આજનો જમાનો દેખાદેખીનો બન્યો છે. કોઈ પાસે ગાડી છે તો આપણી પાસે કેમ નથી??, કોઈ પાસે સોના ચાંદીના દાગીના છે તો આપણી પાસે કેટલી કિંમતના દાગીના છે? કોઈનો દીકરો કે દિકરી ક્લાસમાં ટોપ આવે છે તો મારી દીકરી કે દીકરો કેમ સૌથી પાછળ આવે છે? દ્દેખાદેખીના આ ટ્રેન્ડથી મહેશભાઈ કેમ બચી શક્યા હોય? એનો સ્વભાવ પણ એવો બની ગયો.
કેનિલભાઈના ઘરે દર મહિને કંઇક ને કંઇ નવી ઈલેક્ટ્રોનિક વસ્તુ આવતી. ટીવી હોય કે ફ્રીઝ કે પછી સુમિત માટે વિડિયો ગેમ અથવા ન્યૂ સ્માર્ટ ફોન. નવ્યાબેન જોબ પર જતા એટલે કૈલાશબેન સામે દેખાડો કરવાનું એ કોઈ મોકો ચૂકતા નહી. દર અઠવાડિયે નવી સાડી લઈને પોતાની મિલકતના ગુણગાન ગાતી અને કૈલાશબેન ચૂપચાપ સાંભળીને સહન કરતા. આવી દેખાદેખીમાં મહેશભાઈને ખાસ ફરક ન પડતો પણ કૈલાશબેન સ્ત્રી હોવાથી દેખાદેખી તો એનામાં હોવાની જ.
કૈલાશબેનથી સહન ન થયું અને એક દિવસ રાતે મહેશભાઈને ઠપકો આપતા સંભળાવા લાગ્યા કે " તમે કોઈ કામના જ નથી, લગ્ન થયાના ૧૭ વર્ષ થયા પણ તમે મારા સપનાં પૂરાં કર્યા જ નથી. નવ્યાબેન ને જોવો દર અઠવાડિયે એનો વર એમને નવી સાડી લાવી આપે છે, ફરવા લઈ જાય, મોંઘી મોંઘી હોટેલમાં જમવા જાય જ્યારે આપણે બે ટંકનું ભોજન પણ માંડ માંડ નસીબ થાય છે..."
મહેશભાઈથી ન રહેવાયું અને બોલ્યા " તો હું શું કરું ?? હું મારી પૂરી કોશિશ કરું છું ને અને આમ પણ નવ્યા બેન પોતે જોબ પણ કરે છે ને તું..." મહેશભાઈ આનાથી આગળ કંઈ ન બોલી શક્યા. કૈલાશબેન સારી રીતે સમજી ગયા કે એ શું કહેવા માંગે છે એને વળતો જવાબ આપ્યો:-" હું પણ અહીંયા ખાલી નથી બેસતી. પાંચ વર્ષના રવિને સંભાળું છું, તમને ખબર ભી છે એ કેટલો તોફાની છે?? ઘરે હોય તો ખબર પડે ને...."
આમ એક પછી એક કડવા વેણ એકબીજાને કહેવા લાગ્યા.છેક એક કલાક સુધી ઝઘડો ચાલ્યો અને બને સૂઈ ગયા. મહેશભાઈ ની તો નીંદર જ ઉડી ગઈ. ઠંડા દિમાગથી વિચાર કર્યો તો ખ્યાલ આવ્યો કે મારી જ ભૂલ છે, પરિવાર ને ખુશ રાખવાની અને પત્નીના સપનાં પૂરા કરવાની જીમ્મેદારી મારી છે.
સવારમાં ચા નાસ્તો કરીને છાપુ વાંચવાનું શરૂ કર્યું છાપુ વાંચતા વાંચતા એની નજર શેર માર્કેટ ની હેડલાઈન તરફ ગઈ. શેર માર્કેટ વિશે વધુ જાણકારી મેળવવા ફોનનો ઉપયોગ કર્યો. થોડાક દિવસમાં શેર માર્કેટ માં ઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું.
મહેશભાઈ પાસે પોતાનો એક ફ્લેટ અને બચત રૂપે રાખેલ પાંચ લાખ રોકડ રકમ પડી હતી. એને એ પાંચ લાખ શેર માર્કેટ માં રોક્યા. થોડાક દિવસો માં બધા જ પૈસા ડૂબી ગયા અને મહેશભાઈ બધી રીતે પાયમાલ થઈ ગયો.
મહેશભાઈને પરસેવો છૂટવા લાગ્યો. એને આ વાત એની પત્ની કે કોઈ ફ્રેન્ડ ને નહોતી કરી. આ વાતની જાણ એના પત્નીને થશે તો ?? આ વિચારના ડરથી એણે આ પાંચ લાખનું વળતર મેળવવા બાકી રહેલો એનો ફ્લેટ ગીરવી મૂક્યો અને પોતાના ફ્રેન્ડ પાસેથી ઉછીના પૈસા લીધા. બધી રકમ ફરી શેર માર્કેટ માં રોક્યા.
મહેશભાઈ નું નસીબ જ ફૂટેલું હતું. ફરીવાર બધા પૈસા ડૂબી ગયા. મહેશભાઈ પાસે હવે પોતાની પત્નીને કહેવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ખૂબ હિંમત કરીને બધી વાત વિગતવાર જણાવી. કૈલાશબેન સાંભળતા ખૂબ ગુસ્સે થયા અને અનાપ શનાપ બોલવા લાગ્યા. બંને જણા ઊંડા ચિંતા માં ગરકાવ થયા કે હવે આપણે શું કરીશું? જે ઘરમાં રહે છે એ ફ્લેટ ગીરવે મૂક્યો છે અને ફ્રેન્ડ પાસેથી પણ ઉછીના પૈસા લીધા છે એમ કુલ મળીને ૧૦ લાખનું લેણું મહેશભાઈ માથે થઈ ગયું.
મહેશભાઈ આ આફતને પાર પાડવા જે કંપનીમાં કામ કરતા હતા એના બોસ પાસે મદદ માંગવાનું નક્કી કર્યું. કમનસીબે ત્યાં પણ એનું નસીબ જોર ન કર્યું અને નસીબે ઉલ્ટી ચાલ ચલી. જે કંપની માં કામ કરતા હતા એ કંપની ફ્રોડ સાબિત થઈ અને એના પર કેસ થયો. ત્યાં કામ કરતા બધા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યાં. મહેશભાઈ હવે પૂરી રીતે હારી ગયા.
પોતાને માથે દસ લાખનું લેણું , જે ફ્લેટમાં રહે છે એ પણ ગીરવી અને જોબમાંથી પણ હાથ ધોઈ બેઠા. પોતાના બાળકો અને પત્નીના ભવિષ્યની ચિંતાએ મહેશભાઈને રાતોરાત સુધી ઊંઘવા ન દીધી.
ક્રમશઃ