"એ શું છે?" મધુકર મોહન પુછે છે.
"એક યુવાન છે જેનું નામ નવનીત છે. એ પણ આઈ.એ.એસ બનવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રયત્ન કરે છે. હમણાં જ એણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ અને મહેચ્છા સાથે જ અભ્યાસ કરે એમ હું વિચાર કરું છું." દિનકર દાસગુપ્તા કહે છે.
"ના. પણ તમે મહેચ્છા ની કારકિર્દી શું કામ જોખમમાં મુકી રહ્યા છો?" મધુકર પુછે છે.
" મહેચ્છા તો ગમે તેમ આઈ.એ.એસ બની જ જશે. પણ આ નવનીત માટે છેલ્લી તક છે. હું તેને વચન આપી ચુક્યો છું." દિનકર દાસગુપ્તા કહે છે.
"ઠીક છે. આપ જ સર્વોપરી છો. " મધુકર કહે છે.
" કાલથી સાંજે બે કલાક માટે મહેચ્છા અને નવનીત ને હું વ્યક્તિગત રીતે તૈયારી કરાવીશ." દિનકર દાસગુપ્તા કહે છે.
બીજા દિવસે નવનીત ભગવાન ને હાથ જોડીને પોતાની નવી બેચ માટે તૈયાર હતો કે દિનકર દાસગુપ્તા ના માર્ગદર્શન હેઠળ તેની તૈયારીઓ શરૂ થઈ જાય. પણ સાંજ નો સમય આપતા નવનીત થોડો નિરાશ હતો. ઘણીવાર સાંજ ની બેચમાં ઘણા વિદ્યાર્થીઓ હોવાથી બહુ ધ્યાન નથી આપી શકાતું.
સાંજે જેમ જ નવનીત દિનકર દાસગુપ્તાની કોચિંગ ક્લાસમાં પહોંચી જાય છે તો તે હાજર નથી હોતા. આમ તો દિનકર દાસગુપ્તા સમયમાં ખુબ જ માનતા હોવાથી તે હાજર જ હોવા જોઈએ પણ એ હાજર ન હતા. ત્યારે જ દિનકર દાસગુપ્તા સાથે વાતચીત કરતી એક યુવતીનો અવાજ સંભળાયો.
" અરે સર આ થોડું ઠીક કહેવાય છે..જે પાઈપ લાઈન થી પાણી લીકેજ થાય છે એ ગંદકી ફેલાવે અને લોકો બીમાર થાય. આ તો ખોટું કહેવાય." એ યુવતી ખુબ ઝડપથી બોલી રહી હતી.
" પણ આખી બિલ્ડિંગ ની તકલીફ છે. આપણે એકલા શું કરીએ?" દિનકર દાસગુપ્તા કહે છે.
" સર કોઈએ તો આગળ વધવું જ પડશે. આમ જ જો સરકાર ને આપણે અપશબ્દો બોલતા રહીશું તો કોઈ મતલબ જ નથી." એ યુવતી કહે છે.
(દિનકર દાસગુપ્તા અને એ યુવતી કોચિંગ ક્લાસમાં પ્રવેશ કરે છે )
"અરે નવનીત તું? હા સોરી સમય તો થઈ ગયો છે." દિનકર દાસગુપ્તા સમય જોઈ કહે છે.
" હા તો મિસ્ટર નવનીત. એક વાત કહો.." એ યુવતી નવનીત સામે જોઈ સીધો પ્રશ્ન કરે છે.
" જી. પણ તમે?" નવનીત અચાનક જ આવા પ્રશ્નો થી હેબતાઈ ગયો.
" મારું નામ મહેચ્છા મોહન છે. હું અંહી આઈ.એ.એસ ની તૈયારી માટે આવું છું. પણ મારી એક વાત નો જવાબ આપો?" મહેચ્છા કહે છે.
" હા પુછો?" નવનીત કહે છે.
" બસ તમે હમણાં સીડી ચઢીને આવ્યા તો તમને ગંદા પાણી ની વાસ આવતી હતી કે નહીં?" મહેચ્છા પુછે છે.
" હા આવી. " નવનીત કહે છે.
" પહેલા ક્યારેય આવી?" મહેચ્છા પુછે છે.
"ના તો પહેલા તો ન આવતી. " નવનીત કહે છે.
" પણ તમે એ વિચાર ન કર્યો કે હાલ ગંદકી વાળું પાણી લીકેજ થવાથી લોકો ને કેટલી તકલીફ પડશે? મેં જ્યારે બીજા એક બે દુકાનોમાં જઈને વાતચીત કરી તો એમણે કહ્યું કે કોણ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણ કરશે?" મહેચ્છા કહે છે.
" એ ક્યાં આપણું કામ છે?" નવનીત કહે છે.
" જો તમારા જેવા આઈ.એ.એસ બનનાર વ્યક્તિ પણ આમ જ વિચાર કરશે તો કામ કોણ કરશે?" મહેચ્છા પુછે છે.
" દિનકર સર.. બોલો.." મહેચ્છા દિનકર દાસગુપ્તાને પુછે છે.
"હા જો નવનીત વાત તો મહેચ્છા ની સાવ સાચી છે. એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે. " દિનકર દાસગુપ્તા કહે છે.
