ઓટો પોતાની ગતિએ આગળ વધી રહી હતી. નવનીત રાત્રિના વાતાવરણમાં ઢંકાઈ ગયેલી દિલ્હી ને જોઈ વિચાર કરી રહ્યો હતો. નવનીત ને પણ પોતાનું ઘર એટલે કે નડિયાદ યાદ આવી જાય છે.
"રાજીવ નગર આવી ગયું છે. ક્યાં જવું છે સર?" ઓટો વાળો પુછે છે.
"અરે સર ન કહો મિત્ર.. હું અંહી સર બનવા જ આવ્યો છું." નવનીત કહે છે.
"અંહી કૈલાસ સોસાયટી તરફ જવા દો." નવનીત કહે છે.
ઓટો વાળો રાજીવ નગર ની શેરીઓમાં થી પુછપરછ કરી છેલ્લે કૈલાસ સોસાયટી પાસે પહોંચી જાય છે. નવનીત પણ બોર્ડ જોઈ ઉતરી જાય છે.
"એક વાત પુછી શકું?" ઓટો વાળો કહે છે.
"હા હા પુછો." નવનીત બેગ ઉતારી કહે છે.
"તમે ગુજરાતી છો ?" ઓટો વાળો પુછે છે.
"હા પણ કેમ ખબર?" નવનીત કહે છે.
"તમે જે પ્રકારે રસ્તામાં હિન્દી બોલી રહ્યા હતા એ પરથી અંદાજ લગાવ્યો. વળી તમે કદાચ એકલા જ ગુજરાતી હશો આ વિસ્તારમાં.." ઓટો વાળો કહે છે.
"શું? હા પણ હું ગુજરાતી જ છું.તારી બીજી વાત વિષે ખબર નથી." નવનીત પૈસા આપી કહે છે.
નવનીત કૈલાસ સોસાયટી ના ઘર નંબર ૬ તરફ આગળ વધે છે. પછી દરવાજો ખખડાવે છે તો બે વીસ વર્ષ ના યુવાનો દરવાજો ખોલે છે. નવનીત તેમને જોઈને કહે છે:
" આહુજા સર નું ઘર છે ને?"
"જી પણ તમે?" એક યુવાન પુછે છે.
" હું છું નવનીત. મારી ગઈકાલે જ રહેવા માટે વાતચીત થઈ છે." નવનીત પોતાની બેગ મુકી કહે છે.
"હા એ તો બરાબર છે. પણ અમને કોઈ માહિતી નથી." બીજો યુવાન કહે છે.
" એ ભાઈ એક રૂમ બંધ છે ને.." એક પંજાબી અવાજ કાને પડે છે.
"આહુજા અંકલ.." બન્ને યુવાનો ચુપ થઈ જાય છે.
"હા વળી." માથે પાઘડી પહેરીને એક સરદાર પ્રવેશ કરે છે.
" મને ઘરની બારી માં થી એક યુવાન પ્રવેશ કરતા દેખાયો અને હું સમજી ગયો કે આ નવનીત જ હશે." આહુજા અંકલ કહે છે.
નવનીત તો ત્રણેય ને જોઈ જ રહે છે. આહુજા અંકલ નવનીત ને સામાન પોતાના રૂમમાં મુકી આવી પછી ત્રણેયને બેસાડીને કહે છે:
" આ મારું જ મકાન છે. અંહી ત્રણ રૂમ છે. તમે ત્રણેય રૂમ પાર્ટનર છો. આ બે પણ તારી સાથે જ રહેશે. હું બાજુમાં જ રહું છું. જો કોઈ પણ નાનું મોટું કામ હોય તો અડધી રાત્રે પણ મને સંપર્ક કરી શકો છો. પણ હા કોઈ લફરાબાજી ન કરતો.
આ રાજીવ નગર છે. અંહી પોતાની મહત્વાકાંક્ષાઓ ને પુરી કરવા માટે આખા દેશમાં યુવાનો આવે છે અને તેમાંથી દસ ટકા જ આઈ.એ.એસ બની શકે છે. "
નવનીત તો સાંભળી તરત જ કહે છે:
" હું આઈ.એ.એસ બનીને જ રહીશ. બાકી ગુજરાત પાછો નહીં જાઉં."
"અરે તું ગુજરાતી છે?" આહુજા અંકલ હસવા લાગ્યા.
"કેમ હસો છો?" નવનીત ગુસ્સે થઈ જાય છે.
"અરે ના ના એમ વાત નથી. સામાન્ય રીતે ગુજરાતી લોકો તો આવી કોઈ પરિક્ષા વિષે જાણતા પણ નથી. અંહી આખા રાજીવ નગરમાં તને એક પણ ગુજરાતી છો મળી જાય તો બહુ કહેવાય.
સામાન્ય રીતે ગુજરાતી લોકો પોતાના વેપાર ધંધામાં જ ખુશ રહે છે. સરકારી નોકરી મેળવવા માટે એ લોકો તૈયારી જ નથી કરતા. તું અંહી કેમ આવ્યો એ પણ મારી માટે એક સવાલ છે. " આહુજા અંકલ કહે છે.
"જો અંકલ તમે સાચું કહો છો પણ હું એક આક્ષેપ ખોટો સાબિત કરવા આવ્યો છું. હું નીચી જાતિનો છું. મને સરકાર તરફથી આરક્ષણ આપવામાં આવે છે. શું નીચી જાતિમાં જન્મ લેવો એ મારી ભુલ છે?
