નહીં છૂટે...
નહીં છૂટવા દે...
આમ આ મન, તારી આદત નહીં છૂટવા દે...
ચાના રસિયાઓને ઊઠતાંવેંત જેમ ચાની તલબ ઉઠે ને
એમ મને તલબ ઉઠે તને 'શુભસવાર' મોકલવાની.
એવામાં જો તારું 'શુભસવાર' પહેલાં આવી ગયું હોય ને
તો એમ લાગે કે એક નહીં, કરોડો સૂરજ ઉગ્યા હશે ક્યાંક...
ક્યાંક વગર વરસાદે જ મોર ઝૂમી ઝૂમીને ઘેલા થયા હશે...
કરમાઈ ગયેલી બધ્ધી જ ડાળ પર ગુલાબ ને પારિજાત ખીલી ગયાં હશે...
તન-મનની મૂર્છાઓમાં એક જ દૃશ્યથી જાણે વીજસંચાર થઈ જતો હોય
એમ સ્ફૂર્તિલો બની જાય આખો દિ'...
એ દૃશ્ય એટલે ?
મોબાઈલની સ્ક્રીન પર વાંચેલું તારું 'શુભસવાર'.
હા, ઊઠતાંવેંત હું મોબાઈલ શોધું છું,
તને જોવા નહીં, તારી તસવીર જોવા પણ નહીં.
બસ તને શુભદિવસ કહેવા.
આમ, આ રીતે કોઈના બે શબ્દો જાદુઈ અસર કરી શકે ખરા ?!
કે પછી મને જ એવી આદત પડી છે !
નહીં છૂટે...
નહીં છૂટવા દે...
આમ આ મન, તારી આદત નહીં છૂટવા દે...
©અનુ.