૩૩. શંકાનો ઓછાયો અને લાગણીનો સ્પર્શ
અસમંજસ અને અવિશ્વાસ છતાં સૅમ માટે લાગણીવશ થઈ વ્યોમ રૉયે હા તો પાડી દીધી પણ હવે એમને પસ્તાવો થયો. પછી વિચાર્યું જે થશે, જોયું જશે. વ્યોમ રૉયને ધારાના અતિ ઉત્સાહિત અવાજે વિચાર તંદ્રા માંથી જગાડ્યા.
"થેંક્યું દાદાજી.. થેંક્યું સો મચ....થેંક્યું સૅમ. હું કાલે સવારથી જ આવી જઈશ." ધારાએ આભાર વ્યક્ત કરતા ઉત્સાહથી કહ્યું ને વિદાય લીધી.
બીજા દિવસથી જાણે ચેસની રમત શરૂ થઈ એક પીઢ અને એક નવતર પણ ચબરાક ખેલાડી વચ્ચે. ધારા શિખતી જરૂર પણ વ્યોમ રૉય સામે કંઈ દોર્યું નહીં. વ્યોમ રૉયે એક - બે વાર કહ્યું પણ એણે સિફતથી એમ કહી ટાળી દીધું કે, એ આજે માત્ર એના રૉલ મૉડલને કામ કરતાં જોવાનો લ્હાવો લેશે.
વાતચીત દરમિયાન ધારાએ ખૂબ જ ચતુરાઈથી રૉય પરિવારના ઇતિહાસ, તેમના સંશોધનો અને ખાસ કરીને આદિત્ય રૉયના પૅરિસના સ્થાપત્યો પરના કામ વિશે પૂછપરછ કરી. વ્યોમ રૉય દરેક સવાલનો જવાબ ખૂબ સાવચેતીથી આપી રહ્યા હતા. એમને ધારાની જિજ્ઞાસામાં માત્ર એક વિદ્યાર્થીની ઉત્સુકતા કરતાં કંઈક વધુ ઊંડું દેખાઈ રહ્યું હતું.
રાત્રે ધારાના ગયા પછી, ઘણા સમયે કોઇકના ઘરે આવવાથી સૅમ ખૂબ જ ખુશ હતો. "દાદુ, કેટલી સારી છે ને ધારા! એની સાથે વાતો કરીને લાગે છે કે જાણે કોઈ પોતીકું હોય."
વ્યોમ રૉયે માત્ર સ્મિત કર્યું.
"હા બેટા, પણ નવી ઓળખાણોમાં હંમેશા સાવચેત રહેવું." એમ કહી એ ફરી ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.
તે રાત્રે, ધારા પોતાના નાના, સુઘડ ફ્લેટમાં પાછી ફરી. એનો હસમુખો અને મિલનસાર ચહેરો હવે પથ્થર જેવો કઠોર અને ભાવહીન હતો જે દિવસ દરમિયાન કોઈ ઉછળતી કૂદતી નિખાલસ નિર્દોષ ઝરણા સમાન ધારા કરતા તદ્દન વિપરીત હતી. એણે પોતાના કાન પાછળ લગાવેલું એક નાનકડું, ત્વચાના રંગનું ઉપકરણ કાઢ્યું અને તેને એક ડાર્ક વેબ એન્ક્રિપ્ટેડ લેપટોપ સાથે જોડ્યું.
સ્ક્રીન પર એક પડછાયા જેવી આકૃતિ ઊભરી આવી.
"બોલ. શું રિપોર્ટ છે?" એક ભારે, કર્કશ અવાજ સંભળાયો.
"સંપર્ક સ્થાપિત થઈ ગયો છે, માસ્ટર." ધારાનો અવાજ ઠંડો અને વ્યાવસાયિક હતો.
"મેં સમય રૉયનો વિશ્વાસ જીતી લીધો છે. એ ખૂબ જ ભોળો અને ભાવુક છે. એ જ આપણી સૌથી મોટી તાકાત બનશે."
"અને વૃદ્ધ વ્યોમ રૉય?" એ કર્કશ અવાજે પૂછ્યું.
"એ શિયાળ જેવો ચાલાક છે. એની આંખોમાં શંકા છે, પણ પુરાવા વગર એ કંઈ નહીં કરી શકે. મને લાગે છે કે સર્પ હ્ર્દય એ જ ઘરમાં ક્યાંક છે, કદાચ એ બંધ સ્ટડી રૂમમાં. મારે અંદર જવાનો રસ્તો શોધવો પડશે."
ધારાએ માહિતી આપી.
