Recap : બાબુ કનૈયાને ઘરે લઈ આવ્યો છે,જશોદા કનૈયાને ઘરમાં રાખવા પહેલા તૈયાર નથી થતી પણ પછી ઘરમાં રાખવા તૈયાર થઈ જાય છે અને એ લોકો જમે છે જમીને પછી એ લોકો સૂઈ જાય છે, બીજે દિવસે સવારે બાબુ અને જશોદાને રસીલા અને પોપટ કહે છે કે જુઓ કનૈયાના સગા વાલા પોલીસ કમ્પ્લેન કરશે તો પોલીસ એમને કિડનેપિંગના ગુના હેઠળ જેલમાં નાખી શકે છે એટલે એ લોકો કનૈયાને લઈને પોલીસ સ્ટેશન જવાનું કહે છે .બાબુ અને જશોદા કનૈયા ને લઈને પોલીસ સ્ટેશન જાય છે ,પોલીસ ઇન્સ્પેક્ટર બાબુને કનૈયાને ઘરે લઈ જવા માટે કહે છે અને જો કોઈ કનૈયાની પૂછપરછ કરતું આવશે તો એને બાબુના ત્યાં મોકલશે એમ કહી બાબુને જશોદાને અને કનૈયા ને ઘરે પાછા મોકલે છે અને એ લોકો ઘરે પાછા આવે છે.
ગતાંક થી ચાલુ
રસીલા પૈલાબઈણીવાળી હોય છે એટલે સામાન લઈને આવી હોય છે. દૂર નરીયો ઉભો હોય છે. રસીલા ઘર પાસે પહોંચીને નરીયાને બૂમ પાડે છે " એ નરીયા આ સામાન હેઠે મુકાય તો " નરીયો જાણે રાહ જ જોતો હોય એમ ઘર પાસે આવે છે અને રસીલાનો સામાન નીચે મુકાવે છે. રસીલા સામાન મૂકીને નીચે બેસે છે અને પછી સાડીના છેડાથી હવા ખાવા લાગે છે. ઘરમાંથી કામિની પાણી લઈને આવે છે. રસીલા પાણી પીતા, પીતા કામિનીને કહે છે " કમર રહી જઈ છ , કામિની જરા બામ ઘસી આલતો. કામિની ઘરમાં જઈને બામ લઈને આવે છે. કામિની જેવો બામ હાથમાં લે છે એવી જ રસીલા કહે છે કે " તું રહેવા દે તું ફોરા ફોરા હાથે ઘસીસ, અલ્યા નરીયા જરા વજન દઈને ચોળી આલતો. નરીયો બામ લેવા માટે હાથ આગળ ઘરે છે, કામિની એના હાથમાં બામની ડબ્બી મૂકે છે. નરીયો કામિનીની હથેળીમાં પોતાની બે આંગળીથી ગલી ગલી કરે છે. કામિની એને આંખ મારી ફ્લાઈંગ કીસ આપે છે. રસીલા નરીયાને બામ ચોળી આપવા કહે છે. નરીયો રસીલાના ભરાવદાર બરડા પર, ખાલી પાતળી બ્લાઉઝ ની પટ્ટી છોડીને , આખી પીઠ ઉપર બામ ઘસવા લાગે છે. રસીલા નરીયાને પૂછે છે "નરીયા તારી નોકરીનું શું થયું? નરીયાએ કહ્યું "મેળ નહીં પડતો. " રસીલાએ નરીયાને કહ્યું કે પાંચ - પચ્ચીની જરૂર હોય તો લઈ જજે. નોકરી લાગે એટલે પાછા આપી જજે. નરીયો રસીલાના બરડે બામ ચોળતા ચોળતા કામિની તરફ નજર મારે છે. કામિની અંદર પલંગ પર ઊંધા માથે પડી એની મા તરફ જોઈ રહી હોય છે અને નરીઓ એ ઊંઘી પડેલી કામેનીના અડધા બહાર લચી પડેલા સ્તન પર .
આ બાજુ કનૈયાને મૂકી બાબુ નોકરી પર પહોંચી ગયો છે અને શેઠની સામે ઉભો છે કારણ કે આજે એ ગેરેજ પર પહોંચવામાં લેટ થઈ ગયો છે, એનો બોસ અને ખખડાવી રહ્યો છે, નોકરી ટાઈમસર તો આવવું નથી અને જ્યારે હોય ત્યારે ઉપાડ માંગવા, ટાઈમસર મહિનાના એન્ડમાં આવી જાવ છો. બાબુએ કહ્યું સાહેબ પોલીસ સ્ટેશન ગયો હતો. એના શેઠિયાએ પૂછ્યું " કેમ બૈરી ને મારી તી? તે બૈરી તને પોલીસ સ્ટેશન લઈ ગઈ. " ના સાહેબ, એક છોકરો મારી સાયકલ જોડે અથડાયો " બાબુ આગળ સ્ટોરી સંભળાવે એ પહેલા સાહેબને એ સ્ટોરી સાંભળવામાં રસ ન હોવાથી એના માલિક બોલ્યાં " એ જે હોય તે તારી વાર્તા સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી કામે લાગ. "
બાબુ જી સાહેબ કહીને રોજની જેમ નીકળી ગયો અને એનો સાહેબ બબડવા લાગ્યો " રોજ દરેકની પાસે નવી નવી સ્ટોરી હોય છે મોડા આવવાની."
બાબુ જે રીક્ષા રીપેરીંગમાં આવી હતી ત્યાં આવ્યો, રીક્ષા ચેક કરી ને એણે રીક્ષાના માલિકને કહ્યું " તમને છેલ્લી વારનું કહું છું, એન્જિન સર્વિસ કરાવી લો નહિતર રિક્ષા રસ્તામાં રાખશે. એક દિવસના કામ માટે થઈને દસ દિવસનો ધંધો બગડશે. પેલો માણસ ખર્ચો પૂછી દસ દિવસનો ધંધો ના બગડે એટલા માટે રીક્ષા મૂકીને જતો રહે છે કારણ કે બાબુ રીક્ષાનો - એન્જિનનો જાણકાર કારીગર છે. થોડીવાર પછી બાબુ બીજા કામ પતાવી પેલો જે રિક્ષા મૂકીને ગયો હતો એ રીક્ષા પાસે આવે છે. બાબુ રીક્ષામાં આમતેમ જોતા જોતા બધું ચેક કરતો હોય છે ત્યાં બાબુ ને પાછલી સીટ પર ફાંટમા એક નાનકડું પેકેટ મળે છે, એને થાય છે કે આ દવાનું પેકેટ કેમ છે આવું . શું દવા હશે અંદર? બાબુ એ પેકેટ ખોલે છે પેકેટ ખોલતા જ બાબુની આંખો ચાર થઈ જાય છે કારણ કે પેકેટ દવાનું નહીં પણ હીરાનું હોય છે. બાબુ ઈમાનદાર માણસ છે એટલે બાબુ હીરાનું પડીકું લઈને સીધો ઓફિસમાં એના બોસ પાસે આવે છે, એનો બોસ એને અંદર આવતો જોતા જ બાબુને કહે છે " હજી સાંજ નથી પડી કે ઉપાડ લેવા આવી ગયો", બાબુ એમને રોકતા કહે છે "સાહેબ ઉપાડ લેવા નથી આવ્યો રિક્ષામાંથી આ પેકેટ મળ્યું છે ", બોસે એને પૂછ્યું "શું છે આમા?" બાબુએ કહ્યું "હીરા છે" અને બાબુ એ પેકેટ ખોલીને બતાવ્યું, જે હાલત બાબુની હતી થોડીવાર પહેલા હીરા જોઈને એવી જ હાલત બાબુના બોસની થઈ ગઈ, એની આંખો પણ ચાર થઈ ગઈ. શેઠ બાબુની ઈમાનદારીથી ખુશ થઈ જાય છે અને કહે છે કે તને તારી ઈમાનદારી માટે ઇનામ આપવામાં આવશે. બાબુ શેઠને કહે છે કે " સાહેબ ઇનામની જરૂર નથી ઉપાડ ની જરૂર છે " શેઠ ફોન કરે છે રિક્ષાવાળાને રિક્ષાવાળો હીરાના પડીકાવાળા જે ભાઈ છે એ ભાઈને બોલાવે છે અને હીરાનું પડીકું એ માણસ પાસે પહોંચી જાય છે અને શેઠ અને હીરાનું પડીકું જેનું છે એ બંને જણા બાબુને ઇનામ આપે છે અને શેઠ એને ઉપાડ પણ આપે છે.
