Home made foos in Gujarati Motivational Stories by Sanjay Sheth books and stories PDF | ઘર નુ ભોજન

Featured Books
Categories
Share

ઘર નુ ભોજન

ઘરનું ભોજન એક ભારતીય સંસ્કૃતિ, સંબંધો નો સેતુ અને આધુનિક સમય માં ઘર ના ભોજન નું ઘટતું ચલણ.

અન્નમાં પ્રાણ છે, રસોઈમાં સંસ્કાર છે,
અને એક સાથે જમવા માં સંબંધોનો સાર છે.

"એક બેડરૂમ થી ઘર નથી બનતું પરંતુ એક રસોઈથી પરિવાર જોડાય છે.”

આ બંને સામાન્ય વાક્ય લાગતા હોઈ શકે, પરંતુ તેમાં માનવીય સંબંધો, સંસ્કાર અને સમાજના માળખાનું આખું તત્વ છુપાયેલું છે. રસોઈ માત્ર પેટ ભરવા માટેની ક્રિયા નથી, એ પ્રેમની અભિવ્યક્તિ છે, જે માનવને તેના મૂળ સાથે જોડે છે. આજના આધુનિક યુગમાં, જ્યારે ટેકનોલોજી અને સુવિધાઓએ જીવનને સહેલું બનાવ્યું છે, ત્યારે એ સહેલાઈએ સાથે સંબંધોની ગરમી અને ઘરેલું જોડાણ ધીમે ધીમે ઓગાળી નાખ્યું છે અને કૌટુંબિક જીવન ખતમ કરી રહ્યું છે.

ભારત હંમેશાંથી કુટુંબપ્રધાન દેશ રહ્યો છે. સંયુક્ત કુટુંબ એ તેની ઓળખ રહ્યો છે, જ્યાં એક જ છત નીચે ત્રણથી ચાર પેઢીઓ પ્રેમપૂર્વક રહેતી, સાથે ખાતી અને એકબીજાની ભાવનાઓને સમજતી. એ કુટુંબો ફક્ત ભૌતિક માળખું નહોતાં, એ જીવંત સંસ્કૃતિના કેન્દ્ર હતા. રસોઈઘર એ એના હૃદય જેવું હતું, જ્યાંથી આખા ઘરનો ઉર્જાસ્રોત વહેતો. સવારે તડકે ઉઠીને ચુલ્હો પ્રગટાવતી સ્ત્રી માત્ર રસોઈ બનાવતી નહોતી, એ આખા પરિવારને પ્રેમના તાંતણાથી બાંધતી હતી.

પણ હવે સમય બદલાઈ ગયો છે. શહેરોના ધમધમતા જીવનમાં સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે અને વિભક્ત કુટુંબો વધતા જાય છે. પિતા અને માતા નોકરીમાં વ્યસ્ત, બાળકો સ્કૂલ કે ટ્યુશન માં, અને સાંજ સુધી બધા પોતપોતાના રૂમમાં બંધ, ઘરોમાં શાંતિ નથી, ફક્ત શાંતિ જેવી નિરવતા છે. પહેલાં જ્યાં આખો પરિવાર ભોજનની થાળી પાસે ભેગો થતો હતો, ત્યાં હવે દરેકના હાથમાં અલગ સ્ક્રીન છે. એક જ છત નીચે હોવા છતાં લોકો વચ્ચે અદૃશ્ય દિવાલો ઊભી થઈ ગઈ છે.

આ અલગતા મૂળ ક્યાંક રસોઈના ધુમાડા સાથે જોડાયેલું છે. જ્યારે ઘરોમાં ભોજન બનવાનું બંધ થાય છે, ત્યારે માત્ર સ્વાદ જ નહીં, પણ સંસ્કાર અને જોડાણ પણ ધીમે ધીમે ગુમ થવા લાગે છે. રસોઈ એ સ્ત્રીની માત્ર ફરજ નહીં, પણ એક અદૃશ્ય સામાજિક શક્તિ છે જે આખા પરિવાર ને પ્રેમથી જોડાયેલો રહે તે માટેની કડી છે. જ્યારે એ કડી નબળી પડે છે, ત્યારે સંબંધો ધીરે ધીરે ઔપચારિક બની જાય છે.

બાળકો માટે ઘરેલું ભોજન એ સંસ્કારની પ્રથમ પાઠશાળા છે. ત્યાં તેઓ પ્રેમ, સહાનુભૂતિ અને વહેંચણી શીખે છે. પરંતુ આજના બાળકો માટે ખોરાક ફક્ત “ઓર્ડર” કરવાનું સાધન બની ગયું છે. ફૂડ ડિલિવરી એપ્સે “મમ્મી, ભૂખ લાગી છે” ને “ઝોમેંટો ખોલ”માં ફેરવી દીધું છે. બાળકો માટે માતાની રસોઈ હવે ખાસ પ્રસંગ બની ગઈ છે, રોજિંદી વસ્તુ નહીં. આ સાથે જ બાળકોમાં ધીરજ, સંવેદના અને કુટુંબ પ્રત્યેનો આદર પણ ઘટતો જાય છે. જે સંસ્કાર ક્યારેક રસોઈના સુગંધથી પ્રસરી જતાં હતા, તે હવે તૈયાર ખોરાકની સુગંધમાં ગુમ થઈ રહ્યા છે.

આ સમસ્યા માત્ર ભારતની નથી. મુસ્લિમ દેશોમાં પણ ભોજનને આધ્યાત્મિક પવિત્રતા સાથે જોડવામાં આવ્યું છે. ઇસ્લામમાં ખોરાક “બરકત” ગણાય છે, એટલે આશીર્વાદ. ભોજન પહેલાં “બિસ્મિલ્લાહ” બોલવામાં આવે છે, અને આખો પરિવાર એક સાથે બેસીને ખાય છે. ઈફ્તાર અને ઈદના પ્રસંગો માત્ર ધાર્મિક વિધિઓ નથી, એ પ્રેમ અને એકતાના ઉત્સવ છે. પરંતુ મધ્યપૂર્વના આધુનિક શહેરોમાં પણ હવે ફાસ્ટ ફૂડ અને બહારના ભોજનનો પ્રભાવ વધી રહ્યો છે. સાથે બેસી ની ભોજન લેવાની એ પરંપરાઓ હજી જીવંત છે, પરંતુ ધીમે ધીમે તેમની જડોમાં આધુનિકતાનું પાણી ભરાઈ રહ્યું છે.

યુરોપિયન દેશોએ આ પરિવર્તન સૌથી પહેલાં અનુભવ્યું. 1950ના દાયકામાં ત્યાં પણ ઘરેલું ભોજન પરિવારોને જોડતું હતું. પરંતુ ઔદ્યોગિકીકરણ પછી જીવનની ગતિ એટલી વધી ગઈ કે ઘરમાં રસોઈ માટે સમય ન રહ્યો. ટિનમાં ભરેલું ખોરાક, ફ્રોઝન મીલ્સ અને રેસ્ટોરન્ટ કલ્ચર એ ઘરનું રસોડું ઠંડુ કરી નાખ્યું. પરિણામે પરિવારના સભ્યો વચ્ચેનો સંવાદ તૂટ્યો, અને એકલતા એ આધુનિક જીવનનો અંગ બની ગયો. યુરોપમાં આજે 40%થી વધુ લોકો એકલા રહે છે, અને બાળકોનો મોટો ભાગ તૂટેલા પરિવારોમાં ઉછરે છે. પહેલાં “ડિનર ટેબલ કૉન્વર્સેશન” થતી હતી, હવે ફક્ત ફોનની સ્ક્રીન છે.

આ પરિવર્તનનો સીધો પ્રભાવ સમાજના માળખા પર પડ્યો છે. અમેરિકા અને યુરોપના દેશોમાં લગ્નની સંખ્યા ઘટી છે, છૂટાછેડા વધી રહ્યા છે અને બાળક ઉછેરવાની જવાબદારી વ્યક્તિગત બનતી જાય છે. સમાજના નિષ્ણાતો કહે છે કે આ કોઈ અકસ્માત નથી જ્યારે ભોજન ઘરનું નહીં રહે, ત્યારે પરિવાર પણ પોતાનું નહીં રહે. રસોઈ એ સમાજની આંતરિક એકતાનું પ્રતિક છે, અને જ્યારે એ ગુમ થાય છે, ત્યારે માનવીય સંબંધો મશીન જેવા બની જાય છે.

આ બધું જોતા ભારત માટે આ સમય ચેતવણીનો છે. આજે આપણા દેશમાં પણ એ જ દિશામાં પગલા વધી રહ્યા છે. નોકરીના દબાણ, સમયના અભાવ અને આધુનિકતાની દોડ વચ્ચે ઘરેલું ભોજન ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. વિભક્ત કુટુંબો વધી રહ્યા છે, અને સંયુક્ત પરિવાર હવે ફક્ત ગામડાં કે કથાઓમાં જોવા મળે છે.

બાળકોના ઉછેરમાં પિતા અને માતા વચ્ચેની હાજરી ઘટી રહી છે, અને સંસ્કાર આપવાની પ્રક્રિયા પણ મશીનાઈઝ્ડ થઈ ગઈ છે. સ્કૂલના પ્રોજેક્ટ્સ અને સ્ક્રીન ટાઈમ વચ્ચે બાળકને ઘરની ગરમીનો અનુભવ મળતો નથી. પહેલાં જ્યાં દાદા-દાદી ખાવા સાથે વાર્તાઓ કહેતા, ત્યાં હવે YouTube એ એ જગ્યા લઈ લીધી છે.

આ પરિવર્તનનો એક મોટો પરિણામ આરોગ્ય પર પણ દેખાય છે. બહારના ખોરાકમાં કૃત્રિમ સ્વાદ, નબળું તેલ અને પ્રોસેસ્ડ ઘટકો આપણા શરીરને ધીમે ધીમે ઝેરી બનાવી રહ્યા છે. ડાયાબિટીસ, મોટાપો, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી બીમારીઓ હવે ઘરમાં સામાન્ય બની ગઈ છે. પહેલા જે ખોરાક પ્રેમથી બનેલો હતો, હવે એ નફા માટે બને છે. એક કંપની ખાવાનું વેચે છે, બીજી દવા વેચે છે અને માણસ આ વ્યવસાયના મધ્યમાં ફસાઈ ગયો છે.

પરંતુ આશા હજી બાકી છે. ભારતમાં હજી પણ એવા ઘરો છે જ્યાં માતાની હાથે બનેલી રોટલીનો સુગંધ પ્રેમનું પ્રતિક છે. ગામડાંઓમાં હજી પણ લોકો ભેગા થઈને ખાય છે, મહેમાનોને જમાડવા “અન્ન દાન” માનવામાં આવે છે. આપણે એ જ મૂળ સાથે ફરી જોડાવાની જરૂર છે. રસોઈ ફરીથી પ્રગટાવવાની જરૂર છે ફક્ત ચુલ્હો નહીં, પણ સંબંધો, પ્રેમ, સુરક્ષા, સંસ્કૃતિ અને આરોગ્યને પણ જીવંત રાખવાની જરૂર છે.

દરેક પરિવારને સપ્તાહમાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર દિવસ તો સાથે ભોજન કરવું જોઈએ. તે સમય દરમિયાન ફોન દૂર રાખવો, ટીવી બંધ રાખવું અને ફક્ત એકબીજાની વાત સાંભળવી આ નાનકડો પ્રયાસ પણ પરિવારની એકતામાં મોટો ફેરફાર લાવી શકે છે. બાળકોને રસોઈ શીખવી, ખોરાકની કદર કરાવવી અને ઘરેલું ભોજનનો અર્થ સમજાવવો એ સૌથી મોટો સંસ્કાર બની શકે છે.

જ્યારે રસોઈઘર ફરીથી ધુમાડાથી ભરાઈ જશે, ત્યારે ઘરમાં ફરીથી હાસ્ય ગુંજશે. જ્યારે માતા, પિતા અને બાળકો સાથે બેસીને ખાશે, ત્યારે એ ભોજન ફક્ત શરીરને નહીં, મનને પણ પોષણ આપશે. એ સમયે સંસ્કૃતિ ફરી જીવંત બનશે, અને ઘર ફરીથી “ઘર” બનશે.

આખરે એટલું જ રસોઈ એ ફક્ત ખાવાનું બનાવવાનું સાધન નથી, એ આપણા અસ્તિત્વનું પ્રતિબિંબ છે. જે દિવસે ઘરોમાંથી ભોજનની સુગંધ ઓગળી જશે, એ દિવસે સમાજના મૂલ્યો પણ સાથે ઓગળી જશે. આપણે ફરીથી એ સુગંધ પાછી લાવવી છે જેથી કે ભોજન ફક્ત પોષણ ન આપે, પણ પ્રેમ, જોડાણ અને માનવતાનું સંવર્ધન કરે.

આથી જ કવિ સંજય કહે છે કે

રસોઈની સુગંધમાં ઘર વસે છે

રસોઈની સુગંધમાં ઘર વસે છે,
માતાના હાથની ગરમીમાં પ્રભાત હસે છે.
એક ચપટી મીઠું, એક ચપટ પ્રેમની,
આ રેસીપી થી સંબંધોનો સ્વાદ બને છે.

ચુલ્હા પર ઉકળતું દાળનું તપેલું,
એમાં આખા પરિવારની પ્રેમવાર્તા ઊકળે.
બાળક નું હાસ્ય, પિતાની વાત,
એ ભોજનમાં મળતો અદભુત સાથ.

થાળી પાસે બેઠેલા સૌ હળવાશથી ખાય,
એકબીજાના દિવસની વાતો કહી જાય.
કોઈના થાળીમાં રોટલી વધારવી,
એ જ તો નિશબ્દ સ્નેહની લાગણી.

મસાલામાં મમતા, રોટલીમાં આશિર્વાદ,
રસોઈઘર બની જાય પવિત્ર પ્રસાદ.
બહારના ભોજનમાં સ્વાદ હશે પણ,
ઘરના ભોજનમાં “ભાવ” વસે છે મન માં.

જ્યારે રસોઈ થી ઘર ધુમાડે પ્રજલ્લિત થાય છે,
ત્યારે હૃદયો માં પ્રેમ ઝૂમે છે.
એ માત્ર ખોરાક નથી 
એ જોડાણ છે, એ વિશ્વાસ છે,
જે પરિવારને એક કડીમાં બાંધે છે.

તો રસોઈ પ્રગટાવો, ફક્ત ચુલ્હો નહિ,
એ સાથે સંબંધો પણ ગરમાવો વધે.
એક થાળી, ચાર ચહેરા, એક હાસ્ય,
સંજય કહે એ જ તો “પરિવાર” છે 
એ જ સત્ય, એ જ પરમ સત્ય.