"દીકરી એ જ સરકારી કલેકટર છે. એ આ જીલ્લા ને સંભાળે છે." મધુકર સમજાવે છે.
"ઓહ..પણ રાજા જેવા છે. " મહેચ્છા કહે છે.
"પણ આ બધું એમ નથી મળતું. ખુબ મહેનત કરવી પડે છે." મધુકર સમજાવે છે.
"શું કરવું પડે પપ્પા?" મહેચ્છા પુછે છે.
"બસ જો તું મહેનત કરવા તૈયાર થઈ જાય તો હું તારો પુરેપુરો સાથ આપવા તૈયાર છું." મધુકર સમજાવે છે.
"ચાલો ચાલો બાપ દીકરી જમીને પછી વાતો ના વડા કરજો." સરિતા સમજાવે છે.
"પહલે પેટ પુજા ફિર કામ દુજા.." મધુકર કહે છે.
"હા પપ્પા ચલો. " મહેચ્છા હવે પપ્પાનો હાથ પકડી લે છે.
જમતા જમતા પણ મહેચ્છા વારંવાર ગાડી તેમજ કલેકટર વિષે જાણવા માટે ઉત્સુક હતી. આજે પોતાની સખીઓ ને પણ ભુલી જતા હવે આગ્રા જવા માટે તે તૈયાર હતી.
મધુકર ખુબ ખુશ હતો. આજે કદાચ પહેલીવાર જ મહેચ્છા તેની સાથે આટલી બધી વાતો કરી રહી હતી. ફટાફટ બેગ પેકેજ કરી બધા ટ્રેન મારફતે જ દિલ્હી થી આગ્રા જવા નીકળી જાય છે.
આખા રસ્તે સરિતા ઊંઘ લે છે. જ્યારે બાપ અને દીકરી આંખો રસ્તો બહાર ના વૃક્ષો જોતા જોતા જ અંતાક્ષરી અને બીજી રમતો રમી સમય પસાર કરે છે.
જ્યારે ટ્રેન આગ્રા પહોંચી જાય છે ત્યારે સૌથી પહેલાં તો મહેચ્છા ને ટ્રેન ની સામે જ મૂકેલા પોસ્ટર પર નજર જાય છે. તેની પર લખ્યું હતું
" આગ્રા ની સૌથી મોટી અજાયબી એવા તાજમહેલ ની જરૂર મુલાકાત લેશો."
"પપ્પા પપ્પા આ તાજમહેલ તો મારે ભણવામાં આવે છે. આપણે જોવા જવું છે." મહેચ્છા કહે છે.
"હા બેટા જરૂર. બે મહિના અંહી જ રહેવાનું છે." મધુકર કહે છે.
"બે મહિના પછી શું કરવું?" સરિતા વચ્ચે ઘુસી.
" એ તે વખતે વિચાર કરીશું." મધુકર કહે છે.
"તમે તો પોતાના કામમાં જ રચ્યાપચ્યા રહો છો. આપણે કેટલી તૈયારી કરવી પડે આવવા પહેલાં ?" સરિતા સમજાવે છે.
"હા મને ખબર પડી. " મધુકર સમજાવે છે.
મધુકર હવે ઘરે પહોંચી સૌથી પહેલાં પોતાના હાથની ગરમ ગરમ ચા સરિતા ને પીવડાવે છે. પછી પોતાના ક્વાર્ટર ના દર્શન કરાવે છે. સરિતા ને તો આ ક્વાર્ટર જોઈ બહુ મજા નથી આવતી પણ એ ખુશી દેખાડે છે.
દિલ્હી નું ક્વાર્ટર ખુબ મોટું અને હવાદાર હતું.પણ અંહી કોઈ જાતની વ્યવસ્થા ન હતી. એક પણ વસ્તુ ઠેકાણે ન હતી. જો કે એકલા પુરુષ જ્યારે રહેતા હોય ત્યારે આમ જ થાય.
મધુકર બીજા દિવસે નોકરી જાય છે તો સરિતા પોતાના કામમાં વ્યસ્ત બની જાય છે. ઘરમાં ચારે તરફ જાળાં અને કરોળિયા હતા. વળી પાણીની ટાંકી પણ સાફ ન હતી. આ તરફ મહેચ્છા પણ પોતાનો દિવસ કેમ કાઢવો એ વિચાર કરે છે અને પોતાની ઘરની નજીક જ એક નાનકડી બાળકીને શોધવામાં સફળ થાય છે.
મધુકર જમવા આવે છે ત્યારે પોતાની સાથે બાળ વાર્તા ની ઘણી બધી ચોપડીઓ ભેગો લેતો આવે છે. મહેચ્છા પપ્પા ને જોઈ ખુશ થઈ જાય છે. એમાં પણ પપ્પા ના હાથમાં પોતાની માટે ચોપડીઓ જોઈને તેને ખુબ ખુશી થાય છે.
"પપ્પા આ કેવી ચોપડીઓ છે?" મહેચ્છા પુછે છે.
"દીકરી આ બધી વાર્તા ની ચોપડીઓ છે. એમાં ચંપક ચાંદામામા અને બીજી ઘણી બધી ચોપડીઓ છે. એમાં તને ગમે એવી ઘણી બધી રસિક વાર્તાઓ નું વર્ણન છે." મધુકર કહે છે.
"પપ્પા તમે કેટલી લાવ્યા? આ તો દસ છે." મહેચ્છા પુછે છે.
" જો દીકરી અંહી નજીક જ પુસ્તકાલય છે. હું ત્યાંથી જ તારી માટે આ બધી ચોપડીઓ લાવ્યો છું. તું કંટાળી જાય તો બીજી લેતો આવીશ." મધુકર કહે છે.
"વાહ પપ્પા. પણ હું સાંજ પછી મારી સખી સાથે રમત રમી પછી વાંચવાનું ચાલુ કરીશ." મહેચ્છા કહે છે.
"હા દીકરી આ તો તારી માટે જ છે." મધુકર સમજાવે છે.
જમી લીધા પછી જ્યારે મધુકર સ્ટેશન જતો હતો ત્યારે સરિતા મધુકર સામે જોઈ કહે છે:
"કંઈ ફેર લાગે છે?"
"ના. શું ફેર?" મધુકર બોલે છે.
"આ જે ઘરમાં કંઈ સાફ સફાઈ નથી દેખાતી. હું આખા દિવસમાં સફાઈ કરી થાકી ગઈ અને તમારે કંઈ ફેર નથી." સરિતા ગુસ્સે થઈ જાય છે.
"અરે..અરે.." મધુકર સમજાવે છે પણ સરિતા દરવાજો બંધ કરી દે છે. મધુકર હાથ પછાડીને જતો રહે છે.
નાનકડી મહેચ્છા આ બધું જોઈ પછી તરત જ વાર્તા ની ચોપડી વાંચવા માટે બેસી જાય છે. સરિતા લગભગ કલાક પછી કોઈ અવાજ ન થતા જોવે છે તો કોઈ ડાહી છોકરીની જેમ મહેચ્છા વાર્તા ની ચોપડી વાંચી રહી હતી.
સરિતા ને મહેચ્છા પર ખુબ પ્રેમ આવતા તેને પકડી આલિંગન કરે છે. પછી મહેચ્છા પણ પોતાની મમ્મીને વ્હાલ કરી ગુસ્સે ન થવા માટે સમજાવે છે.મહેચ્છા નું આવું ભોળપણ સરિતા ને ખુબ ગમે છે.
રાત્રે જ્યારે મધુકર નોકરી કરી પાછો ઘરે આવે છે ત્યારે સરિતા ને જોઈ ખુશ થઈ જાય છે. સરિતા કોઈ નવોઢા ની જેમ જ તૈયાર થઈ મધુકર ની રાહ જોઈ રહી હતી. મહેચ્છા પણ પરીની જેમ તૈયાર હતી. મધુકર કંઈ સમજી ન શક્યો.
સરિતા કહે છે:
" ક્યાં સુધી નોકરી નોકરી કરી ટેન્શનમાં ફરો છો. આજે આપણે બધા બહાર જમવા જઈશું. મહેચ્છા ની રજાઓ ચાલે છે. અંહી બિચારી એક બે છોકરીઓ ને જ ઓળખે છે.
પરિવાર જ સૌથી મહત્વપૂર્ણ છે. નોકરી તમારી જીંદગી નો જ એક ભાગ છે. નોકરી ને જીંદગી ન બનાવો."
"હા પપ્પા. મમ્મી ને વ્હાલ કરો. નો ઝગડો." મહેચ્છા સમજાવે છે.
ત્રણેય નજીક ની જ એક હોટલમાં રાત્રે જમવા માટે જાય છે. હવે તો મધુકર ને પણ ટેન્શન ઓછું થાય છે.એ ગમે તેમ કરીને પણ હવે પરિવાર તરફ વધુ ધ્યાન આપવા માટે વિચાર કરે છે.
મધુકર વેકેશન દરમ્યાન રોજ જ નવી નવી વાર્તા ની ચોપડી પુસ્તકાલય થી લેતા આવી મહેચ્છા ની અંદર વાંચન કરવાનો શોખ પેદા કરવામાં સફળ થાય છે.હવે તો મહેચ્છા વર્તમાન પત્ર પણ રોજ લગભગ દસ મીનીટ માટે વાંચવા લાગી.
એ પોતાની મમ્મીને રોજ નવા નવા સમાચાર વિષે વાતચીત કરી પછી તેના ઈતિહાસ વિષે જાણવા માટે ઉત્સુક રહેતી. રોજ રાત્રે મધુકર પણ સુતી વખતે મહેચ્છા ને કોઈ વાર્તા કહેતો અને પછી આખા દિવસ ની ખબરો વિષે વાતચીત કરતો.
હવે તો લગભગ બે મહિના પછી મહેચ્છા નું વેકેશન પુરુ થવાનું હતું. આગ્રા ની શાળામાં પ્રવેશ લેવા માટે મધુકર અને સરિતા પોતાની સાથે મહેચ્છા ને લઈને જાય છે. આમ તો રેલવે ની જ કેન્દ્રિય શાળા હોવાથી મહેચ્છા ને પ્રવેશ મળી જ જતો.
પણ પ્રિન્સીપાલ થોડા કડક હોવાથી એમણે મહેચ્છા ને પ્રશ્ન પુછવા માટે નક્કી કર્યું.
"ભારત ના અત્યારે વડાપ્રધાન કોણ છે?"
" અટલ બિહારી વાજપેયી.." એમ મહેચ્છા એ જવાબ આપ્યો તો એ ખુબ ખુશ થયા.
" ભારત ના પડોશી દેશ સાથે ક્યાં વર્ષમાં યુધ્ધ થયું?"
" ભારત પાકિસ્તાન નું યુધ્ધ ૧૯૪૭/૧૯૬૫/૧૯૭૧ અને ભારત ચીન યુધ્ધ ૧૯૬૨ માં થયું." મહેચ્છા એ જવાબ આપ્યો.
મૌલિક વસાવડા