કર્ણના કવચ-કુંડળનું અકલ્પનીય રહસ્ય : ૯૯% ગુપ્ત ઇતિહાસ અને સપ્ત ચિરંજીવીનું મોક્ષ મિશન
૨૦ લાખ વર્ષ જૂના ઇતિહાસના પુરાવા અને કલ્કિ અવતાર માટે સાત ચિરંજીવીની યુદ્ધ તૈયારી
પ્રસિદ્ધ લેખક અક્ષત ગુપ્તાએ મહાભારત, ઇતિહાસ અને ભવિષ્ય વિશેના ગૂઢ રહસ્યોનું અદ્ભુત વિશ્લેષણ કર્યું છે. આ વિસ્તૃત લેખમાં કર્ણના દિવ્ય કવચ અને કુંડળ ક્યાં અને શા માટે છુપાવવામાં આવ્યા, માનવ ઇતિહાસનો ૯૯ ટકા હિસ્સો શા માટે માત્ર કથાઓ દ્વારા જ જીવંત છે અને કલયુગના અંતે સપ્ત ચિરંજીવીઓનું અંતિમ લક્ષ્ય મોક્ષ કલ્કિ અવતારના અંતિમ યુદ્ધ સાથે કેવી રીતે જોડાયેલું છે, તેની વિગતો સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે.
હિન્દુ ધર્મના મહાકાવ્યો રામાયણ અને મહાભારતને માત્ર વીરગાથાઓ કે નીતિના નિયમો સમજાવતા ગ્રંથો તરીકે જોવામાં આવે છે, પરંતુ આ ગ્રંથોની અંદર યુગો જૂના ઇતિહાસ, ભવિષ્યના સંકેતો અને માનવજાત માટેના ગહન આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા છે. પ્રસિદ્ધ લેખક અને ભારતીય કથાઓના ઊંડા અભ્યાસી અક્ષત ગુપ્તાએ પિંકવિલા પોડકાસ્ટ પર કરેલા વિમર્શમાં મહાભારત અને કલયુગના કેટલાક એવા અકલ્પનીય રહસ્યો ઉજાગર કર્યા છે, જે માત્ર આધ્યાત્મિક જ નહીં પણ તાર્કિક દૃષ્ટિકોણથી પણ વિચારવા મજબૂર કરે છે. તેમણે ખાસ કરીને કર્ણના દિવ્ય કવચ-કુંડળનું રહસ્યમય સ્થાન અને કલયુગના અંતિમ મિશનમાં સપ્ત ચિરંજીવીઓની નિર્ણાયક ભૂમિકાનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે.
પોડકાસ્ટમાં અક્ષત ગુપ્તાએ જણાવ્યું છે કે, મહાભારતના સૌથી દાનવીર યોદ્ધા કર્ણ પાસે જન્મથી જ સૂર્યદેવ દ્વારા પ્રાપ્ત થયેલા કવચ અને કુંડળ હતા, જે તેને યુદ્ધમાં સંપૂર્ણપણે અજેય બનાવતા હતા. જ્યારે કર્ણે ધર્મ અને વચનપાલનને ખાતર તે દેવરાજ ઇન્દ્રને દાનમાં આપી દીધા, ત્યારે આ દિવ્ય વસ્તુઓને ધરતી પર એક ગુપ્ત સ્થળે છુપાવવાની ફરજ પડી હતી.
ઇન્દ્રના રથનું પૈડું કેમ ફસાયું તે પ્રશ્નનો જવાબ આપતા અક્ષત ગુપ્તાએ જણાવ્યું હતું કે, જ્યારે ઇન્દ્ર કર્ણ પાસેથી આ કવચ અને કુંડળ લઈને સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોઈક શ્રાપને કારણે તેમના રથનું પૈડું એક જગ્યાએ જકડાઈ ગયું હતું. આ ઘટના પાછળનું મુખ્ય કારણ એ દિવ્ય વસ્તુઓનું અતુલ્ય વજન અને શક્તિ હતી. કવચ અને કુંડળ એટલા દિવ્ય અને શક્તિશાળી હતા કે ઇન્દ્ર પણ તેને સામાન્ય રથ પર સરળતાથી સ્વર્ગમાં લઈ જઈ શકતા નહોતા, જેના કારણે રથનું વજન અસહ્ય બની ગયું હતું.
