સત્ય અને અસત્ય
માનવજીવનનું સૌથી મોટું શણગાર સત્ય છે. જો જીવનમાં સત્ય ન હોય તો બધું ખાલી નાટક બની જાય છે. માણસ પોતાને પણ છેતરે છે અને બીજાને પણ. આજકાલ મોટો પ્રશ્ન એ છે કે સત્ય જાણીને પણ ઘણા લોકો અસત્ય તરફ ઝુકે છે. આ વાતને “માનસિક ગુલામી” કહી શકાય. શરીરની ગુલામીથી પણ વધારે ભયાનક ગુલામી એ છે જ્યારે મન અને વિચાર અસત્યના કબજામાં આવી જાય.
જ્યારે માણસ સત્યને જાણે છે પણ છતાં ખોટા ને સાચું માની લે છે, ત્યારે એ પોતાની નબળાઈ બતાવે છે. એ ફક્ત પોતાને નહીં પરંતુ આખા સમાજને ખોટી દિશામાં દોરી જાય છે. ધીમે ધીમે જૂઠ બોલવું, ખોટી વાતો ફેલાવવી અને નાટક કરવું સામાન્ય વાત બની જાય છે. અંતે સત્ય દબાઈ જાય છે અને ખોટુ બોલનારાઓને જ મહાન કહેવામાં આવે છે. આ સમાજ અને દેશ બંને માટે ખતરનાક છે.
આ વાતને આપણે ફિલ્મોમાં પણ ઘણી વખત જોઈ છે. યાદ કરો DDLJની પ્રસિદ્ધ ક્ષણ, જ્યારે સિમરનની માં રાજને કહે છે કે “તું સિમરનને લઈ ભાગી જા.” એ સમયે રાજ (શાહરૂખ ખાન)નું વાક્ય આપણને સાચા માણસનો અર્થ સમજાવે છે:
“મને તે સિમરન તો મળી જશે, પણ હું જીતીશ કેમ? હું જીતું ત્યારે જ જ્યારે તેના પિતા પોતે એને મારી હાથમાં મૂકે.”
આ શબ્દો બતાવે છે કે સાચો માણસ કદી ખોટા રસ્તે જઈને જીત મેળવતો નથી. સત્યનો માર્ગ ભલે કઠિન હોય, પરંતુ તે જ સાચી જીત છે.
એ જ રીતે ફિલ્મ લગાનમાં ભુવાન (આમિર ખાન) અંગ્રેજો સામે લડે છે, પણ છેતરપિંડી કે દગો નથી કરતો. તે સત્ય અને ન્યાયના માર્ગ પર રહીને જ આખા ગામ માટે વિજય મેળવી લે છે. જો તે અસત્યનો રસ્તો અપનાવે તો કદાચ જીત સરળ હતી, પરંતુ એ જીત ખોટી હોત.
ફિલ્મ સ્વદેશમાં મોહન (શાહરૂખ ખાન) અમેરિકા છોડીને ભારત આવે છે. એને ખબર છે કે ગામના લોકો અજ્ઞાન અને જૂઠી માન્યતાઓમાં ફસાયેલા છે, છતાં એ ખોટા સમાધાન આપતો નથી. એ હિંમતથી સત્ય કહે છે, સમજાવે છે અને આખા ગામને સાચા માર્ગે લાવે છે.
3 Idiotsમાં પણ રેંચો (આમિર ખાન) વારંવાર બતાવે છે કે જીવનમાં ખોટો માર્ગ પકડવાથી તાત્કાલિક લાભ મળે છે, પણ સાચી સફળતા એ છે જ્યારે માણસ પોતાની અંતરાત્માને સાચો રહે. સત્યની સાથે જ જ્ઞાન અને આનંદ મળે છે.
આ બધા ઉદાહરણો એ જ વાત સાબિત કરે છે કે સત્ય કદી નબળું નથી પડતું. જૂઠ અને જુઠ્ઠા તાત્કાલિક ચમકે છે, પણ અંતે રાખ બની જાય છે. સત્યનો દીવો ધીમો હોય છતાં કદી બુઝાતો નથી.
આપણા દરેકની ફરજ છે કે સત્યનો સાથ આપવો. ખોટું બોલનારા કે નાટક કરનારા લોકોની વાત પર ક્યારેય તાળી ન પાડી, પરંતુ સત્યને પ્રોત્સાહન આપવું જોઈએ. એક માણસ પણ સત્ય માટે ઊભો થાય તો તે બીજાઓને પ્રેરણા આપે છે. આ પ્રેરણા ધીમે ધીમે આખા સમાજને પ્રકાશિત કરી શકે છે.
સત્ય માત્ર એક શબ્દ નથી, એ જીવન જીવવાની રીત છે. સત્ય છોડવું એટલે પોતાને નકારવું. જૂઠ અને જુઠ્ઠા ને વધાવવું એટલે સમાજને અંધકારમાં ધકેલવું. ચાલો, આપણે સૌ મળીને એ દિવસ વહેલો લાવીએ જ્યારે સત્યનો સાથ આપવો એ દરેકની પરંપરા બની જાય.
સત્યની જ્યોત
સત્ય જાણીને ખોટા તરફ ઝુકાવ,
માનસનો એ અંધકારો ઘેરાવ.
સાચા તે જ કે બોલે ખુલ્લી વાત,
ખોટા ને ખોટા કહેશે નિર્ભય હાથે સાથ.
જૂઠનું ગાન કરનારા શત્રુ સમાન,
સમાજને અંધકારમાં ધકેલે અંજાન.
શાસ્ત્રો કહે — મુશ્કેલી આવી જાય,
પણ સત્યનો દીવો કદી ન બુઝાય.
જ્યારે ઊભા રહી સૌ જૂઠ અને જુઠ્ઠા નો વિરોધ કરશે,
ત્યારે સત્યનો માર્ગ ઉજ્જવળ દેખાશે.