Roy - The Prince Of His Own Fate - 15 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 15

Featured Books
Categories
Share

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 15

" એક નવી સવાર, નવી તાજગી છે.
નવ ઉત્સાહની ભરતી હૈયે આંબી છે 
કે આજ ભૂતકાળનો દરિયો ઘૂઘવાટા કરે છે.
બહાર આવવા કેટલાય રહસ્યો મનમાં ઉભરે છે."

- મૃગતૃષ્ણા 
_____________________

૧૫. સર્પ-હૃદયનું આહ્વાન

થોડા સમય પછી, સૅમ અને દાદુ સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી ઘઉંનો શિરો, બેસનના મસાલેદાર પૂડલા સાથે ચાની ચૂસકી માણી રહ્યા હતા.

"તારાં પપ્પાને ઘઉંનો શિરો અને મમ્મીને બેસનના પૂડલા ખૂબ ભાવતાં." વ્યોમ રોયૅ શરૂઆત કરતાં, ભૂતકાળમાં ડોકિયું કરતાં ઉમેર્યું,
"વ્યસ્તતા વચ્ચે આખો દિવસ કૌઈ મળે ના મળે પણ સવારનો નાસ્તો અથવા રાત્રે ભોજન તો બધાંયે સાથે જ કરવાનું એવો આદિત્ય અને સંધ્યાનો આગ્રહ રહેતો. અને લગભગ દર રવિવારે તો બધાનું ભોજન સંધ્યા જ બનાવતી, સ્ટાફનું પણ. તે દિવસે બધાં જ ખુશ. તારો ભાઈ સાહસ‌ પણ."

"દાદુ, ભાઈ ક્યાં હશે? એ કેમ નથી મળતો આપણને? એ છે કે પછી...." સૅમે ભાવુક થતાં પૂછ્યું .

"ના...ના... એ કેમ નથી મળતો? એ તો ખબર નહીં બેટા. પણ એ હશે જ. જ્યાં હશે, સુરક્ષિત હશે અને સુરક્ષિત રાખતો હશે એટલો તો વિશ્વાસ છે મને." દાદુએ પ્રેમ અને વિશ્વાસ ભરી નજરે સૅમ તરફ જોતાં કહ્યું અને ઉમેર્યું,
"તારે બધું જાણવું છે ને કે શું થયું હતું, તો સાંભળ... એ સમયે અમે મુંબઈમાં રહેતાં હતાં. આદિત્ય અને સંધ્યા, બંગાળી-ગુજરાતી, બે સંસ્કૃતિઓનો સમન્વય એટલે આપણો પરિવાર. હું ઘણીવાર કામનાં લીધે બહાર રહેતો. એક દિવસ..."
_______________________
(પ્રિકેપ)
રાત્રિના લગભગ અગિયાર વાગ્યા હતા. મુંબઈ શહેરની ગગનચુંબી ઇમારતોની બત્તીઓ એક પછી એક ઓલવાઈ રહી હતી, પણ આદિત્ય રોયના અભ્યાસખંડમાં હજુ પણ પ્રકાશ પથરાયેલો હતો. તેમના ઘરની દીવાલો ઈંટોથી નહીં, પણ જ્ઞાન અને ઇતિહાસથી ભરેલા પુસ્તકોથી બનેલી હતી. પ્રાચીન નકશાઓ, અધૂરી શિલાલેખોની તસવીરો અને માટીના વાસણોના ટુકડાઓ દરેક ખૂણામાં પોતાની કહાણી કહેતા હોય તેવું લાગતું હતું. આદિત્ય રોય, ભારતના એક નામાંકિત પુરાતત્વવિદ્, જાણે સમયના સમુદ્રમાં ડૂબકી લગાવીને કોઈ ખોવાયેલું મોતી શોધી રહ્યા હતા.

તેમની બાજુમાં, એક મોટા ટેબલ પર, તેમની પત્ની સંધ્યા રોય ઝીણી કોતરણીવાળા પથ્થર પર પોતાનો બૃહદર્શક કાચ (magnifying glass) ફેરવી રહી હતી. સંધ્યા એક કુશળ લિપિશાસ્ત્રી (સ્ર્કિપ્ટોઍનાલિસ્ટ) હતી. જ્યાં આદિત્યને માત્ર પથ્થર અને ધૂળ દેખાતી, ત્યાં સંધ્યાને હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો ધબકાર સંભળાતો. તે અક્ષરો અને ચિહ્નોની ભાષા ઉકેલવામાં માહેર હતી.

તેમનો સત્તર વર્ષનો દીકરો, સાહસ રોય, આ બધું દૂર એક આરામખુરશીમાં બેસીને જોઈ રહ્યો હતો. તેનામાં પિતા જેવી સાહસની આગ અને માતા જેવી તીક્ષ્ણ બુદ્ધિનો અનોખો સંગમ હતો. તેના માટે રાત્રે સૂતા પહેલાં પરીઓની વાર્તાઓ નહીં, પણ ખોવાયેલા શહેરો અને પ્રાચીન સંસ્કૃતિઓની ગાથાઓ હતી. તે બાળપણથી જ 'સર્પ-હૃદય'ની (સર્પન્ટ હાર્ટ) દંતકથા સાંભળીને મોટો થયો હતો.

આદિત્યના કહેવા મુજબ, 'સર્પ-હૃદય' કોઈ સામાન્ય રત્ન નહોતું. તે એક એવું રહસ્યમય પદાર્થ હતું જે નાગવંશી રાજાઓ દ્વારા હિમાલયની કોઈ અજ્ઞાત ગુફામાં છુપાવવામાં આવ્યું હતું. દંતકથા અનુસાર, તે ધારણ કરનારને પ્રકૃતિના તત્વો પર નિયંત્રણ અને અમરત્વની નજીક લઈ જવાની શક્તિ આપતું હતું. તે  જ્ઞાનનો ભંડાર હતું. પણ તેને મેળવવું અશક્ય હતું, કારણ કે તેની રક્ષા 'છાયાના રક્ષકો' કરતા હતા.

"મળી ગયું!" અચાનક આદિત્યનો ઉત્સાહભર્યો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી ઉઠ્યો.

સંધ્યા અને સાહસ રોય બંને ચમકીને તેમની તરફ જોવા લાગ્યા. આદિત્યના હાથમાં એક જૂની, ચામડાની ડાયરી હતી. તે તેમના પરદાદાની હતી, જેઓ બ્રિટીશ શાસનમાં એક સંશોધક હતા.

"શું મળ્યું, આદિત્ય?" સંધ્યાએ પોતાનો બૃહદર્શક કાચ બાજુ પર મૂકતાં પૂછ્યું.

"સંધ્યા, તું માનીશ નહીં! પરદાદાએ આ ડાયરીમાં જે સાંકેતિક ભાષામાં લખ્યું છે, તે હું આટલા વર્ષોથી ઉકેલવાનો પ્રયત્ન કરતો હતો. આજે અચાનક જ મને સમજાયું. આ કોઈ ભાષા નથી, આ નક્ષત્રોની સ્થિતિ પર આધારિત એક કોયડો છે!" તેમણે ડાયરી સંધ્યા તરફ લંબાવી. "તેમણે સર્પ-હૃદય સુધી પહોંચવાના માર્ગનો એક હિસ્સો આમાં છુપાવ્યો છે."

સંધ્યાએ ડાયરી હાથમાં લીધી. તેની આંગળીઓ જૂના કાગળ પર ફરવા લાગી. તેની આંખોમાં એક અનોખી ચમક હતી. વર્ષોની મહેનત જાણે ફળ આપવાની તૈયારીમાં હતી. સાહસ પણ પોતાની ખુરશીમાંથી ઊભો થઈને તેમની પાસે આવ્યો. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા.

થોડીવાર સુધી અભ્યાસખંડમાં માત્ર ડાયરીના પાના ફેરવવાનો અને સંધ્યાના ધીમા શ્વાસનો અવાજ આવતો રહ્યો. પછી તેણે કહ્યું, "આદિત્ય, તમે સાચા છો. આ નક્ષત્રોનો નકશો છે. તે ઉત્તરાખંડના દુર્ગમ પહાડોમાં આવેલા 'ત્રિશૂળ શિખર' તરફ ઇશારો કરે છે. પણ... આમાં એક ચેતવણી પણ છે."

"ચેતવણી?" આદિત્યએ ભમર ચડાવી.

"હા," સંધ્યાનો અવાજ ગંભીર થઈ ગયો. "આમાં લખ્યું છે: 'જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતા ડરે છે અને જ્યાં પડછાયા જીવંત થઈ જાય છે, ત્યાં 'છાયાના રક્ષકો' જાગૃત છે. તેઓ સર્પ-હૃદયના શાશ્વત ચોકીદાર છે. તેઓ માત્ર લોહી-માંસના નથી, તેઓ ભય અને અંધકારમાંથી જન્મેલા છે. જે કોઈ લાલચ સાથે ત્યાં જશે, તે હંમેશ માટે છાયાનો ભાગ બની જશે.'"

આ શબ્દો સાંભળીને રૂમમાં એક અજીબ પ્રકારની ઠંડક ફેલાઈ ગઈ. સાહસને લાગ્યું જાણે કોઈ અદ્રશ્ય આંખો તેમને જોઈ રહી હોય. 'છાયાના રક્ષકો' - આ નામ તેણે પિતાના મોઢે ઘણીવાર સાંભળ્યું હતું, પણ આજે માતાના અવાજમાં તેની ભયાનકતા સ્પષ્ટ વર્તાઈ રહી હતી.

