33. ‘આદિવાસીઓ’ સામે જંગ
તો નક્કી એ લાશ ચાંચિયાઓ કે જે હોય એમનો જબરદસ્ત પ્રતિકાર કરનાર હોંગકોંગના લશ્કરી અધિકારીની જ હતી.
આજે પણ અન્ય લોકોએ હોડીઓ અને એક શિપ પણ જોયેલી. અમે મશાલ પ્રગટાવી તો સામેથી પણ પ્રકાશ દેખાયેલ.
તો હવે બધાએ મળીને એ વસાહત તરફ જ જવાનું નક્કી કર્યું. અમે થાય એટલા પથરા સાથે લઈ લીધા. કોઈ પણ પાન કે રેસા જેવી વસ્તુમાં વીંટીને. ઝાડની અણીદાર સોટીઓ પણ કિનારાના ખડકો પર ઘસીને તૈયાર કરી.
અમે હાજર સો હથિયાર લઈ એ ટેકરી તરફ જવા નીકળ્યાં. સ્ત્રીઓ, પુરુષો, બધાં જ.
આગળ જતાં મેં જોયેલી એ વિકૃત લાશ મેં ઝાડનાં પાન વગેરે ઢાંકી દફનાવેલી ત્યાંથી પસાર થયાં. એ લાશ તેમને બતાવી.
સૈનિક, પ્રોફેસર, શિક્ષિકા બહેન બધાં કહે આ કશું કરડીને કે પડી જઈને મોત નથી થયું. પથ્થર સાથે માથું અથડાય તો આ હદે ખોપરી ન ફાટે. મૃતદેહની પાંસળીઓ પણ બહાર નીકળી ગયેલી. ક્રૂર રીતે મોત નિપજાવેલું, અધિકારી કશું જોઈ ગયેલા હશે અને પ્રતિકાર કર્યો હશે એટલે.
એ અધિકારીના જ આસિસ્ટન્ટ હોય એવા સૈનિક ભાઈએ સૂચવ્યું એ સાંભળી મને ચક્કર આવી ગયાં. તેઓ કહે આ હાડપિંજર આમેય તૂટી ફૂટી ગયું છે. એનાં હાડકાં પણ હથિયાર તરીકે લઈ લઈએ.
અમારામાંના કોઈ પણ કશું કહે એ પહેલાં એમણે તો કઠિયારો ઝાડ ફાડે એમ હાડપિંજરના પગ પર ઉભી જે બહાર નીકળી ગયેલી એ પાંસળીઓ ખેંચી કાઢી. ઘૂંટણ નીચેના પગ, પંજાનાં સીધાં હાડકાં, હવે એમનું જોઈ કોઈ બીજા પુરુષ આવ્યા અને હાથની ભુજાઓ, કાંડાંનાં હાડકાં પણ ખેંચી કાઢી “લડવૈયાઓ” માં વહેંચી પણ દીધાં!
મને ચીતરી ચડી, ન ગમ્યું. પણ આપણા દધીચિ ઋષિએ જીવતેજીવ પોતાનાં હાડકાં અસુરો સામે લડવા દેવોને આપી દીધેલાં જ ને!
અમે દિવસ હોવા છતાં મશાલ સળગાવી. ઢોલ જેવું એક પતરું વગાડ્યું. અમે એ ટેકરીની બીજી તરફ જવા નીકળ્યા.
મેં કહેલું એમ વચ્ચે એક ઢાળ આવતો હતો તેની પછી ખીણ હતી. ઢાળ તરફ જઈએ ત્યાં તો ઊંચાં ઝાડ પરથી તીણી સીટીઓ વાગવા લાગી. એ સાથે સામેથી સળગતી ચીજોનો મારો ચાલ્યો!
આમ તો એ લોકો અત્યાર સુધી ઝાડીઓમાં છુપાઈને વાર કરતા, આજે અમે ઓચિંતા ગયા એટલે એમને છુપાવાનો સમય જ નહોતો મળ્યો.
સામી તરફથી અનેક મશાલો સાથે હવે ખુલ્લંખુલ્લા એ આદિવાસીઓ જેવા લોકો દોડી આવ્યા. ઢોલ દ્વારા સંદેશ અપાવા લાગ્યા, તીણી સીટીઓ ઝાડ પરથી જ નહીં પણ ટેકરી પાછળથી પણ વાગવા લાગી. જોરદાર તીર વર્ષા થઈ પણ એ ક્યાં સુધી ચાલે? અમે ચડતા ઢાળ પર જંગલમાં છુપાઈને આગળ વધતા હતા.
તેઓનું એક ટોળું સામે આવી ગયું અને સોટીઓ, પથરા ફેંકવા લાગ્યું. સામે અમારી ટુકડીમાં સામેલ શિક્ષિકા દ્વારા ગિલોલનો સફળ ઉપયોગ થયો. એમણે જેમને આ શીખવ્યું હતું એ બધા જ લોકો ઝાડની ડાળીઓમાંથી બનાવેલ ગિલોલના ઉપયોગથી સામનો કરી રહ્યા. સામસામે જોરદાર પથ્થરબાજી થઈ. સામે જેના કપાળમાં ગિલોલથી છોડેલો પથ્થર વાગ્યો એનું ઢીમ ઢળી ગયું! એવા ચાર પાંચ તો એમ જ ખતમ કરી નાખ્યા.
એમનું એક ટોળું એટલે લડવામાં સરખા તૈયાર દસ બાર લોકો તીક્ષ્ણ વસ્તુઓ લઈ ધસી આવ્યા. એ ઝાડની ડાળીઓમાંથી બનાવેલ હથિયારો નહોતાં. કોઈ સીધો મારાં પેટનું નિશાન લઈ ધસ્યો. જવાબમાં મેં પેલી પાંસળી આડી રાખી દીધી અને પછી એ પાંસળીની જ અણી એના પેટમાં મારી. લોહીનો ફુવારો છૂટી એ પડી ગયો.
ઘાતક હથિયારો સાથે અમારી પર હુમલા થયા અને એ અધિકારીનાં હાથપગનાં હાડકાંઓથી અમે પ્રહાર, પ્રતિકાર કર્યા.
તેઓ કોઈ લૂગદી જેવી ચીજ સમુદ્ર કાંઠેથી ઉપાડી આવી સળગાવી ફેંકવા લાગ્યા. પહેલાં બચાવમાં મેં સહુને થોડા પાછળ જઈ પાંખ જેવા V આકારમાં આગળ વધવા સૂચવ્યું. એમ કરતાં તેઓ તરફ અમુક લોકો ઘસ્યા, બીજાઓ ૐ ના બે પાંખીયાં ની જેમ તેમને ઘેરી રહ્યા. તેમણે જે સ્ત્રીઓ હાથમાં આવી એને પછાડી ઉપરથી દોડી જવાનું કર્યું તો પેલાં શિક્ષિકાએ ગીલોલબાજી કરી ફરીથી બે ચારને ઢાળી દીધા.
બરાબરનો જંગ જામ્યો અને અમારી બાજુએથી વિજય થશે એમ લાગ્યું.
ક્રમશ: