લેખ:- જવાબદાર કોણ??
જમાનો બદલાઇ રહ્યો છે અને સાથે સાથે ઘણું બધું બદલાઇ રહ્યું છે. લોકોની રહેણી કરણી, રીતરિવાજ વગેરે. અને બદલાવું જ જોઇએ. સમયની સાથે પગલાં ભરીશું તો જ દુનિયા સામે ટક્કર લઇ શકીશું નહીંતર માત્ર મજાક બનીને રહી જશું.
જમાનો જ્યારે આવી હરણફાળ ગતિ કરી રહ્યો છે ત્યારે આજનું યુવાધન અરે યુવાધન શું દરેકે દરેક વર્ગના લોકો જાણે જમાનાના બાહોપાશમાં આવી ગયા હોય એમ વર્તન કરી રહ્યા છે, શું સાચું છે? શું બરોબર છે? એ કામ કર્યા પછી વિચારે છે અને પછી પસ્તાય છે. આવાં તો ઘણાં મુદ્દા છે પણ મારે વાત કરવી છે સ્વચ્છંદતા ની.
'સ્વચ્છંદતા', છોકરો હોય કે છોકરી, પુરૂષ હોય કે સ્ત્રી. એમની સ્વચ્છંદતા એમને નડવાની જ છે. દરેકને સ્વતંત્રતા જોઇએ છે.પણ એ સ્વતંત્રતામાં શું હોય ને શું ના હોય એ આજનો યુવાવર્ગ ભૂલી રહ્યો છે. મા-બાપ જરા પણ ઠપકો આપી દે તો કાં તો ઘર છોડવાની કાં પછી મરી જવાની ધમકી આપે.. હાં ધમકી જ આપે કારણ કે હકીકતમાં એમનાથી શેકેલો પાપડ પણ ના ભંગાવાનો હોય. એ ધમકીના ડર્યા મા-બાપ કશું કરી કે કહી ના શકે એટલે દીકરો કે દીકરી જલ્સા કરે. અરે જલ્સા સુધી પણ બરાબર છે પણ ક્યારેક એવાં કામ કરી બેસે છે જેમાં બંનેના મા-બાપને સમાજમાં નીચે જોવાનો વારો આવે છે અને વધું ભોગવવાનું છોકરાના પક્ષે આવે છે. હાં, તમને થશે કે કેમ આવું? તો છોકરા-છોકરીના સંબંધમાં જરાપણ કડવાશ આવે તો સીધો જ છોકરા પર બળાત્કારનો જ કેસ થાય. હવે બળાત્કાર થયો હોય કે ભલે સંમતિથી જે થયું હોય એ પણ દોષનો ટોપલો સીધો જ છોકરાના માથે જ ફૂટે. અને અત્યારના કાયદા પણ એવાં છે કે જેમાં છોકરાનાં ભાગે કશું આવતું જ નથી. બહેનો કદાચ ખોટું લગાડશે પણ આ હકીકત છે. આ કાયદાઓનો ઉપયોગ છોકરીઓ એક હથિયાર તરીકે નહીં પણ એક સાધન-વસ્તુ તરીકે કરવા માંડી છે.
છોકરીના ક્યાંક લગ્ન કરે અને છોકરીને છોકરો ના ગમે તો પેલાં તો છૂટું કરવાના પૈસા માંગે અને એ પણ થોડાં નહીં..લાખોમાં હોય. દહેજ પ્રથાનો વિરોધ કરનારા આવા સમયે ક્યાં ગાયબ થઈ જાય છે? ૫૦% કેસ તો એવાં હોતાં હશે ને કે જેમાં છોકરીનો વાંક હોતો હશે? અને છોકરાવાળા બિચારા ના આપી શકે અથવા આપવાની ના પાડે તો એમનું હથિયાર તો તૈયાર જ છે.. કલમ નં ૪૯૮ મુજબ કેસ કરી દેવાનો. ભલેને છોકરાનો આખો પરિવાર કોર્ટમાં તારીખો ભરે.. ક્યાંય સાંભળ્યું છે કે છોકરાએ છોકરી પર કેસ કર્યો? કદાચ ૧૦૦ એ એકાદ કેસ અને છોકરીએ છોકરા પર કેસ કર્યો એવા સામાચાર રોજના છાપામાં ૨-૩ સમાચાર હોય જ. શું એ સમાચાર સાચાં હોય છે? એના વિશે કોઇએ વિચાર કર્યો કદી? માત્ર ૧૦% કેસ જ સાચાં હોય છે.
આ ક્યાંનો ન્યાય છે,ક્યાં સમાનતા છે આમાં? દીકરો-દીકરી એક સમાન રાખવા હોય તો બંનેને સરખું સમ્માન મળવું જોઈએ. સરખા હકો- ફરજો મળવી જોઈએ.
-પંકજ ગોસ્વામી