જવું ક્યાં હતું, ક્યાં જવા લાગી ગઇ છે,
આ છોરીને નક્કી હવા લાગી ગઇ છે !
દવાને બરાબર દરદ હાથ લાગ્યું,
દરદને બરાબર દવા લાગી ગઇ છે.
મેં મૂછોનું સેટિંગ ચાલુ કર્યું છે,
એ માથામાં લટ રાખવા લાગી ગઇ છે.
જે આંબાની કેરીય આંબી ન શકતી,
એ ચાંદાને પણ ચાખવા લાગી ગઇ છે !
મને જોઈ, શેરી ફરીને જતી'તી,
એ મારા ઘરે આવવા લાગી ગઇ છે.
જમાનો થયો, મારી ફિરકી પકડતી,
એ મારી પતંગ કાપવા લાગી ગઇ છે.
'નિનાદ' એ મળે તો, હસે છે હવે તો,
નિયમ પ્રેમનો પાળવા લાગી ગઇ છે !
- નિનાદ અધ્યારુ