તેમણે ગુફાનું અલૌકિક નિર્માણ અંગે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ સંજોગોમાં, તે સ્થળ પર એક કૃત્રિમ ગુફાનું નિર્માણ કરીને ત્યાં કવચ અને કુંડળને ગુપ્ત રીતે છુપાવવામાં આવ્યા હતા. આ ગુફાની વિશેષતા એ છે કે તેની અંદર બહારથી સૂર્યનો પ્રકાશ કે અન્ય કોઈ રોશની પ્રવેશ કરી શકતી નથી, તેમ છતાં ગુફાની અંદરથી સતત એક દિવ્ય પ્રકાશ બહાર નીકળતો રહે છે. આ દિવ્ય પ્રકાશ એ કવચ અને કુંડળની અતુલ્ય શક્તિ અને તેજનું પ્રતીક છે, જે સદીઓ વીત્યા પછી પણ તે ગુપ્ત સ્થળને પ્રકાશિત રાખી રહ્યું છે. આ કથા મહાભારતના એવા જીવંત પુરાવાઓમાંની એક છે, જે આજે પણ ધરતી પર મોજૂદ હોવાનું માનવામાં આવે છે.
આધુનિક યુગમાં આપણે ઇતિહાસને માત્ર લેખિત દસ્તાવેજો દ્વારા જ સ્વીકારીએ છીએ, પરંતુ અક્ષત ગુપ્તાએ ભારતીય કથાઓની ઐતિહાસિક સચોટતાને એક ગહન દૃષ્ટિકોણથી રજૂ કરી છે. અક્ષત ગુપ્તાએ જણાવ્યું હતું કે, માનવજાતિનો ઇતિહાસ આશરે ૨૦ લાખ વર્ષ પહેલાં શરૂ થયો હોવાનું પુરાતત્ત્વવિદો માને છે. જોકે, આપણે ઇતિહાસને લેખિત સ્વરૂપમાં એટલે કે ડૉક્યુમેન્ટેશન માત્ર છેલ્લા ૫,૦૦૦ વર્ષોથી જ સંગ્રહિત કરવાનું શરૂ કર્યું છે.
અક્ષત ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, આનો સીધો અર્થ એ છે કે, આપણો લગભગ ૯૯ ટકા ઇતિહાસ હજી પણ લેખિત દસ્તાવેજો વિનાનો એટલે કે અનડૉક્યુમેન્ટેડ છે. આટલો લાંબો ઇતિહાસ અને તેની વિગતો આજની પેઢી સુધી કેવી રીતે પહોંચી? આ ઇતિહાસ મુખ્યત્વે મૌખિક પરંપરા દ્વારા જ જીવંત રહ્યો છે. મનુષ્યને પાઠ્યપુસ્તકોની વિગતો કરતાં વાર્તાઓ અને ફિલ્મો વધુ યાદ રહે છે. ભારતીય સંસ્કૃતિમાં આ જ ઉદ્દેશ્યથી રામલીલા અને અન્ય કથાઓ સદીઓથી ચલાવવામાં આવે છે. મહાકાવ્યોનો મૂળ ઉદ્દેશ્ય વાર્તાના સ્વરૂપમાં નીતિશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને અણમોલ ઇતિહાસને આવનારી પેઢીઓ માટે જીવંત અને યાદગાર બનાવવાનો છે, જેથી ૯૯ ટકા ગુપ્ત ઇતિહાસનો ધરોહર જળવાઈ રહે.
