Garbhpaat - 8 in Gujarati Horror Stories by VIKRAM SOLANKI JANAAB books and stories PDF | ગર્ભપાત - 8

Featured Books
Categories
Share

ગર્ભપાત - 8

ગર્ભપાત - ૮

            ધૂમાડામાંથી બનેલી આકૃતિ ધીમે ધીમે હવે શાશ્વત રૂપમાં આવી રહી હતી. ડો. ધવલ દવેએ જોયું તો પોતે બેઠો હતો ત્યાંથી પાંચ ફૂટના અંતરે એક કપડામાંથી બનેલી ઢીંગલી ઊભી હતી. લાલ રંગના ફ્રોક અને એ મુજબના શણગારમાં સજ્જ એ ઢીંગલીની આંખો અંગારાની માફક લાલ બનીને તગતગી રહી હતી. ડો. ધવલ દવે આ અપ્રાકૃતિક ઘટના જોઈને પોતાની આંખો ચોળવા લાગ્યો. થોડીવારમાં એને ખ્યાલ આવી ગયો હતો કે પોતે જે જોઈ રહ્યો હતો એ સત્ય જ છે કોઈ ભ્રમ નથી.

      ઢીંગલીનું ભયંકર સ્વરૂપ અને કપડામાંથી બનેલી હોવા છતાં માણસની માફક બોલતી જોઈને ડો. ધવલ દવે ખૂબ જ ડરી ગયો હતો. દવાખાનામાં પોતાને બચાવનાર કોઈ નહોતું એ જાણતો હોવા છતાં એણે પોતાની બધી શક્તિ એકઠી કરીને બૂમ પાડવાની કોશિશ કરી પરંતુ એના આશ્ચર્ય વચ્ચે એના ગળામાંથી કોઈ જાતનો અવાજ નિકળતો નહોતો. 

     ઢીંગલીએ ક્રોધાવેશમાં પોતાનો એક હાથ હવામાં અધ્ધર કર્યો એ સાથે જ ડો. ધવલ પોતાની ખુરશીમાં જે સ્થિતિમાં બેઠો હતો એ જ સ્થિતિમાં હવામાં અધ્ધર થયો. થોડીવાર અધ્ધર હવામાં એને ગોળ ગોળ ફેરવીને જેવો ઢીંગલીએ પોતાનો હાથ નીચે કર્યો એ સાથે જ તે દરવાજાની સમાંતર જમીન પર પટકાયો. એના માથામાં ઈજા થવાથી લોહી વહેવા લાગ્યું હતું. પોતે દરવાજાની પાસે છે એ ખ્યાલ આવતાં જ એણે પોતાની રહી સહી તાકાત એકઠી કરીને ઊભો થયો અને દરવાજો ખોલીને બહાર લોબીમાં ભાગ્યો. 

       હજુ તો પોતાની ઓફિસથી માંડ વીસ ડગલાં દૂર ગયો હશે ત્યાં એણે જે મહેસુસ કર્યું એ જોઈને એણે પોતાના પેન્ટમાં પેશાબ કરી દીધો. પોતે દોડી રહ્યો હતો પરંતુ તે આગળ વધી નહોતો શકતો. તેના પગ એ જ જગ્યાએ ફરી રહ્યા હતા. આખરે થાકીને તે ત્યાં જ ફર્શ પર ફસડાઈ પડ્યો. 

       અચાનક કોઈ અદ્રશ્ય શક્તિ પોતાને ખેંચી રહી હોય એવું એને લાગ્યું. પોતે કોઈ શક્તિ દ્વારા ખેંચાઈને પાછો હતો ત્યાં પોતાની ઓફિસમાં પહોંચી ગયો. તેણે આજુબાજુ જોયું તો એ ઢીંગલી પોતાની ખુરશી પર બેસીને અટ્ટહાસ્ય કરી રહી હતી. 

     " કેમ શું થયું?? જા, તારામાં તાકાત હોય તો ભાગી જા. સાલા હરામી! તેં જે કૃત્ય કર્યાં છે એ પરથી તો તને નર્કમાં પણ જગ્યા નહીં મળે. માણસ જ્યારે માણસ મટી દાનવ બને છે ત્યારે કૂદરત પણ પોતાની વિરુધ્ધ જઈને તું જે જોઈ રહ્યો છે એવાં અગોચર સર્જન કરે છે. હું પણ એવું જ એક અગોચર સર્જન છું. " ઢીંગલીના ચાબખા જેવા શબ્દો ડો. ધવલ દવેના કાનમાં શુળની જેમ ભોંકાઈ રહ્યા હતા. 

  " મને માફ કરી દો. હું તમારી સામે હાથ જોડું છું. " ડો. ધવલ દવે હવે રડતાં રડતાં કરગરી રહ્યો હતો. 

  " તને લાગે છે તે જે કાળાં કામો કર્યાં છે એ માફીને લાયક છે! છતાં હું તને બચવાનો એક વિકલ્પ આપીશ જો તને મંજુર હોય તો! " કટુ સ્મિત સાથે ઢીંગલીએ કહ્યું. 