"હમમ્...સરસ. તારું કામ ચાલુ રાખ. યાદ રાખજે, ધારા, આ મિશનમાં ભૂલને કોઈ સ્થાન નથી. સર્પ હ્ર્દય 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'ને જ મળવું જોઈએ. કોઈ પણ લાગણી કે સંબંધ મિશનના માર્ગમાં આવવા ન જોઈએ. જો આવ્યા, તો અંજામ તને ખબર છે." કર્કશ અવાજે ધમકી ઉચ્ચારી.
"જી, માસ્ટર. મિશન જ મારું એકમાત્ર સત્ય છે."
ધારાએ કનેક્શન કાપી નાખ્યું. એણે બારી બહાર 'Champ de Mars' અપાર્ટમેન્ટ તરફ જોયું, જ્યાં લાઇટો ઝગમગી રહી હતી. તેના ચહેરા પર એક જટિલ ભાવ આવ્યો. સૅમનો નિર્દોષ ચહેરો અને વ્યોમ રૉયની પારખુ નજર તેની આંખો સામે તરી રહી. આ પહેલીવાર હતું જ્યારે તેના લક્ષ્ય કોઈ આતંકવાદી કે ગુનેગાર નહીં, પણ એક નિર્દોષ પરિવાર હતો. 'આ માત્ર એક કામ છે,' એણે મનને મક્કમ કર્યું. 'લાગણીઓ નબળાઈ છે.'
પણ ક્યાંક ઊંડે, તેના દિલના એક ખૂણામાં, એક નાનકડો સંઘર્ષ શરૂ થઈ ચૂક્યો હતો, જેની એને પોતાને પણ હજુ જાણ ન હતી. રૉય પરિવારના જીવનમાં ધારાનું આગમન એક આવનારા તોફાનની પહેલી નિશાની હતી.
(ક્રમશઃ)
ધારાની રૉય પરિવારમાં અવરજવર શરૂ ગઈ. સૅમ માટે તો જાણેઅજાણે એના શુષ્ક જીવનમાં આવેલી વસંત સમાન હતી. બંને કલાકો સુધી પૅરિસના કલાત્મક સ્થાપત્યો, મ્યુઝિયમ અને પુસ્તકાલયોમાં સાથે સમય વિતાવતા. જોકે સ્વાર્થ બંને નો હતો, એક પોતાના પિતાના વારસાને સમજવા અને વધુ જાણવા માટે જતો અને બીજીનો પણ આશય તો એ જ હતો આદિત્ય રૉયનાં સંશોધનો વિશે જાણકારી મેળવવાનો પણ લક્ષ્ય અલગ હતું, સર્પન્ટ હાર્ટ. સૅમની સાથે વધુ સમય વીતાવવાનો આશય પણ એજ હતો, સૅમ એ રસ્તો હતો જે એનાં લક્ષ્ય સુધી પહોંચાડી શકે. ધારાનું હોમવર્ક કાબીલેદાદ હતું. ધારાની ઇતિહાસ અને પ્રતીકોની ઊંડી સમજ સૅમને મંત્રમુગ્ધ કરી દેતી. એને લાગતું કે ધારા એના પિતા, આદિત્ય રૉયના બૌદ્ધિક વારસાને સમજવાવાળી એકમાત્ર વ્યક્તિ હતી.
એક શનિવારે બપોરે, તેઓ 'લૂવ્ર' (Louvre) મ્યુઝિયમમાં ઇજિપ્તની કલાકૃતિઓના વિભાગમાં ફરી રહ્યા હતા. તેમની સામે કાચની પેટીમાં પ્રાચીન હાઇરોગ્લિફિક્સ (ચિત્રલિપિ) વાળા પૅપિરસના ટુકડાઓ હતા.
"જો સૅમ," ધારાએ ઉત્સાહથી કહ્યું, "આ માત્ર ચિત્રો નથી, આ કોડ છે. દરેક પ્રતીક પાછળ એક વાર્તા, એક રહસ્ય છુપાયેલું છે. પ્રાચીન લોકો પોતાની સૌથી કીમતી જાણકારી આવી જ રીતે સંતાડતા હતા, જેથી માત્ર યોગ્ય વ્યક્તિ જ તેને સમજી શકે."
ધારાની નજર સૅમના ચહેરા પર હતી, એના હાવભાવ વાંચી રહી હતી.