આદિત્યના ચહેરા પર ડરને બદલે એક દ્રઢ નિશ્ચય છવાઈ ગયો. "આ જ તો સાહસ છે, સંધ્યા! આ જ ક્ષણની હું મારા જીવનભર રાહ જોતો હતો. હવે આપણી પાસે નકશો છે, ચેતવણી પણ છે. હું તૈયાર છું."

"હું? તમે એમ કહેવા માંગો છો કે તમે ત્યાં જશો?" સંધ્યાના અવાજમાં ચિંતા સ્પષ્ટ હતી.

"હા, હું જઈશ. અને બને તેટલી જલ્દી," આદિત્યએ કહ્યું.

એ જ ક્ષણે, રૂમની બારી પર જોરથી પવનનો ઝાપટો વાગ્યો. બારી ખુલ્લી નહોતી, છતાં પડદા જોરથી લહેરાઈ ગયા. ટેબલ પર પડેલા કેટલાક કાગળો હવામાં ઉડવા લાગ્યા અને લાઈટો સાથે એક ખૂણે પ્રજ્જવલિત દીવો એક ક્ષણ માટે ઝબકીને જાણે ઓલવાઈ ગયો. આખા રૂમમાં ગાઢ અંધારું છવાઈ ગયું.

સાહસ‌નું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેને લાગ્યું કે બારીની બહાર કોઈ પડછાયો ખૂબ ઝડપથી પસાર થયો. તે માનવ આકૃતિ નહોતી, કંઈક વધુ લાંબુ, વધુ અસ્પષ્ટ અને ભયાવહ હતું.

થોડી જ સેકન્ડમાં દીવો ફરીથી ચાલુ થઈ ગયો, પણ વાતાવરણમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.

સંધ્યાનો ચહેરો સફેદ પડી ગયો હતો. "આદિત્ય, તમે જોયું? આ કોઈ સામાન્ય પવન નહોતો. તે એક સંદેશ હતો. 'છાયાના રક્ષકો' જાણે છે કે આપણે તેમના રહસ્યની નજીક પહોંચી ગયા છીએ."

આદિત્યએ ઊંડો શ્વાસ લીધો. "તેઓ આપણને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હું રોકાઈશ નહીં." તેમણે સાહસ‌ રોય તરફ ફરીને કહ્યું, "બેટા, તું તારી માતા સાથે અહીં જ રહીશ. આ સફર ખૂબ જ જોખમી છે."

સાહસ, જે અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો, તે આગળ આવ્યો. તેની આંખોમાં ડર નહોતો, પણ એક અજીબ પ્રકારનો સંકલ્પ હતો. "ના, પપ્પા," તેણે દ્રઢતાથી કહ્યું.

આદિત્ય અને સંધ્યા બંને તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા.

"હું તમારી સાથે આવીશ," સાહસ રૉયે પોતાનો અવાજ મક્કમ રાખતા કહ્યું. "હું બાળપણથી આ કહાણીઓ સાંભળતો આવ્યો છું. મેં તમારી પાસેથી ઇતિહાસ શીખ્યો છે અને મમ્મી પાસેથી પ્રાચીન સંકેતોને સમજતા. હું માત્ર ખૂણામાં બેસીને તમારી રાહ નહીં જોઉં. તમે જ કહેતા હતા કે દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનો સ્વામી પોતે હોય છે. મારે મારા ભાગ્યનો રાજકુમાર બનવું છે, તમારા જીવનનો માત્ર પ્રેક્ષક નહીં."

તેના શબ્દોમાં એક એવી તાકાત હતી જેણે આદિત્યને વિચારવા મજબૂર કરી દીધા. તેમણે પોતાના દીકરાની આંખોમાં એ જ સાહસની જ્યોત જોઈ જે વર્ષોથી તેમના પોતાના હૃદયમાં બળતી હતી. પણ એક પિતા તરીકેનું કર્તવ્ય તેમને રોકી રહ્યું હતું.

આદિત્ય રોય એક એવા રસ્તા પર ઊભા હતા જ્યાં એક તરફ તેમના જીવનનું સૌથી મોટું સ્વપ્ન હતું અને બીજી તરફ તેમના દીકરાની સુરક્ષાનો સવાલ. 'છાયાના રક્ષકો'નું પ્રથમ આહ્વાન આવી ચૂક્યું હતું, અને હવે રૉય પરિવારને તેમનો સૌથી પહેલો અને સૌથી અઘરો નિર્ણય લેવાનો હતો.

શું આદિત્ય પોતાના એકમાત્ર દીકરાને આ ભયાનક સફરમાં સાથે લઈ જશે? કે પછી સાહસને પાછળ મૂકીને એકલા જ અંધકારના રક્ષકોનો સામનો કરવા નીકળી પડશે?

(ક્રમશઃ)