15. સાવ અનાયાસે..
અમે બંને એ એક બીજા સામે જોયું. બ્લેકબૉક્સ માંથી વાયર બહાર લટકતો હતો. કંપાસ પણ જો સરખી રીતે એક્ટિવેટ થાય તો કામ કરે એમ લાગ્યું. વિમાન ના કંપાસ પણ સામાન્ય કંપાસ જેવી જ હોય, પ્રવાહીમાં તરતી બે મેગ્નેટિક સોય અને એ લિક્વિડ વચ્ચે પાણીની ટાંકીમાં તરતો હોય એવો ફ્લોટ. કંપાસને નુકસાન જરૂર થયેલું પણ એનું લિક્વિડ હજી બધું નીકળી ગયું ન હતું. કોઈક રીતે અમે એર હોસ્ટેસ ના સર્વિસ એરિયામાંથી ટેપ લઈ આવ્યા અને લિક્વિડ સાથે કંપાસ ની સ્થિતિ જેમ હતી એમ એને એલાઇન કરવા લાગ્યા. થોડા પ્રયત્નો પછી અમારી સામે સ્માઈલ આપતું હોય એમ ડાયલ ઊભું કર્યું અને.. સોય હલી. મેગ્નેટિક પોલ સાથે એલાઇન કરવા પ્રયત્ન કર્યો. સોય ની મૂવમેન્ટ બહુ વિચિત્ર હતી પણ એ ઊંધી ફરી નીચે તરફ દીધા બતાવવા લાગી. અમે દક્ષિણ દિશામાં, ખૂબ પૂર્વમાં હતા. બને કે ન્યૂઝીલેન્ડથી હજી પશ્ચિમમાં અને અમારા નિર્ધારિત માર્ગથી ઉત્તર ને બદલે દક્ષિણમાં. એમ પણ બને કે જે સોમનાથ થી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ જમીન નકશાઓ મુજબ નથી ત્યાં વચ્ચે આ ટાપુ હોઈ શકે.
હવે બ્લેકબૉક્સ શરૂ કરવાનું હતું અને કોઈ પણ રીતે કોમ્યુનિકેશન સિસ્ટમ.
અમે આમ થી તેમ વાયરો જોડી, છોડી, ફરી જોડી પ્રયત્નો ચાલુ રાખ્યા ત્યાં અંધારું થઈ જતાં અમે વિમાનની ઉપર જ ચડીને સૂઈ ગયા. સુઈ ગયા એટલે ઊંઘી ગયા નહીં. આડા પડ્યા. સતત સતર્ક તો રહેતા જ હતા.
બીજે દિવસે પણ પ્રયત્નો ચાલુ રાખ્યા. એ દરમ્યાન આખરે અમારામાંની એક ટુકડીએ દૂર જઈ શકાય એવા તરાપા બનાવ્યા અને એ દ્વારા અમુક લોકો બે ત્રણ નાની ટુકડીઓમાં વહેંચાઈને ટાપુ આસપાસ ફરીથી અલગ અલગ દિશાઓમાં ગયા. કેટલાક લોકો ટાપુની અંદર ઊંડે સુધી ગયા અને અમને પ્લેનમાંથી મળેલાં પતરાંનો ઢોલ બનાવી કોઈ ઝાડની ડાળીથી એને વગાડી દૂર સુધી જાય તો દરિયા પાસે ઊભી સંદેશ આપવા પ્રયત્નો કરવા લાગ્યા.
હું અને કો પાઇલોટ વિમાન પાસે રહી જે બચ્યું એની ચોકીમાં અને સંદેશવ્યવહારની સિસ્ટમ ચાલુ કરવામાં રહ્યા.
ઢોલનો અવાજ સાંભળી દરિયા તરફથી તો કોઈ આવ્યું નહીં પણ સનન.. કરતું એક તીર અમારી તરફ આવ્યું. કોણ જાણે ક્યાંથી, આદિવાસીઓ અમને એમના ટાપુ પર વસતા જોઈ એમને માટે ભયરૂપ લાગતાં ફરીથી દોડી આવ્યા.
આ વખતે અમે કોઈ ને કોઈ આડશ શોધી પેલાં ખજૂરીના પાન વગેરે પાછળ કે અંદર જંગલમાં જ જમીન પર સુઈ છુપાઈ ગયા.
અમે બે તો પ્લેનની ટોચ પરથી ઉતરી શકીએ એમ ન હતા.
અમે થોડી વાર શાંત પડ્યા રહ્યા. પછી જોયું તો કોઈ સાવ નગ્ન, એકદમ કાળો આદિવાસી એનું ભાલા જેવું સાધન લઈ પ્લેનમાંથી હવે જ્યાં ત્યાં ઊગી જઈ લટકતી એક જંગલી વેલ પર ચડી તૂટેલી બારીમાંથી અંદર ઘૂસ્યો.
હું હિંમત કરી પ્લેનની બારી પરથી હળવેથી ઊતરી પાંખ ઉપર આવ્યો. કોઈ રીતે એ રીતે પ્લેનના ભંગાર પર ઊગી નીકળેલી વનસ્પતિ નો સહારો લેતો કોઈ તૂટેલી બારી દ્વારા અંદર ગયો.
એ કુતૂહલથી કોકપિટ જોઈ રહ્યો હતો. એણે કોઈક રીતે ખેંચીને બેટરીનો બાયરેક તરફથી ખેંચ્યો, કોઈ ચામડું એના છેડે રાખ્યું અને એને એમ હશે કે આ કદાચ મરેલો સાપ હોય, જાડો કાળો વાયર ખેંચી ચામડું વાયરના છેડા પર રાખી દાંતમાં ભરાવી કોઈક રીતે મચડ્યો અને..
એ એક રાડ નાખતો નીચે પડ્યો. બેટરીના વાયરના તાર સાથે જોડેલો ચામડા નો લાગતો ટુકડો સુવાહક હતો! બેટરી માંથી પાવર કોકપિટની સિસ્ટમને ક્યાંક પહોંચેલો!
ચામડુ અવાહક હોય પણ પાણી, એ પણ દરિયાનું સોલ્ટી પાણી સુવાહક હોય. એનું ચામડું કે વસ્ત્ર કે જે હોય તે દરિયાનાં પાણીમાં તાજું બોળેલું હતું.
અમને તો કોઈક રીતે ઓચિંતો વીજ પ્રવાહ મળ્યો!
ક્રમશ: