"#સંજોગ જ્યારે વિપરીત હોય ત્યારે તેનું એકમાત્ર સોલ્યુશન એટલે મનને #શાંત અને #ધીરજ રાખવી !!!"
જીવનમાં કયા સમયે શું બની જાય છે તેની પહેલાથી ક્યારેય પણ ખબર હોતી નથી. સમય પણ ક્યારેય એકસરખો રહેતો નથી. સુખના દિવસોમાં ક્યારે અચાનક આંધી આવી જાય છે તેને પોતાને જ ખબર નથી હોતી. અને આ આવેલી આંધી સામે આપણે બે જ કામ કરીએ છીએ. એક એ આંધીની સામે રડવા બેસી જઈએ છીએ નહિ તો તેની સામે લડવા બેસી જઈએ.
સુખ અને દુઃખ એ તો જિંદગીનાં બે પૈડાં છે. અને માટે જ એક પૈડાંથી ક્યારેય પણ જિંદગી ચાલતી નથી.આ પૈડાં ભલે સમાંતર ના ચાલતા હોય પરંતુ જીવનમાં બંનેનું એટલું જ મહત્વ છે. કોઈની જિંદગીમાં ક્યારેક સુખ વધારે હોય છે તો કોઈની જિંદગીમાં દુઃખ વધારે હોય છે. પણ સુખ કે દુઃખ ક્યારેય પણ કાયમી રહેતું નથી. તે વારાફરથી ફરતું જ હોય છે.
સુખનાં દિવસો બહુ જલ્દી પસાર થઈ જાય છે. અને તેને એટલું જલ્દી ભુલી પણ જવાય છે. પણ જ્યારે જીવનમાં કોઈ તકલીફ આવે છે ત્યારે તે જિંદગીમાં ઉથલપાથલ મચાવી દે છે. અને આ તકલીફની સામે શરૂઆતમાં બહુ લડી લઈએ છીએ. અને જ્યારે આપણી લડવાની તાકાત ખતમ થઇ જાય છે ત્યારે બેસી જઈએ છીએ. તકલીફ દૂર કરવા માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે તે દૂર થતી નથી ત્યારે હાર માની લઈએ છીએ.
જીવનમાં આવતી એ દુઃખની પરિસ્થિતિ માટે જે લડી નથી શક્તાં તે ફક્ત દુઃખી થઈને બેસી રહે છે. તે પરિસ્થિતિને સહન કરવાની ક્ષમતા ન રાખતા હોવાથી બસ રડીને તેમના દિવસો પસાર કરતા હોય છે.પણ રડવાથી એમ કંઈ ઉકેલ નથી આવતો.
જીવનમાં ઘણી વાર એવી કપરી પરિસ્થિતિ આવે છે જેની ક્યારેય આશા નથી રાખી હોતી. અને તે જાણે અચાનક તોફાનની જેમ આવી ચડે છે ત્યારે હકીકતમાં આપણે પોતાના મનને શાંત અને ધીરજ રાખવાની જરૂર છે. આવા સમયે મન ઘણું વિચલિત થઈ જતું હોય છે. સાચા -ખોટાની સમજ ભૂલી જતા હોઈએ છીએ. અને તેમાં જ ખોટા નિર્ણયો લઈએ છીએ.જેનો પાછળથી ઘણો પસ્તાવો થતો હોય છે. માટે એવા સમયે ઉતાવળે નિર્ણય લઈને જીવન વધારે મૂંઝવણભર્યુ પણ બની જાય છે. આ બધામાંથી જો પસાર ના થવું હોય તો સૌ પ્રથમ મનને શાંત રાખવું બહુ જરૂરી છે. મન શાંત હશે તો એ પરિસ્થિતિમાં શું કરવું તેનો યોગ્ય નિર્ણય લઈ શકાય છે. અને સાથે સાથે ધીરજ રાખવી પણ બહુ જરૂરી છે. સમયને સમયનું કામ કરવા દઈશું તો એટલી તકલીફ નહીં થાય. સમય દરેક વસ્તુનો એક માત્ર ઉપાય છે. પણ મનને શાંત તો આપણે જ રાખવું પડે છે.
માટે સુખ હોય કે દુઃખ હોય તે બંનેને પ્રેમથી સ્વીકારવું એ જ જિંદગી છે. હંમેશા સારા સમયની યાદ રાખવું જોઈએ. અને જ્યારે દુઃખ આવે ત્યારે મનને શાંત રાખવું.સાથે સાથે ધીરજ રાખીશું તો તકલીફ ક્યારે જતી રહેશે તેની ખબર પણ નહિ પડે.
પણ આ કામ કરવું બહુ અઘરું છે. બધાનાં સ્વભાવ અલગ-અલગ હોય છે. બધાનાં વિચારોમાં વિવિધતા હોય છે. કોઈનો સ્વભાવ એટલો લાગણીશીલ હોય છે કે તે નાની એવી તકલીફને પણ સહન નથી કરી શકતા. જેની અસર તેમના મનની સાથે તેમના સ્વાસ્થ્ય પર પડે છે. જ્યારે ઘણા એવા હોય છે જે કિસ્મત સામે લડવા બેસી જાય છે. અને કંઈ ના થાય ત્યારે પોતાને જીવનમાં કમજોર માની લે છે.
માટે જ જીવનમાં કપરા સમયે મનને શાંત રાખવું બહુ જરૂરી છે. જે દરેક પરિસ્થિતિમાં શું કરવું તેનો યોગ્ય નિર્ણય કરાવશે. અને ધીરજથી દરેક પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશું.

-ER. H_R

Gujarati Thought by E₹.H_₹ : 111848713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now