હિન્દુ ધર્મમાં એ વાત સર્વમાન્ય છેકે, સાત મહાન આત્માઓ એટલે કે હનુમાનજી, અશ્વત્થામા, મહાબલિ, વેદ વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ કલયુગના અંત સુધી ધરતી પર અમર રહેશે. અક્ષત ગુપ્તાએ તેમના અમરત્વના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સાત ચિરંજીવીઓનો અંતિમ હેતુ હંમેશા જીવતા રહેવાનો નથી, પરંતુ તેમને કલયુગના અંતે તેમના કાર્યની પૂર્ણાહુતિ બાદ મોક્ષની પ્રાપ્તિ થશે. તેમનો કલયુગમાં રહેવાનો હેતુ ધર્મના પક્ષમાં અંતિમ યુદ્ધ માટે તૈયારી કરવાનો છે.
ચિરંજીવી બાબતે અક્ષત ગુપ્તાએ જણાવ્યું હતું કે, કલયુગના અંતિમ ચરણમાં ભગવાન વિષ્ણુનો દસમો અને છેલ્લો અવતાર કલ્કિ ધરતી પર અવતરશે અને કાલી નામના રાક્ષસને પરાજિત કરીને સતયુગની સ્થાપના કરશે. કલ્કિને આ યુદ્ધ જીતવા માટે માત્ર દિવ્ય શક્તિઓ જ નહીં, પણ વિવિધ પ્રકારની શક્તિઓ અને યોદ્ધાઓના સમર્થનની જરૂર પડશે.
કલયુગમાં ચિરંજીવીઓના યોગદાન બાબતે અક્ષત ગુપ્તાએ જણાવ્યું હતું કે, હનુમાનજીની ઉપસ્થિતિ જ યુદ્ધમાં વિજય સુનિશ્ચિત કરે છે. તેમની અપ્રતિમ શારીરિક અને આધ્યાત્મિક શક્તિ કલ્કિના પક્ષમાં નિર્ણાયક સાબિત થશે. જ્યારે વેદ વ્યાસ જેવા મહાન જ્ઞાનીઓના માર્ગદર્શન અને કૃપાચાર્ય જેવા મહાન ધનુર્ધર યોદ્ધાઓના યુદ્ધ કૌશલ્યની જરૂર પડશે. ઉપરાંત ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા, જે ભગવાન કૃષ્ણના શ્રાપને કારણે પીડિત હોવા છતાં અત્યંત શક્તિશાળી છે, તેમની કઠોર શક્તિ પણ આ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
અક્ષત ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ યુદ્ધમાં વિજય મેળવવા માટે કલ્કિને તામસિક અને રાક્ષસી શક્તિઓની પણ જરૂર પડશે, કારણ કે અધર્મને હરાવવા માટે તમામ પ્રકારની શક્તિઓનું સંતુલન જરૂરી છે. જ્યારે આ વર્તમાન સપ્ત ચિરંજીવીઓ કલ્કિને મદદ કરીને પોતાનું મિશન પૂર્ણ કરશે, ત્યારે તેમને મોક્ષની પ્રાપ્તિ થશે. ત્યારબાદ સતયુગની શરૂઆત સાથે નવા સપ્ત ચિરંજીવીઓનો સમૂહ તૈયાર થશે, જે નવા યુગના ધર્મ અને નીતિનું પાલન કરશે.
અક્ષત ગુપ્તાના સંશોધન પરથી તેમનું આ વિશ્લેષણ સ્પષ્ટ કરે છેકે, મહાકાવ્યો અને પુરાણો માત્ર વાર્તાઓ નથી, પરંતુ તે ઇતિહાસ, ધર્મ, ભવિષ્યના સંકેતો અને માનવજાતની આધ્યાત્મિક યાત્રાનો સંપૂર્ણ દસ્તાવેજ છે. આ રહસ્યો આપણને માત્ર ઉત્સુક જ નથી કરતા, પરંતુ સનાતન ધર્મના તર્ક અને ગહનતાનો પણ પરિચય કરાવે છે.