23. દરિયાઈ વંટોળમાં
ફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ્ત્રી પુરુષો એકઠાં થઈ ગયાં. કદાચ પેલો રાતે આગળ આવેલો એ પુરુષ ફરીથી ખી.. ખી.. કરતો ઝડપથી મારી પાછળ ચડ્યો અને ઉપર આવી મને મારું કમર વસ્ત્ર ખેંચી પાછળ એક જોરદાર બટકું ભરી લીધું. એ સાથે મને નીચે ખેંચ્યો.
હું નીચે પડ્યો એ સાથે તેઓ મારાં પેટ, હાથ પગ પર પાટુઓ મારવા લાગ્યા. એમને એમ લાગ્યું હશે કે હું એ પક્ષીઓ વાળી દિશામાંથી આવતો હોઈશ અને ત્યાંથી આવતા કોઈ લોકોએ એમને નુકસાન કર્યું હશે એટલે હું પણ એમને કોઈ નુકસાન કરીશ. એમાંના કેટલાક પુરુષો અણીદાર સોટીઓ મારી સામે તાકી પ્રહાર કરતા હોય એમ આગળ વધ્યા.
સ્વ બચાવ માટે હું ઊભો થયો. હવે મારે મારો બચાવ કર્યા વગર છૂટકો ન હતો. મેં મારી પર તીરની ભાલા જેવી સોટીથી હુમલો કરનાર એક જંગલીને એકાએક પકડયો, એને ઊંચકી ગોળ ગોળ ફેરવી હળવેથી એ ટેકરી પર મૂક્યો. આ જોઈ એ લોકો પાછળ હટયા.
ત્યાં કોઈ જંગલી આગળ આવ્યો અને એ લોકો સામે એ જ રીતે ખી.. ખી.. કરી અવાજો કર્યા, મારે પગે વળગી ગયો. મને બધા જંગલીઓ સરખા જં લાગે પણ આ લગભગ મેં શોક લાગતો બચાવેલો એ હતો. એને કારણે બધા પાછળ હટી જઈ ઊભા રહ્યા. એણે મને ઝડપથી જતા રહેવાની સંજ્ઞા કરી અને હું એ જંગલીને આભાર માનતું વહાલ કરી નીચે જોઈ દોડવા લાગ્યો. કાંઠા નજીક મારું વહાણ કે સ્પેસ ક્રાફટ, પેલું પોલું કેળનું થડ લઈ એની ઉપર બેસી ડાળથી હલેસાં મારતો આવેલો એથી ઊંધી દિશાએ ભાગ્યો.
મને હતું કે હવે હું બહારની તરફથી ફરીથી મારું પ્લેન હતું ત્યાં પહોંચી જઈશ. કેટલાક એ તરફના હોય એવા લેન્ડમાર્ક દૂર જમીન પર દેખાયા કે એ મારો ભ્રમ હતો? અત્યારે હું ટાપુની ફરતો કદાચ અજાણી બાજુ થઈ પ્રદક્ષિણા ફરતો હતો. બપોરની ઓટ નો સમય થયો હશે એટલે પાણી અંદર કાંઠા તરફથી દૂર ખેંચાઈ રહ્યું હતું. હું પથરાળ કાંઠા તરફ ખેંચાઈ ન જાઉં એટલે જાણીજોઈને થોડો બહાર સમુદ્રના વહેણ સાથે તરતો હતો. હવે મારા હાથોએ જવાબ દેવા માંડેલો. થોડીવાર હું એમ ને એમ એ થડ પકડી સૂઈને આગળ વધતો રહ્યો.
ઓચિંતી કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ. દરિયામાં તો મોજાં જ અવાજ દૂર સુધી લઈ જાય. એટલે સાવ નજીકમાંથી આ ચીસ ન હતી. મેં કાન માંડ્યા. જે તરફથી ચીસ આવેલી એ તરફ થાય એટલા વેગથી જવા કોશિશ કરી.
આ હું શું જોતો હતો? પેલાં મલયેશિયન નર્સ! એ અમે બનાવવા શરૂ કરેલ એવા બે ચાર લાકડી જોડી કરેલ તરાપા પર હતાં. તરાપો તૂટી ગયો હતો અને એનાં લાકડાં આમ થી તેમ ઊંચાં ઉછળતાં હતાં. શાંત સમુદ્રમાં આટલું ઊછળે કેમ?
મારામાં જોર ન હતું છતાં હવે કેળનો થાંભલો છોડી હું હાથ, પગ, માથું વાપરી કૂદતો તરતો એ તરફ ગયો. એમની નજીક તો આવી ગયો પણ એનો હાથ કોઈ રીતે પકડી શકાય એમ ન હતું. સામસામા પકડવા હાથ લંબાવીએ ને મોજું આવી દૂર જતાં રહીએ. કોઈ રીતે એમના વાળ મારા હાથમાં આવી ગયા અને મેં એમને મારી તરફ સહેજ જ ખેંચ્યાં ત્યાં તો તેઓ વેગથી ખેંચાઈ આવી મારી સાથે અથડાઈ ગયાં. મને જોઈ તેઓ જોરથી મને વળગી પડ્યાં. કોઈ રીતે મેં એક બાકી લાકડાંનો સહારો લઈ એને પકડી રાખ્યું.
એમની આંખો ફાટી રહી હતી. ભયથી તેઓ હાંફી રહ્યાં હતાં. તે મને જોરથી બાઝી પડ્યાં.
ત્યાં તો પવનનો વેગ આવ્યો. તેઓનું તણાવાનું કારણ કદાચ આ પવન.
આ તો દરિયાઈ વંટોળ! એકદમ સુ.. સુ.. કરતા ભયંકર અવાજે અમે બેય ઊંચકાયાં. અમારી ચારે તરફ પાણીનો સ્તંભ રચાઈ ગયેલો. અમે કેટલે ઊંચે ખેંચાઈ ગયેલાં એ ખબર પડે એમ ન હતું. અમારા હાથ, પગ, બધું હવામાં ઊંચે ખેંચાતું જતું હતું અને ચારે બાજુ પાણી સિવાય કશું દેખાતું જ ન હતું.
ક્રમશ: