ગિરનારના પર્વતોમાં પૃથ્વીના નિયમો પલટાઈ જાય છે : સમય, અવકાશ અને અદ્ભુત સિદ્ધિઓનું પાવન સંગમસ્થાન
ગિરનારનું પરમ રહસ્ય : અકબરના સમયના માણસથી લઈને દત્તાત્રેયની અનંત ઊર્જા સુધીનો ઈતિહાસ : ગિરનાર આધ્યાત્મિક જગતનું ધ્રુવબિંદુ?
ભારતની પશ્ચિમી સીમા પર, ગુજરાતના જૂનાગઢ શહેર પાસે સ્થિત ગિરનાર પર્વત એક સામાન્ય ભૂમિભાગ નથી, પરંતુ તે સનાતન ધર્મ અને ભારતીય આધ્યાત્મિકતાનો એક જીવંત ઇતિહાસ છે. પૌરાણિક કાળથી તેને રેવતક પર્વત તરીકે ઓળખવામાં આવે છે, જેની પ્રાચીનતા એટલી છેકે, તેને હિમાલય કરતાં પણ જૂનો માનવામાં આવે છે. આ જ કારણે આધ્યાત્મિક જગતમાં તેને પર્વતોના દાદા પર્વતોના ભીષ્મ પિતામાહનું બિરુદ મળ્યું છે.
ગિરનારને મિસ્ટિક માઉન્ટેન પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં માત્ર પથ્થરો અને સીડીઓ નથી, પરંતુ એવા ગુપ્ત આયામો અને રહસ્યો છુપાયેલા છે, જે ભૌતિક વિજ્ઞાનના નિયમોને સીધો પડકારે છે. અહીંનું વાતાવરણ એવું છેકે, ગહન સાધના કરનાર વ્યક્તિને પણ પોતાની યાત્રા પૂર્ણ કરવા માટે ગિરનાર આવવું જ પડે છે. અહીંની વાતોમાં શિવનો વાસ છે, દત્તાત્રેયની પદુકાનો નાદ છે, અને એવા સિદ્ધોની તપસ્યાની ઊર્જા છે, જે કાળના નિયંત્રણથી પરે છે.
ગિરનારનું સૌથી મોટું રહસ્ય તેના સમય અને અવકાશ ઝોન સાથે જોડાયેલું છે. આ પર્વત પર કેટલીક એવી ગુપ્ત ગુફાઓ અને સ્થાનો છે, જ્યાં ભૌતિક સમય અટકી જાય છે અને કાળચક્ર વિપરીત રીતે કાર્ય કરે છે. આ બાબત માત્ર વાર્તાઓ નથી, પરંતુ સાધકો અને સ્થાનિકોના અનુભવો દ્વારા સમર્થિત છે.
સ્થાનિક ગામલોકો દ્વારા કહેવામાં આવેલી એક અદ્ભુત સત્ય ઘટના અકબરના યુગનો માણસના રહસ્યને ઉજાગર કરે છે. એકવાર, ખૂબ વૃદ્ધ અને જર્જરિત દેખાતા એક સાધુ જેવા વ્યક્તિ ગ્રામજનો પાસે આવ્યા. તેમની આંખોની ભ્રમરો પણ લાંબી થઈને આંખોને ઢાંકી દેતી હતી. તેમણે સરળ ગામઠી ભાષામાં પૂછ્યું, અહીંનો રાજા કોણ છે? જ્યારે ગામલોકોએ સમય મુજબ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું નામ આપ્યું, ત્યારે તે વ્યક્તિએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. પછી તેણે ઊંડો શ્વાસ લઈને પૂછ્યું, તમે છેલ્લો કયો રાજા જોયો હતો? અને જવાબ આપતા ગામજનોએ કહ્યું, અકબર! આ વ્યક્તિનો આયુકાળ અકબરના શાસનકાળ એટલે કે લગભગ ૧૬મી સદીથી લઈને આધુનિક યુગ સુધીનો હતો, જે ગિરનારના કાળ ભ્રમની સાબિતી આપે છે.
સંત લીલાશાહના એક શિષ્યને ગુરુએ ગિરનાર પર લઈ જઈને પહાડની ઘન દીવાલમાં પ્રવેશ કરીને એક ગુફામાં પ્રવેશ કરાવ્યો હતો. જ્યાં શિષ્યે જોયું કે, અંદરનું દ્રશ્ય બાહ્ય દુનિયાથી તદ્દન અલગ હતું. આ ગુફામાં ૨૦૦થી ૩૦૦ વર્ષોથી અખંડ તપસ્યા કરી રહેલા મહાત્માઓ શરીરધારી અવસ્થામાં હતા. આ દર્શન પર્વતની અંદર છુપાયેલા સિદ્ધલોકનું અસ્તિત્વ સાબિત કરે છે.
