મધુમતિનગરી - મહુવા.
~~~~~~~~~~~~~~~~
ll મહુવા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મહત્વના એવા મહુવા તાલુકાનું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે. મહુવા દરિયા કાંઠે વસેલું શહેર છે અને શહેરમાં માલણ નદી વહે છે. ઔદ્યોગીક દ્રષ્ટિએ સારી એવી ગતિથી વિકસતા આ મહુવામાં ઘણાં ઉદ્યોગો સ્થપાયા છે અને ડુંગળી માટે જાણીતા મહુવામાં ડિહાઇડ્રેશન-Dehydration ના કારખાના ઝડપભેર વિકસી રહ્યા છે. મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેની વિશાળતમ ક્ષમતા માટે ગુજરાતભરમાં જાણીતું છે. મહુવામાં આવેલું ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે. ઉપરાંત મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગામ બજરંગદાસબાપા જેવા સંતના આગમનથી એક મોટુ યાત્રા સ્થળ બન્યુ છે. મહુવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગતજી મહારાજનું જન્મ સ્થળ છે. જૈન ધર્મના નેમી સૂરિ મહારાજની પણ આ જન્મભુમી છે. મહુવા તાલુકામાં સથરા ગામની નજીક સંતશ્રી નારણદાસબાપુનો આશ્રમ આવેલો છે. અહીં રામ જરૂખો, સમાધિ મંદિર, ગાદી મંદિર વગેરે જોવા લાયક છે. અહીં સવાર-સાંજ ભોજન પણ આપવામાં આવે છે તેમજ ખોડિયાર માનું સ્થાનક આવેલું છે. મોરારી બાપુ , હિંદી ચલચિત્રોની અભિનેત્રી - આશા પારેખ, બળવંતરાય કલ્યાણજી પારેખ - ફેવિકોલ કંપનીના સ્થાપક જેવી વ્યક્તિઓથી પણ મહુવા વિશેષ ઓળખીતુ બન્યુ છે.

હીમેશ રેશમીયા પણ મૂળ તો મહુવાના જ. ચિત્રલેખાના માધ્યમથી ગુજરાતના લાખો વાચકોને વાચનની લત લગાડનાર હરકિશન મહેતા પણ મહુવાના. તો તલગાજરડા ના માધ્યમથી મહુવાને વિશ્વ ફલક ઉપર ઉજાગર કરનાર મોરારી બાપુ ને થોડા ભુલાય...! આમ વાળા દરબારના આરાધ્ય દેવ ક્ષેમનાથ એટલે આજના ખીમનાથ. ખીમનાથ મહાદેવનું મુળનામ સદીઓ પહેલા ક્ષેમનાથ મહાદેવ હતું પણ સમયની સાથે સાથે તેમાથી અપભ્રશં થતા ખીમનાથ લોકમુખે બોલાવા લાગ્યું. મધુમતિનગરી પર વાળા ચાપંરાજ પહેલાનું રાજ હતું. એક વખત રાજાનું મોટી સંખ્યામાં ગૌધન ચોરાયું.

રાજાને ખબર પડતા તે ગૌધનની શોધમાં નિકળ્યા. બરાબર તે સમયે હૈદરાબાદ થી પદ યાત્રા કરતા-કરતા જીવણદાસ બાપુ ઉર્ફે હાથીરામ બાપુ માલણ નદીના કિનારે પોતાની સાથે લાવી રહેલા લક્ષ્મીનારાયણની મુર્તિનું પુજન કરતા હતા. ત્યારે ચાંપરાજાએ વિભુતીને જોઇ વંદન કરી ગૌધન ચોરાયાની હકીકત કહી પોતાનું ગૌધન પાછુ મળી જાય તેવા આર્શિવાદ લઇ આગળ વધ્યા. લગભગ સાતેક દિવસ સુધીમાં વાળા ચાંપરાજને પોતાનું ગૌધન પાછુ મળી ગયું. ગરીબના બેલી સમા નૃપ સીધા હાથીરામ બાપુ પાસે ગયા અને મધુમતિ(મહુવા) શહેરમાં રોકાઇ રહેવા આગ્રહ કર્યો. પરંતુ મહાન પુરૂષ સંતે મંદિરમાં નિવાસ કરવાની શરત રાખતા મધુમતિનગરની મધ્યે આવેલા પોતાના આરાધ્ય દેવ ક્ષેમનાથ મહાદેવ (ખીમનાથ મહાદેવ) ના મંદીરમાં હાથીરામ બાપુને ભક્તિ ભાવના માટે વ્યવસ્થા કરી આપી અને મંદીરના પ્રાગંણમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદીર બંધાવી આપ્યું. ઉલ્લેખનીય છે કે આજે પણ લક્ષ્મીનારાયણમંદીરમાં હાથીરામ બાપુએ સ્થાપિત કરેલી ૫૫૦ વર્ષ જુની લક્ષ્મીનારાયણ ભગવાનની મુર્તિ મોજુદ છે. ll

Gujarati Religious by મહેશ ઠાકર : 111813262

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now