MH 370 - 6 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 6

Featured Books
Categories
Share

MH 370 - 6

6. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..

ચારે બાજુ ઘોર અંધકાર. અમે દિશાહીન ચારે તરફ ખુલ્લા આકાશના ઘુમ્મટમાં ગુંજતી માખીની માફક ગુંજન કરતા ફર્યે રાખતા હતા.

મેં હનુમાનજીને યાદ કર્યા. મગજમાં એક ઝબકારો થયો. ઓહ! થોડી ક્ષણો પહેલાં મારા જમણા હાથે ગુલાબી રેખા જોયેલી એટલે કે પુર્વ. તો હું ઉત્તર ભણી જઈ  રહેલો. બૈજિંગની નજીક? મેં તે દૈવી લાલિમા જોવા પ્રયત્ન કર્યો. ભગવાન આદિત્યને માર્ગ બતાવવા પ્રાર્થના કરી. પરંતુ આકાશી હિમાલય જેવડા વાદળ પુંજો વચ્ચે મને કઈં જ દેખાયું નહીં .

ઠીક, તો હિમાલય મારી ડાબે હશે. તો થોડું ડાબે જવું સલામત રહેશે. લાકડી વગરના દિવ્યાંગની જેમ મેં દિશાહીને, અટકળે સુકાન ઘુમાવ્યું અને ગતિ વધારી જેથી એ 239 મુસાફરો સમયસર પહોંચે.

મને ન તો હિમાલયની પટ્ટી દેખાઈ કે ન તો ચીનની દીવાલ જે કહે છે ચંદ્ર પરથી પણ દેખાય.

એક ગુલાબી વાદળોનો પુંજ મને મારી પાછળ જમણી તરફ દેખાયો. એટલે હું ઉત્તર તરફ છું. અને પશ્ચિમ ભણી વળી ગયો છું . હું બૈજીંગને બદલે દિલ્હી તરફ જઈ  રહ્યો છું. હવે થોડો નીચે ઉતરું તો મને ખ્યાલ આવે. 32000 ફૂટ થી તો હું ઘણો ઊંચે જઈ  ચડેલો.

હું નીચે ઉતર્યો. લો, નીચે એક ભૂરી સફેદ સર્પાકાર રેખા પણ દેખાઈ. એ હિમાલય જ હોય. મેં સુકાન પરથી પક્કડ ઢીલી કરી ઊંડો શ્વાસ લીધો. પ્લેનની મારી સામેની ઘડિયાળ તો બંધ પડી ગયેલી. મેં મારી રિસ્ટવોચમાં સમય જોયો. આ સમયે ભારત અને નેપાળમાં સૂર્યોદય થાય, ચીનમાં તો ક્યારની સવાર થઈ  ગઈ હોય. તો હવે મારે જમણે વળવું જોઈએ. ગુલાબી રેખા મારી સમક્ષ હોવી જોઈએ કારણકે એપ્રિલ મહિનો ચાલે છે એટલે સૂર્ય ઉત્તર તરફ ગતિ કરતો  પૂર્વ અને ઉત્તર વચ્ચે હોય.

ઓચિંતો ગાઢ અંધકાર. ફરી એ જ ઉછાળા, કુદકા, ધક્કાઓ. વળી શાંતિ. ફરી નાના તોફાનમાંથી અમે પસાર થયા. એમાં વિમાનનું દિશાસૂચક હોકાયંત્ર પણ બંધ. હવે કોઈ નકશા વગર, કોઈ દિશાભાન વગર માત્ર સૂર્ય ઉપરથી દિશાની અટકળ કરી અમે ઉડ્યે રાખતા હતા.  ક્યાંય સુધી એમ ને એમ, અફાટ આકાશમાં ઊડ્યે રાખ્યું.

 હું પેલી લાલ રેખા પકડી આગળ વધતો હતો. વળી મને ગીતની કડી  યાદ આવી 

“ વિમાન મારૂં  જ્યાં જશે ત્યાં નભમાં ઉષા છવાશે...”. 

