આજે બિજ્જુ રસ્તે ચાલતો આરામથી દાળિયા, રેવડી ખાતો આવતો હતો. એને સામી બે ગાય નીલુ અને ગૌરી મળી. પાછળ જ એની બહેન બિંદિયા છત્રી ખુલ્લી રાખીને આવતી હતી. છત્રીને હવે બે ચાર ટાંકા મારી સાંધેલી. બિજ્જુએ છત્રી પકડી અને બિંદિયાને દાળિયા રેવડી આપ્યાં. એ ખાતી ખાતી સાથે ચાલવા લાગી.
“તું તારે ઘર સુધી છત્રી રાખ.” બિંદિયાએ નાસ્તાના બદલામાં ભાઈને પોતાની વસ્તુ વાપરવા આપી. તેઓ ઘેર પહોંચ્યાં ત્યારે અંધારું થઈ ગયું હતું. એમની મા બહાર જ ઊભી હતી.
બિંદિયાની છત્રી આખાં ગામ માટે એક વૈભવની, પ્રસિદ્ધિની વસ્તુ બની ગયેલી. સહુ ઈર્ષ્યાથી જોતાં કે આવી છત્રી જે ક્યાંય જોવા મળતી નથી એ આ ખેડૂતની દીકરી પાસે કેમ?
ગામની શાળાના હેડમાસ્ટરની પત્ની એના પતિને કહે “હું કોણ? બી.એ. ભણેલી, હેડમાસ્ટર ની પત્ની. આ ગામની બધી અંગૂઠાછાપ બાયડીઓ કરતાં ક્યાંય ઊંચી. આવી છત્રી તો મારી પાસે શોભે. એને બદલે મારી પાસે રંગ ઉડી ગયેલી, રિપેર કરેલી કાળી છત્રી? એને વધારે માર્કની લાલચ આપી છત્રી લઈ લો ને!”
હેડમાસ્ટર કહે “એમ ન લેવાય. ગામમાં ખરાબ લાગે. તારી છત્રીને જ શહેરમાં ભૂરી રંગાવી દઉં, પછી? ભૂરી અને ઉપરથી મોટી.”
“તમારાથી કાંઈ નહીં થાય. હુંહ..” કહી છણકો કરતી એ ચાલી ગઈ ને બે દિવસ પતિ સાથે અબોલા રાખ્યા, મોં નો તોબરો ચડાવી રાખ્યો.
ગામનાં મંદિરનો પૂજારી કહે “એ છોકરી ભૂરી છત્રી લાવી તો હું શહેરમાં મળતી છ રંગની છત્રી લાવીશ, જોજો.” થોડા દિવસ પછી એ શહેર તો ગયો પણ મોં લટકાવીને આવ્યો. કહે કે આવી છત્રી તો એ દિલ્હી ગયેલો ત્યાં પણ મળતી નહોતી.
દ્રાક્ષ ખાટી ની વાતની જેમ ગામલોકો એ વાતે સંતોષ લેવા માંડ્યા કે આ છત્રી સહેજ જોરથી પવન વાશે તો કાગડો થઈ ઊડી જશે. વરસાદમાં એબી નાની છત્રીથી પલળવું રોકાય? રામરામ કરો. કેટલો નાનો ઘેરાવો છે? એનું કાપડ તો અર્ધુ પારદર્શક છે. એ તડકા માટે પણ કામની નથી. ઉપરથી એનું કાપડ વીજળી પડે તો એને આકર્ષશે, રોકશે નહીં. આ છત્રી તો ક્યારેક મુસિબત લાવી શકે છે. કદાચ દુર્ભાગ્ય પણ.
પરંતુ અંદરખાને સહુને એવી છત્રી જોઈતી હતી. સહુને બિંદિયાની ઈર્ષ્યા થતી હતી, સિવાય કે બિંદિયાની શાળાનાં બાળકોને. છત્રી એવી હળવી, એવી આકર્ષક, એવા દુર્લભ રંગની હતી! બિંદિયા ક્યારેક એની સાથે મિત્રતા હોય એને આપતી પણ ખરી. બાળકોને તો બસ, છત્રી થોડી વાર હાથમાં પકડી ગોળગોળ ફેરવવા મળી એટલે રાજીરાજી.
એમ ને એમ જિંદગી ચાલતી આવી.
**
એમાં ચોમાસું આવ્યું. પર્વતો પર વાદળો મંડરાયાં, ગાજવીજ થવા લાગી, ભારે પવનો ફૂંકાવા લાગ્યા.
બિંદિયા આખી બપોર અને સાંજ સુધી આકાશ સામે વાદળો વરસે એની રાહ જોતી બેઠી રહી. એને એક જ વાતનું કુતૂહલ હતું, આ છત્રી પર વરસાદ પડે તો કેવું લાગે?
વરસાદનું પહેલું ટીપું પડ્યું કે તેણે છત્રી ખોલીને પોતાને માથે ઓઢી લીધી.
વધુ મોટાં ને મોટાં ફોરાં પડવા લાગ્યાં. ટપટપ અવાજ મોટો બન્યો. ધારાઓ પડવા લાગી. બિંદિયા છત્રીમાંથી ઉપર પડતી ધાર જોતી મઝા લઈ રહી.
ઓચિંતો વરસાદ જોરથી. ત્રાટક્યો. ધારાઓ ધોધની જેમ પડવા લાગી. બિંદિયાની છત્રી ખરેખર વરસાદ સામે રક્ષણ માટે હતી જ નહીં છતાં, બિંદિયા પૂરી તાકાતથી છત્રી પકડીને ઊભી રહી. એનું સિલ્કનું જાડું કાપડ વરસાદ સામે ઝીક ઝીલી ગયું. બિંદિયાના ખાલી પગ જ પલળ્યા. વરસાદની તેજ ધારાઓનો પડદો એની સામે રચાઈને ઓગળી ગયો. છત્રી નીચેથી કોઈ કાચમાંથી જોતી હોય એમ એ વરસાદની ધારાઓ જોતી રહી અને છતાં પલળી નહીં. રમકડાંની કહેવાતી છત્રીએ ખરે વખતે પોતાનું કામ કરી બતાવ્યું.
એવું તે શું કામ છત્રીએ કરી બતાવ્યું?