MH 370 - 22 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 22

Featured Books
Categories
Share

MH 370 - 22

22. કેદી?

હું ઊભો થયો. અત્યારે અંધારિયું ચાલતું હતું તેથી ચંદ્ર ન હતો. આકાશમાં એકદમ ચમકતા અનેક તારાઓ દેખાતા હતા. થોડો નકશો પરિચિત લાગ્યો. પ્લેન ઉડે ત્યારે હવામાં પણ અમુક લેન્ડમાર્ક આવતા હોય છે. અવારનવાર જાય એ પાઇલોટને આકાશનો નકશો પણ થોડો યાદ રહે છે. આ કઈ જગ્યા હોઈ શકે?

હું આકાશ સામે જોઉં ત્યાં તો ઉપર નારિયેળી જેવાં વૃક્ષની ટોચ પરથી કાળું, નારિયેળ જેવું જ માથું દેખાયું અને નીચે નાનું ધડ. બે હાથ  અને પગ વારાફરતી ટેકવતો એ ફટાફટ ઉતર્યો.

એની સીટી સાંભળી હાથમાં નેતર જેવાં લાકડાંનાં જ બનાવેલાં તીર કામઠા સાથે દસ બાર સંપૂર્ણ નગ્ન પુરુષો મને ઘેરી વળ્યા. અંધારાં  અને તારાઓના તથા દરિયા પરથી પરાવર્તિત થતા આછા  ભૂરા પ્રકાશમાં એમની આંખો રાની પશુઓ જેવી ચમકતી હતી. એક એ લોકોના પ્રમાણમાં થોડો ઊંચો પુરુષ આગળ આવ્યો અને મારી સામે ખી .. ખી.. કરતાં દાંતિયાં કર્યાં. વાંદરો ફૂંક મારતો હોય એવો અવાજ.

મેં બે હાથ ઊંચા કરી દીધા અને ઊભો રહી ગયો. એણે મારી સામે તીરના બાણ જેવી અણીદાર સોટી તાકી અને ચારે તરફ પોઝ આપતાં ડોક ફેરવી. હું સમજી ગયો કે હું કઈ તરફથી આવું છું એ પૂછે છે. મેં  વિમાન પડેલું એ જગ્યા તરફ ડોક ફેરવી. એ મારી નજીક આવ્યો. એ લોકો મારી કમર કરતાં થોડા જ ઊંચા હતા. એક પુરુષે મારા હાથ પકડી ઊંચા નીચા કર્યા, બીજો મારા બે પગ પકડી પગ તપાસી બે પગ વચ્ચેથી બે ત્રણ વાર ગોળ ફર્યો. એક તો  કૂદીને મારે ખભે ચડીને મારા કાન અને વાળ ખેંચવા લાગ્યો.

એમને ખાતરી થઈ કે થોડી અલગ ચામડીનો પણ હું એમના જેવો માણસ છું.

તેઓ મારી ચારે તરફ મને ઘેરી વળ્યા અને એમની નાની એવી વસ્તીમાં એમની સાથે જવા મને ફરજ પાડી.

મેં  જતાં જતાં એ બાજુ  જોયું. લાકડાંનાં પોલાં થડને વાળ્યું હોય એવી વન કે ટુ સિટર  હોડી જેવી ચીજો જોઈ. તો આ લોકો દરિયો પણ ખેડતા હશે, ભલે નજીકમાં.

એ લોકોએ મને નહીં મહેમાન નહીં કેદી એમ  ગણી, પકડીને એમની વસાહત વચ્ચે એક ટેકરી જેવી જગ્યાએ બેસાડ્યો. મેં જોયું કે બાજુમાં એક ઊંચું ઝાડ હતું જે નારિયેળી જેવું દેખાતું હતું પણ નારિયેળી નહોતી. એની ઉપર ખજૂરી જેવાં ત્રિકોણો હતાં. એ રીતે ખરબચડું થડ હતું.

હું ત્યાં બેઠો રહ્યો. એમાંના કેટલાક પુરુષો  મને ધારીધારીને જોવા લાગ્યા. હું એમને હેરાન નહીં કરું એમ લાગતાં તેમણે મને કાંઈ કર્યું નહીં.

ત્યાં તો મને ખબર પડી કે એકદમ તાજો પવન દરિયા તરફથી વાયો.  પ્રભાતના પહોરની થોડી જ વાર પહેલાંની નિશાની.

હવે એમના ઝૂંપડા તો નહીં, કાંટાળી આડશો ખસેડી બીજા પુરુષો બહાર નીકળ્યા. એમની પાછળ સ્ત્રીઓ પણ આવી અને દૂરથી મને જોવા લાગી. હું એમની સામે જોતો બેઠો રહ્યો.

મોં સૂઝણું  કહીએ એવું વહેલું પ્રભાત થયું. લો, આ તરફ તો પક્ષીઓનો પણ અવાજ આવ્યો. એટલે આ તરફની વસાહતથી દરિયા માર્ગે ક્યાંક જવાતું હશે જ.

તેઓ આઘાપાછા થયા એટલે મેં પક્ષીઓનો અવાજ કઈ તરફથી આવે છે એ ધ્યાનથી સાંભળ્યું. મને હું કઈ તરફથી કો પાઇલોટને દરિયામાં પધરાવીને આવેલો એ ખબર પડે તો મારી વસાહત તરફ જઈ તરાપા લઈ એ પક્ષીઓ તરફ જવાનું નક્કી કર્યું. નારિયેળી કમ ખજૂરી પર પગ મૂકતો હું ઉપર ચડવા લાગ્યો. થોડે જ ઉપર  અલગ જ પ્રકારનાં મોટાં ખજૂરો  જેવાં ફળ જોયાં. એ તોડું અને પક્ષીઓ આવતાં હોય એ તરફ  જોઈ કદાચ અમને બધાને છૂટવાની દિશા મળે એમ માની હજી ઉપર ગયો.

ત્યાં તો મારી ઉપર ચેતવણી આપતું હોય એમ તીર આવ્યું.

હું તરત હતો ત્યાં અટકી ગયો.

ક્રમશ: