ઘરની?" સરિતા ગુસ્સે થઈ.

"જો આપણે રજા લીધી તો સરકાર બાબુ પર કામનું વધારે ભારણ‌ હતું. પણ એ તો ચાલે જાય." મધુકર મોહન કહે છે.

"જો હું કંઈ નથી જાણતી. તમે મમ્મી ને અંહી લાવ્યા છો તો તમારી જવાબદારી વધી જાય છે. " સરિતા સમજાવી પછી બીજા રૂમમાં જતી રહે છે.

મધુકર મોહન પછી પોતાની જાતને સમજાવવા લાગે છે. 
"જો મારે મહેચ્છા નું ધ્યાન રાખવું જ પડશે તો જ સરિતા અને તેની મમ્મીને ગમશે.મારે રસ્તોગી સાહેબ તેમજ સરિતા બન્ને ને દુઃખ નથી આપવું. ઈશ્વર મારી મદદ કરજો."

એ રાત તો ક્યારેક મધુકર જાગતો તો ક્યારેક સરિતા જાગતી. સરિતા ની મમ્મી તો ખડેપગે તૈયાર જ હતી. સવારે ત્રણ વાગ્યે સરિતા મધુકર મોહન ને સુવા માટે બીજા રૂમમાં મોકલી દે છે.

મધુકર માંડ માંડ ચારેક કલાક ની ઊંઘ લઈને પછી વહેલી સવારે જ ટીકીટ બુકિંગ કાઉન્ટર ખોલીને પોતાના કામમાં લાગી જાય છે.જમવાનો સમય ક્યારે થયો એ મધુકર ને ખબર જ ન પડી. પણ હજી તો ટીફિન ની રાહ જોવૂ ત્યારે જ ત્યાં ટીફિન  હાજર હતુ. મધુકર ની સાસુ ટીફિન આપી ગયા હતા.

કોણ‌ કહે છે સરકારી નોકરીઓમાં કામ નથી હોતું?