ગિરનાર એવા સિદ્ધ પુરુષોનું નિવાસસ્થાન છે, જેઓ માત્ર ધ્યાન નથી કરતા, પરંતુ ભૌતિક નિયમોને પોતાની ઇચ્છા મુજબ બદલવાની શક્તિ ધરાવે છે. જેની પણ એક વાત સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના શ્રમિકોનો પ્રસંગ ગિરનારના સંતોની અસામાન્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. સ્થાનિકોએ ખેલી વાત પ્રમાણે એક દિવસની ખૂબ મહેનત પછી થાકી ગયેલા શ્રમિકોને એક દુબળા-પાતળા બાબાજીએ જોયા. બાબાજીએ તેમનો થાક હળવો કરવા માટે કહ્યું. બાબાએ કહ્યું, તમે થાકી ગયા હોય તો હું તમારી મદદ કરું અને થાંભલા તમે કહો ત્યાં મૂકી આપું. જોકે બાબાની વાત સાંભળી મજૂરોએ વ્યંગમાં કહ્યું કે, બાબાજી, આ થાંભલા ૪૦૦-૫૦૦ કિલો વજનના છે, તેને ઉચકીને ખસેડવા કંઈ ખીચડી ખાવાના ખેલ નથી! મજૂરોની વાત સાંભળીને બાબા કાંઈ પણ બોલ્યા વિના કોઈ પણ પ્રયત્ન વિના, માત્ર એક હાથે એક પછી એક એમ ચારેય થાંભલા ઉઠાવીને દૂરના નક્કી કરેલી જગ્યા પર મૂકી આવ્યા હતા. મજૂરો આ દૃશ્ય જોઈને ભયભીત થઈ ગયા અને તેમની પાસે જઈ તેમના પગે લાગ્યા અને તેમને દક્ષિણા આપવા કહ્યું.
મજૂરોની દક્ષિણા આપવાની વાત સામે બાબાએ કહ્યું, મારે દક્ષિણા નથી જોઈતી. જેથી મજૂરોએ તેમને પ્રસાદી માટે આગ્રહ કર્યો હતો. જેથી બાબાએ કહ્યું, તમારી પાસે જેટલા પણ રૂપિયા હોય તેનાથી ખીચડી બનાવવાનો સમાન લઇ આવ્યો. જેના જવાબમાં મજૂરોએ કહ્યું આટલી બધી ખીચડી નહીં ખવાય, જેના જવાબમાં બાબતે કહ્યું તમે લઇ આવો પછી જોઈશું. મજૂરો પણ તેમની વાત માની જેટલા રૂપિયા હતા તેનો સમાન લઇ આવ્યા અને બાબાએ ખીચડી બનાવવાની શરૂઆત કરી. બાબાએ ખીચડી હલાવવા માટે કોઈ વાસણ નહીં પરંતુ પોતાના હાથનો ઉપયોગ કર્યો જે જોઇને મજૂરો ચોંકી ગયા હતા. જોકે, અનેક સો માણસોને થઇ રહે તેટલી ખીચડી બની, મજૂરોએ પણ પ્રસાદી લીધી અને બાબા પણ સાથે જોડાયા. પરંતુ મજૂરોના પેટ ભરાઈ ગયા બાદ બાબાએ બે હાથે ખીચડી ખાવાની શરૂઆત કરી અને અંતે વાસણમાં એક દાણો પણ વધ્યો ન હતો.
આવો જ અન્ય એક કિસ્સો ચૈતન્ય સમાધિ અને અખંડ દીવનો છે. ગિરનારમાં ઘણીવાર ખોદકામ દરમિયાન ખૂબ પ્રાચીન સમાધિઓ મળી આવી છે, જેની અંદર દીવા અખંડપણે સળગતા હોય છે. આ દર્શાવે છેકે, સાધકે ભલે દેહ છોડી દીધો હોય, પરંતુ તેમની તપસ્યાની ઊર્જા (ચૈતન્ય) ત્યાં સક્રિય છે. ૯૦૦ વર્ષના એક ઋષિએ પણ સ્વામી યોને જણાવ્યું હતું કે, તેમની સમાધિમાં દીવો આજે પણ સળગે છે, જેને અદ્રશ્ય શક્તિઓ દ્વારા જાળવવામાં આવે છે.
ગિરનાર એ હિંદુ અને જૈન ધર્મ બંનેનું સર્વોચ્ચ તીર્થસ્થાન છે. ગિરનારના સર્વોચ્ચ શિખર પર ભગવાન દત્તાત્રેયની પાવન પદુકા સ્થાપિત છે. દત્તાત્રેયને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવનું સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે. હજારો સાધકો અહીં આ અનંત ઊર્જાના સ્ત્રોત સુધી પહોંચવા માટે કઠિન ચઢાણ કરે છે.
ગિરનાર પર્વત નીચે ભવનાથની તળેટીમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો અસામાન્ય ઘટનાઓનો સાક્ષી છે. મધ્યરાત્રિએ હજારો નાગા સાધુઓ, અઘોરી અને નાથ સંપ્રદાયના સંતો મૃગી કુંડમાં સ્નાન માટે પ્રયાણ કરે છે. એવી પ્રબળ માન્યતા છેકે, સાક્ષાત ભગવાન શિવ અને અમર અશ્વત્થામા વેશ બદલીને આ નાગા સાધુઓની વચ્ચે હાજર હોય છે અને કુંડમાં સ્નાન કરે છે. બીજી તરફ જૈન ધર્મ માટે ગિરનાર એક 'મહાતીર્થ' છે, કારણ કે આ પર્વતના એક ટૂંક પર ૨૨મા તીર્થંકર ભગવાન નેમિનાથે તપસ્યા કરીને નિર્વાણ (મોક્ષ) પ્રાપ્ત કર્યું હતું. આ કારણે ગિરનાર હિંદુ અને જૈન એમ બંને ધર્મોની આસ્થાનું શિખર છે.
ગિરનાર પર્વતના ઊંડા જંગલોમાં હજારો પ્રકારની વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ છુપાયેલી છે, જે પોતાનામાં જ રહસ્યમય અને રોગનાશક શક્તિઓ ધરાવે છે. સ્વામી યોના મતે, ગિરનારના સિદ્ધ સંતો એવી વિદ્યા જાણે છે, જેના દ્વારા તેઓ વનસ્પતિઓ સાથે સંવાદ કરી શકે છે. જ્યારે કોઈ દર્દી આવે છે, ત્યારે સંત વનસ્પતિને પૂછે છે, અને વનસ્પતિ પોતે જ જવાબ આપે છેકે, હું આનો ઇલાજ છું. આ પછી સંત તે પાંદડાઓનો ઉપચાર તરીકે ઉપયોગ કરે છે. જે બાબતે તેમને એક કિસ્સો પણ કહ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે, એક સંત તેમના શિષ્ય સાથે જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેમણે શિષ્યને પૂછ્યું વાળ કેમ ઓછા થઇ ગયા છે, જેના જવાબમાં શિષ્યએ કહ્યું, વાળ બહુ ખરે છે. જેથી રસ્તામાંથી એક વનસ્પતિના પાંદડા લઇ સંતે હાથેથી મસળી શિષ્યને આપ્યા અને કહ્યું આ માથા પર લગાવી દે. શિષ્ય થોડા મહિના પછી સંતને મળવા આવ્યો ત્યારે તેના માથા પર ખુબ જ સારા વાળ હતા. જેથી શિષ્યએ સંતને વનસ્પતિ અંગે પૂછ્યું ત્યારે સંતે કહ્યું, મને તેનું નામ નથી ખબર, મેં તો તારો પ્રશ્ન જણાવ્યો ત્યારે વનસ્પતિએ મને કહ્યું હતું કે, આ સમસ્યાનો ઈલાજ હું છુ. જેથી મેં તને તે વનસ્પતિ આપી હતી.
અન્ય એક કિસ્સાની વાત કરતા સ્વામી યોએ જણાવ્યું હતું કે, એકવાર કોઈ વ્યક્તિએ સામાન્ય જડીબુટ્ટી સમજીને પર્વત પરના એક છોડનું એક પત્તું મોંમાં મૂકી દીધું. થોડી જ ક્ષણોમાં, તેના મોંના બધા દાંત પીડા વિના ખરી પડ્યા હતા! આ ઘટના ગિરનારની વનસ્પતિઓની અસાધારણ અને તીવ્ર શક્તિનું ઉદાહરણ છે.
ગિરનાર પર્વત માત્ર ૯,૯૯૯ પગથિયાં ચડવાની યાત્રા નથી, પરંતુ તે શરીર અને આત્માની ઊર્ધ્વગતિ માટેનું અંતિમ લક્ષ્ય છે. અહીંની હવા, પાણી અને પથ્થરોમાં સાધકોની હજારો વર્ષોની તપસ્યાની ઊર્જા ભરેલી છે. હજારો વર્ષોથી ગુપ્ત રહેલા સિદ્ધો અહીં તપસ્યા કરી રહ્યા છે. ગિરનાર આપણને સતત યાદ અપાવે છે કે ભૌતિક વિશ્વની બહાર એક ગહન અને દિવ્ય વિશ્વ પણ છે, જેના દરવાજા આ પાવન પર્વત પર ખુલ્લા છે. આ પર્વત પર ચડવું એટલે સન્માન અને આદર સાથે ઈતિહાસ અને આધ્યાત્મિકતાના શિખરને સ્પર્શ કરવો. ગિરનાર એ સાચા અર્થમાં મિસ્ટિક માઉન્ટેન છે, જે દરેક સત્ય શોધકને પોતાની તરફ આકર્ષે છે.