પ્રસ્તાવના :
આ વાર્તા (નવલકથા )ની અંદર જીવનમાં જયારે આપણે તકલીફમાં હોઈએ તો તે સમયે આપણી મનઃસ્થિત કેવી બની જાય છે તેનું યથાયોગ્ય વર્ણન મેં મારા સ્વયંભાવ વડે વ્યક્ત કર્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં પીડા, દુઃખ જરૂરથી હોય જ છે.
કોઈપણ વ્યક્તિ જીવનની આ પરિસ્થિતિ અવગણી શકતો નથી કે તેમાંથી બચી શકતો નથી. તે તકલીફ કેવી છે? તે વેદના શુ હોય છે? તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.
કારણકે તમે કે હું કે બીજા કોઈપણ વ્યક્તિ એવા ન હોઈ શકે જેને જીવનમાં દુઃખ ન જોવું પડ્યું હોય તો બસ આવી જ એક સામાજિક, પારિવારિક પ્રસંગથી ભરપૂર વાર્તા ( નવલકથા ) લખવાનો મેં એક પ્રયાસ કર્યો છે. આપ સૌ વાંચશો અને સહકાર આપશો.
આ વાર્તાની અંદર રાજવીર( મુખ્ય પાત્ર ) , ઋષિતા( રાજવીરની મમ્મી ) , મનસુખ( રાજવીરના પપ્પા ) , છગન( રાજવીરના દાદા ) , દિવ્યા( ગૌણ પાત્ર ), ધીરજ( ગૌણ પાત્ર ), રાહુલ( રાજવીરનો મિત્ર ) , રોહિત(સ્કૂલના ટ્રસ્ટીનો દીકરો ) , મિલાપ( રાજવીરના ક્લાસમાં તેની સાથેનો સહ અભ્યાસી ) , વિશાલ( ક્લાસમેટ ) , મયુર ( રાજવીરનાં કાકા ) પ્રિયા( રાજવીરના કાકી ) , મિત્તલ( રાજવીરના ક્લાસની વિદ્યાર્થીની ) વગેરે પાત્રો દ્વારા મેં પારિવારિક જીવનનું વર્ણન કર્યું છે.
મેં આ વાર્તાને થોડા પ્રકરણમાં વિભાજીત કરી એક લઘુનવલકથા સ્વરૂપે લખી છે. આપ સૌની શુભેચ્છા અને સૂચનો આવકાર્ય છે.
પ્રકરણ - 1
રાજવીર હવે 11માં ધોરણમાં પાસ થઈ અને 12માં ધોરણમાં આવ્યો હતો. તે મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતો હતો.
પોતે ભણવામાં પણ માધ્યમ હતો. નહિ હોશિયાર કે નહિ ઠોઠ. તે બોલવામાં પણ ખુબ જ નબળો હતો.
બધા જ તેની મજાક મશકરી કરતા છતાં પણ રાજવીર સારા સ્વભાવવાળો છોકરો એટલે બધું જ સહન કર્યા કરતો અને ચુપચાપ રહેતો. બિચારો કદી કોઈને વળતો જવાબ ન આપે.
કદી દુઃખ પણ ન લગાડતો. એકદમ શાંતિ પ્રિય માણસ હતો.
કોઈને લાંબી પૂછપરછ કે કોઈ સાથે માથાકૂટ ન કરતો. પોતાના ક્લાસમાં પણ તે સૌથી શાંત વિદ્યાર્થી હતો.
પણ તેની સાથે ક્લાસમાં ભણતા બીજા વિદ્યાર્થીઓને રાજવીરથી શુ તકલીફ હોય કોને ખબર કે તેઓ સખત રાજવીરને હેરાન કર્યા કરતા. પણ રાજવીર બધું જ શાંતિથી જોયા કરતો હતો. કંઈ જ બોલતો નહિ.
ક્લાસમાં બધાને એમ લાગતું હતું કે તેની સાથે કંઈપણ કરીએ તે કોઈને કહેવાનો નથી અને આપણે ફસાવવાનાં નથી.
એટલે આનું આ જ પુનરાવર્તન રોજ માટે સતત ચાલ્યા કરતુ હતું.
રાજવીર ક્લાસના વિદ્યાર્થીઓ માટે મશ્કરીનું એક સાધન બની ગયો હતો. અને રાજવીર માટે રોજની ટેવ. એટલે આમ જ ચાલતું હતું.
ઘરનું વાતાવરણ પણ કંઈ ઓછું ન હતું રાજવીર ભણવામાં નબળો એટલે ઘરમાં પણ તેને બધા ખીજાતા. તે બધાથી ખુબ જ ડરીને રહેતો હતો.
આ બધું બને એટલે બિચારો ફરિયાદ પણ કોને કરે? રાજવીરને તો એ પણ સમજાતું ન હતું કે તેના જીવનમાં આ જે કંઈ થઈ રહ્યું છે, તે જે કંઈ સહન કરી રહ્યો છે તેમાં તેની ભૂલ છે પણ ખરી કે નહિ અને છે તો શુ છે? બિચારો ખુબ દ્વિધામાં મુકાયેલો છે.
રાજવીર માટે સ્કૂલ અને ઘર તરફથી થતા વર્તન અને વલણ હવે પીડા, બળતરા બની ચુક્યા હતા. જે રોજ તેની અંદર સળગે છે અને તેને આ વેદનાનો અનુભવ કરાવે છે.
આ બધું જ રાજવીરને યાદ અપાવે છે કે તે સાવ નકામો છે. તે ન તો ઘરના કામ કરી શકે છે, કે ન તો ભણવામાં કંઈ કરી શકે છે. બસ હવે તે આ બધું ઝીલી ઝીલીને થાકી ચુક્યો હતો.
આ એક એવી અસહ્ય વેદના હતી કે જેને સહન કરતી વખતે રાજવીર મોં માંથી ચીસ પણ પડી શકે એમ ન હતો. અને ચીસ પાડે તો પણ કોઈ સાંભળે એમ હતું નહિ.
રાજવીર અંદરથી એટલો સળગે છે છતાં પણ બહારથી બરફની જેમ જ શાંત અને ઠંડો રહે છે.
રાજવીરની માનસિક સ્થિતિ ભલ ભલાના ' હાજા ગગડાવી દે તેવી હતી'
આ જોઈ ગમે તે માણસ કંપારીથી ધ્રુજી જાય તેમ બધું જ નજરે પડતું હતું.
આ જોઈ કોઈની પણ આંખોમાં ઝળઝળિયા આવી જાય.
બસ હવે તો એમ થતું હતું કે કુદરત કોઈ ચમત્કાર કરે અને રાજવીરની તકલીફ દુર થાય અને તેના જીવનમાં કંઈક સુધારો થાય.
જીવન અને પરિસ્થિતિ સુધરે તો રાજવીર પણ સુખેથી બીજાની જેમ જ નોર્મલ લાઈફ જીવી શકે.
( ક્રમશ:)
આલેખન - જય પંડ્યા