  " મને મંજૂર છે હું કંઈ પણ કરવા તૈયાર છું. હું મરવા નથી માંગતો. " ડો. ધવલ કાકલૂદી કરી રહ્યો હતો.

  " તેં અત્યાર સુધી કેટલી દિકરીઓને ગર્ભમાં મારી છે એ યાદ છે?? " ઢીંગલીએ ટેબલ પર બેસીને કહ્યું.

 " ચોક્કસ તો ખબર નથી પણ કદાચ ૨૫ - ૩૦ આસપાસ જેમાં દિકરી હતી એવા ગર્ભનો નાશ મારા હાથે થયો હશે. " ડો. ધવલે નીચે પડ્યાં - પડ્યાં કહ્યું. 

" એ બધા ગર્ભનો નાશ જે દવાથી તેં કર્યો છે એ દવા તારે એટલા પ્રમાણમાં એકસાથે અત્યારે ખાઈ જવાની છે. " ઢીંગલીએ એના બચવાનો વિકલ્પ આપતાં કહ્યું. 

  ડો. ધવલ અવાચક બની ગયો. મતલબ સાફ હતો કે પોતાને ૩૦ ગર્ભનાશક ગોળીઓ જે એકસાથે બે આવતી એટલે કે ૬૦ ગોળીઓ ખાવાની હતી. આ ગોળીઓ ખૂબ જ પાવરફુલ હોય છે અને આટલાં પ્રમાણમાં ખાવાથી તેના હાય પાવરને લીધે કીડની ફેલ થઈ જવાની શક્યતાઓ હતી. છતાં પોતે ડોક્ટર હતો એટલે વિચાર્યું કે ગોળીઓ ખાઈ લીધા બાદ આ વિચિત્ર ઢીંગલી જો અહીંથી જતી રહે તો દવાઓની અસર શરૂ થાય એ પહેલાં જ પોતે ઉલટી કરીને એને બહાર કાઢી નાખશે. 

  " હું દવાઓની ગોળીઓ ખાવા તૈયાર છું. " ડો. ધવલ દવેના આટલું બોલતાં તો પોતાના દવાખાનાના દવાઓના રૂમમાંથી તે દવાઓની શીશીઓ એની સમક્ષ હાજર થઈ ગઈ હતી. 

   " ચાલ હવે આ દવાઓ ખાવાનું શરૂ કરી દે. જો દવાઓ ગળે ન ઉતરે તો આ તારી શરાબના ઘુંટ ભરી લેજે. " ઢીંગલીના આટલું બોલતાં તો વ્હીસ્કીની અડધી ભરેલી બોટલ આપોઆપ હવામાં અધ્ધર થઈને ડો. ધવલ દવેની પાસે પહોંચી ગઈ. 

  ડો. ધવલ સાથે જે અત્યારે બની રહ્યું હતું એ પોતાને અકલ્પનીય લાગી રહ્યું હતું. ક્યારેય ભૂત - પ્રેત કે અફવાઓમાં ન માનનારા ડો. ધવલ માટે આ એક દુઃસ્વપ્ન સમાન હતું. છતાં આ સત્ય પણ હતું અને શક્યવત પોતાના બચવાના ચાન્સ પણ ઓછા લાગી રહ્યા હતા. 

    " ડો. ધવલે દવાઓ ખાવાનું શરૂ કર્યું. હજુ તો માંડ સાત - આઠ ગોળીઓ ખાધી ત્યાં તો તેને હીબકાઓ આવવા લાગ્યા. બાજુમાં પડેલી વ્હીસ્કીની બોટલમાંથી બે ઘુંટ ભરી તેણે માંડ દવાઓ ગળા નીચે ઉતારી. વ્હીસ્કી સાથે દવાઓ પેટમાં જવાથી જાણે પેટમાં આગ લાગી હોય એવી બળતરા એને થવા લાગી. 

    ઢીંગલી ટેબલ પર બેસીને અટ્ટહાસ્ય કરી રહી હતી. આંખમાં આંસુઓ અને ધ્રુજતા હાથે ડો. ધવલ દવેએ માંડ વ્હીસ્કી સાથે દવાઓ પૂરી કરી. તેના મોઢામાંથી ફીણ આવી રહ્યા હતા. તેનું પેટ ઘડાની જેમ ફૂલી રહ્યું હતું. 

       છાતીમાં અસહ્ય બળતરા થતી હોવાથી ડો. ધવલ આમથી તેમ આળોટી રહ્યો હતો. તેણે નિ:સહાય બનીને ટેબલ ઉપર જોયું પરંતુ ત્યાં હવે કોઈ નહોતું. ઢીંગલી ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ હતી. કદાચ ઢીંગલીને પણ ખબર હશે કે આ દવાઓ વ્હીસ્કી સાથે લેવાથી પોતે બચી શકશે નહીં. 

