મિત્રો,
ફરી હાજર છું, અરમાનો ના બળતા રણ માં કોઈ કારણ વગર ઊગેલ ઘટાદાર વૃક્ષ જેવી ઊર્મિઓ ને શબ્દો ના સોનેરી તાંતણે ગૂંથી બનાવેલ સોહામણા શણગાર જેવી આ રચના સાથે, આશા છે આપ ને પસંદ આવશે.
શું એવું ન બને કદી...?
શું એવું ન બને કદી હું સપના જોઉં, સવારે તમે આવો?
શું એવું ન બને કદી હું શ્વાસ લઉં, મહેક બની તમે આવો?
ચાલતો જાવ છું નિષ્ફિકર, આ રસ્તોઓ પર તમારી ધૂનમાં,
શું એવું ન બને કદી હું થોભું, વિસામો બની સામે તમે આવો?
આ નયનના તીર લાગે તે માટે, હૃદય સમરાંગણમાં ઉતર્યો,
શું એવું ન બને કદી હું ઘાયલ થાવ, દવા બની તમે આવો?
પ્રસંગો બધા માણી લીધા, દુઃખના દર્દના, તકલીફના,
શું એવું ન બને કદી હું અશ્રુ વહાવું, સ્મિત બની તમે આવો?
સંવેદના આમ તો ઘણી અનુભવતો રહું છું, કહું પણ છું,
શું એવું ન બને કદી હું મૌન રહું, અવાજ બની તમે આવો?
લખ્યો નથી એક પણ અક્ષર, કોરું છે અરમાનોનું આ પુસ્તક,
શું એવું ન બને કદી, હું કલમ ઉઠાવું, શબ્દ બની તમે આવો?
સર્વત્ર યાદી ભરી છે આપ ની, હૃદયમાં છબી મઢી આપની
શું એવું ન બને કદી વાત કરું પ્રસંગ ની કથા બની તમે આવો?
નાસ્તિક બની રહ્યો છું આજ સુધી, માંગ્યું ન ઇશ્વર પાસે કઈ
શું એવું ન બને કદી, હું મંદિર જાઉં, પ્રાર્થના બની તમે આવો?
અસ્તુ.....