કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો હતો? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો હતો, સમુદ્ર સામે જોયા કરતો, એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો હતો.
સમય કેટલો વહી ગયો એ ખબર નથી. એણે વહ્યે રાખ્યું. હું એકલો અટુલો ઝાંખો ન જ પડયો.
તો થોડી વાર પહેલાંના સમયમાં સ્થિર થઈએ.
ઘડિયાળ કે કેલેન્ડર વગર આ નિર્જન જગ્યાએ સ્થળ, કાળ કહું? સુર્યની સ્થિતિ મુજબ જુલાઈ હોવો જોઈએ કેમ કે દિવસ ખુબ લાંબામાંથી સહેજ ટૂંકો થયો છે. સુર્ય સાવ ઉત્તર તરફથી સહેજ દક્ષિણે ગયો છે. ધ્રુવના તારા પરથી હું આ કહી શકું છું. મારી રિસ્ટવોચના બટનસેલ બે વર્ષથી બંધ પડી ગયા છે. હું પાંદડાંઓ, ફળો ખાઈ, નારિયેળ કે દરિયાનું ઉકાળેલું પાણી પી જીવું છું. મારા વાળ દાઢી વધી ગયાં છે. અંગે આ ચીંથરાં, પાંદડાંઓ પહેર્યાં છે. મારે બેસવા સુવા આસપાસ રેક્ઝિનના ટુકડાઓ છે.
હું ક્ષિતિજમાં મીટ મંડી રહ્યો છું. કોઈક તો આવશે અને મને શોધી કાઢશે. બસ, એ જ આશાએ હું જીવી રહ્યો છું. એકાંત ટાપુ, જેનું કદાચ કોઈ નકશામાં પણ અસ્તિત્વ નથી, ત્યાં અને ઘૂઘવતા સમુદ્ર સામે. એક બાજુ નજર પહોંચે ત્યાં સુધી દરિયાનું ભૂરું પાણી અને ઉછળતાં મોજાંઓ તો બીજી બાજુ ઊંચા પથરાળ ખડકો વાળી ભેખડો. અહીં નવાઈ એ છે કે કોઈ પ્રાણી નથી વસતું અને કોઈ પક્ષી પણ ક્યારેક જ દેખાય છે.
એકાંત, સર્વત્ર નીરવ એકાંત. એકાંતમાં પડઘાતા મારા અવાજે હું તમને મારું પ્રિય ગીત સાંભળવું છું. મને ખુબ ગમતું. શાળામાં ભણતો એ ગીત- જેની એક એક કડી હું જીવ્યો છું અને મારે આખરી કડી જીવવાની બાકી છે .
તો હું ગાઉં છું મારું આ પ્રિય ગીત-
“ વિશાળ આ વિશ્વ તણો હું બનીશ એક વિમાની.
નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઇં નાની.
ગરુડ સમાણું વિમાન મારું સરરર ઊંચે ચડશે
વીજ વિલસતાં વાદળ વીંધી આકાશે જઈ અડશે.
ચક્કર પર ચક્કર લેતું એ માપ ધરાનું લેશે
સાતે સાગર ઉપર થઈને ઘુમશે દેશ વિદેશે.
વિમાન મારું જ્યાં જશે ત્યાં નભમાં ઉષા છવાશે,
મંગળ મહિમા ગાતી પાસે જળહળ જ્યોત છવાશે.
ગરવા રવ વિમાનના મારા પૃથ્વી પર પડઘાશે
ઝીલીશ હું એને એ તો આભ મહીં ફેલાશે.
તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની
આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.
વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં
સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .
વિશાલ આ વિશ્વ તણો હું બનીશ એક વિમાની
નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઇં નાની.”
હાસ્તો. મારું હૈયું મુઠ્ઠી જેવડું છે પણ હોંશ તો
અનંત જ હોય ને? હોંશ અને હિંમત. સાથે સતર્ક નિર્ણયશક્તિ. એ કોના માં હોય? સ્વભાવગત મારા માં જ.
તો હું આખરે છું કોણ? ચોંકી જશો.
આ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો, પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ છું? એ મારો આજનો વેશ છે. કદાચ દસ વર્ષ થયાં હશે, એ એક વખતની પ્લેનની સીટના અવશેષો રેકઝીનનાં ચિંથરાં મારા અંગે વીંટ્યાં છે.
મારી દાઢીવધી ગઈ છે, મૂછો ઘાસના પૂળા જેવી વિચિત્ર દેખાય છે. હું કોઈ વિકરાળ આદિમાનવ જેવો દેખાઉં છું ને? પણ હું કોણ છું? હું છું… એક પાયલોટ..
અજાણ્યા ટાપુ પર ક્રેશ થયેલાં છતાં મેં બચાવી લીધેલાં પ્લેન નો પાયલોટ.
જો દૂર દેખાય મારા પ્લેનના અવશેષો. આવો, આ ઝાડી ઝાંખરાં દૂર કરતો તમને ત્યાં સુધી લઈ જાઉં.
આ મારું પ્લેન. તો હું?
તો હું છું.. કુઆલાલુમ્પુર થી બૈજિંગ જતી ફ્લાઇટ MH370નો ભારતીય પાઇલોટ. મારા આ દેખાવની જગ્યાએ આવો, મને જુઓ 8.3.2014 ના રોજ. હું ક્લીન શેવ, મલેશીઅન એરલાઇનના યુનિફોર્મમાં સજ્જ સોહામણો, આત્મવિશ્વાસથી છલકાતો ભારતીય પાઇલોટ છું. ચોંકી ગયા ને?
ક્રમશ: