મિત્રો,
માનવ સ્વભાવ ની થોડી વિચિત્રતા પર આજ ની રચના છે,આશા છે આપ ને પસંદ આવશે.
" વિચિત્ર માનવ મન"
કેટલા વિચિત્ર માનવ મન હોય છે,
શાંતિ માટે અશાંતિ ની સફર કરે છે.
લાગે તરસ તે માટે પાણી સાથે રાખે છે
આમ તો પોતે મૃગજળ તરફ વહ્યાં કરે છે
કેટકેટલા નવા સાથી રસ્તા માં જોડે છે
બસ જૂના સંબંધો થી હાથ જોડ્યા કરે છે
જે સાથે હોય તેની જરી ગણના કરતો નથી
જે સાથે નથી તેનો અફસોસ કર્યા કરે છે
જે ક્ષણ મળી છે તેને જીવતો નથી એ ખુશીથી,
આવતી કાલની ચિંતામાં આજ વેડફ્યા કરે છે.
રેતીની જેમ સરકી જાય છે આખોય જન્મારો,
ને મુઠ્ઠી મજબૂત રાખવાનો ભ્રમ રાખ્યા કરે છે.
ખબર જ છે, જરા ચૂક્યા તો ખેલ ખતમ,
છતાં, બેફામ બેધ્યાનપણે ગતિ વધાર્યા કરે છે.
પ્રાણવાયુ શોધવા હાંફતો હાંફતો જાય છે,
પછી બેસીને નિરાંતે ઊંડા શ્વાસ ભર્યા કરે છે.
જો આપને યોગ્ય લાગે તો પ્રતિભાવ આપવા વિનંતી.
અસ્તુ.......