17. એક ચીસ અને..
મેં માથું ફૂટ્યું અને બોલ્યો “હત્તેરેકી.. આટલી મહેનત પછી જ્યારે ઓચિંતો કોઈ ગ્રાઉન્ડ કંટ્રોલ નો સંપર્ક થયો ત્યારે એ લોકોએ મઝાક સમજીને જવા દીધું! હવે તો બેટરીએ પણ ચાર્જ બંધ બતાવ્યો.”
કો પાયલોટે મારા ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું. કહે કે આપણે થતા પ્રયત્નો કરેલા. હજી કદાચ કોઈ સાધન ચાલુ થઈ શકે છે. એ સિવાય પણ એક વાર કોઈએ આપણા કો ઓર્ડીનેટ માગ્યા એટલે આપણે ક્યાં છીએ એની તો ખબર પડી? એ આગળ જણાવે ને આગળવાળા કોઈ એક્શન લે તો મદદ આવવાની શક્યતાઓ છે.
મેં કહ્યું કે તારી વાત સાચી છે.
હવે અમે થોડું આમ તેમ કરી જોયું. કંપાસ ચાલતો હતો પણ કોઈ ઇલેક્ટ્રિક સિસ્ટમ નહીં. બ્લેકબૉક્સ, જેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડ થાય એ પણ ચાલુ હશે કે કેમ? આખરી ઓચિંતો પિંગ મળેલો એ એમાં રેકોર્ડ હોવો જોઈએ. પણ એને કાઢી તપાસ કોણ ને કેવી રીતે કરે?
કો પાયલોટ કહે “આટલું સારું થયું એ ભગવાનની કૃપા. બાકી હું જ આ પ્લેન સુધી આવી શક્યો ન હોત.”
એ હાંફતો દોડતો આવેલો એ મને ખ્યાલ હતો. મેં પૂછ્યું કે શું થયેલું.
એનાં મોં પર ફરીથી ગભરાટ છવાઈ ગયો. કહે કે મોત પાછળ પડેલું.
એણે આગળ વાત કહી.
એ અમે પડાવ રાખેલો ત્યાંથી બીજાઓની જેમ ટાપુની ચારે બાજુ ફરતો કોઈ રસ્તો ગોતતો હતો. એમ જતાં એણે એક ટેકરી જોઈ જ્યાં ઢોળાવ હતો અને બીજી તરફ કેટલાંયે ઝાડ દેખાતાં હતાં જે નારિયેળીઓ ઉપરાંત મોટાં વિચિત્ર પાન વાળા આંબાઓ જેવાં દેખાતાં હતાં. એ ઢોળાવ ચડ્યો. થોડો રસ્તો ગાઢ જંગલમાં એક એની હાઇટ જેવડી લાકડી જે કોઈ ઝાડની ડાળી તોડી બનાવેલી અને આગળ હૂક જેવું બે શાખાઓ તોડેલું હતું તેનાથી રસ્તો ગોતતો આગળ વધ્યો. હવે સીધા ખડક પર ચડવું ટ્રેકર જેવાં સાધનો સિવાય શક્ય ન હતું. અહીં જંગલ એટલું ગાઢ હતું કે ધોળે દિવસે અંધારું હતું.
અહીં ટોર્ચ ક્યાંથી હોય?
સામે લગભગ સીધા ખડક પર ઉપર તો પૂરો સૂર્યપ્રકાશ હતો.
એ પોતાની લાકડીના ટેકે એ સીધા ઢોળાવ પર એક ત્રાંસાં ઊગેલાં ઝાડની ડાળી પર માંડ એક હાથ લટકાવી ચડ્યો. ઝાડ પરથી સામે જંપ માર્યો અને હજી ઉપર ગયો. ત્યાં કોઈ સંચાર નજીકમાં થયો. એને લાગ્યું કે વિશાળ અજગર જેવું કશુંક પસાર થઈ રહ્યું છે પણ એણે જોયું કે એ કોઈ માનવ હતો. લગભગ કોઈ સ્ત્રી પોતાની પીઠે લાકડાના ભારા જેવું બાંધી ઊંચાઈ પરથી નીચે જવા લસરતી હતી. એણે ઉપર જોયું અને સીધો ઊભેલો માણસ જોઈ ભારો મૂકી એક ચીસ પાડતી નીચે તરફ ગબડતી ભાગવા લાગી. એને એમ થયું હશે કે હું એની ઉપર હુમલો કરીશ.
હું એને કેમ સમજાવું કે હું તમારા લોકો સાથે મિત્રતા કરવા માગું છું, હું નુકસાન નહીં પહોંચાડું.
એ સાથે એ સીધા ખડક પરથી પહેલાં બે ચાર તીર મારી ઉપરથી પસાર થયાં અને પછી પ્રાણીઓ કાઢે એવા વિચિત્ર અવાજો આવ્યા. ઉપરથી બીજી બાજુ રહેતા જંગલી આદિવાસીઓ કદાચ એક બીજાને સાવધ કરતા હશે.
હું સીધો એ ઝાડ પરથી ફરી વાંદરાની જેમ લટકતો કૂદ્યો અને લગભગ એ સ્ત્રીએ ફેંકી દીધેલા ભારા પાસે પડ્યો.
હું ભારો ઉપાડી એ સ્ત્રી ગબડતી ગયેલી એની બીજી દિશામાં ભાગ્યો જેથી આપણા સહુની નજીક આવી જવાય.
ત્યાં તો નીચેથી પ્લેનના કાટમાળમાંથી ભયંકર ચીસ આવી. તે લગભગ વાનરોની જેમ કુતુહલવશ ઘૂસીને અટકચાળા કરતા આદિવાસીની હતી.
બસ, થયું. ટેકરી ઉપરથી સીધા ખડક હોઈ ઉતરાય એમ ન હતું પણ બીજી કોઈ બાજુથી સુકાં પાંદડાંઓ પર થી દોડવાના અવાજો આવ્યા. તેઓ મને તેમની પર આક્રમણ કરનારો જીવ ગણી પાછળ પડેલા.
ક્રમશ: