" તલાશ જિંદગીની "
લખવી છે એક દિવસ એ પળ નવરાશમાં,
જીવી નહોતો શક્યો જે ભોગ-વિલાસમાં.
બનાવી જ ન શક્યો એક મકાનને કદી ઘર,
ભૌતિક સરસામાન સજાવીને નિવાસમાં.
ચગદાઈ ગયાં સપનાં જવાબદારીઓ તળે,
જન્મારો વીતી ગયો બસ એક લિબાસમાં.
સમયની ગતિ પણ એ રીતે વધતી રહી છે,
કે, ન સચવાયા એ સંબંધ જે હતા પાસમાં.
જોયું નામ લખેલું હર એક અધૂરી ગાથામાં,
હારતો ગયો હર દાવ, જિંદગીની તલાશમાં.
જાઉં છું ખુદને મળવા રોજ દર્પણની સામે,
એકલતા ઘટે છે "વ્યોમ" એના સહવાસમાં.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.