બાબુ ખુશ થઈ જાય છે
આ બાજુ બપોરનો ટાઈમ હોય છે અને બૈરા પાપડ વણતા હોય છે કેટલાક બૈરા ભરત ગુંથણ કરતા બેઠા હોય છે ને અંદર અંદર વાતો કરતા હોય છે. સવિતાએ કહ્યું "જશોદાને શું થઈ ગયું છે ? આખો દિવસ ઘરમાં પુરાઈ રહે છે કંટાળો નહી આવતો હોય. જમના બોલી " ના ઘરમાં ટીવી છે કે સીરીયલો જોઈને ટાઈમ પાસ થાય ખબર નહીં બે વર બૈરીને શું થયું છે? ભાનુ એ ક્હ્યું " પહેલા તો કેવા રવિવાર હોય કે રજા હોય એટલે બેય લેલા મજનું સાયકલ પર ફરવા નીકળી પડે, ઈર્ષા થાય એવું જોડું હતું. સવિતાએ ક્હ્યું " મારે તો મારા ધણી જોડે આ બેને કારણે કેટલી વાર ઝઘડા થયા છે." બૈરા અંદર અંદર જશોદા અને બાબુના ભૂતકાળને અને વર્તમાનને વાગોળી રહ્યા હતા. બૈરાઓની વાતો પરથી લાગ્યું કે બાબુ અને જશોદા વચ્ચે કંઈક એવું બન્યું છે જેના કારણે એ લોકોની જિંદગી અત્યારે કટોકટીમાંથી પસાર થઈ રહી છે. બંને જણા એકબીજાથી ખુશ નથી. આ તરફ બાબુ થોડોક વહેલો નીકળી ગયો છે. આજે એની સાયકલ ચલાવવાની સ્ટાઇલ - સાયકલ ચલાવવાની રીત માં બહુ મોટો ફરક છે કારણ કે આજે એના ખિસ્સામાં ભાર છે ,પૈસાનો ભાર. ઇનામ અને ઉપાડનો ભાર.
બાબુ જતા જતા એક દુકાન તરફ જુએ છે દુકાનમાં સરસ મજાની લાલ કલરની સાડી લટકી રહી છે. બાબુની સાયકલ એ તરફ વળે છે બાબુ દુકાનમાં જઈ સાડીનો ભાવ પૂછે છે અને સાડી ખરીદી લે છે. બાબુ કનૈયા માટે પણ એક જોડ કપડા ખરીદે છે, સરસ મજાની ચડ્ડી અને સરસ મજાની ટીશર્ટ. બાબુ તેની સાયકલ લઈને ઘર તરફ નીકળે છે. આજે બાબુને રસ્તામાં એવું ઘણું બધું દેખાય છે કે જે એ કદાચ પહેલા નજર અંદાજ કરતો હતો અથવા તો ધ્યાન જ નહોતો આપતો, આજે એને સમોસા અને કચોરીની સુગંધ આવે છે, એ જુના શેર બજાર વાળા ચવાણાવાળાના ત્યાં ઉભો રહે છે અને સમોસા અને કચોરી ખટમીઠી ચટણી સાથે બંધાવી દે છે, આજના દિવસને થોડો વધારે ખટમીઠો કરવા. એનું ધ્યાન ટોપરાપાક તરફ જાય છે , ઘણો સમય થઈ ગયો ટોપરાપાક નથી ખાધો, કારણ કે જશોદાને ટોપરાપાક ખૂબ જ ભાવે છે એટલે ખટમીઠા મોઢા પછી મોઢું ગળ્યું કરવા ટોપરાપાક પણ બંધાવી લે છે. આ બધી વસ્તુઓ લઈ ખુશ થતો થતો બાબુ ઘર તરફ સાયકલને મારી મૂકે છે. બાબુ ઘરે આવીને આ બધું જ જશોદાને અને કનૈયા ને બતાવે છે, જશોદા અને કનૈયો ખુશ થઈ જાય છે. આજે ત્રણે જણા ખૂબ જ ખુશ છે. ત્રણે જણા ખાઈ પીને સુઈ જાય છે. સવારે રોજની જેમ જશોદા વહેલી ઊઠે છે, ઉઠી અને જેવી એ અરીસામાં મોઢું જુએ છે કે તરત જ ચીસ પાડી ઊઠે છે ,એ ચીસ એટલી જોરદાર હોય છે કે સાંભળીને બાબુ અને કનૈયો પણ બેઠા થઈ જાય છે આ તરફ બાબુનો ચહેરો જોઈ જશોદા ફરી પાછી ચીસ પાડે છે.
જશોદાએ ચીસ કેમ પાડી? જશોદા, બાબુના મોઢાને શું થયું હતું? શું તેમણે ટોપરાપાક ખાધો એનું રિએક્શન હતું કે પછી બીજું કંઈ ? વાંચો....વાંચતા રહો...... આગળનો ભાગ ક્રમશઃ