"મારી મમ્મી સાંકેતિક લિપિઓ ખૂબ સારી રીતે સમજતી હતી. એ શ્રેષ્ઠ હતી એમ કહું તો ખોટું નથી. તેણીએ હંમેશા મારા પિતાને મદદ કરી હતી. આ સિવાય મારા પિતાને પણ આમાં ખૂબ રસ હતો," સૅમ ભૂતકાળમાં ખોવાઈ ગયો. "એ કહેતા કે દુનિયાનું સૌથી મોટું રહસ્ય એક કોયડામાં છુપાયેલું છે અને એને ઉકેલવા માટે તર્ક નહીં, પણ શુદ્ધ હૃદયની જરૂર પડે છે. એમની એક ડાયરી હતી, જેમાં તેઓ આવા જ સાંકેતિક કોયડાઓ લખતા હતા."
ધારાના કાન સરવા થઈ ગયા. ડાયરી! એના મિશનનો સૌથી મહત્વનો હિસ્સો. 'ગાર્ડિયન ઑફ શૅડોઝ'નું માનવું હતું કે સર્પ હ્ર્દયના સ્થાનનો નકશો એ જ ડાયરીમાં હતો.
"એ ડાયરી તો ખરેખર અમૂલ્ય હશે," ધારાએ ખૂબ જ સહજતાથી કહ્યું, જાણે એને માત્ર શૈક્ષણિક રસ હોય. "કદાચ એ તમારા સ્ટડી રૂમમાં જ હશે. શું હું એ જોઈ શકું? મને ખૂબ રસ અને જિજ્ઞાસા છે."
"ના, દાદુએ એ રૂમને તાળું મારી દીધું છે," સૅમે નિસાસો નાખ્યો. "મમ્મી-પપ્પાના ગયા પછી એમણે એ રૂમ બંધ કરી દીધો. કહે છે કે ત્યાંની યાદો એમને વિચલિત કરે છે."
ધારાને એક મહત્વની કડી મળી ગઈ. તાળાવાળો સ્ટડી રૂમ. એનું લક્ષ્ય હવે સ્પષ્ટ હતું.
તેઓ મ્યુઝિયમમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ એકાએક એક ઝડપી યુવક ધારાના ખભેથી પર્સ ખેંચીને ભાગ્યો. સૅમ કંઈ સમજે એ પહેલાં તો ધારાએ અકલ્પનીય સ્ફૂર્તિ બતાવી. એણે દોડીને એ યુવકનો રસ્તો રોક્યો અને એક જ ક્ષણમાં, એક કુશળ ચાલથી એનો હાથ મચકોડીને એને જમીન પર પાડી દીધો. પર્સ હવામાં ઉછળ્યું અને ધારાએ એને સરળતાથી પકડી લીધું. આજુબાજુના લોકો તાળીઓ પાડવા લાગ્યા.
સૅમ તો આશ્ચર્યથી થીજી જ ગયો હતો. આ એ જ કલાપ્રેમી, સૌમ્ય ધારા હતી?
"આ... આ તેં કેવી રીતે કર્યું?" સૅમે પૂછ્યું.
ધારાએ વાળની લટને કાન પાછળ સરકાવીને હસી. "વડોદરામાં સેલ્ફ-ડિફેન્સના ક્લાસ લીધા હતા. છોકરીઓએ આટલું તો શીખવું જ પડે છે." એનો જવાબ તૈયાર જ હતો. પણ સૅમની આંખોમાં જે પ્રશંસા અને આદરનો ભાવ હતો, એ જોઈને ધારાના દિલમાં એક અજાણી હૂંફ પ્રસરી ગઈ. આ એ ભાવ હતો જે એણે પોતાના જીવનમાં ક્યારેય અનુભવ્યો નહોતો.
બીજી તરફ, વ્યોમ રૉય શાંત બેઠા ન હતા. એમનું મન કોઈ અનુભવી જાસૂસની જેમ કામ કરી રહ્યું હતું. ધારાના ગયા પછી, તેઓ ગુપ્ત કેમેરાના રેકોર્ડિંગ્સ ફરીથી જોતા. એમણે જોયું કે ધારાની નજર વારંવાર સ્ટડી રૂમના તાળા પર જતી હતી. એમણે ભારતમાં પોતાના જૂના સંપર્કો દ્વારા 'ધારા મહેતા, વડોદરા' વિશે તપાસ કરાવી, પણ એ નામની કોઈ આર્ટ હિસ્ટ્રીની વિદ્યાર્થીની પૅરિસ ગઈ હોય એવા કોઈ સત્તાવાર રેકોર્ડ મળ્યા નહીં. જે પણ માહિતી મળી એ ઉપરછલ્લી અને બનાવટી લાગતી હતી.
(ક્રમશઃ)