#વસંત કેટલો રમણીય શબ્દ, જેના આવવાથી વૃક્ષોમાં જાણે એક નવો જ સંચાર થાય છે, એ ગીત ગાય છે, એ વસંતમાં મગ્ન થઇને લચી પડે છે, નવા નવા ફૂલોનું આગમન થાય છે જાણે કે એ એના પર આવનાર ફળના સ્વાગત માટે તૈયાર થાય છે. સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઉઠે છે.પશુ,પક્ષી, માનવ વગેરે જાણે આ વસંતઋતુમાં અભિભૂત થઇ ઉઠે છે.
પણ,
પણ આ વખતની વસંતમાં એવો કંઇ જ ઉલ્લાસ નથી, ઉમંગ નથી. ચારેકોર સન્નાટો છે. ચિક્કાર સન્નાટો. હાં, વૃક્ષો પર ફૂલ એવાં જ ખીલ્યાં છે પણ એને મહેસૂસ કરવા જવા માટે કોઈ તૈયાર નથી. શહેર-ગામડાંના બગીચા ખાલી પડ્યા છે. એના બાંકડા જાણે સામેથી બોલાવતાં હોય કે આવો મારી પર બેસો, પહેલાં જેવી જ મજાક-મસ્તી કરો. બગીચાના ફૂલ-છોડ જાણે પ્રેમીઓનાં જોડલાં ને સાદ કરતાં હોય કે મારી પાસે આવીને બે ઘડી મારી પાસે બેસો.
કુદરત જાણે માનવજાત પાસેથી કંઇ બદલો લેતી હોય એવી રૂઠી છે. વસંત કે ગ્રીષ્મ બધી ઋતુ એકસમાન લાગે છે.
- પંકજ ગોસ્વામી