પણ જ્યાં એટલે ક્યાં જાઉં છું? હજુ કેમ કોઈ જમીન દેખાય નહીં ?  હિમાલય પરથી પસાર થાઉં કે તરત જ નીચે ગંગાનું વહેણ દેખાય, ઉપરથી ગામો ન દેખાય પણ જમીન તો દેખાય ને? હજી કેમ દેખાઈ નહીં?

ઓહ? નીચે તો અફાટ પાણી, સમુદ્ર લહેરાય છે. તો હું ક્યાં જઈ  રહ્યો છું? કોઈ જમીન જેવું, અરે આકાશમાં વિમાન દેખાય તો કોઈ હવાઈ માર્ગ છે એમ જણાય. આ તો હું ઉડ્યે રાખું છું. શાંત હવામાન હોઈ ઓટોપાઈલોટ પર  છું. પણ ઈંધણ આમ ક્યાં સુધી ચાલશે?  મને લાગ્યું જાણે હું દિશાહીન બની પૃથ્વીનો ચકરાવો મારી રહ્યો છું. 

તો હવે  આ કડી  જીવ્યો-

“ચક્કર પર ચક્કર લેતું એ માપ ધરાનું લેશે 

સાતે સાગર ઉપર થઈને ઘૂમશે દેશવિદેશે.”

હું વિના કારણ દેશવિદેશની ધરતી, ના, વિદેશના આકાશ પરથી ઉડી રહ્યો છું. એમ તો બધા દેશોની ફ્લાઇટ મેં ઉડાવી છે. હું દિશાહીન થઇ સાતે સાગર ઉપર ઘુમી રહ્યો છું. વિમાન થોડું નીચે લીધું. નીચે કોઈ શહેર દેખાયું. મેં વિમાન નીચે ઉતારવું શરુ કર્યું. હવે કઈંક રાહત થશે.  કોઈ કંટ્રોલ ટાવરનો સંપર્ક થશે. 

મેં વિમાનની ઝબકતી લાઈટો ચાલુ કરી. એ લોકોએ રડારનાં  સિગ્નલ મોકલ્યાં હશે પણ મને ક્યાં મળે એમ હતાં?  મારૂં રડાર તો બંધ હતું! મેં નીચે જવાનું ચાલુ રાખ્યું. એ લોકોએ કદાચ મને દુશ્મન સમજી મિસાઈલોનો મારો કર્યો. હવે બીજી પાંખને  પણ નુકસાન થયું. કદાચ હું પાકિસ્તાન કે પશ્ચિમ ભારતની સરહદ પર હતો. મેં ફરી વિમાન ઊંચે લીધું અને વિરુદ્ધ બાજુ ઝડપથી ઉડવું શરૂ કર્યું. કોઈ પીછો કરે તો પણ સારૂં. અત્યારે તો અમારું અસ્તિત્વ જાહેર થાય! ભલે એકવાર કોઈ દુશ્મન પીછો કરી પકડે, 239 લોકોને બચાવવા એ પણ લાભદાયી નીવડે. પણ કોઈ આવ્યું નહીં. મેં  ઊડ્યા  કર્યું.  હવે તો SOS  સંદેશ પણ કોઈને મોકલી શકાય એમ ન હતું. 

તીવ્ર ગતિએ ફૂંકાતા  વાયરાઓ વચ્ચે વિમાન ધ્રુજતું  હતું, છપ્પર ખાતું હતું, નિરંકુશ બની ગોળગોળ ઘુમરીઓ ખાતું હતું.  જાણે કાનેતરમાંથી  છટકેલો પતંગ. કુદરત વેરી થઈ. એણે  અમારી દિશા જ સમૂળગી બદલી નાખી. આમ તો ક્યાં સુધી ઉડ્યે રાખીશ?  ઇંધણ પણ હંમેશ માટે થોડું ચાલવાનું છે?  મેં તોફાન શાંત થતાં  વિમાનને ઓટો પાઇલોટ પર મુક્યું. હું સીધી લીટીમાં આગળ ને આગળ ગયો.. હજુ વધુ ગયો.. ગયે જ રાખ્યું. હું ક્યાં જાઉં છું? કેમ ખબર પડે? 

મનોમન મેં મને કહ્યું, કોઈ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક થાય ત્યાં સુધી ઉડે રાખો. ઉડે રાખો. 

ક્રમશ: