Sarkari Prem - 11 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 11

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 11




"જો મહેચ્છા હું તને નાસીપાસ કરવા માટે નથી માગતો પણ તને ખબર હોવી જોઈએ કે આઈ.એ. એસ બનવા માટે કેવી પ્રકારની તૈયારીઓ કરવી પડે છે. 

દિલ્હી ની કોલેજ ખુબ પ્રખ્યાત છે. પણ‌ તારે પોતાની જાતને સર્વોચ્ચ મહેનત માટે તૈયાર કરી રાખવી પડશે. તારી જેવા આ દેશમાં કેટલાય લોકો છે. એ બધા પણ તારી જેમ જ પરિક્ષા પાસ કરવાના સપનાઓ સાકાર કરવા દિલ્હી આવે છે. " મધુકર મોહન સમજાવે છે.

"હા પપ્પા હું સમજી શકું છું. હું મારી કોલેજના ત્રણ વર્ષ દરમ્યાન પોતાના અભ્યાસક્રમ સિવાય જ વાંચન કરતી રહીશ. મારા મગજમાં કોઈ દિવસ અભિમાન નહીં આવવા દઉં." મહેચ્છા સમજાવે છે.

મહેચ્છા આજે પ્રથમ વખત જ લેડી શ્રીરામ કોલેજમાં પ્રવેશ કરે છે તો બધા નવા વિધાર્થીઓ એકબીજાને જોઈ રહ્યા હતા. કોઈ તવંગર તો કોઈ મધ્યમવર્ગીય તો કોઈ થોડા ગરીબ હતા. કોલેજ ડીન મુખર્જી સર બધાને આવકાર આપે છે. પછી કહે છે:

" આપ સૌ જાણો છો કે આપ શું કામ દિલ્હી ની સૌથી પ્રતિષ્ઠિત કોલેજ ની પ્રવેશ પરીક્ષા પાસ કરી અંહી સુધી પહોંચી શક્યા છો. આપની અંદર ઘણા લોકો આઈ.એ.એસ કે પ્રાધ્યાપક કે બીજી કોઈ અલગ અલગ પ્રકારની નોકરી કરવા માંગતા હશે.

પણ એક વાત તમને બધાને ખબર હોવી જોઈએ એ છે કે તમને બધાને સિવિલ સર્વિસ ની પરીક્ષા કેવી પ્રકારે લેવામાં આવે છે અને કેવી રીતે તૈયારી કરવામાં આવે છે.
સૌથી પહેલાં તો આ પરિક્ષા બે અલગ અલગ ભાગોમાં લેવામાં આવે છે.

જે પ્રથમ પરિક્ષા હોય છે એ પ્રિલિમનરી પરિક્ષા કહેવાય છે. આ પરિક્ષા માટે બે વિષયો આવરી લેવામાં આવે છે. એ છે સામાન્ય જ્ઞાન અને એપ્ટીટયુડ ટેસ્ટ.

જે બીજી પરિક્ષા છે એ મુખ્ય પરિક્ષા કહેવાય છે.‌મુખ્ય પરિક્ષામાં નવ પેપર રાખવામાં આવે છે. જેમાં નિબંધ લેખન, સામાન્ય જ્ઞાન ના ચાર પેપર સહિત મુખ્ય વિષય ના ત્રણ પેપર અને બે ભાષા ના અલગ અલગ પેપર હોય છે. આ બધામાં સારો રેન્ક લાવ્યા પછી છેલ્લે ઈન્ટરવ્યુ પાસ કરવો પડે છે." 

મહેચ્છા તો આ બધું સાંભળી જ રહી. જેને પોતે સાવ સામાન્ય લક્ષ્યાંક સમજી રહી હતી એ તો ખુબ મુશ્કેલ જણાતું હતું.‌ પછી બધા જ વિદ્યાર્થીઓ ના ચહેરા ચિંતાતુર જોઈને ડીન મુખર્જી સર ફરીથી કહે છે:

" આપ સૌ‌ મારી વાત સાંભળી ગભરાઈ ગયા લાગો છો. પણ ચિંતા ન કરો. તમે બધા પોતાની આવડત ના જોર પર અંહી સુધી પહોંચી શક્યા છો. હજી તમે જો શિસ્ત નું પાલન કરી પછી પોતાની જાતને કોઈ પણ પરિસ્થિતિમાં ઉત્સાહી રાખી શકો તો ચાર જ વર્ષમાં તમે આઈ.એ. એસ બની શકો છો એ મારી ખાતરી છે." ડીન મુખર્જી કહે છે.

મહેચ્છા બધી વાતો હાલ તો ફક્ત સાંભળી જ રહી હતી. ઘરમાં પહોંચી મહેચ્છા રડવા લાગી. સરિતા અચાનક જ મહેચ્છા ના રડવાથી હતપ્રભ બની જાય છે.

"એ દીકરી શું થયું?" સરિતા પુછે છે.

"મમ્મી હું સમજી ગઈ છું કે સિવિલ સર્વિસ ની પરીક્ષા એટલી સહજતાથી પાસ કરી શકાય એમ નથી. જો હું પાસ ન થઈ તો મારું અને પપ્પા બન્નેનું સપનું ટુટી જશે. " મહેચ્છા કહે છે.

" તું અને તારા પપ્પા..આખો દિવસ આઈ.એ.એસ ની પાછળ જ લાગ્યા છો. તને ઘરકામ કરવા ક્યારે ગમશે? ચા બનાવતા પણ નથી આવડતી. લગ્ન થયા તો એ બધું પણ આવડવું જોઈએ." સરિતા કહે છે તો મહેચ્છા વધુ રડવા લાગી.