      અચાનક ડો. ધવલને પોતાના પેટની અંદરના તમામ અવયવો સળગી રહ્યાં હોય એમ લાગ્યું. પોતે આમથી તેમ પગ પછાડી અને હાથના નખ ફર્શ પર ઘસી રહ્યો હતો. ફર્શ પર નખ ઘસાવાથી ઘણાં ખરા નખ ઉખડી ગયા હતા. 

   ઘણીવાર સુધી તે એ જ સ્થિતિમાં તડપતો રહ્યો. પોતે ઊભો થઈ શકે એવી હાલત નહોતી. આંખો સજ્જડ બની રહી હતી. એકાએક જાણે પોતાના પેટમાં વિસ્ફોટ થયો હોય એમ તેનું પેટ ફાટી ગયું. માંસના લોચા સાથે અંદરના અવયવો બહાર નીકળી ગયાં. કદાચ આ દવાઓ લેવાથી આવી જ પીડા તે બધી સ્ત્રીઓને થઈ‌ હશે એવું અંતિમ ક્ષણોમાં યાદ કરતાં કરતાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. 

     બીજી તરફ એ જ સમયે છત્તરપુરમાં પ્રતાપસિંહની હવેલીમાં રાત્રે ત્રણ વાગ્યે મમતાબાના રૂમનો દરવાજો આપોઆપ ખુલે છે અને જે છટાથી તે ઢીંગલી બહાર આવી હતી એ જ રીતે તે દરવાજામાં પ્રવેશી જાય છે. 

      સવારે ઉઠીને નિત્ય ક્રમ પતાવી મમતાબા અને સાવિત્રી રૂમમાં સફાઈ કરવા આવે છે ત્યારે ટેબલ પર રાખેલી ઢીંગલી સામે જોઈને મમતાબાને કશુંક યાદ આવતાં તે ઢીંગલી પાસે ગયાં.

     " સાવિત્રી! કદાચ ઢીંગલીને મેં કાલે આ દિવાલ તરફ મુકી હતી અને અત્યારે એનું મોઢું દરવાજા તરફ છે. શું તે એને સવારે ઉઠીને લીધી હતી? " મમતાબાએ સાવિત્રીને પૂછ્યું. 

   " ના, મેં તો સવારથી બિચારીનું મોઢું પણ નથી જોયું. તમે જ કદાચ ભૂલી ગયાં હશો. " સાવિત્રીએ લાડ કરતી હોય એમ કહ્યું. 

    મમતાબાએ એકદમ નિરખીને ઢીંગલી તરફ જોયું. અચાનક કંઈક યાદ આવતાં તેણે સાવિત્રીને પોતાની પાસે બોલાવી. 

  " સાવિત્રી આ જો, ઢીંગલીના ડાબા કાનની એક બુટ્ટી પણ નથી. રૂમમાં સફાઈ દરમિયાન પણ ક્યાંય જોવા નથી મળી તો આખરે ગઈ ક્યાં? " મમતાબાએ સાવિત્રીને ઉદ્દેશીને કહ્યું. 

  સાવિત્રી થોડીવાર વિચાર મગ્ન અવસ્થામાં ઊભી રહી. પછી કંઈક યાદ આવ્યું હોય એમ બોલી, 

   " એ તો કદાચ ગઈકાલે આપણે એને શણગારીને પછી આમ તેમ ફેરવી હતી એ દરમિયાન કાનમાંથી નિકળીને ક્યાંક પડી ગઈ હશે. તમે સવાર સવારમાં શું આવી વાતો લઈને બેઠા છો. " સાવિત્રીએ બનાવટી ગુસ્સો કરીને કહ્યું.

    મમતાબાને સાવિત્રીના જવાબથી સંતોષ ન થયો. પોતે ઢીંગલીને દિવાલ તરફ જ મૂકી હતી એ વાતે હવે ચોક્કસ હતાં અને કદાચ ઢીંગલીના કાનની બુટ્ટી પણ હતી એવું એને જેવું તેવું યાદ હતું. 

    " ઢીંગલીનું આમ વિરુદ્ધ દિશામાં થઈ જવું અને એના કાનની બુટ્ટી પણ ગાયબ થઈ જવી એનો મતલબ તો એક જ છે કે ઢીંગલી પોતાની રીતે..." મનમાં વિચારતાં મમતાબાના છેલ્લા શબ્દો ગળામાં જ અટકી ગયા. તેમને એક અજાણ્યો ભય ઘેરી વળ્યો.

    " શું રાત્રે ઢીંગલી પોતાની રીતે ક્યાંય બહાર જતી હશે?? " એ સવાલ એના મનમાં પડઘાઈ રહ્યો હતો પરંતુ એનો જવાબ આ સમયે તો તેની પાસે નહોતો. 

( વધુ આવતા અંકે )

   અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના પ્રતિભાવો જરૂરથી આપશો એવી વિનંતી. 
     

               ************************