હું મીકેનિકલ ઈજનેર છું. હમણાં જ પંદર દિવસ પહેલાં મને ડિગ્રી મળી. મને નોકરી પણ મળી ગઈ હતી. મારા પપ્પા ગુજરાત રાજ્ય ની પાણી પુરવઠા વિભાગમાં સીનીયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે.
તેમણે આખી ઓફીસ ને મારા ઈજનેર બનવાની ખુશીમાં પાર્ટી આપી હતી. તેમના બોસ ઉચ્ચ જ્ઞાતિ ના હોવાથી મારી સફળતા તેઓ પચાવી ન શક્યા.તેઓ ફોન પર મારા પરિવાર ની નિંદા કરતા પકડાઈ જતા ખુબ મોટો ઝઘડો થયો.
આ જ ઝઘડા વચ્ચે મારા પિતા મને ઉચ્ચ સરકારી અધિકારી તરીકે જોવા માંગતા હતા. મારા પપ્પા ના બોસ પણ એમ કહીને નીકળી ગયા કે તારા પુત્રમાં તાકાત હોય તો કરી બતાવે. બસ પછી શું? આખા સમાજની આગળ પપ્પા ને મેં આઈ.એ.એસ ઓફીસર બની પાછા આવવાનું વચન આપ્યું છે.એટલે જ આ ગુજરાતી અંહી છે." નવનીત કહે છે.
"દીકરા તને રંગ છે. ખુબ આગળ વધ. " આહુજા અંકલ સમજાવે છે.
"ચલો હવે તમે બધા પણ આરામ કરો. રાત ખુબ વધી ગઈ છે." આહુજા અંકલ જતા જતા કહે છે.
"તમે બન્ને કોણ છો?" નવનીત બીજા બન્ને રૂમ પાર્ટનરને પુછે છે.
"જો મિત્ર હું સ્વરૂપ ઐયર. હું આંધ્રપ્રદેશ થી છું. હું કોમર્સ ગ્રેજ્યુએટ છું. મારો બીજો પ્રયત્ન છે. હું છેલ્લા વર્ષથી અંહી જ છું. " એક યુવાન કહે છે.
"હું છું રિતેશ પાટીલ. મરાઠી છું. પણ અંહી મારી ગર્લફ્રેન્ડ માટે આવ્યો છું. એ આઈ.એ.એસ બનવા માટે અંહી હમણાં જ આવી છે. હું પણ એની સાથે રહી શકાય એટલે જ આવ્યો છું.મને લગભગ બે મહિના થયા." બીજો યુવાન કહે છે.
"પણ તું એક ઈજનેર બનીને આઈ.એ.એસ બનવા માગે છે?" રિતેશ પુછે છે.
"મને પહેલા થોડી ખબર હતી કે હું જીવનમાં આ મુકામ પર પહોંચી જઈશ. પણ કોઈ વસ્તુ અસંભવ નથી. " નવનીત કહે છે.
"ઠીક છે. કાલે તને કોચિંગ ક્લાસ તરફ લઈ જશું." ત્રણેય મિત્રો વિખેરાઈ જાય છે.
આ તરફ મધુકર ઘરમાં પહોંચી દિનકર દાસગુપ્તાની મુલાકાત વિષે સરિતા સાથે વાતચીત કરે છે તો મહેચ્છા પણ ત્રણ વર્ષ ખુબ મહેનત કરી પ્રથમ પ્રયત્ન થી જ આઈ.એ.એસ બનવા માટે મહેનત કરશે એમ સમજાવે છે.
બીજા દિવસે મધુકર જયપુર જવા માટે નીકળી જાય છે. સવારે નવ વાગ્યે કોલેજ પહોંચી મહેચ્છા પોતાની સાથેના જ ઘણા વિદ્યાર્થીઓ ને જાણે છે કે એ બધા પણ કોલેજ પછી રાજીવ નગર પહોંચી અલગ અલગ કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે.
સાંજે લગભગ ચાર વાગી જતા મહેચ્છા થાકી જાય છે. પણ હવે જ તો કોચિંગ ક્લાસમાં જવાનું હતું. મહેચ્છા થોડીવાર પછી પહોંચી જાય છે.
દિનકર દાસગુપ્તા મહેચ્છા ને જોઈ બેસવા માટે ઈશારો કરે છે. કોચિંગ ક્લાસમાં ફક્ત દસ જ વિધાર્થીઓ હતા. આ તરફ નવનીત પોતાના બન્ને મિત્રો સાથે કોચિંગ ક્લાસ જોવા માટે જાય છે તો દિનકર દાસગુપ્તાની કલાસ જોઈ હસવા લાગ્યો:
" અરે આ કહેવાય છે બહું પ્રસિદ્ધ ક્લાસ છે. પણ જો તો દસ વિધાર્થીઓ પણ નથી. આ દાદા છે કોઈ.."
"એ..એ..કોણ છે?" દિનકર દાસગુપ્તા સાંભળી જાય છે.
ત્રણેય દોડીને થોડી આગળ જ મોંઘીદાટ બિલ્ડિંગ અને ઝાકમઝાળ ધરાવતી એક કોચિંગ ક્લાસ પાસે ઊભા રહે છે. ઐયર અને રિતેશ પણ અંહી જ ભણતા હતા. નવનીત તો ખુબ ખુશ થાય છે.
મૌલિક વસાવડા