એ જ દિવસે મધુકર રાત્રે ખાસ જયપુર થી દિલ્હી આવી જાય છે. રાત્રે મોડું થતાં મહેચ્છા તો સુઈ જાય છે પણ સરિતા ને આજે મધુકર સાથે ખાસ વાતચીત કરવી હતી.મધુકર હજી તો ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં જ સરિતા તૈયાર હતી.

"આ તમે બન્ને બાપ દીકરી શું કરવા માંગો છો? એક તરફ તો મહેચ્છા ને મનમાં વિશ્વાસ નથી કે એ એકલી આટલી અઘરી પરિક્ષા પાસ કરી શકે છે.

બીજું એને કોઈ જાતનું ઘરકામ નથી આવડતું. વળી બેડોળ બનતી જાય છે. પોતાની તરફ જોતી ય નથી. આને કોઈ છોકરો પણ પસંદ ન કરે."

"જો આજે કદાચ પહેલીવાર જ તેને આઈ.એ.એસ બનવા માટે ની પદ્ધતિ ખબર પડતાં એ ગભરાઈ ગઈ. પણ હું હવે થોડા દિવસ ની રજા રાખી મહેચ્છા માટે સારામાં સારી કોચિંગ ક્લાસ ની શોધ કરું છું.

ત્રણ વર્ષ પછી તો એ બીજા બધા કરતાં ઘણી આગળ નીકળી ગઈ હશે. રહી વાત દેખાવની તો મહેચ્છા ને મારી કરતા સારુ તું જ સમજાવી શકે." મધુકર જણાવે છે.

" હા હા અળખામણી તો હું જ બનું. બીજી છોકરીઓ કેવી સરસ તૈયાર થઈ કોલેજમાં જાય છે. પછી પોતાના શરીરને પણ સાચવે છે." સરિતા સમજાવે છે.

એ રાત્રે મહેચ્છા ઊંઘમાં પણ મમ્મી પપ્પા ની વાતચીત સાંભળી જાય છે.મહેચ્છા હવે પોતાની જાતને પણ સારી રીતે દેખાય એ પ્રમાણે કપડાં અને મેકઅપ કરવાનું શરૂ કરી દે છે.

બીજા દિવસે સવારે જ મહેચ્છા ને જોઈ સરિતા પણ હતપ્રભ બની જાય છે. વાદળી રંગના સલવાર સુટ સાથે મેચિંગ લટકણિયાં અને લિપસ્ટીક લગાડી મહેચ્છા જાણે અપ્સરા જ લાગતી હતી.

"કાલે તે બધું જ સાંભળી લીધું ને?" સરિતા પુછે છે. 

"હા મમ્મી. આઈ લવ યુ." સરિતા ને ચોંટી જાય છે.

"દીકરી હું થોડા દિવસ ની રજા પર છું. આજે આપણે બધી કોચિંગ ક્લાસ જોવા જશું. " મધુકર સમજાવે છે.

"જી પપ્પા." મહેચ્છા કહે છે.

સાંજે મધુકર પોતાની સાથે મહેચ્છા ને લઈને દિલ્હીમાં આઈ.એ.એસ કોચિંગ ક્લાસ જોવા માટે નીકળી જાય છે.દિલ્હી ની અંદર એક અલગ જ જગ્યા. જ્યાં જાણે કે સમય રોકાઈ ગયો છે.

દિલ્હી નો વિસ્તાર રાજીવ નગર. ઠેક ઠેકાણે કોચિંગ ક્લાસ ની જાહેરાતો. ક્યાંક ઈજનેરી તો ક્યાંક મેડિકલ ની કોચિંગ ક્લાસ. ક્યાંક ચા ની ટપરી તો ક્યાંક એક નાનકડું સાયબર કાફે. ૨૦૦૯ ના સમયે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ હજી પોતાના પગલાં માંડી રહ્યા હતા.

ક્યાંક છોકરીઓ અને ક્યાંક તો છોકરાઓ ના મોટા મોટા ટોળા.. બધા એકબીજાની સાથે વાતચીત કરતા ક્યાંક ટીખળ તો ક્યાંક વળી ગંભીર ચર્ચા. મધુકર ને પોતાનો સમય યાદ આવી જાય છે.

પોતાની પાસે પૈસા ની અછત હોવાથી મધુકર પોતાની રીતે જ આગળ વધ્યો અને ગમે તે ભોગે પણ આઈ.એ.એસ પરિક્ષા પાસ ન કરી શક્યો. હવે તો બિલાડી ના ટોપ ની જેમ કોચિંગ ક્લાસ ખુલી નીકળ્યા હતા.

" આ એક સારી ક્લાસ છે." મધુકર જુની ઢબની દુકાન તરફ ઈશારો કરી મહેચ્છા ને બતાવે છે.

"પણ પપ્પા અંહી તો કોઈનું બોર્ડ પણ નથી મારેલું. કોઈ પાસ થયેલા વિદ્યાર્થીઓ ની લીસ્ટ પણ નથી. " મહેચ્છા જણાવે છે.

" એ જ સાચી કોચિંગ ક્લાસ છે. જો તો ખરી કેટલા વિદ્યાર્થીઓ છે? એ બધા જ ભણે છે. કોઈ જાતના કોમ્પ્યુટર કે મોટી મોટી લાઈટો કે મોટા ફોટા નથી. આ મારો અનુભવ કહે છે." મધુકર સમજાવે છે.

મધુકર મહેચ્છા ને લઈને કોચિંગ ક્લાસમાં પ્રવેશ કરે છે.મહેચ્છા ને મધુકર ના અનુભવ પર તરત જ ખુશી થાય છે.

મૌલિક વસાવડા