"આપણે પરિક્ષા ની તૈયારી છોડી આ બધું જ કરીએ." ન નવનીત ગુસ્સે થાય છે.
"નવનીત તમે તો આમ વિચારીને કોઈ દિવસ પરિક્ષા પાસ કરીને પણ શું કરશો?" મહેચ્છા પુછે છે.
" એટલે મારે આઈ.એ.એસ બનવું છે." નવનીત કહે છે.
" આઈ.એ.એસ એટલે પ્રજાના જ સેવકો. જો તમારી અંદર સમાજસેવા ની ભાવના જ નથી તો પરિક્ષા પાસ કરી તમે કૌભાંડ જ કરવાના." મહેચ્છા કહે છે.
"ઠીક છે. હવે શાંતિ રાખો. મહેચ્છા.." દિનકર દાસગુપ્તા કહે છે.
" આ નવનીત છે. આ સાંજ ની બે કલાક ની સ્પેશિયલ બેચમાં તમે બન્ને જ રહેશો. નવનીત મિકેનિકલ ઈજનેર છે. એક વખત પ્રિલિમનરી પરિક્ષા પાસ કરી ચુક્યો છે પણ મુખ્ય પરિક્ષામાં રહી ગયો.આ તેની છેલ્લી તક છે." દિનકર દાસગુપ્તા નવનીત નો પરિચય આપે છે.
" આ જે યુવતી તમે જોઈ રહ્યા છો એ છે મહેચ્છા. છેલ્લા ત્રણ વર્ષથી કોલેજ ની સાથે જ આઈ.એ.એસ પરિક્ષા માટેની તૈયારી પણ કરી રહી છે. આ તેની પ્રથમ તક છે." દિનકર દાસગુપ્તા કહે છે.
" તમે બન્ને જ ખુબ જ ટેલેન્ટ થી ભરપુર છો. એટલે જ એકમેક ની સાથે તમારે આ સફર ખેડવાની છે. કદાચ તમારી બન્ને ની પસંદગી જૂદી જૂદી હોય પણ મારી પ્રમાણે તમે બન્ને આ પરિક્ષા પાસ કરી આઈ.એ.એસ બની જ શકો છો." દિનકર દાસગુપ્તા સમજાવે છે.
પછી દિનકર દાસગુપ્તા પ્રિલિમનરી પરિક્ષા ની તૈયારી રૂપે રોજ ન્યુઝ પેપર તેમજ સામાન્ય જ્ઞાન વધારવા માટે ન્યુઝ જોવા વિષે સમજાવે છે. બે કલાક પુરા થયા. મહેચ્છા ને લેવા માટે મધુકર મોહન આવે છે.
મહેચ્છા એક એપ્લીકેશન લખી દિનકર દાસગુપ્તા ને આપે છે કે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ને આ લીકેજ વહેલી તકે રોકવા માટે અને કઈ ધારા પ્રમાણે આ પ્રજાનો અધિકાર છે એ પણ મહેચ્છા લખે છે.મહેચ્છા અને મધુકર ના ગયા પછી દિનકર દાસગુપ્તા એપ્લિકેશન નવનીત ને વંચાવે છે.
" જો નવનીત હવે તને સમજાય છે કે મેં શું કામ મહેચ્છા ને જ તારી સાથે રાખી? એના બે કારણ છે.
એક તો એ ખરા અર્થમાં આઈ.એ.એસ અધિકારી બનવા માંગે છે પોતાના કર્મો થી. બીજું કે એનું વાંચન એટલું જોરદાર છે કે પોતાના દરેક અધિકાર અને ફરજ વિષે એ સારી રીતે જાણે છે.
એ તને જરૂર આઈ.એ.એસ બનવાની તરફ આગળ વધારશે અને મદદ કરશે. આ ગંદા પાણી ના લીકેજ નો પ્રશ્ન એણે જોતા જ તેના નિરાકરણ માટે પ્રયત્ન ચાલુ કરી દીધા." દિનકર દાસગુપ્તા સમજાવે છે.
"ઠીક છે સર." નવનીત કંટાળી ગયો હતો.
નવનીત પાછો નીકળી જાય છે. આજે તો રિતેશ પણ ન હતો. એ પણ હવે વ્યક્તિગત ઈન્ટરવ્યુ માટે પસંદગી પામવા માટે ની તૈયારી કરવા માટે જુદા જુદા સીનીયર ને મળી રહ્યો હતો. ત્યારે જ એણે રાતે ફોન કર્યો.
"શું મિત્ર કેમ છે?" રિતેશ પુછે છે.
"બસ જો આજથી જ મેં તૈયારી શરૂ કરી છે. હવે તો આ પાર કે બીજી પાર.." નવનીત કહે છે.
" જો મિત્ર એક વાત ની તો ખુશી છે કે હું પણ અંહી સુધી મારિયા ની પાછળ પાછળ જ પહોંચી ગયો. પણ તને ખબર છે સૌથી ખરાબ શું થયું?" રિતેશ કહે છે.
" અરે યાર ઐયર છે ને એ મારિયા સાથે ચકકર ચલાવી રહ્યો છે. કોઈ વિચાર ન કરી શકે પણ આ જ સત્ય છે." રિતેશ કહે છે.