આજના આપણા દરેક ધર્મ, સંપ્રદાય કોઈને કોઇ એમની નિશાની આપે છે, દૂરથી જોઈને જ ખબર પડી જવી જોઈએ આ આપણાવાળો છે કે બીજો!
સારું છે ચાલો કમસેકમ તમારા સમાજના લોકોની તમે ચિંતા કરો છો અને એમને ઓળખી જવા આ અલગ કપડાં, અલગ હેર સ્ટાઈલ, જુદા પ્રકારના તિલક કે દાઢી/મૂછ રાખવી, ના રાખવી વગેરે નિશ્ચિત કરો છો...👍
જરાક આગળ વિચારો, તમારા સમાજમાં ખૂબ સુખી કહી શકાય એવા લોકો કેટલા? તમારા જ સમાજમાં દુઃખી, જરૂરિયાતવાળા કેટલા? જો એ ફરક બહુ મોટો ના હોય તો ધન્યવાદ તમારો સમાજ અને એના લોકો ખૂબ સુંદર રીતે એકબીજાની તકલીફ સમજી એમનું ધ્યાન રાખી રહ્યા છે. આવનારી સદીઓ સુધી તમારાં ધર્મ, સંપ્રદાયના લોકો રાજીખુશીથી જીવતા નજરે ચઢશે. હવે જો પરિસ્થિતિ આનાથી વિપરીત હોય તો?
જે સુખી લોકો છે એમને એમના જ સમાજના પીડિતોની કોઈ ચિંતા નથી એવું ના કહી શકાય...કેમ કે એ લોકો ઘરે ઘરે જઈને તપાસ નથી કરી શકવાના, કે ભાઈ તને કોઈ મદદ જોઈએ છે? ક્યારેક એ લોકો પ્રયત્ન કરે તો પણ એમની મદદ સાચી જગ્યાએ પહોંચે જ એ જરૂરી નથી. સામે છેડે જેને મદદ જોઈએ છે એ કોની પાસે જઈને હાથ ફેલાવવાના? એમનેય સ્વાભિમાન આડે આવતું હોય છે, ગરીબ કે કોઈ તકલીફવાળા માણસોને એ જરૂર કરતા વધારે જ નડી જતું હોય છે...
આવા સમયે જ કામ આવે છે એમનો ધર્મ, સંપ્રદાય અને એમના સમાજના ગુરુ, આચાર્ય, પ્રમુખ, ફાધર કે મૌલવી જે કહો એ..! એ સુખી અને દુઃખી બંને વર્ગને જોડતી વિશ્વાસપાત્ર કડી છે. એમની પાસે બંને વર્ગના લોકો પોતાની તકલીફ લઈને જવાના અને એ જે કરવાનું કહે એ પ્રમાણે કરવાના... તમારો ધર્મ તમારા ભગવાનની સેવાને સાથે સાથે તમારા જ ધર્મના માણસોની પણ સેવા કરવાની શીખ આપતો હોય તો એ ધર્મ મારા મતે ઉત્તમ છે! તમારા સમાજના લોકો માટે, તમારા જ આપેલા દાન વડે જો હોસ્પિટલ બનતી હોય, સ્કુલ કોલેજો બનતી હોય, સમૂહ લગ્નોનું આયોજન થતું હોય, કોઈ તેજસ્વી તારલાઓને આગળ અભ્યાસ માટે સરળતાથી લોન મળી જતી હોય તો તમારો ધર્મ, સંપ્રદાય સાચે જ મહાન છે અને હું એને વંદન કરું છું.
આવું કંઈ ના થતું હોય તો એક વાર વિચાર કરી જોજો ભગવાન/અલ્લાહ/જીજસ માણસોને કોઈ નિશાની સાથે પેદા નથી કરતા..!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